શિક્ષણની સફર ગુરુકુળથી હવે ગુરુ 'COOL'
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- ગુરુકુળની શિક્ષાપદ્ધતિનો મુખ્ય હેતુ આત્મસંયમ, ચારિત્ર્ય ઘડતર, મિત્રતા-સામાજિક જાગૃતિ, મૌલિક વ્યક્તિત્વ-બૌદ્ધિક વિકાસ, આધ્યાત્મિક વિકાસ, જ્ઞાાન-સંસ્કૃતિના સંરક્ષણનો હતો
- 5 સપ્ટેમ્બર
- શિક્ષક દિવસ
ગા ઢ અંધકારભર્યા માર્ગમાં તમે પ્રવેશી ચૂક્યા છો અને આગળ ક્યાં જવું, કેવી રીતે જવું તેની કોઇ જ દિશા મળી રહી નથી. આવા આ અંધકારભર્યા માર્ગમાં એક પછી એક લોકો તેમના હાથમાં દીવો લઇને દિશા ચીંધવા ઉપરાંત ઉજાશ તરફ આગળ લઇ જાય તો મુક્તિનો કેવો અહેસાસ થાય? બસ... અજ્ઞાાનરુપી અંધકારથી અજવાળા તરફ લઇ જનારા આ વ્યક્તિઓ એટલે શિક્ષક. આચાર્ય ચાણક્ય કહે છે કે, 'શિક્ષક અને રાષ્ટ્ર એકમેકના પૂરક હોય છે. શિક્ષક ગૌરવશાળી ત્યારે હશે જ્યારે રાષ્ટ્ર ગૌરવશાળી હશે. શિક્ષક સફળ ત્યારે થશે જ્યારે તે પ્રત્યેક વ્યક્તિમાં તે રાષ્ટ્રીય ચારિત્ર્યનું નિર્માણ કરવામાં સફળ થશે. જો વ્યક્તિ રાષ્ટ્રીયભાવથી શૂન્ય હોય, રાષ્ટ્રભાવ પ્રત્યે હીનભાવ ધરાવતો હોય, પોતાની રાષ્ટ્રીયતા પ્રત્યે સજાગ ના હોય તો તે શિક્ષકની નિષ્ફળતા છે. શિક્ષક જો પરાજય સ્વીકારી લે તો પરાજયની તે ભાવના રાષ્ટ્ર માટે ઘાતક પુરવાર થશે. શિક્ષક ક્યારેય સાધારણ હોતો જ નથી...'
કાળક્રમે શિક્ષણ આપવાની પદ્ધતિમાં બેશક ફેરફાર થતો આવ્યો છે. આપણે ત્યાં શિક્ષણ માટે સૌથી પુરાણી પદ્ધતિ એટલે ગુરુકુળ. પ્રાચીન કાળમાં શિક્ષકને ગુરુ કે આચાર્ય તરીકે સંબોધવામાં આવતા અને ત્યાં શિક્ષા પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને તેમનો પરિવાર ગણાતો. ગુરુકુળનો શાબ્દિક અર્થ જ થાય છે ગુરુનો પરિવાર. આ ગુરુકુળમાં શિક્ષણ મેળવવા વિદ્યાર્થીની ઉંમર ૮ વર્ષની હોવી ફરજીયાત હતી અને તે ૨૫ વર્ષની ઉંમર સુધી ત્યાં રહીને શિક્ષા પ્રાપ્ત અને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. ગુરુકુળમાં વિદ્યાર્થીઓ એકસાથે રહેતા અને તેઓ પોતાના ગુરુ પાસે વેદ શીખતા હતા. વિદ્યાર્થી રાજવી પરિવારમાંથી આવતો હોય કે સામાન્ય પરિવારમાંથી, તેનું કૂળ કોઇપણ હોય તેમ છતાં દરેક સાથે એક સમાન જ વ્યવહાર કરાતો.
ગુરુકુળનો મુખ્ય હેતુ જ્ઞાાનને ફેલાવવાનો અને શિક્ષા પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાનો હતો. આજે બાળક સ્કૂલમાં જાય એટલે તેને ફક્ત અભ્યાસ આધારીત જ તૈયાર કરવામાં આવે છે. પરંતુ ગુરુકુળમાં અભ્યાસ ઉપરાંત કૌશલ્ય-વ્યક્તિત્વ ઘડતર પર ધ્યાન આપવામાં આવતું. જેનાથી વ્યક્તિ ગુરુકુળમાંથી અભ્યાસ કરીને બહાર આવે એટલે દરેક સ્થિતિનો સામનો કરી શકે.
ગુરુકુળમાં વિદ્યાર્થીઓને કયા પ્રકારના વિષય ભણાવાતા તેની વાત કરીએ. વિદ્યાર્થીઓને વેદ- ઉપનિષદના અભ્યાસ ઉપરાંત અગ્નિવિદ્યા એટલે કે ધાતુશાસ્ત્ર, વાયુવિદ્યા, જળવિદ્યા, અવકાશ વિજ્ઞાાન, પૃથ્વી વિદ્યા એટલે કે પર્યાવરણ, સૌર અભ્યાસ, ચંદ્રકળાનો અભ્યાસ, મેઘવિદ્યા એટલે કે હવામાનની આગાહી, ઊર્ર્જાવિદ્યા, દિન-રાત વિદ્યા, સૃષ્ટિવિદ્યા, ખગોળ વિજ્ઞાાન, ભૂગોળ, કાલવિદ્યા એટલે કે સમય અભ્યાસ, ભૂગર્ભવિદ્યા એટલે કે ભૂસ્તરશાસ્ત્ર-ખાણકામ, રત્નો-ધાતુઓ, ગુરુત્વાકર્ષણ, પ્રકાશવિદ્યા, સંચારવિદ્યા, જલયાન વિદ્યા, શસ્ત્ર -દારૂગોળા માટે અગ્નશાસ્ત્ર, જીવનવિજ્ઞાાન વિદ્યા, યજ્ઞાવિદ્યા, વ્યાપાર વિદ્યા, કૃષિ વિદ્યા, પશુપાલન, પક્ષીપાલન, યાન વિદ્યા, લોહવિદ્યા, વાસ્તુકાર વિદ્યા, રસોઇકળા વિદ્યા, ગૌશાળા સંચાલન, સૂચકો, વન વિદ્યા એમ વિવિધ પ્રકારના અભ્યાસ કરાવવામાં આવતા.
