માથાનો દુખાવો મોટેભાગે માનસિક તણાવથી થાય છે
- ચેતના - હિતેન્દ્ર ગાંધી
આ પણે જોઈએ છીએ કે દિવસે દિવસે લોકોનું શારિરીક તેમજ માનસિક સ્વાસ્થ્ય કથળતું જાય છે. પ્રદુષણ, ખોરાકમાં ભેળસેળ, રહેણીકહેણી, સહનશીલતા તેમજ ધીરજનો અભાવ, આર્થિક તંગદીલી, સામાજીક અસમાનતા, હરિફાઇ, આ બધું સતત વધતું જાય છે. દરેક વ્યક્તિને ઝડપથી પૈસાદાર થઇ જવું હોય છે - દોડાદોડીથી અંતમાં સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે - અને સૌથી ગંભીર અસર માનસિક સ્વાસ્થ્ય ઉપર પડે છે. ઉપરના કારણોથી સતત માનસિક તણાવ વધે છે. માનસિક તણાવના કારણે જાતજાતની માનસિક તકલીફો પણ શરૂ થાય છે. માનસિક તણાવના કારણે સૌથી વધુ ફરિયાદ માથાના દુખાવા અંગેની હોય છે. આજે આપણે જોઈ શકીશું કે વધુમાં વધુ દવાઓ જે લોકો વાપરતા હોય છે તે માથાનો દુખાવો બંધ થાય તે માટેની જ હોય છે.
દવાની દુકાને જે વધુમાં વધુ દવાઓ વેચાતી હોય છે તે માથાનો દુખાવો મટાડવા માટેની જ હોય છે અને ક્લીનીકમાં મોટાાગના દર્દીઓ માથાના દુખાવા અંગેની ફરિયાદ સાથે જ આવતાં હોય છે. થોડાક કેસની ચર્ચા કરૂં.
'છેલ્લાં ઘણા સમયથી પાછળના ભાગમાં માથું દુખ્યા કરે છે. ક્યારેક સારૂં લાગે તો ક્યારેક દુખાવો અસહ્ય થઇ જતો હોય છે. દુખાવો ગરદનના પાછળના ભાગમાં પણ હોય છે. મારા નાના છોકરાને તેની ઉપર ઉભા થવાનું કહું છું - ત્યારે થોડુંક સારૂં લાગે છે. કોઈકવાર દુખાવાની ગોળી લઉં તો તેની અસર હોય ત્યાં સુધી સારૂં લાગે છે. ક્યાંક નસ તો નહિં દબાતી હોય ને ? માથામાં ગાંઠ જેવું તો નહિં હોય ને ?'
'૧૦ વર્ષથી માથાનો દુખાવો રહ્યા કરે છે. આ બધી ફાઇલ લઇને આવ્યો છું. તમામ જાતની તપાસ કરાવી લીધી છે. બધાજ રીપોર્ટ નોર્મલ આવે છે. કેટલીય દવા, ગોળીઓ, ઇન્જેકશન લઇ લીધાં. કોઇજ ફાયદો લાગતો નથી. મને ફક્ત એકજ ચિંતા માથાના દુખાવાની જ છે. મટતું કેમ નથી? આખો દિવસ આજ વિચાર આવ્યા કરે છે. થોડુંક સારૂં લાગે ને રાહત થાય કે હાશ- હવે છુટકારો મળશે - પણ બેચાર દિવસ પછી પાછો દુખાવો શરૂ થાય ત્યારે ચિંતા વધી જાય.'
'ધીમું ધીમું માથુ સતત દુખ્યા કરે છે. બળતરા બળે છે. માથામાં કાંસકો તો ફેરવાતો જ નથી - જો વાળ આમથી તેમ કરતાં થોડા ખેંચાય તો ય માથુ દુખે છે. માથામાં સળવળાટ તો ચાલુ જ રહે છે. કશુંક ફરતું હોય તેમ લાગ્યા કરે છે. માથામાં તેલ પણ નખાતું નથી - માથાનો દુખાવો જબરજસ્ત હોય છે. ક્યારેક એવું લાગે કે માથાની નસ ફાટી તો નહિં જાય ને ? કોઇ દવા કામ કરતી નથી. સતત ચિંતા રહે છે. તણાવ રહ્યા કરે છે.'
ઉપરના ત્રણેય કિસ્સાઓમાં તેઓની વિગતથી માનસિક તપાસ કરતાં જણાયું કે લાંબા સમયથી તેઓનું મન તણાવગ્રસ્ત રહેતું હોય છે. જુદા જુદા કારણોથી બીનજરૂરી ચિંતા, વિચારોના પરિણામે માનસિક તણાવ ઉભો થાય છે. ક્યારેક વિચારો મનની અંદર જ રહ્યા કરતાં હોય છે. બહાર આવતાં નથી. પરિણામે મનમાં હદ બહારનો તણાવ ઉભો થાય છે. માથાનો દુખાવો આનું જ પરિણામ છે.
તણાવને કારણે માથાનો દુખાવો દુર કરવા માટે ધીરજ જરૂરી છે. મનોચિકિત્સક પાસે વિશ્વાસપુર્વક મનમાંથી તમામ વિચારો દુર કરવા પડે છે. જરૂર પડે થોડા સમય માટે દવા પણ લેવી પડે છે. પરંતુ ધીમે ધીમે માથાનો દુખાવો દુર થાય છે.
- હિતેન્દ્ર ગાંધી