પુત્રને દ્રષ્ટાંત આપવા એક માતાએ જ્યારે 59માં વર્ષે સી.એ. કર્યું

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
પુત્રને દ્રષ્ટાંત આપવા એક માતાએ જ્યારે 59માં વર્ષે સી.એ. કર્યું 1 - image


- સેલિબ્રેશન-ચિંતન બુચ

- ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવસ

- દેશનાં પ્રથમ મહિલા સી.એ.ને પ્રેક્ટિસ શરૂ કરવા અંગ્રેજો સામે કોર્ટમાં કેસ કરવો પડેલો

- આર. શિવાભોગમ

- સરોજા રામચંદ્રન 

'ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દેશની અર્થવ્યવસ્થાના સૌથી ભરોસાપાત્ર એમ્બેસેડર હોય છે. સરકાર અને ટેક્સ ચૂકવનારા નાગરિકો તેમજ કંપનીઓ વચ્ચે ઈન્ટરફેસની કામગીરી સી.એ. દ્વારા કરવામાં આવે છે. સી.એ.ની સિગ્નેચર દેશના વડાપ્રધાન કરતાં પણ વધારે શક્તિશાળી હોય છે. સી.એ.ની સિગ્નેચર સત્યતા-ભરોસાની સાક્ષી આપે છે. કંપની નાની હોય કે મોટી તેના એકાઉન્ટમાં સી.એ.ની સિગ્નેચર આવી જાય પછી તેના પર સરકાર અને દેશના લોકો પણ ભરોસો કરે છે...'

દેશની અર્થવ્યવસ્થામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું મહત્ત્વ દર્શાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ શબ્દો છે. સામાન્ય પગારદાર હોય-નાની એવી પેઢી હોય કે પછી ધનકુબેર-કદાવર કોર્પોરેટ જૂથ એ દરેકને સી.એ.ની જરૂર તો પડે જ છે. પરંતુ સિગ્નેચરની આગળ સી.એ. લખી શકાય તેના માટે જે પડકારનો સામનો કરવો પડે છે તે લોઢાના ચણા ચાવવા કરતાં મુશ્કેલ કહેવામાં અતિશયોક્તિ તો નહીં જ ગણાય. જેની વિકેટ લેવામાં બોલરોને ધોળે દિવસે તારા આવી જતાં તેવા 'ધ વોલ' રાહુલ દ્રવિડ પણ સી.એ.ના કોર્સને જોતાં પ્રથમ બોલે જ ક્લિન બોલ્ડ થઇ ગયા હતા. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'મારું ગણિત ખૂબ જ નબળું હતું અને એટલે મેં બીકોમ કરવાનું વિચાર્યું. ક્રિકેટર તરીકે કારકિર્દી નિષ્ફળ જાય તો બેકઅપ પ્લાન તરીકે બીકોમ સાથે સી.એ. કરવાનું વિચાર્યું. પરંતુ સી.એ.ના પુસ્તકો ખોલતાં જ થયું કે ક્રિકેટમાં બમણી મહેનત કરીશ તો ભારત માટે રમવાની તક કદાચ મળી શકે પણ સી.એ.ની પરીક્ષા પાસ કરવી તે આપણા ગજા બહારની વાત છે.'

નવેમ્બર ૨૦૨૩માં કુલ ૩૨૯૦૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી માત્ર ૩૦૯૦ જ એટલે કે ૯.૪૨ ટકા લોકો જ પાસ થયા હતા. આ પૈકી સી.એ. ફાઇનલની પરીક્ષા ફર્સ્ટ અટેમ્પ્ટમાં જ પાસ કરી હોય તેનું પ્રમાણ માંડ ૩ થી ૫ ટકા હોય છે.  એની વે'ઝ તાજેતરમાં 'સી.એ. દિવસધ!?' ઉજવાઇ ગયો ત્યારે એવા સી.એ.ની વાત કરવાની છે જેમણે વિવિધ પડકારો-સંજોગોનો સામનો કરી ના કેવળ સી.એ. બન્યા બલ્કે એક દ્રષ્ટાંત પણ બેસાડયો છે.

દેશનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ?, દેશનાં પ્રથમ મહિલા વડાંપ્રધાન કોણ?, દેશનાં પ્રથમ મહિલા આઇપીએસ કોણ? આ પ્રકારનો સવાલ પૂછવામાં આવે તો મોટાભાગના લોકો તુરંત જ તેનો ઉત્તર આપી દેશે. પરંતુ એમ પૂછવામાં આવે કે દેશનાં પ્રથમ મહિલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોણ તો તેના જવાબમાં મોટાભાગના લોકો માથું ખંજવાળવા લાગે તે સ્વાભાવિક છે.  આર. શિવાભોગમ એટલે  દેશનાં પ્રથમ મહિલા સી.એ. ૨૩ જુલાઇ ૧૯૦૭માં તેમનો જન્મ થયેલો. ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ તેઓ મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થઇને સ્વતંત્રતાના સંગ્રામમાં ઉતર્યા. જેના કારણે તેમને એક વર્ષની જેલની સજા થઇ. કારાવાસ દરમિયાન તેમણે એકાઉન્ટન્ટ બનવાનું લક્ષ્ય નિર્ધારીત કર્યું અને તે દિશામાં તૈયારી શરૂ કરી દીધી. તેઓ ૧૯૩૩માં દેશનાં પ્રથમ મહિલા સી.એ. બન્યા. સી.એ. બન્યા બાદ તેઓ પોતાની સ્વતંત્ર પ્રેક્ટિસ શરૂ કરવા માગતા હતા. પરંતુ બ્રિટિશ રાજમાં જે પણ વ્યક્તિને જેલની સજા એકવાર પણ થઇ હોય તેમના માટે એકાઉન્ટન્ટ તરીકેની પ્રેક્ટિસ કરવા મનાઇ હતી. પરંતુ આર. શિવાભોગમે બ્રિટિશ રાજના આ નિર્ણયને કોર્ટમાં પડકાર્યો. જેમાં તેમનો વિજય પણ થયો અને ૧૯૩૭માં તેમણે સ્વતંત્ર પ્રેક્ટિસ શરૂ કરી. ૧૯૫૦માં ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઇસીએઆઇની)ની સ્થાપના થઇ ત્યારે તેઓ તેમાં સૌપ્રથમ મહિલા સદસ્ય હતા. તેમણે વિવિધ સરકારી સંસ્થાઓ-આરબીઆઇમાં પણ અનેક વર્ષ ઓડિટિંગ કર્યું. આ ઉપરાંત વધુને વધુ મહિલાઓ સી.એ. બને તે દિશામાં પણ છેલ્લા શ્વાસ સુધી પ્રયત્નશીલ રહ્યા. ૧૪ જૂન ૧૯૬૬માં તેમનું અવસાન થયું હતું.

૫૯ વર્ષની ઉંમરે કોઇપણ વ્યક્તિ નિવૃત્ત જીવનની તૈયારીઓ શરૂ કરી દે પણ આ ઉંમરે કોઇ સી.એ. ની પરીક્ષા પાસ કરે તો? હા, આ પ્રકારની કમાલ સરોજા રામચંદ્રને કરી દેખાડી છે. હવેની વાત તેમના જ શબ્દોમાં, '૨૦૦૪માં એન્જિનિયરિંગના ક્ષેત્રમાં કારકિર્દી ઘડવાનું પ્રમાણ વધી રહ્યું હતું એટલે અમારો પુત્ર તેના સ્થાને સી.એ. બને તેવી અમારી ઈચ્છા હતી. પરંતુ અમારા પુત્રે એમ કહીને ધરાર ઈન્કાર કરી દીધો કે સી.એ. એટલે અનિશ્ચિતતા, હું શરૂ તો કરી દઇશ પણ સી.એ. બની  જ શકીશ તેની કોઇ ગેરન્ટી નથી. મારા પતિ કે.બી. રામચંદ્રન કે જેઓ ખૂદ સી.એ. છે તેમણે એવું સૂચન કર્યું કે મારે સી.એ. તરીકેનો અભ્યાસ શરૂ કરીને પુત્રને દ્રષ્ટાંત પૂરું પાડવું જોઇએ. જેના કારણે ૨૦૦૪માં મેં સી.એ.નો અભ્યાસ શરૂ કર્યો. હું પ્રાઇવેટ સેક્ટર બેંકમાં મેનેજર હતી અને મારી બ્રાન્ચ ઘરથી ૫૦ કિલોમીટરના અંતરે હતી, ત્યાં સુધી પહોંચવા મારે બે બસ બદલવી પડતી. એક-એક મિનિટ કિંમતી, બેંકમાં પણ ખૂબ જ દબાણભરી જોબ છતાં મેં મારો સી.એ. તરીકેનો અભ્યાસ ચાલુ રાખ્યો. મારી સાથે મારો પુત્ર પણ આખરે સી.એ.ના અભ્યાસમાં જોડાયો. ૨૦૦૮માં મેં આર્ટિકલશીપ શરૂ કરી હતી. સી.એ. ફાઇનલની પરીક્ષા ૨૦૧૨માં હતી અને તે અરસામાં અંગત સમસ્યાઓથી એટલી ઘેરાયેલી હતી કે સી.એ. ફાઇનલની પરીક્ષા આપી શકાય તેમ નહોતી. આખરે ૨૦૧૭માં સી.એ.ફાઇનલની પરીક્ષા મેં પાસ કરી હતી. જેના કારણે મેં સી.એ. કરવાનો નિર્ણય લીધો તે પણ મારી મહેનતથી પ્રેરાઇને સી.એ. બની ગયો છે. સી.એ.નો અભ્યાસ કરી રહેલી કે કરવા માગતી દરેક વ્યક્તિને એક જ સૂચન છે કે આ સફરમાં ક્યારેક નિષ્ફળતા પણ મળશે તો હતાશ થયા વિના તમારા સ્વપ્ન સાકાર કરવામાં જીવ રેડી દો. ઇફ યુ કેન ડ્રીમ ઈટ, યુ કેન ડુ ઈટ...'


Google NewsGoogle News