પ્રાચીન ભારતની આ શિક્ષાપદ્ધતિનો હેતુ આત્મસંયમ, ચારિત્ર્ય ઘડતર, મિત્રતા-સામાજિક જાગૃતિ, મૌલિક વ્યક્તિત્વ-બૌદ્ધિક વિકાસ, પુણ્યનો પ્રસાર, આધ્યાત્મિક વિકાસ અને જ્ઞાાન-સંસ્કૃતિના સંરક્ષણનો હતો. આજના સમય પ્રમાણે કહેવામાં આવે તો વિદ્યાર્થીને માત્ર થિયરીકલ જ નહીં પ્રેક્ટિકલ બાબતોથી તૈયાર કરવાનો હેતુ સમાયેલો હતો. વિદ્યાર્થીને એવા પ્રકારનું વાતાવરણ અપાતું જેનાથી તે વ્યક્તિ પોતાના પસંદગીના ક્ષેત્રમાં કામની સાથે એક સફળ વ્યક્તિ બની શકે. એકસમયે વિશ્વભરના લોકો ભારતના ગુરુકુળોમાં શિક્ષણ મેળવવા આવતા હતા. આ સ્થિતિ ઈ.સ. ૧૮૨૩ સુધી ચાલી. ૧૮૨૩માં અંગ્રેજ અધિકારી થોમસ મુનરો લખે છે કે, 'ભારતમાં ૧૦૦ ટકા સાક્ષરતા છે અને તેમાંથી ૭૬ ટકા સંપૂર્ણ શિક્ષિત છે. જેનું કારણ એ હતું કે શિક્ષણ શાસન પર નહીં પણ સમાજ પર આધારિત હતું. ભારતમાં લાખોની સંખ્યામાં ગુરુકુળ હતાં, જેમાં અલગ-અલગ વિદ્યાઓના વિદ્વાન તૈયાર કરાતા. ૧૧૯૩માં મુઘલ આક્રાંતા ખિલજીએ નાલંદા વિદ્યાપીઠને સળગાવી દીધી એ સાથે જ ગુરુકુલ પદ્ધતિ ક્ષીણ થતી ચાલી. '
એનીવે'ઝ પરિવર્તન સતત થતું રહે છે અને તેમાં શિક્ષણ આપવાની પદ્ધતિ પણ બાકાત નથી. સદીઓ અગાઉ વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા ગુરુ પાસે ગુરુકુળમાં જવું પડતું તેના સ્થાને શિક્ષણ જ હવે હથેળીમાં આવી ગયું છે. આજથી વધુ નહીં પણ ૧૫ વર્ષ અગાઉ પણ ભાગ્યે જ કોઇએ વિચાર્યું હશે કે શિક્ષણ મેળવવા માટે સ્કૂલ-ક્લાસ-ટયુશનમાં જવું નહીં પડે. પરંતુ આપણે વિશ્વના કોઇપણ ખૂણે કેમ ના હોઇએ 'સર', 'મેડમ' મોબાઇલ દ્વારા આપણને ભણાવવા માટે આવી શકશે. યુ ટયુબ, મોબાઇલ એપ થકી આ 'કૂલ' ગુરુઓ વિદ્યાર્થીઓમાં તો લોકપ્રિય છે જ તેની સાથે વર્ષે કરોડો રૂપિયાની કમાણી પણ કરી લે છે. અલખ પાંડેની જ વાત કરવામાં આવે તો ૨૦૧૪માં તેમણે યુ ટયુબથી બાળકોને ભણાવવાનું શરૂ કર્યું અને ૨૦૧૮માં બાળકોને ભણાવવા માટે એપ લોન્ચ કરી. હાલમાં તેઓની નેટવર્થ ૃરૂપિયા ૨ હજાર કરોડથી વધુ છે. આ જ રીતે ખાન સર તરીકે વિદ્યાર્થીઓમાં લોકપ્રિય એવા ફૈઝલ ખાન પાસે એક સમયે પેન્સિલ ખરીદવા પણ પૈસા નહોતા. પરંતુ ઓનલાઇન એજ્યુકેશન દ્વારા તેઓ મહિને રૂપિયા ૧૫ લાખની કમાણી કરી લે છે. બાળકોને યુ ટયુબ દ્વારા સરળ ભાષામાં ગણિત શીખવતા ગગન પ્રતાપ મહિને રૂપિયા ૩૦-૪૦ લાખની કમાણી કરે છે અને તેમની નેટવર્થ રૂપિયા ૧૫ કરોડથી વધુ છે. અલબત્ત, આ પ્રકારના ઓનલાઇન ક્લાસથી બાળકોનું સંપૂર્ણ ઘડતર થાય છે કે કેમ તે એક વિચાર માગી લે તેવો પ્રશ્ન છે....