રશિયામાં નોકરીના બહાને યુક્રેન સામે યુદ્ધમાં ઉતારી દેવાય છે

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
રશિયામાં નોકરીના બહાને યુક્રેન સામે યુદ્ધમાં ઉતારી દેવાય છે 1 - image


- કૌભાંડમાં ફસાયેલ વ્યક્તિનો ધુ્રજારી અને રડમશ અવાજે કાકલુદી કરતો ફોન તેમના ભારતના ઘેર આવે છે કે 'અમારું ગમે ત્યારે મૃત્યુ થઇ શકે છે. અમને બચાવી લો... અમને  યુક્રેનની સરહદે યુદ્ધ લડવા મૂકી દેવાયા છે.'

- વિવિધા-ભવેન કચ્છી

- ભારત ઉપરાંત શ્રીલંકા, યુ.એ.ઈ., નેપાળ , ચીન અને પાકિસ્તાન જેવા દેશના વ્યક્તિઓને રશિયામાં ૧.૫૦ લાખ રૂપિયા સુધીના પગારની નોકરી માટેની  લાલચ આપવામાં આવે છે 

પ શ્ચિમ બંગાળના કાલિમપોંગ ગામમાં એક ઓરડી અને બાથરૂમ ધરાવતા ઘરમાં ખાટલા પર અંબિકા નામની મહિલા ઘેર એકલી હોઈ રડી રહી છે. હજુ થોડી મીનીટો પહેલા જ તેના ૪૦ વર્ષીય  પતિ ઉર્જેન તામંગનો વિરહની બે મહિનાની તડપ વચ્ચે  ફોન આવ્યો. કંઈક અમંગળ તો નથી થયુંને તેવા ફફડાટ સાથે અંબિકાએ ફોન ઉપાડયો. ઉર્જેનેે ધુ્રજારીભર્યા અવાજ સાથે રડતા રડતા કહ્યું કે 'અંબિકા મેં તને અગાઉ ફોન  કર્યો હતો કે ગામના આગેવાનોને કહે કે મને રશિયામાંથી ભારત દેશ પરત લાવવા સરકાર સુધી તાત્કાલિક  રજૂઆત કરે. પણ હજુ સુધી કંઈ થયું નથી. મને  એજન્ટે રશિયાની આર્મીમાં વેચી દીધો છે અને હાલ હું યુક્રેન સામેના યુદ્ધમાં ફ્રન્ટમાં મુકાયો છું.મારી આજુબાજુ સૈનિકોના મૃતદેહ પડયા છે. તેઓ પણ મારી જેમ અન્ય દેશોના હોય તેમ લાગે છે. કાતિલ ઠંડીમાં રાઇફલમાંથી છૂટતી ગોળીઓની વર્ષા અને બોમ્બના વિસ્ફોટો વચ્ચે હું ઘેરાઈ ગયો છું.મારા ૧૫ સાથીઓમાંથી ૧૩ના મૃત્યુ થયા છે. જો મને આગામી બે ત્રણ દિવસમાં ભારત પરત લાવવા કેન્દ્ર સરકાર  રશિયન સરકારનો સંપર્ક કરીને કોઈ પગલાં લેવડાવવામાં  સફળતા નહીં મેળવે તો આ મારો આખરી ફોન હોઈ શકે.આ તો હું મહામહેનતે નેટવર્ક એરિયામાં પ્રવેશી શક્યો છું એટલે બે મહિના પછી તારી જોડે નો સંપર્ક શક્ય બન્યો છે. આ..વ..જે .. સંતાનોનું ધ્યાન રાખજે. હવે મારે બંકરમાં કેટલાક દિવસો વિતાવવાના છે.' પતિ પત્ની બંનેના આક્રંદ વચ્ચે વાતચીતનો તાર તૂટયો. હજુ માંડ અંબિકા રડવાનું બંધ કરે છે ત્યાં બહાર રમતી તેઓની પુત્રી આવીને પૂછે છે કે 'પપ્પા ફરી ક્યારે પાછા આવશે?'

