Get The App

દિવાળી : ઉરમાં ઊર્જા, ઉમંગ અને ઉજાશનું પ્રાગટય

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
દિવાળી : ઉરમાં ઊર્જા, ઉમંગ અને ઉજાશનું પ્રાગટય 1 - image


- વિવિધા-ભવેન કચ્છી

- રાવણનો અંત અને ૧૪ વર્ષનો વનવાસ વીતાવી  ભગવાન રામ, સીતા માતા અને લક્ષ્મણનું પુષ્પક વિમાન અયોધ્યામાં ઉતરાણ કરે છે અને પ્રજાજનો સમગ્ર નગરીને દીપથી ઝગમગાવે છે..વાતાવરણમાં ઉત્સાહની હેલી ફરી વળે છે

- દિવાળીની ઉજવણી માટે આપણા પુરાણોમાં અને અન્ય ધર્મોમાં અલગ અલગ સંદર્ભો પણ જોઈ શકાય છે

- અયોધ્યાની યાત્રા કરવાથી રામાયણના પ્રસંગોના પુરાવાની ઘણા નજીક પહોંચી શકાય છે

દિ વાળી શબ્દ સંસ્કૃત ભાષાના  'દિપાવલી' શબ્દ પરથી આવ્યો.દિપાવલી એટલે દીવાઓની હારમાળા કે હરોળ. દિવાળીના તહેવારમાં  એકાદ કોડિયું કે દીપ જ નથી પ્રગટાવાતો પણ દીવાઓની હરોળની પરંપરા છે.  શા માટે દીપ નહીં અને દિપાવલી એટલે કે હરોળનું માહત્મ્ય તેમ વિચારીએ તો ભગવાન રામ,સીતા માતા અને લક્ષ્મણ ૧૪ વર્ષનો વનવાસ ભોગવીને  અયોધ્યા નગરીમાં પ્રવેશવાના હોય છે તેથી અયોધ્યા નગરીના પ્રવેશ દ્વારથી જ સમગ્ર નગરીમાં હરોળબંધ દીવા કરવામાં આવ્યા હતા. માર્ગની બંને બાજુ અને પ્રત્યેક ઘર રંગોળી દોરી સુશોભિત કરાયા હતા. પ્રજાજનોએ મીઠાઈની આપ-લે  કરી મોં મીઠા કર્યા હતા. આ દિવસ માનવ જગત હંમેશા યાદ રાખે અને ઉજવણી કરે તે રીતે પ્રત્યેક વર્ષે દીપાવલીનો તહેવાર  ઉજવાય છે. માત્ર ભગવાન રામ, સીતા માતા અને લક્ષ્મણ વનવાસમાંથી પરત આવ્યા હતા તેનો તો અદમ્ય ઉત્સાહ હતો જ પણ ભગવાન રામે રાવણનો અંત આણીને રાક્ષસી કે આસુરી  તત્ત્વો પર સત અને દૈવ શકિતનો આખરે  વિજય થાય છે તેવો આત્મવિશ્વાસ પણ તે અરસાની હતાશ થઈ ગયેલી પ્રજાને આપ્યો હતો. 

