Get The App

ફ્લાઇટ હવામાં હોય અને પાયલટ ઉંઘી જાય તો...?!

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
ફ્લાઇટ હવામાં હોય અને પાયલટ ઉંઘી જાય તો...?! 1 - image


- સેલિબ્રેશન-ચિંતન બુચ

- 7 ડિસેમ્બર 

- સિવિલ એવિએશન ડે

પ્રા ચીન સમયથી જ માનવીને હવામાં ઊડવાની મહેચ્છા રહેલી છે. આપણા પુરાણોમાં ઉલ્લેખ પ્રમાણે વિષ્ણુ, લક્ષ્મીજી, સરસ્વતી, કામદેવ, શનિદેવના વાહન પણ પક્ષીઓ જ છે. કુબેર પાસે પુષ્પક વિમાન હોવાની પણ કથા છે. આ પુષ્પક  વિમાન જ ભગવાન રામે લંકાથી અયોધ્યા પરત ફરવા માટે ઉપયોગમાં લીધેલું. એટલું જ નહીં ઘણી બાળવાર્તાઓમાં બગદાદના આરબોની હવામાં ઊડતી શેતરંજી, ઊડણદંડ, પવનપાવડીએ આપણું મનોરંજન કરેલું છે. આ નિર્દેશો મનુષ્યમાં પક્ષીની જેમ આકાશમાં ઊડવાની જે મૂળભૂત ઝંખના છે  તેની સાથે  ઉડ્ડયન- વિષયક કલ્પના વિહારને પણ સૂચવનારા છે. હવામાં ઊડવું  કેવી રીતે તેના માટે માનવી સતત પ્રયાસ કરતો રહ્યો. ઈ.સ. ૧૯૦૩માં રાઇટભાઈઓએ વિમાન-ઉડ્ડયનમાં ગેસોલિનનો ઉપયોગ કર્યો. આ વિમાનનું નામ તેઓએ ફ્લાયર રાખ્યું હતું. આ ફ્લાયરમાં એક એન્જિન અને બે પ્રોપેલર હતાં, જે વિમાનને ચાલકબળ પૂરું પાડતાં હતાં. રાઇટભાઈઓએ તેમનું આ વિમાન ૧૭ ડિસેમ્બર ૧૯૦૩ના આકાશમાં ઊડાડયું હતું. વિમાન-ઉડ્ડયનમાં આ દિવસ ઐતિહાસિક બની રહ્યો. આ વિમાન લગભગ ૩૬૬ મીટર (૧,૨૦૦ ફૂટ) સુધી ઊડયું હતું. ઈ.સ. ૧૯૦૮માં ફ્રાન્સના સંશોધક લેઓન લેવાવાસ્યુરે એન્ટોયનિટી-૪ નામનું મોનોપ્લેન બનાવી ઉડાડયું, જેણે હાલના વિમાનના આકારને જન્મ આપ્યો. આગામી ૭ ડિસેમ્બરે 'સિવિલ એવિએશન ડે' ની ઉજવવા જઇ રહ્યા છીએ ત્યારે ઉડ્ડયનક્ષેત્ર અંગે કેટલીક જાણી-અજાણી વાતનું ટેક્ ઓફ્  કરીએ....

વિમાન કઇ ઊંચાઈએ ઊડે છે અને તેની ઝડપ શું હોય છે?

જ્યારે કોઈ એરક્રાફ્ટ તેની મુસાફરી દરમિયાન સતત ઝડપ અને ઊંચાઈએ ઊડતું હોય ત્યારે તેને ક્રુઝિંગ કહેવામાં આવે છે. ક્રુઝિંગ એલ્ટિટયુડ એ ઊંચાઈ છે કે, જેના પર વિમાન સૌાથી વધુ ઇંધણ કાર્યક્ષમતા અને મુસાફરો માટે મહત્તમ આરામ સાથે ઊડી શકે છે. જેમ જેમ આપણે જમીન ઉપર જઈએ છીએ તેમ વાતાવરણીય દબાણ ઘટે છે. લો પ્રેશર એરક્રાફ્ટની પાંખો પર વધુ લિફ્ટ બનાવે છે, જેના કારણે એરક્રાફ્ટ સરળતાાથી ઊડી શકે છે. વધુ ઊંચાઈએ હવા ઓછી ગાઢ હોય છે, જેના કારણે વિમાનને ઓછા હવા પ્રતિકારનો સામનો કરવો પડે છે અને તેનાથી ઇંધણનો વપરાશ ઓછો થાય છે. સામાન્ય રીતે કોમશયલ એરક્રાફ્ટ ૩૦,૦૦૦ થી ૪૦,૦૦૦ ફીટની ઊંચાઈએ ઊડે છે. જો કે, આ ઊંચાઈ વિમાનના પ્રકાર, મુસાફરી કરેલ અંતર અને હવામાનની સ્થિતિના આધારે બદલાઈ શકે છે. કોમશયલ પેસેન્જર એરક્રાફ્ટ પ્રતિ કલાકે ૮૮૦થી ૯૨૦ કિલોમીટરનું અંતર કાપી લે છે.