બે મહિના અગાઉના આવા ફોન પછી અંબિકાએ જિલ્લાના  રાજકારણીની મદદથી છેક પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સુધી વાત પહોંચાડી હતી. ઉર્જેન તામંગ જોડે જ બનેલી આ ઘટના નહોતી પણ પશ્ચિમ બંગાળ , કર્ણાટક, ગુજરાત, કેરળ, તેલંગાના, ઉત્તર પ્રદેશ અને કાશ્મીર  અને અન્ય કેટલાક રાજ્યોમાંથી  આ રીતે એક રાષ્ટ્રીય રેકેટના ભાગ રૂપે એજન્ટો ખાસ કરીને વોચમેન કે સિક્યોરીટી સ્ટાફને રશિયામાં મોટી નોકરી આપવાની લાલચ આપીને સ્વપ્નસેવી કસાયેલી કાયા ધરાવતા ગરીબોને રશિયાના લશ્કરને વેચી દે છે. જ્યાં  મોત આજે નહીં તો કાલે નિશ્ચિત છે તેવા મોરચે વિશ્વભરના દેશોમાંથી આ રીતે ફસાવાયેલ નાગરિકોને યુક્રેન સામે યુદ્ધમાં ઉતારી દેવાય છે. ઉર્જેન પણ આવા રેકેટનો ભોગ બનેલી વ્યક્તિ છે. 

ઉર્જેન ગત જાન્યુઆરી સુધી ગુજરાતના કોઈ શહેરમાં સિક્યોરીટી સર્વિસ તરીકે નોકરી કરતો હતો.ત્યારે  તેના ગામમાં રહેતા મિત્રએ તેને ફોન કર્યો કે 'ચાલ મારી સાથે રશિયા., ત્યાં આર્મી વિભાગમાં હેલ્પર તરીકેની  નોકરી મળે છે. અત્યારે ભારતમાં આપણને  ૩૦ હજારના રૂપિયાનો પગાર મળે તેની  જગ્યાએ રશિયામાં  એક લાખ પગાર મળે તેમ છે. પણ આ બધી વ્યવસ્થા અને ત્યાં પહોંચવા માટે  હું તને ફોન નંબર આપું તે એજેન્ટને ફોન કરજે. મેં મારું નક્કી કરી લીધું છે. તું પણ ત્રણ લાખની વ્યવસ્થા ગમે તે ભોગે કરીને જોડાઈ જા.'

ઉર્જેને એજેન્ટ જોડે વાત કરી અને હોંશભેર તેના વતન કાલિમપોંગ  આવ્યો. પત્ની અંબિકા અને બે પુત્રી તો ખુશ થઇ ગયા. ભાવિ જિંદગીના  સપના સજાવી વર્ષોની બચત અને ઘરેણાં વેચી, થોડી રકમ ઉધાર લઈને ત્રણ લાખ રૂપિયા એજેન્ટને આપ્યા. એજન્ટ મોટેભાગે વોચમેન કે સિક્યુરિટી સર્વિસમાં  નોકરી કરતા એવા કર્મચારીઓને ફસાવે છે જેઓ અગાઉ પોલીસ કે ભારતીય સેનામાં કામ કરી ચુક્યા  હોય. જેથી તેઓને એવી રીતે ભોળવી શકાય કે આ તો તમારા બાયો ડેટામાં તમારું આર્મી કે પોલીસનું બેક ગ્રાઉન્ડ છે એટલે તમને રશિયામાં નોકરી મળે છે  બાકી બધાને આવી તક ન મળે. ભોળા વોચમેન કે સિક્યોરીટી કર્મચારી સાચુ માની લે છે.  તેઓને જે નોકરી માટે લાલચ અપાઈ હોય છે તે આર્મી હેલ્પરની હોય છે. આ નોકરી તો આર્મી સેન્ટર કે કેન્ટોનમેન્ટમાં જ સ્થાયી હોય અને તેમાં આર્મી અફસર અને તેના ઘરનું  કે યુનિટનું કામ કરવાનું છે તેમ જણાવાયું હોય છે. 

ભારત ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, કતાર, નેપાળ, યુએઈ  અને ચીન જેવા દેશોના આવા કેટલાક હજાર ગરીબ  આ કૌભાંડનો છેલ્લા વર્ર્ષથી  શિકાર થઇ ચુક્યા છે જેમાંથી મોટાભાગના મૃત્યુ પામ્યા છે. હજુ આવી બોગસ ભરતી ચાલુ જ છે.આ કૌભાંડની પધ્ધતિ એવી છે કે વ્યક્તિ પાસેથી ત્રણ લાખ રૂપિયા લઈને તેને રશિયા પહોંચાડાય છે. જ્યાં બીજો જ કોઈ એજન્ટ એરપોર્ટ પર  તેઓનો સંપર્ક  કરીને અજ્ઞાાત રહેણાંક વિસ્તારમાં લઇ જાય છે. એજન્ટ તેઓના પાસપોર્ટ લઇ લે છે. થોડા દિવસો પછી તેઓને કહેવામાં આવે છે કે તમારે આર્મી હેલ્પરની નોકરી પર ચઢવા અગાઉ તાલીમ લેવી પડશે. અને આવા એશિયાના જૂથને આર્મી હેલ્પરની નોકરી માટે  તૈયાર કરવાની જગ્યાએ સીધું એમ જ કહેવામાં આવે છે કે રશિયાના માપદંડ પ્રમાણે તમારે બધાએ સૈનિક બનવાની ટ્રેનીંગ લેવી પડશે. તે પછી તાલીમ કેમ્પમાં તેઓને ખુબ દોડાવાય છે. કસરત કરાવે છે. તેના થોડા દિવસો પછી રાઈફલ ચલાવાની તાલીમ અપાય છે. જે દરમ્યાન તેઓને ફટકારાય છે. માનસિક રીતે ખતમ કરી દેવાય છે. બધાને સ્પષ્ટ કહી દેવાય છે કે તમારે યુક્રેન સામેના યુદ્ધમાં રશિયા તરફથી લડવાનું છે, 

