વર્ષના પ્રથમ દિવસે સંકલ્પ લેવાની શરૂઆત કેવી રીતે થઈ?
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- બેબીલોનના લોકો માનતા કે તેઓ વર્ષ સંકલ્પ પૂરા નહીં કરે તો ઈશ્વર તેમનાથી નારાજ થશે અને સંકલ્પ પૂરા કરશે તો ઈશ્વર તેમને વધુ સારા ભવિષ્યના આશીર્વાદ આપશે
- 1 જાન્યુઆરી
- ન્યૂ યર ડે
- જેમના નામ પરથી જાન્યુઆરી માસનું નામ પડયું છે તેવા આગળ અને પાછળ તરફ મુખ ધરાવતા રોમન દેવતા જાનસ.
ઈસવીસન પૂર્વે ૭૫ના સમયની આ વાત છે. એ વખતે સમુદ્રમાં ખૌફનું બીજું નામ બનેલા સિલિકન ડાકુઓઓએ વધુ અભ્યાસ માટે રોડ્સ જઇ રહેલા ૨૫ વર્ષના એક વિદ્વાન યુવાનનું અપહરણ કર્યું. આ યુવાનને મુક્ત કરવા માટે ૨૦ સોનામહોર માગવાનું ડાકુઓએ નક્કી કર્યું. આ સાંભળતાં જ તે યુવાને આત્મવિશ્વાસ સાથે કહ્યું, 'બસ, મારી મુક્તિ માટે માત્ર ૨૦ જ સોનામહોર માગી રહ્યા છો! હકીકતમાં તો તમારે ઓછામાં ઓછી ૫૦ સોનામહોરની માગણી કરવી જોઇએ...' ડાકુઓને પણ તે યુવાનની આ પ્રકારની વાત સાંભળી નવાઇ તો લાગી અને સાથે વિચાર્યું કે જેટલી અપેક્ષા હતી એના કરતા બમણી મત્તા મળે તો ખોટું શું છે, ૫૦ સોનામહોર માગી તો જોઇએ. યુવાનનો પરિવાર પણ કંઇ આર્થિક રીતે સમૃદ્ધ નહોતો, તેમને એકસાથે ૫૦ સોનામહોર એકત્ર કરવામાં સમય લાગે તેમ હતો. એકતરફ પરિવાર સોનામહોરની વ્યવસ્થા કરી રહ્યો હતો તો બીજી તરફ તે યુવાને ડાકુઓને પોતાની વાક્છટા-વક્તવ્ય-કવિતાઓથી પ્રભાવિત કરી દીધા. ધીરે-ધીરે તે એવું વર્તન કરવા લાગ્યો કે જાણે તે એ ડાકુઓનો નેતા હોય. આ યુવાન તે ડાકુઓને એક વાત તો ચોક્કસ કરતો કે, 'એક દિવસ તમારી કરપીણ હત્યા થશે જ.' ડાકુઓ તેની વાતને ટૂચકો સાંભળી હસી કાઢતા. ૩૮માં દિવસે તે યુવાનની મુક્તિ થઇ. મુક્તિ મળતાં જ તેણે પોતાની સેના ઉભી કરી અને પોતાને બંદી બનાવનારા ડાકુઓ પર એક દિવસ અચાનક જ આક્રમણ કર્યું. તેણે પોતાની સેના સાથે મળી આ ડાકુઓને કેદી બનાવ્યા અને રાજા સમક્ષ હાજર કર્યા. રાજાએ તે ડાકુઓને મૃત્યુદંડની નહીં પણ માત્ર કારાવાસની સજા ફટકારી. આ ચુકાદાથી નારાજ યુવાન ડાકુઓને જે જેલમાં ત્યાં રાખ્યા હતા ત્યાં તેણે પોતાની સેના સાથે હુમલો કર્યો. દરેક ડાકુને પોતાના હાથથી મોત આપતાં કહ્યું કે, 'પહેલા જ કહ્યું હતું ને તમારી ખૂબ જ ખરાબ રીતે હત્યા થશે જ...'
આ કોઇ ફિલ્મની નહીં વાસ્તવિક જીવનમાં બનેલી ઘટના છે અને તેના મુખ્ય કિરદાર ભજવનારા વિદ્વાન-નીડર-લીડર એવા યુવાનને આપણે જુલિયસ સીઝર તરીકે ઓળખીએ છીએ. જુલિયસ સીઝરની વાત એટલા માટે કે આજે આપણે જે ન્યૂ યરની ઉજવણી કરવા જઇ રહ્યા છીએ તેનું શ્રેય એક રીતે તેમને જાય છે. હજારો વર્ષ અગાઉ જાન્યુઆરીમાં નહીં પણ માર્ચમાં જ નવા વર્ષની ઉજવણી થતી. વિક્રમ સંવતના ચૈત્ર માસની જેમ જ પ્રાચીન રોમ કેલેન્ડરનો પ્રારંભ પણ માર્ચથી થતો. પ્રાચીન રોમ કેલેન્ડરમાં ૧૦ મહિના હતા અને વર્ષનો પ્રારંભ ૧ માર્ચથી થતો હતો.
વર્ષો બાદ એટલે કે ઈસવીસન પૂર્વે ૭૧૩ની આસપાસ જાન્યુઆરી-ફેબુ્રઆરી માસ ઉમેરાયા. ૪૫ ઈસવીસન પૂર્વેમાં રોમના સરમુખત્યાર જુલિયસ સીઝર દ્વારા જુલિયન કેલેન્ડરનો પ્રારંભ થયો હતો. એમ કરવા માટે જુલિયસ સીઝરને ગત વર્ષ એટલે કે ઈસવીસન પૂર્વે ૪૬ને ૪૪૫ દિવસનો કરવો પડયો હતો. આજે ૧ જાન્યુઆરીના નવું વર્ષ ઉજવાય છે તેની શરૂઆત ૧૫૮૨માં ગ્રેગોરિયન કેલેન્ડરના પ્રારંભ બાદ થઇ. આજે વિશ્વભરમાં જે કેલેન્ડરનો ઉપયોગ થાય છે તેનો આધાર કોમન સમ્રાટ જુલિયસ સીઝરના ઈસવીસન પૂર્વે પ્રથમ સદીમાં બનાવેલું કેલેન્ડર જ છે.