ઓક્સિજન માસ્ક ઓક્સિજન કેટલું?

વિમાનમાં મુસાફરી શરુ થાય ત્યારે ક્રૂ મેમ્બર્સ દ્વારા કઇ તકેદારી રાખવી તેના અંગે વિવિધ સૂચના આપવામાં આવે છે. આ અનેક પૈકીની એક સૂચના કટકોટીભરી સ્થિતિમાં ઓક્સિજન માસ્ક કઇ રીતે પહેરવું તેના અંગે પણ હોય છે. એ જાણીને નવાઇ લાગશે કે, ઓક્સિજન માસ્કમાં ઓક્સિજનનો જથ્થો માત્ર ૧૨થી ૧૫ મિનિટનો હોય છે. આ સમય ભલે ઓછો લાગે પણ પાયલટને એરક્રાફ્ટને નીચી ઊંચાઇએ લાવવા પૂરતો છે. એરક્રાફ્ટ એકવાર નીચી ઊડાન પર આવી જાય પછી મુસાફરોને શ્વાસ લેવામાં ખાસ સમસ્યા નડતી નથી.

પ્લેન હવામાં હોય અને એક એન્જિન બંધ પડી જાય તો ?

એરક્રાફ્ટ હવામાં હોય અને એક એન્જિન બંધ પડી જાય તો તે વિચાર માત્ર બ્લડ પ્રેશર વધારી દે તે સ્વાભાવિક વાત છે. પરંતુ એરક્રાફ્ટમાં  મીકેનિઝમ જ એવું હોય છે કે માની લ્યો કે એક એન્જિન બંધ પડે તો પણ બીજા એન્જિનથી પાંચ કલાકનું અંતર કોઇ જ મુશ્કેલી વિના કાપી શકે છે. ૨૦૧૪માં બોઇંગ  ૭૮૭ ડ્રીમલાઇનર હવામાં હતું ત્યારે તેની સાથે એવું જ થયેલું. આમ છતાં એક એન્જિન સાથે તેણે ૩૩૦ મિનિટની ઉડાન કરી હતી.

ફ્લાઇટ હવામાં હતી, પાયલટ ઉંઘી ગયો અને....

આ વર્ષના પ્રારંભમાં જ એક ઘટના બનેલી. જેમાં ઇન્ડોનેશિયાની બાટિક એરના બંને પાયલટ ૨૮ મિનિટ સુધી ઉંઘી ગયા હતા અને જેના કારણે તેઓ પ્લેનને જ્યાં ઉતારવાનું હતું તે જકાર્તાથી પણ ૨૮ મિનિટ આગળ નીકળી ગયા હતા. બંને એવી ગાઢ ઉંઘમાં કે એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવરથી થઇ રહેલા રેડિયો ક્મ્યુનિકેશનનો પણ જવાબ આપતા નહોતા. નસીબ સારા કે આ એરક્રાફ્ટને કોઇ નુકસાન પહોંચ્યું નહીં અને  ફ્લાઇટમાં બેઠેલા ૧૫૩ મુસાફરો અને અન્ય ક્રૂ મેમ્બરો પણ સલામત રહ્યા. આ ટૂંકા અંતરની ફ્લાઇટ હતી પણ લાંબા અંતરની ફ્લાઇટ હોય તો તેમાં પાયલટને થોડો સમય ઉંઘવાની છૂટ હોય જ છે. સહ પાયલટને થોડો સમય સંપૂર્ણ સંચાલન સોંપીને કન્ટ્રોલ્ડ રેસ્ટ અને બંક રેસ્ટ એમ બે પ્રકારે તે ઉંઘી શકે છે. કન્ટ્રોલ્ડ રેસ્ટમાં તેને કોકપિટની અંદર જ્યારે બંક રેસ્ટમાં પેસેન્જર કેબિનમાં ઉંઘવાની છૂટ હોય છે. અલબત્ત, કન્ટ્રોલ્ડ રેસ્ટ હોય તો તે ૧૦થી ૪૦ મિનિટ જ ઉંઘી શકે છે. 