સ્વાભાવિક છે બધા રડવા માંડે. તેમના દેશ પરત જવા કાકલુદી કરે પણ તેઓ પર કેટલાયે સૈનિકોનો જાપ્તો હોય છે. આ  કેમ્પ અજ્ઞાાત સ્થળે  દુર અંતરિયાળ વિસ્તારમાં આવેલ હોય છે. કોઈ ભાગી શકે તે શક્ય જ નથી. જો કોઈ હિંમત કરે તો પાશવી જુલમ થાય. બીજું, તેઓના પાસપોર્ટ તો એજન્ટ પાસે હોય છે. તેઓ નેટવર્ક એરિયાથી પણ મોટેભાગે બહાર હોય છે. યુદ્ધમાં પણ આ જ રીતે ઉતારાય છે. તેઓ  સાથે રશિયન ગુ્રપ લીડર જેવો કોઈ કડક અફસર હોય જે આવા અન્ય દેશના ફસાયેલા અને રશિયા તરફથી લડતા સૈનિકોને  જ્યાં વધુમાં વધુ મોતની શક્યતા હોય તેવા મોરચે આગળ ઢાલની જેમ તેઓને ધરીને પોતાની રણનીતિ આગળ ધપાવે છે. અમુક વિસ્તારમાં તેઓ કાતિલ માયનસ ડિગ્રી ઠંડીમાં ચોકી પહેરો કરે છે અને યુક્રેનની કોઈ ગતિવિધિ દેખાય તો મેસેજ આપે છે.

રશિયાના પ્રમુખ પુતિન જ નહી વિશ્વના તમામ નેતાઓ જાણતા જ હોય છે કે યુદ્ધમાં આવા ભાડુતી સૈનિકો કૌભાંડનો ભોગ બનતા જ હોય છે. કેટલાકને  તો ખબર હોય છે કે યુદ્ધમાં ઉતરવાનું છે પણ સારો એવો પગાર મળતો હોય તો યુદ્ધ એટલે મૃત્યુ જ થાય તેવું નથી તેવી શ્રદ્ધા અને આત્મબળ સાથે યુદ્ધમાં ભાગ લેતા પણ હોય છે. ગરીબી અને કુટુંબને સુખદ જીવન આપવા પુરુષ પણ કલ્પી ન શકાય તેમ મોતને તાળી આપવા તૈયાર થઇ જતો હોય છે. હા, રશિયાના પ્રમુખ પુતિને આ કૌંભાડમાં સાથ ન આપ્યો હોય પણ દરેક સેનાનું જૂથ પોતાના બજેટમાંથી એજેન્ટોને પોષતા હોય છે. સેનાનું આઉટસોર્સિંગ  કહી શકાય. એક જૂથ પોતાના નાણાં ખર્ચીને તેમનું કાર્ય બીજાને સોંપે અથવા તેમાં પ્યાદા તરીકે સામેલ કરે  કે મોત સામે ધરી દેવાય છે.આ પણ આમ જુઓ તો લશ્કરી રેકેટ જ કહી શકાય.

બી.બી.સી.ના અહેવાલ પ્રમાણે ગુજરાતના હેમલ નામના મધ્યમ વયની વ્યક્તિ પણ આવા જ કૌભાંડનો ભોગ બન્યો  હતો અને રશિયા તરફથી યુદ્ધમાં લડતા મિસાઈલ હુમલામાં મોતને ભેટયો હતો. હેમલના મૃત્યુના ત્રણ દિવસ પહેલા જ તેના પિતા અશ્વીનભાઈએ હેમલ જોડે ફોન પર વાત કરી હતી ત્યારે તેણે કહ્યું હતું કે તેને યુક્રેનની સરહદની અંદર છેક ૧૦થી ૧૫ માઈલ મોકલી દેવાયો છે. 

