ધરતી પે લડી તૂને અજબ ઢબ કી લડાઇ દાગી ન કહીં તોપ ન બંદૂક ચલાઇ..
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- 2 ઓક્ટોબર
- વિશ્વ અહિંસા દિવસ
- મહાત્મા ગાંધીનું વજન કેટલું હતુ, દિનચર્યા શું રહેતીં? ચલણી નોટમાં ગાંધીજીના ફોટાની શરૂઆત ક્યારથી થઇ? જેવા વિવિધ રસપ્રદ કિસ્સાઓ ઉપર એક નજર
કે વો તું કિંમતી હતો સસ્તો બની ગયો, બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો, ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું? ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.
***
અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી! તમે ચાહ્યું તેવું તો નથી કંઈ આજે, ગાંધીજી! તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરશીઓ, તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી! અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું, રહ્યું હતું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી! હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી! કદી આદમ સમાધિ પર જઈને આ તો કહેવું છે, તમે એક જ હતા ને છો વતનની લાજ, ગાંધીજી!
- શેખાદમ આબુવાલા
***
સત્ય-અહિંસાનો માર્ગ જેટલો સીધો એટલો જ સાંકડો છે, ખાંડાની ધારે ચાલવા જેવો છે. બજાણિયા જે દોરી ઉપર એક નજર કરી ચાલી શકે છે તેના કરતા પણ સત્ય, અહિંસાની દોરી વધારે પાતળી છે. જરા અસાવધાની આવી કે હેઠે પડીએ, પ્રતિક્ષણ સાધના કરવાથી જ તેનાં દર્શન થાય. આ અહિંસા આજે આપણે જે સ્થુળ વસ્તુ જોઇએ છીએ તે જ નથી. કોઇને ન જ મારવું એ તો છે જ. આ ઉપરાંત કુવિચાર, ઉતાવળ-મિથ્યા ભાષણ-દ્વેષ-કોઇનું બુરું ઇચ્છવું તે પણ હિંસા જ છે. જે જગતને જોઇએ તેના પર કબ્જો રાખવો એ પણ હિંસા છે. '
'અહિંસા' નામના મંદિરના મહંત એવા મહાત્મા ગાંધીના આ શબ્દો છે. વર્ષમાં ૩૬૫ દિવસ હોય છે પરંતુ કેટલીક તારીખ એવી છે જે પ્રત્યેક હિંદુસ્તાનીઓ માટે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આવી જ એક તારીખ એટલે બીજી ઓક્ટોબર જ્યારે આ દિવસે ૧૮૬૯ના વર્ષમાં પોરબંદર ખાતે મહામાનવ મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ થયો હતો. યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૦૦૭ના વર્ષથી મહાત્મા ગાંધીના જન્મદિવસને 'વિશ્વ અહિંસા દિવસ' તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું છે.મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે તેમની કેટલીક જાણી-અજાણી વાત કરીએ...
***
ઉમાશંકર જોશી વારંવાર કટાક્ષમાં કહેતા અને એમાં સંપૂર્ણ સત્ય હતું 'ગાંધીજી ગાંધીવાદી ન હતા!' આ પૈકીના અનેક પૈકીનો એક કિસ્સો સાબરમતી આશ્રમમાં બનેલો. બન્યું એમ કે, સાબરમતી આશ્રમમાં એક વાછરડાંનો પગ તૂટી ગયો અને અસહ્ય પીડાથી તે કણસી રહ્યું હતું. વાછરડાંની આ પીડાથી ગાંધીજી પણ પરેશાન હતા. પ્રાણીઓના ડોક્ટરે એમ કહીને હાથ ઉંચા કરી દીધા કે, 'આ વાછરડાંના બચવાની કોઇ જ શક્યતા હવે નથી...' જ્યારે કોઇ વિકલ્પ બચ્યો નહીં ત્યારે તેનો જીવ લેવાની પરવાનગી આપી દીધી. . મીરાંબહેને આ ઘટનાનું વર્ણન કર્યું છે કે બાપુ ઝૂક્યા, 'વાછરડાંનો આગલો પગ હાથમાં લીધો, ડોક્ટરે એની પાંસળીઓમાં એક ઈન્જેક્શન આપ્યું. એક ઝટકો લાગ્યો અને વાછરડું મરી ગયું. બાપુ એક શબ્દ બોલ્યા નહીં. વાછરડાંના મોઢા પર એક કપડું ઢાંકીને ચાલ્યા ગયા.' આ ઘટનાની બહુ તીવ્ર પ્રતિક્રિયા આવી ત્યારે ગાંધીજીએ કહ્યું કે, 'આટલી પીડામાં સપડાયેલા પ્રાણીની મુક્તિ હિંસા નહીં અહિંસા જ છે. અદ્દલ એવી જ રીતે જેમ કોઇ ડોક્ટરનું ઓપરેશન કરવું હિંસા ગણાતી નથી.'