આ કેલેન્ડરમાં પાંચમાં મહિનાને 'ક્વિટિલસ' હતું. આ પાંચમાં મહિનામાં જ જુલિયસ સીઝરનો જન્મ થયેલો એટલે તેણે આ મહિનાને પોતાના નામ સાથે જોડવા નિર્ણય લીધો. આ પાંચમો મહિનો શરૂઆતમાં જુલા અને હવે જુલાઇ તરીકે ઓળખાય છે. જુલિયસ સીઝરે વર્ષના પ્રથમ મહિનાને જાન્યુઆરી નામ રોમન દેવતા જાનસના નામ પરથી આપ્યું. એવી કિવંદતી છે કે જાનસના બે ચહેરા છે. જેમાં એક ચહેરો આગળ જ્યારે બીજો ચહેરો પાછળની તરફ જુવે છે. તેમનો ચહેરો એ પણ પ્રતિક છે કે, તમારી નજર ભવિષ્ય તરફ ભલે મંડાયેલી હોય પણ તેની સાથે તમારી પરંપરાનો ભૂતકાળ ભૂલવો જોઇએ નહીં.
૩૧ ડિસેમ્બરના નવા વર્ષની ઉજવણી કર્યા બાદ અનેક લોકો 'નવા વર્ષથી જીમમાં તો જવું જ છે... નવા વર્ષમાં કૂકિંગ તો શીખવું જ છે... નવા વર્ષથી ગુસ્સો તો કરવો જ નથી...સોશિયલ મીડિયાથી તો દૂર જ રહીશ...' જેવા વિવિધ સંકલ્પો લેતા હોય છે અને જાન્યુઆરી હજુ અડધો પણ પૂરો થયો હોતો નથી ત્યાં તે સંકલ્પોનું બાળમરણ પણ થઇ જાય છે. એનીવે'ઝ નવા વર્ષના સંકલ્પ લેવાની આ શરૂઆત કંઇ આજકાલની નથી. ચાર હજાર વર્ષ અગાઉ ૧ માર્ચના નવા વર્ષની ઉજવણી થતી ત્યારે પ્રાચીન બેબીલોનના લોકો વિવિધ પ્રકારના સંકલ્પ લેતા. પરંતુ તેમના સંકલ્પ પોતાના નહીં સમાજ-દેશના કલ્યાણ માટે વધારે રહેતા.
દરેક નાગરિક સંકલ્પ લેતો કે તે પોતાના રાજાને વફાદાર રહેશે. એટલું જ નહીં તેમણે જેમની પાસેથી નાણા ઉછીના લીધા છે તેને નવા વર્ષમાં ચૂકતે કરશે જ. બેબીલોનના લોકો માનતા કે તેઓ વર્ષ સંકલ્પ પૂરા નહીં કરે તો ઈશ્વર તેમનાથી નારાજ થશે અને સંકલ્પ પૂરા કરશે તો ઈશ્વર તેમને વધુ સારા ભવિષ્યના આશીર્વાદ આપશે. આ પછી નવા વર્ષના પ્રથમ દિવસે સંકલ્પ લેવાની શરૂઆત ક્યારે થઇ તેને લઇને વિવિધ માન્યતા છે.
એવી પણ વાયકા છે કે, ૧૮મી સદીમાં ખ્રિસ્તિ સમુદાયના લોકો ૩૧ ડિસેમ્બરમાં ધાર્મિક સરઘસ કાઢીને તેમના ધર્મગુરુ પાસે જતાં. આ ધર્મગુરુ તેમને વિતેલા વર્ષમાં કરેલી ભૂલનું પુનરાવર્તન નહીં કરવા અને નવા વર્ષમાં તેઓ વ્યક્તિત્વ-સામાજિક વિકાસ માટે વધુ સારું શું કરી શકે તેના અંગે સંકલ્પ લેવાનું કહેતા. જેના પરથી ધીરે-ધીરે નવા વર્ષના પ્રથમ દિવસે સંકલ્પ લેવાની શરૂઆત થઇ. એક અભ્યાસ અનુસાર હાલ માત્ર ૨૩ ટકા લોકો જ નવા વર્ષમાં લીધેલા સંકલ્પને પાળવામાં સફળ રહે છે.
૧ જાન્યુઆરીએ નવા વર્ષની ઉજવણી માટે પણ વિવિધ દેશમાં વર્ષોથી વિવિધ પરંપરા છે. જેમકે, સ્પેનમાં રાતે ૧૨ વાગે ૧૨ ટકોરા પડતા હોય ત્યાં સુધી સ્પેનિશ લોકો ૧૨ દ્રાક્ષ આરોગે છે. ૧૨ ટકોરા પૂરા થાય એ પહેલા તેઓ ૧૨ દ્રાક્ષ ખાધા આરોગી લે તો નવું વર્ષ નસિબવંતુ બની રહેશે તેવી માન્યતા છે. બાય ધ વે, આપણે ત્યાંથી ઘણાએ નવા વર્ષની ઉજવણી દ્રાક્ષ તો નહીં પણ 'દ્રાક્ષનું વિશિષ્ટ પાણી' પીને બેશક કરી હશે...! 'હેપ્પી ન્યૂ યર....'