વધુ એક કિસ્સો જોઈએ તો કર્ણાટકમાં ચા અને ઈંડાની લારી ચલાવતા એક પિતાએ પણ ફરિયાદ નોંધાવી છે કે તેનો પુત્ર રૂ.૩૦,૦૦૦ના પગાર સાથે દુબઈમાં પેકેજીંગ કંપનીમાં નોકરી કરતો હતો ત્યારે તે અને તેના ત્રણ મિત્રો આ જ રીતે ત્રણ લાખ રૂપિયાની લોન લઈને રશિયામાં રૂ.૧.૨૫ લાખનો પગાર મળશે તેમ કહીને ગયા છે અને તેઓનો કોઈ સંપર્ક નથી.

ઉત્તર પ્રદેશમાંથી જે વ્યક્તિઓ આવા કૌભાંડમાં ફસાઈ છે તેઓએ એકાદ વખત ભારતમાં તેમના ઘેર વિડીઓ કોલ કરવામાં સફળતા મેળવી હતી તેઓએ કહ્યું કે અમે 'બાબવ્લોગ' નામની યુ ટયુબ ચેનલ પરની ઓફર સાંભળી તેઓની સૂચનાને અનુસરીને ત્રણ લાખ રૂપિયા રશિયામાં નોકરી માટે આપ્યા હતા.અમને એવું નહોતું કહેવાયેલું કે અમારે આર્મીમાં અને તે પણ યુદ્ધ ભૂમિમાં જોડાવાનું છે.રશિયામાં અમારી પાસે બળજબરીથી કોન્ટ્રાક્ટ પેપર પર સહી લેવડાવી હતી. યુદ્ધ ભૂમિમાં અમારા માથા પર યુક્રેનના ડ્રોન ઉડે છે.બોમ્બ ધડાકા થાય છે.અમને તો કોઈ પ્રકારની સેના કે શસ્ત્રની તાલીમ નથી અપાઈ.અમને કોઈપણ હિસાબે છોડાવો.' આવા સંતાનોના પિતાએ પણ રાજ્ય સરકારને અરજ કરી છે.

કાશ્મીરની એક વ્યક્તિએ  ફોન પર કહ્યું કે 'મારા પગમાં ઈજા થઇ છે. આરી પાસે ભારતના અને ક્યુબાના એમ નવ વ્યક્તિઓ છે અને અમને યુક્રેનની મારીઉપોલ સરહદ પર મૂકી દેવાયા છે. મેં ક્યારેય રાઈફલ પકડી નથી અને મારી જ ગોળી મારાથી મારા પગમાં વીંધાઈ ગઈ છે.'

અમદાવાદનો શેખ મોહમ્મદ નામનો ૨૪ વર્ષીય કાર બેટરીની દુકાનમાં કામ કરતો હતો તે પણ રશિયન જાળમાં ફસાઈ ગયો પણ કોઈક રીતે કરાર થાય તે પહેલા જ ભારત પરત આવવામાં સફળ  થયો હતો.

એક માન્યતા પ્રમાણે આ બધા રશિયાની આર્મીમાં પણ છે અને  રશિયાની સરકારની ખાનગી  સેના જે  વાગનેર ગુ્રપ તરીકે  ઓળખાય છે  તેની સેનામાં પણ સામેલ  હોઈ શકે છે. રશિયન આર્મીએ કબુલ્યું પણ છે કે ૧૦૦ જેટલા ભારતીયો અમારા તરફથી યુદ્ધ લડે છે.

વડાપ્રધાન મોદી થોડા દિવસો અગાઉ રશિયામાં પુતિનની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે ભારતના આવા સૈનિકો અને ફસાયેલાઓને ભારત પરત મોકલવામાં આવે તેવી રજૂઆત કરી હતી. કેન્દ્રનું વિદેશ મંત્રાલય, દિલ્હી અને મોસ્કોના દુતાવાસ પણ સક્રિય હોવાનું મનાય છે પણ હજુ કોઈ પરિણામ નથી આવ્યું. આપણે પ્રાર્થના કરીએ કે રશિયામાં ફસાયેલા આવા  નાગરિકો જેમ બને તેમ ઝડપથી તેમના દેશ પરત ફરે. વિદેશમા નોકરી માટે જતા પહેલા સાવધ રહેશો. 


Google NewsGoogle News