પોલિગ્રાફ ટેસ્ટ : જૂઠ બોલે કૌઆ કાટે, ખરેખર...?

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
પોલિગ્રાફ ટેસ્ટ : જૂઠ બોલે કૌઆ કાટે, ખરેખર...? 1 - image


- સેલિબ્રેશન-ચિંતન બુચ

- 4 એપ્રિલ -ટેલ એ લાઈ ડે

- પોલિગ્રાફ ટેસ્ટની માન્યતાઓ પાયો ખૂબ જ નબળો છે. પોલિગ્રાફ ટેસ્ટમાં મુખ્યત્વે ડર, ગભરાટ જેવા લક્ષણ પકડવામાં આવે છે. પરંતુ ઘણા કિસ્સામાં સાચુ બોલનારી વ્યક્તિ પણ ગભરાઈ જાય છે.

એ ક વખત બન્યું એમ કે, સાત્વિક્તા-સદ્વવિચાર સાથે સમગ્ર જીવન જીવનારા એક સજ્જનનું અવસાન થયું અને તેઓ સ્વર્ગમાં પહોંચ્યા. સ્વર્ગમાં પહોંચતાની સાથે જ તેમનું ધ્યાન એક અત્યંત વિશાળ ઘંટ પર પડયું. આ વિશાળ ઘંટનું રહસ્ય શું છે એ જાણવાની તે સજ્જનને ખૂબ જ તાલાવેલી થઈ એટે તેમણે થોડા ખટકાટ સાથે ચિત્રગુપ્ત તેના વિશે પૂછી લીધું. ચિત્રગુપ્તે જવાબ આપ્યો, 'વત્સ, પૃથ્વી લોક પર જ્યારે કોઈ જૂઠું બોલે તો આ ઘંટ વાગે છે. છેલ્લા કેટલાક દિવસથી આ ઘંટ શાંત છે. મારી સલાહ માનો તો હવે તમે કાનમાં પૂમડાં લગાવી લો. કેમકે, ભારતમાં હવે લોકસભા ચૂંટણીના પ્રચારનો પ્રારંભ થઈ ગયો છે અને નેતાઓના ભાષણ-કોણીએ લગાવેલા ગોળ જેવા વાયદાને લીધે આ ઘંટ સતત વાગ્યા કરશે...'

જોક્સ એપાર્ટ, પશ્ચિમના દેશોમાં ફક્ત ગમ્મત ખાતર એપ્રિલ મહિનામાં આવતા પ્રથમ ગુરૂવારને 'ટેલ એ લાઈ ડે' તરીકે ઉજવવામાં આવશે. આમ, આ વખતે ૪ એપ્રિલે આ રસપ્રદ દિવસની ઉજવણી કરવામાં આવશે. 'ટેલ એ લાઈ ડે'ના પરિવારના સભ્યો કે મિત્રો સાથે નિર્દોષ જૂઠાણું બોલી બે ઘડી માટે ચહેરા પર સ્મિત લાવવાનો આશય હોય છે.

સાવ સામાન્ય વ્યક્તિ હોય કે પછી કોઈ સુપર સેલિબ્રિટી તેમના માટે રોજીંદા જીવનમાં જૂઠાણાંનો સહારો લેવો એ સાધારણ બાબત બની ગઈ છે. માણસની મોટામાં મોટી ખૂબ એ છે કે તે બેધડકપણે જૂઠાણું આચરી શકે, વારંવાર જૂઠું બોલી શકે અને તે એવી સિફતપૂર્વક બોલે કે પોતે પણ ઘણીવાર તેનાથી છેતરાઈ જાય. કોઈપણ વ્યક્તિ એમ કહે છે કે તેણે ક્યારેય જૂઠાણાનો સહારો લીધો નથી તેનો અર્થ એમ થાય છે કે તે વ્યક્તિ ખરા અર્થમાં સંત છે અથવા તો તે આ બાબતે પણ જૂઠું જ બોલી રહી છે. ઘણાં કિસ્સાઓમાં 'ફિયર ઓફ રિફ્યૂઝલ' એટલે કે હું કંઈક માગીશ કે રજૂઆત કરીશ અને નહીં મળે તેવા ભયના કારણે જૂઠાણાનો સહારો લેવામાં આવતો હોય છે. જીવન એટલું દંભી થઈ ગયું છે કે તેના કારણે માણસને જૂઠું બોલવાની આદત જ પડી ગઈ છે.