તહેવારના ક્રમની રીતે જાણવું પણ રસપ્રદ છે. દશેરાના દિવસે રામે રાવણ માર્યો હોઇ તેની ઉજવણી થાય છે.તે પછી લંકાથી અયોધ્યા પહોંચતા ભગવાન રામ, સીતા માતા અને લક્ષ્મણને વીસ દિવસ થાય તે માની શકાય તેવી વાત છે.લંકાથી અયોધ્યા સુખરૂપ પહોંચવા માટે રાવણનો ભાઈ  વિભીષણ તેઓને પુષ્પક વિમાન આપે છે. વિભીષણને આ વિમાન કુબેરે આપ્યું હોય છે. રાવણના અંત પછી વનવાસના ૧૪ વર્ષોની પણ સમાપ્તિ થઈ હોય છે. પણ ભગવાન રામ તરત અયોધ્યા પરત થવા માટે લંકાથી નથી નીકળતા. ભગવાન રામ  વિભીષણનો લંકામાં રાજ્યાભિષેક કરાવે છે. લંકાની પ્રજા આબાદ અને સુખી રહે તે માટે કઈ રીતે શાસન કરવું તે નીતિ વિષયક જ્ઞાન ભગવાન રામ વિભીષણને કેટલાક દિવસો આપે છે. ભગવાન રામ, સીતા માતા, લક્ષ્મણ અને વાનર સેનાના પ્રતિનિધિઓને લઈને પુષ્પક વિમાન ઉડ્ડયન કરે છે. આ વિમાનની ઝડપ એવી હતી કે લંકાથી અયોધ્યા આમ તો ત્રણ કલાકમાં જ પહોંચાય પણ ભગવાન આ માટે કેટલાક દિવસો લે છે કેમ કે વચ્ચે ભારદ્વાજ ઋષિથી માંડી અન્ય ઋષિઓના જ્યાં જ્યાં આશ્રમો હતા તેઓના આશીર્વાદ મેળવવા અને રાવણનું મૃત્યુ નીપજાવવા બદલ તેઓ સમક્ષ પશ્ચાતાપ કરવા ધરતી પર , જંગલોમાં ઉતરતા રહે છે. દશેરાના ૨૦ દિવસ પછી પુષ્પક વિમાન અયોધ્યા ઉતરાણ કરવાનું હોય છે તે તો અમાસની મધરાત હોય છે.આ તિથિનો સામાન્ય દિવસ હોત તો ઘોર અંધારું જ હોય અને પુષ્પક વિમાન ઉતરાણ જ ન કરી શકે પણ આ તો બધી ભગવાન રામની લીલા હતી. અયોધ્યાવાસીઓને તો ખબર હોય છે કે ભગવાન રામ વનવાસ અને રાવણનો અંત આણી પરત આવી રહ્યા છે એટલે અમાસના અંધકારમાં પણ ઝગમગાટ થાય તેમ આખી અયોધ્યા નગરીમાં મધરાતે પણ ઉજવણી અને અદમ્ય ઉત્સાહનો માહોલ હતો અને દીવાઓથી નગરી તેજોમય ભાસતી હતી. પુષ્પક વિમાને  આવા ઉજાસમાં ઉતરાણ કર્યું. આમ પણ ભગવાન રામ હોય ત્યાં અંધકારની હાજરી જ ક્યાંથી સંભવી શકે. દિવાળીનો પર્વ હિન્દુ ધર્મનું હાર્દ બની ગયો.

અયોધ્યામાં રામ જન્મ ભૂમિ અને મંદિર દર્શનનો  મહિમા છે. દેશ વિદેશથી દર્શનાર્થીઓ વર્ષ દરમ્યાન મુલાકાત લે છે.પણ અયોધ્યા જનારા યાત્રાળુઓ  કદાચ એક મહત્વની જગ્યાની મુલાકાત લેવાનું ચૂકતા હોય તેવું લાગ્યું. અયોધ્યાથી ૧૯ કિલોમીટરના અંતરે  પ્રયાગ તરફ જતા  નંદીગ્રામ નામની જગ્યા આવેલી છે. ભગવાન રામ,સીતા અને લક્ષ્મણ ૧૪ વર્ષના વનવાસ પર જાય છે ત્યારે ભરત ૧૪ વર્ષ માટે નંદીગ્રામમાં જ રહ્યા હતા. ભરત જ્યાં તપ કે ધ્યાન કરતા તે ભોંયતળિયે ગુફા જેવી જગ્યા પણ આ મંદિર સંકુલમાં છે.ભરત જ્યાં રોજ સ્નાન કરતાં તે ભરત કુંડ પણ અહી આવેલો છે. લક્ષ્મણ જ્યારે વનવાસ દરમ્યાન મૂર્છા પામે છે ત્યારે હનુમાન જડીબુટ્ટી લેવા હિમાલય તરફ જવા આકાશમાં ઉડતા હોય છે ત્યારે તેમનો વિરાટ પડછાયો નંદીગ્રામ પરથી પસાર થાય છે. ભરત હનુમાનને ઓળખી નથી શકતા તેથી નીચેથી એક શસ્ત્ર હનુમાન પર ફેંકે છે આને કારણે  હનુમાન થોડી પળો માટે નંદીગ્રામ ઉતરે છે.તે શસ્ત્ર ફેંકનાર ભરતને ત્વરિત ઓળખાતા નથી.તેઓ તો એમ સમજાવવા ઉતર્યા છે કે તે કોઈના દુશ્મન નથી.નંદીગ્રામમાં  ઉતરતા જ તેમની નજર રામ ભગવાનની પાદુકા પર પડે છે. ભરત રામ ભગવાનની પાદુકાની રોજ પૂજા કરતા હોઇ તેમણે તે ત્યાં રાખી હતી. હનુમાનજીને તરત ખબર પડી જાય છે કે આ મહાન વ્યક્તિ ભરત છે. હનુમાન ભરતને વહાલથી ભેટે છે. ભરત અને હનુમાનનું આ પહેલું મિલન જે નંદીગ્રામમાં થયું હોય છે. હનુમાન પાસે સમય નથી હોતો તરત જ તે જડીબુટ્ટી લેવા ઉડાણ ભરે છે. જ્યારે અયોધ્યા પરત આવવા માટે ભગવાન રામ  પુષ્પક પરથી નીકળવાની તૈયારી કરે છે ત્યારે હનુમાન ફરી ભરત જોડે નંદીગ્રામમાં મિલાપ કરે છે અને ખુશ ખબર જણાવે છે. અહીં સીતારામ, હનુમાન અને શિવ મંદિર પણ આવેલું છે. પિતૃ પિંડ દાનનો પણ આ સ્થળનો મહિમા છે.