પક્ષી ફેંકો, મજબૂતી ચકાસો...

કોઇ પણ એરક્રાફ્ટ કેટલું મજબૂત છે તે ચકાસવા માટે ચિકનગનનો ઉપયોગ થાય છે. ચિકનગન એટલે આ એરક્રાફ્ટની વિન્ડશિલ્ડ (આગળના કાચ) તરફ પ્રચંડ વેગથી પક્ષી ફેંકવામાં આવે છે. આ પ્રક્રિયા માટે મૃત પક્ષીઓનો જ ઉપયોગ થાય છે. બર્ડ હિટ થાય તો વિન્ડશિલ્ડ કેટલી મજબૂત છે એ આ પ્રક્રિયા પાછળનો હેતુ છે. 

કાર કરતાં પણ બોઇંગ 747માં ઓછા ઈંધણનો ઉપયોગ

બોઇંગ ૭૪૭માં પ્રતિ સેકન્ડે ૧ ગેલન ગેસોલિન (ઈંધણ)નો ઉપયોગ થાય છે. આમ, પ્રતિ માઇલે પાંચ ગેલન વપરાઇ જાય છે. જેની સરખામણીએ કારમાં વધુ ઈંધણ વપરાતું હોવાનું સામે આવ્યું છે. બોઈંગ ૭૪૭ એરક્રાફ્ટમાં ૪૮૪૪૫ ગેલન ઈંધણની ક્ષમતા હોય છે. કોઇ ફ્લાઇટ ન્યૂયોર્કથી લંડન જાય તો ૪૮૪૪૫ ગેલનમાંથી ત્રીજા ભાગનું ઈંધણ જ વપરાય છે. 

પાયલટ અને કો પાયલટ માટે અલગ-અલગ ભોજન

લાંબા અંતરની ફ્લાઇટમાં પાયલટ અને કો પાયલટને અલગ-અલગ ભોજન પીરસવામાં આવે છે. આ પાછળનો હેતુ એ છે કે એક પાચલટનું સ્વાસ્થ્ય એ ખોરાક ખાવાથી બગડે તો બીજો પાયલટ મોરચો સંભાળી શકે. એક જ ભોજન આરોગ્યા બાદ બંને પાયલટનું સ્વાસ્થ્ય કથળે તો તેનાથી પ્લેનને કોણ સંભાળે તેવી વિકટ સ્થિતિ સર્જાઇ જાય.

1 મિનિટ 14 સેકન્ડની ફ્લાઇટ

સ્કોટલેન્ડના બે ટાપુ ઓર્કને અને પાપા વેસ્ટરે વચ્ચે શોર્ટેસ્ટ કોમર્શિયલ ફ્લાઇટ દોડે છે. આ ફ્લાઇટ એક ટાપુથી બીજા ટાપુમાં માત્ર ૧ મિનિટ ૧૪ સેકન્ડમાં પહોંચાડે છે.વિદેશીઓ માટે આ ફ્લાઇટનું ભાડું રૂપિયા ૧૮૦૦ની આસપાસ હોય છે. બીજી તરફ સિંગાપોરના ચાંગી એરપોર્ટથી ન્યૂયોર્કના જ્હોન એફ કેનેડી એરપોર્ટ વચ્ચે ૧૮ કલાક ૫૦ મિનિટ એટલે કે સૌથી લાંબા અંતરની ફ્લાઇટ છે. 

અમેરિકાનું એટલાન્ટા એરપોર્ટ સૌથી વ્યસ્ત

હાર્ટ્સફિલ્ડ જેક્સન એટલાન્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટ હાલ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. આ એરપોર્ટમાં વર્ષે ૧૦.૫૦ કરોડથી વધુ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. સૌથી વ્યસ્ત એરપોર્ટમાં દુબઇ ૮.૬૯ કરોડ સાથે બીજા જ્યારે અમેરિકાનું ડલ્લાસ એરપોર્ટ ૮.૧૭ કરોડ સાથે ત્રીજા સ્થાને છે. 


Google NewsGoogle News