ખેર, આજે જૂઠાણાને પકડી પાડતા પરીક્ષણ લાઈ ડિટેક્ટર ટેસ્ટની વાત કરવાની છે. અંદાજે બે હજાર વર્ષ પહેલાં આપણે ત્યાં કોઈ વ્યક્તિ જૂઠું બોલી રહી છે કે કેમ તે ચકાસવા માટે ચોખાનો ઉપયોગ કરવામાં આવતો. આ પદ્ધતિમાં જેના પર શંકા હોય તેની પહેલા પૂછપરછ કરવામાં આવતી. આ પછી તેને ચોખાના દાણા ખાઈને થૂંકવાનું કહેવામાં આવતું. જે વ્યક્તિ આસાનીથી ચોખાને થૂંકી શકતો, તે નિર્દોષ પુરવાર થતો. જેને ચોખા થૂંકવામાં મુશ્કેલી પડતી તેને જૂઠું બોલે છે તેમ માની લેવાતું. આ લાઈ ડિટેક્શન ટેસ્ટ પાછળ એવો તર્ક હતો કે જૂઠું બોલનારી વ્યક્તિનું ગળું સૂકાઈ જાય છે. હવે છેલ્લા કેટલાક વર્ષથી કોઈ વ્યક્તિ જૂઠું બોલી રહી છે કે કેમ તે ચકાસવા લાઈ ડિટેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. લાઈ ડિરેક્ટર ટેસ્ટનું મૂળ નામ પોલિગ્રાફ ટેસ્ટ છે. વર્ષ ૧૯૨૧માં મનોવૈજ્ઞાનિક સાથે પોલીસકર્મીની પણ ફરજ બજાવતા અમેરિકાના જ્હોન લાર્સન દ્વારા સૌ પ્રથમ વખત પોલિગ્રાફી ટેસ્ટની શરૂઆત કરવામાં આવી હતી. પોલિનો અર્થ થાય છે એક કરતાં વધુ. પોલિગ્રાફમાં અનેક સિગ્નલ નોંધે લે છે. આ એક એવું સાધન છે, જે શરીરમાં થઈ રહેલા અનેક ફેરફારને નોંધી લે છે. હૃદયના ધબકારા, શ્વાસ લેવા-છોડવાની પ્રક્રિયા, પરસેવો છૂટવો જેવા ત્રણ-ચાર સિગ્નલ પોલિગ્રાફ ટેસ્ટમાં સામાન્યપણે હોય છે. આ ટેસ્ટ પાછળ એવી ધારણા હોય છે કે કોઈ વ્યક્તિ જૂઠું બોલી રહી હોય તો તેનામાં આ પૈકીના કોઈ તો ફેરફાર જોવા મળે જ છે. આ ટેસ્ટ પ્રત્યક્ષ રીતે જૂઠું નહીં પણ જૂઠું બોલવાથી પેદા થતાં ડર, ગભરામણને પકડી પાડે છે.

એક પોલિગ્રાફ મશીનમાં બ્લડ પ્રેશર માપવા તેમજ પરસેવો આવે છે કે કેમ તેને ચકાસવા શરીરના અલગ-અલગ ભાગમાં ક્લિપ્સ લગાવાય છે. કેટલાક પોલિગ્રાફ મશીનમાં ખુરશી નીચે પણ સેન્ટર રાખવામાં આવે છે જેથી તે હલન-ચલન કરે તો પણ તે નોંધાઈ જાય છે. પોલિગ્રાફ ટેસ્ટ લેનારાનું પણ ખૂબ જ મહત્વ છે. શકમંદ વ્યક્તિ રૂમમાં દાખલ થાય એ સાથે જ પોલિગ્રાફી ટેસ્ટ શરૂ કરાતો નથી. સૌપ્રથમ તેને પોલિગ્રાફ ટેસ્ટ કઈ રીતે લેવામાં આવે છે તેનાથી માહિતગાર કરાય છે. કયા સવાલ પૂછવામાં આવશે તેની પણ અગાઉથી જાણ કરી દેવાય છે. એ પાછળનું કારણ એ છે કે અચાનક કોઈ સવાલ પૂછવામાં આવે તો વ્યક્તિ ગભરાઈ જાય અને તેનાથી પોલિગ્રાફ રીડિંગ પર અસર પડી શકે છે. પોલિગ્રાફ ટેસ્ટમાં માત્ર હા-નામાં ઉત્તર આપવા પડે તેવા જ સવાલ પૂછવામાં આવે છે.