હાલનું નંદીગ્રામ સ્થળ તો તે જમાનામાં જંગલ હશે. તે  ભગવાન રામના સમયગાળા કરતાં પણ જૂનું હશે કેમ કે નંદીએ ભગવાન શિવને રીઝવવા આકરું તપ આ સ્થળેથી કર્યું હતું. ભગવાન શિવ પ્રસન્ન થાય છે. નંદી ભગવાન શિવનું સતત સાનિધ્ય અને તેની આંખો સામે જ ભગવાન શિવ કાયમ રહે તેવી માંગ કરે છે. ભગવાન શિવ આ વરદાન આપતા નંદીને તેનો ગણ બનાવે છે.ત્યારથી નંદી ભગવાન  શિવના લિંગ સામે જોતો અને તેમનું ધ્યાન રાખતો ગણ નંદી બન્યો. આ એ જ જગ્યા અને તેથી તેનું નામ નંદીગ્રામ પડયું.

ભરતે પણ ૧૪ વર્ષ અહીં સાધના કરીને અયોધ્યામાં રાજ કર્યું હતું. અમુક સંદર્ભ એવા પણ છે કે ભગવાન રામ અયોધ્યા પ્રવેશતા પહેલા ભરત જોડે નંદીગ્રામ મિલન કરીને ભારે ભાવુક બની જાય છે અને બંને ભાઈઓ અશ્રુ ભીની આંખે  ભેટે છે. અયોધ્યાથી પ્રયાગ જવાના માર્ગ પર આ જગ્યા આવેલી છે.  સ્થાનિક ડ્રાઈવર જ તમને લઈ જાય બાકી પ્રવાસન વિભાગના જોવાલાયક સ્થળમાં આશ્ચર્યજનક રીતે આ જગ્યાને સ્થાન જ નથી અપાયું. 

તેવી જ રીતે અયોધ્યામાં આવેલ હનુમાન ગઢી મંદિર એ સ્થળ છે જ્યાં ભગવાન રામ વનવાસ પછી આવ્યા ત્યારે રામ ભક્ત હનુમાન ભાવુક બની અશ્રુભીની આંખે રામને પગે લાગીને તેમનું સ્વાગત કરે છે ત્યારે ભગવાન રામ હનુમાનને ભેટી પડે છે અને હનુમાન તો ધન્ય થઈ જાય છે. આ સ્થળ પર જ મંદિર બન્યું અને અયોધ્યામાં રામ મંદિરના દર્શન હનુમાન ગઢીના દર્શન વગર અધૂરા મનાય છે. સર્યુ નદીનંિ આચમન સૌથી પહેલા લઈને દર્શન યાત્રાનો પ્રારંભ કરવાનો હોય છે.