***
સમયપાલન અને સમયસૂચિ માટે ગાંધીજી અતિ આગ્રહી હતા. સવારે ૪:૦૦ વાગ્યે ઊઠવું, ૪:૨૦ વાગ્યે સમૂહપ્રાર્થના, લેખન-પત્રવ્યવહાર અને થોડો આરામ, સવારે ૭ :૦૦ વાગ્યે નાસ્તો, ચાલવા જવું (લગભગ પાંચ કિલોમીટર), શાક સમારવું, દળવું, વાસણ સાફ કરવાં વગેરે, આશ્રમના રસોડાનું કામ, સંડાસ સફાઈ વગેરે, ૮ :૩૦ વાગ્યે મુલાકાતો, લેખન- વાંચન, સવારે ૯ :૩૦ વાગ્યે સૂર્યપ્રકાશમાં માલિશ, દાઢી કરવી, ૧૧:૦૦ વાગ્યે બપોરનું ભોજન, ૧:૦૦ વાગ્યે પત્રવ્યવહાર- મુલાકાત. બપોર પછી ૪ :૩૦ વાગ્યે કાંતણ, ૫ :૦૦ વાગ્યે સાંજનું ભોજન, ૬ :૦૦ વાગ્યે સાયંપ્રાર્થના, ૬ :૩૦ વાગ્યે ચાલવા જવું, ૯ :૦૦ વાગ્યે ઊંઘી જવું. ગાંધીજીની દિનચર્યામાં કામ, આરામ, કસરત અને યોગ્ય ખોરાકનું સરસ સંતુલન હતું. ઉપરાંત પ્રાર્થના વડે દિનચર્યાને એક આધ્યાત્મિક પરિમાણ પણ અપાયું હતું.
***
ગાંધીજીએ ૧૯૦૩ થી ૧૯૪૮ દરમિયાન ૧૭ વખત ઉપવાસ કર્યા હતા. સૌથી લાંબા ઉપવાસ ૨૧ દિવસ ચાલ્યા હતા.ખોરાકના એમના પ્રયોગો જીવનભર ચાલ્યા. તેમણે બકરીનું દૂધ શરૂ કર્યાનો કિસ્સો જાણીતો છે. એક વાર ખૂબ જ મરડો થયો. આ ઉપરાંત ૧૯૨૫, ૧૯૩૬, ૧૯૪૪માં મેલેરિયા થયેલો જ્યારે ૧૯૧૯ અને ૧૯૨૪માં એપેન્ડિક્સ-પાઇલ્સની સર્જરી કરાવી હતી. તેઓ નાદુરસ્ત સ્વાસ્થ્ય હોય તો પણ ભાગ્યે જ દવા લેતા. યોગ્ય ખોરાક, કસરત અને રામનામ એ જ એમનાં ઔષધ હતાં તેમ કહી શકાય. ૧૯ ફેબુ્રઆરી ૧૯૪૦ પ્રમાણે તેમનું બ્લડ પ્રેશર ૨૨૦/૧૧૦ હતું.
૫ ફૂટ ૫ ઈંચની ઊંચાઇ ધરાવતા મહામાનવ મહાત્મા ગાંધીનું વજન માત્ર ૪૬.૭ કિલોગ્રામ હતું જ્યારે બોડી માસ ઈન્ડેક્સ ૧૭.૧ હતો.
****
ચલણી નોટમાં મહાત્મા ગાંધીની તસવીર હોય તેવું સૌપ્રથમ ૧૯૬૯માં બન્યું હતું. એ વર્ષે મહાત્મા ગાંધીની ૧૦૦મી જન્મ જયંતિ હોવાથી રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેને ધ્યાનમાં રાખીને ખાસ સિરીઝ જાહેર કરવામાં આવી હતી. જેમાં મહાત્મા ગાંધીની સેવાગ્રામ આશ્રમની તસવીર છાપવામાં આવી હતી. આ પછી ૧૯૮૭માં બીજી વાર ૫૦૦ની નોટ પર ગાંધીજીની તસવીર છપાઇ હતી. વર્ષ ૧૯૯૫માં ભારતીય રિઝર્વ બેંકે ભારતીય ચલણી નોટ પર કાયમી ધોરણે મહાત્મા ગાંધીની તસવીર છાપવા માટે કેન્દ્ર સરકાર પાસે રજૂઆત કરી હતી. જેમા સરકારની મંજુરી બાદ વર્ષ ૧૯૯૬માં નોટ પર અશોક સ્તંભની જગ્યા પર મહાત્મા ગાંધીની તસવીર છપાવા લાગી. ચલણી નોટમાં મહાત્મા ગાંધીની જે તસવીર જોવા મળે છે તે કોઈ કેરીકેચર અથવા ઈલેસ્ટ્રેશન નહીં પરંતુ એક ઓરિજનલ ફોટાનો કટ આઉટ છે. આ તસવીર વર્ષ ૧૯૪૬માં કોલકતાના વાયસરોય હાઉસમાં લેવાઇ ત્યારે મહાત્મા ગાંધી લોર્ડ ફ્રેડરિક વિલિયમ પેથિક લોરેંસને મળવા આવ્યા હતા.