જોકે, પોલિગ્રાફ ટેસ્ટના પરિણામને માનવા કે નહીં તેને લઈને આજે પણ મતમતાંતર પ્રવર્તે છે. ૧૯૬૫માં પ્રથમ વાર આ યંત્રની સમીક્ષા કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે લાઈ ડિટેક્ટર કોઈ છે જ નહીં, પણ તે માનવ હોય કે મશીન. આ મંતવ્યને દરેક વૈજ્ઞાનિક પ્રકાશને પણ સમર્થન આપ્યું છે.

બહુ જ જવલ્લે જ જોવા મળતા સંજોગો સિવાય, પોલિગ્રાફનાં પરિણામો અમેરિકાના તો ન્યાયાલયમાં પણ માન્ય નથી. આપણે ત્યાં વર્ષ ૨૦૦૮માં પ્રથમ વખત કોર્ટે પોલિગ્રાફ ટેસ્ટને પુરાવા તરીકે માન્ય રાખવામાં આવ્યા હતા. એ વખતે એક મહિલા પર તેના ફિયાન્સની હત્યાના આરોપ માટે પોલિગ્રાફ ટેસ્ટની મદદ લેવાઈ હતી. વૈજ્ઞાનિકો પણ એ વાતથી સંમત છે કે, પોલિગ્રાફ ટેસ્ટની માન્યતાનો પાયો ખૂબ જ નબળો છે. પોલિગ્રાફ ટેસ્ટમાં મુખ્યત્વે ડર, ગભરાટ જેવા લક્ષણ પકડવામાં આવે છે. પરંતુ ઘણા કિસ્સામાં સાચુ બોલનારી વ્યક્તિ પણ ગભરાઈ જાય છે અને જૂઠું બોલવામાં માહેર વ્યક્તિ સરળતાથી સફેદ જૂઠ બોલી શકે છે. એ વાતની પણ સાબિતી વધુ નક્કર નથી કે પોલિગ્રાફ ટેસ્ટ દરમિયાન થનારા શારીરિક બદલાવ જૂઠું બોલવાના જ લક્ષણ છે. 

નીદા ફાઝલીનો જાણીતો શેર છે કે, 'હર આદમી મેં હોતે હૈં દસ-બીસ આદમી, જીસકો ભી દેખના હો કઈ બાર દેખના...'

પ્રાચીન ગ્રીસમાં ઈસુ પહેલાં ચોથી-પાંચમી સદીમાં સૉફિસ્ટ્રી નામની દલીલબાજીની એક કળા વિકસિત થઈ હતી. સૉફિસ્ટ વિદ્વાનો કોઈપણ બાબતને તર્કયુક્ત દલીલોથી સાબિત કરી દેવાના નિષ્ણાત હતા. વાતમાં સત્ય હોય કે ન હોય, તેમે કશો ફરક પડતો નહીં. વાતને શબ્દોથી, વાક્ચાતુર્યથી, વાદ-પ્રતિવાદથી સાબિત કરી દેવી એ જ તેઓ માટે મહત્વનું હતું. આ સોફિસ્ટ વિદ્વાનો ગ્રીકના તવંગર અમીર ઉમરાવોનાં સંતાનોને જ સૉફિસ્ટ્રી ભણાવતા અને એ માટે તગડી ફી વસૂલતા. કોઈવાત સાબિત કરી દેવા માટે કોઈ પૈસા આપે તો તેઓએ પણ સાબિત કરી દેતા; ભલે એ વાત વાત્સવમાં સાવ ખોટી હોય, વ્યર્થ હોય. સૉફિસ્ટ્રીએ એ જમાનામાં ગ્રીસમાં એવી પકડ જમાવી હતી કે સત્યની કોઈ પરવા રહી નહોતી. સૉફિસ્ટો એવું કહેતા કે સત્ય જેવું કશું છે જ નહીં, બધું જ ભ્રમણા છે. સંસારમાં કશું જ બદલાતું નથી, જે બદલાય છે એ પણ ભ્રમ માત્ર જ છે એવું સૉફિસ્ટો માનતા. સત્ય હેમેશાં તાવણી પર જ રહ્યું છે પણ અત્યારે એ યુગ ફરી આવ્યો છ જ્યારે સત્ય નહીં, નેગેટિવ મહત્વનું બની જાય છે. સત્ય નહીં, સંખ્યા મહત્વની બની જાય છે. હવે પોતાનું સત્ય બનાવીને વેચી શકાય છે અને કોઈના માટે ટેલરમેડ સત્ય બનાવી અપાય છે. તેમ હવે તમારી આજુબાજુ સૉફિસ્ટ્રી શોધશો. તમને લાગશે કે તમે સોફિસ્ટ્રીથી જ વીંટળાયેલા છો. જ્યાં જ્યાં નજર મારી ફરે...


Google NewsGoogle News