અયોધ્યામાં જ દશરથ રાજાનો મહેલ કે જ્યાં ભગવાન રામને કૈકિયી ૧૪ વર્ષના વનવાસ માટે મોકલે છે  તે તેમજ સીતા સ્વયંવર સ્થળ બધું જ છે.

કેન્દ્રમાં મોદી અને ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર આવ્યા પછી દિવાળીના દિવસે અયોધ્યામાં ૨૫ લાખ દીવા પ્રગટાવવામાં આવે છે. ભગવાન રામ સાથે જોડાયેલ તમામ સ્થળો અયોધ્યામાં અને આસપાસ જ છે. તેથી દિવાળી ભગવાન રામ,સીતા અને લક્ષ્મણના અયોધ્યા પ્રવેશ દિન તરીકે ઉજવાય છે તે અમુક પુરાણો અનેગ્રંથમાં નિર્દેશ થયો છે તે યોગ્ય જણાય છે.સ્કંદ પુરાણ,વિષ્ણુ પુરાણ હરિવંશ,પદ્મ પુરાણ,કાલિકા પુરાણ અને હર્ષની નાટયકૃતિ 'નાગનંદા'માં પણ દિવાળીની માહિતી જોઈ શકાય છે. 

જો કે અમુક ગ્રંથોમાં એમ ઉલ્લેખ કરાયો છે કે આસો વદ ચૌદસના દિવસે ભગવાન કૃષ્ણએ સદીઓથી રંજાડ આપતા નરકાસુર રાક્ષસનો વધ કર્યો હતો. હજારો રાણીઓને આ રાક્ષસથી મુક્તિ અપાવી હતી. નારાકા ચૌદસે નરકાસુરના અતિ અધમ ત્રાસથી પ્રજા હવે સુખી અને સલામત બનતા તેઓએ તે પછીના દિવસે દેશ વ્યાપી ઉજવણી કરી અને આ તે પછીનો દિવસ એટલે  દીપના ઝગમગાટ સાથેની દિવાળી તરીકે પ્રતિ વર્ષ ઉજવાય છે. વિષ્ણુ પુરાણ અને 'હરિવંશ'માં દિવાળીની ઉજવણીનું આ કારણ અપાયું છે. દક્ષિણ ભારતમાં દિવાળીની ઉજવણી માટે આ માન્યતા અને શ્રધ્ધા પ્રવર્તે છે. મહાભારતમાં પાંડવોના ૧૩ વર્ષનો વનવાસ દિવાળીના દિવસે થયેલો તેમ ઉલ્લેખ છે. 

જૈન ધર્મમાં દિવાળીનો તહેવાર એવી રીતે મહાત્મ્ય ધરાવે છે કે આ દિવસે ભગવાન મહાવીરને નિર્વાણ પ્રાપ્ત થયો હતો.

નેપાળના નેવાર કે જેમાંથી કેટલોક સમુદાય હિન્દુ તો કેટલાક બૌધ્ધ ધર્મ પાળે છે તેઓ દિવાળીને દિવસે લક્ષ્મી પૂજા કરે છે.

કેરાલામાં દિવાળી પછીનો ચોથો દિવસ 'બલીરાજ્ય' કે 'ઓનમ' તરીકે ઉજવાય છે. ભગવાન વિષ્ણુનો વામન અવતાર રાજા બલીને પાતાળમાં  દફન કરે છે. તો બીજી માન્યતા પ્રમાણે ભગવાન વિષ્ણુના પત્ની લક્ષ્મી રાજા બલીને આ એક દિવસ પાતાળમાંથી બહાર આવવા મુક્ત કરે છે તે નિમિત્તે ઉજવાય છે.

પદ્મ પુરાણ પ્રમાણે સમુદ્ર મંથન દરમ્યાન જ્યારે લક્ષ્મીનું સર્જન થાય છે તે દિવસ તેરસ છે અને આપણે ધન તેરસની ઉજવણી કરીએ છીએ. તેના ત્રીજા દિવસે લક્ષ્મી માતા ભગવાન વિષ્ણુ જોડે લગ્ન કરવાનો નિર્ણય લે છે અને લક્ષ્મી પૂજન તેમજ દિવાળીની ઉજવણીનો સંયોગ રચાય છે.

શીખ ધર્મની રીતે જોઈએ  ૧૫૭૭ની સાલમાં દિવાળીને દિવસે અમૃતસર શહેરની સ્થાપના થઈ હતી. અન્ય માહત્મ્ય એ રીતનું પણ છે કે  છઠ્ઠા શીખ ગુરુ હરગોવિંદ કે જેમને ૧૭મી સદીમાં  જહાંગીરે કેદ કર્યા હતા તેમની ગ્વાલિયર જેલમાંથી મુક્તિ થઈ તે  પણ જોગાનુજોગ  દિવાળીના દિવસે થઈ હતી અને ઉજવણી થાય છે. અલબત્ત  હિન્દુ અને શીખ ધર્મીઓ સંપથી જોડાયેલા હોઇ તેઓ પણ દિવાળીની એમ પણ ઉજવણી કરે જ છે.

એવું માનનારો વર્ગ પણ છે કે જેમ ખ્રિસ્તી કેલેન્ડર પ્રમાણે ૧ જાન્યુઆરીથી નવું વર્ષ બેસે અને તેના અઠવાડિયા અગાઉથી નાતાલના વેકેશનની ઉજવણી થાય છે તે જ પ્રમાણે હિન્દુ સંવત કેલેન્ડરનો પ્રથમ દિવસ ગુજરાતમાં અને કેટલાક રાજ્યોમાં કારતકનો પહેલો દિવસ મનાય છે તેથી નવા વર્ષની શુભેચ્છાનો અને તેના પાંચેક દિવસ પહેલાથી દિવાળી અને વેકેશન સાથે ઉજવણી થાય છે. નાતાલની રજામાં કેક, પેસ્ટ્રી, ચોકલેટ અને અન્ય પશ્ચિમી મીઠી વાનગી તેમજ ભેટસોગાદો, શુભેચ્છા કાર્ડ, સંદેશા અને આતશબાજીની પરંપરા છે તે જ રીતે હિન્દુ ધર્મીઓ પૈકી સંવત વર્ષને માનનારા બરાબર તે જ રીતે તેમની વાનગીઓ અને શુભેચ્છાની આપ લે કરવા સાથે મિલન, મુલાકાત, વેકેશન, પ્રવાસ  દિવાળીના દિવસોમાં યોજે અને તેઓના નવા વર્ષને આવકારે છે. પ્રત્યેક પ્રાંતમાં તેઓનું પોતાનું દેશી કેલેન્ડર - પંચાંગ હોય જ છે. કારતકનો પ્રથમ દિવસ જેઓનું નવું વર્ષ નથી તેઓ માત્ર ધન તેરસ,ચૌદસ, દિવાળી, લક્ષ્મી પૂજન,ભાઈ બીજ ઉજવે પણ નવું વર્ષ બધાનું જુદું હોઇ ગુજરાતમાં દિવાળી પછી નવું વર્ષ ઉજવાય ત્યારે ઉદાહરણ તરીકે મહારાષ્ટ્ર માં કામનો ચાલુ દિવસ હોય છે  કેમ કે તેઓનું નવું વર્ષ ગુડી પડવો છે અને ત્યારે તેઓ ઉજવણી કરે છે. 

દિવાળી હવે તો અમેરિકાના વ્હાઈટ હાઉસમાં અને  ત્યાંના પ્રત્યેક  રાજ્યોમાં ગોરા અને અશ્વેતોની સામેલગીરી સાથે ઉજવાય છે.યુરોપીય દેશો કે જ્યાં ભારતીયો રહે છે ત્યાં પણ દિયા, આતશબાજી, મીઠાઈ  ઉજવણી થાય છે. દિવાળી આપણને ઊર્જા અને તરવરાટ અર્પે છે. દિવાળીનો તહેવાર આપણો હૃદસ્થ તહેવાર કહી શકાય. વાચક મિત્રો, તમને સૌને પણ દિવાળીની અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા.. 


Google NewsGoogle News