રોમાંચ સિંગલ સ્ક્રીનનો અને મલ્ટીપ્લેક્સનો
- પેન નલિનની ફિલ્મના કિશોરની જેમ કચકડાની પટ્ટીના કામણની તમારી યાદો કેવી છે?
- વિવિધા-ભવેન કચ્છી
- અમેરિકાથી ભારત સ્થાયી થયેલા સ્વ. ક્રિષ્ના શાહે 'શાલીમાર' પછી હિન્દી ફિલ્મ ઉદ્યોગની યાત્રા કરાવતી 'સિનેમા સિનેમા' દસ્તાવેજી બનાવી હતી
પે ન નલિનની ભારત તરફથી ઓસ્કાર એન્ટ્રી પામેલ ફિલ્મ 'છેલ્લો શો' અંતરિયાળ ગામડાના કિશોરના કચકડાની પટ્ટીથી બનેલી મનોરંજક ફિલ્મ પ્રત્યેના અસાધારણ લગાવ અને ખેંચાણને મઢેલી ડિજિટલ ફિલ્મ છે.
થોડા મહિનાઓ અગાઉ ફિલ્મ પરના લેખમાં 'કચકડાની દુનિયા' તેવા શબ્દનો પ્રયોગ કર્યો હતો ત્યારે મલ્ટીપ્લેક્ષ કે આઈમેક્સ સ્ક્રીન પર વીએફએક્સ ટેકનોલોજીથી ભરપૂર એવી ફિલ્મ જોઈને યુવાવયમાં ડગ માંડી ચૂકેલ વાચકે ફોન કરીને પૂછયું હતું કે 'કચકડું એટલે શું? ફિલ્મને કચકડાની દુનિયા તરીકે તમે જણાવી છે.કઈં સમજાયું નહીં.'
આપણે નવી પેઢી સાથે ડિજિટલી કનેક્ટ થવું પડે તે તો ભાન થયું જ પણ જેમ કેટલીયે અગાઉ ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓ હવે કાયમ માટે નામશેષ થઇ ગઇ છે તેમ એવા અગણિત શબ્દો પણ છે જે આપણને સહજ લાગતા હોય પણ કિશોર અને યુવા જગતને તેનો અર્થ જ ન સમજાય. આમ છતાં જો કોમ્યુકેશનની કળા હસ્તગત હોય તો આત્મ કથાનક પણ કોઈપણ વય જૂથમાં પેઢીના અંતરને ખાઈની જગ્યાએ સેતુરૂપ બનાવી પ્રેરક અને રોચક પુરવાર કરી જ શકાતું હોય છે.તે રીતે પેન નલિનની 'છેલ્લો શો' ફિલ્મ તેમના પોતાના કિશોર વયની ફિલ્મ માટેના પેશનની - 'નોસ્ટાલજીક' છે છતાં આંતરરાષ્ટ્રીય સ્તરે આ ફિલ્મ ખુદ ફિલ્મ મેકિંગની યાત્રા અને ગામડામાં વસતા કિશોરની ફિલ્મી તલબની 'આર્કાઈવ્ઝ' બની રહેશે. જે કંઈ પણ વિવિધતામાં એકતા જેમ સમગ્ર ભારત દેશના દિલ દિમાગને સ્પર્શે તે માટે 'પાન' શબ્દનું પ્રયોજન થાય છે. ‘Pan”એટલે 'પ્રેઝન્સ એક્રોસ નેશન.' ઓસ્કારમાં એવી ફિલ્મોને જ એવોર્ડ મળે છે જે 'પાન ઇન્ટરનેશનલ'હોય.
જ્યૂરીને એમ લાગશે કે 'છેલ્લો શો કે જેનું અંગ્રેજી ટાઇટલ 'ધ લાસ્ટ ફિલ્મ શો' છે તે ઇથોપિયાથી માંડી અમેરિકાના દર્શકોને સમાન લાગણી સાથે જોડી શકે છે તો તેને ઓસ્કાર મળવાની સંભાવના વધી જશે.
હા, 'છેલ્લો શો'ની થીમ વિશે જાણી સિંગલ સ્ક્રીન પર ફિલ્મ જોઈ વયસ્ક થયેલા અને હવે ડિજિટલ દુનિયાની રોચકતા અનુભવતા નાગરિકો તેમની કિશોરથી યુવા વયના ફિલ્મી ચક્કર જેવા જમાનાની યાદો કચકડાની પટ્ટીની જેમ ફેરવી ચુક્યા હશે.તમે તમારી કિશોર વયથી અત્યાર સુધીના ફિલ્મ ક્રેઝ અને ઉત્કટતા પર વિચારો.
થોડા વર્ષો પહેલા અમદાવાદના રતન પોળ નજીક આવેલ 'રૂપમ' થિયેટરના માલિક વંદન ભાઈ શાહનો ફોન આવ્યો હતો. તેમણે લાગણી ભીના અવાજે આપ્તજનને અંતિમ વિદાય આપવાની હોય તેવા સ્વરમાં કહ્યું કે 'અમારું રૂપમ હવે સિંગલ સ્ક્રીન તરીકે કાયમ માટે બંધ થાય છે. કેટલાક તમારા જેવા મિત્રો માટે બે શો રાખ્યા છે. હાલ જે ફિલ્મ (ઇરફાન ખાન અને ઐશ્વર્યા અભિનીત 'જઝબા') ચાલે છે તેનો આ ગુરુવારે છેલ્લો શો રૂપમ સિંગલ સ્ક્રીન થિયેટરનો પણ છેલ્લો શો હશે.'
જો કે આ અકાળ જ પડદો પાડી દેવો પડે તેવી સ્થિતિ નહોતી. ગુજરાત સહિત ભારતના શહેરોના મોટાભાગના સિંગલ થિયેટરો મલ્ટીપ્લેક્ષના જમાનામાં વારાફરતી બંધ થઈ ચૂક્યા હતા. રૂપમના માલિકોએ શક્ય એટલી ઝીંક ઝીલી પણ અંતે વ્યવહારુ નિર્ણય લેવો પડે તેમ જ હતો. જાણે તેઓએ મૃત્યુની તારીખ પાછી ઠેલવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો.
અમે સપરિવાર રૂપમનો અને અમારા જીવનનો સિંગલ સ્ક્રીન પરનો છેલ્લો શો જોવા માટે ગયા ત્યારે વંદન ભાઈએ કહ્યું કે 'પ્રોજેક્ટર રૂમ અને ફિલ્મની રીલ પણ જોઈ લો.'
તરત જ આ લખનાર ફ્લેશ બેકમાં બાળ વયનો બનીને જૂનાગઢના લિબર્ટી થિયેટર પર પહોંચી ગયો. લિબર્ટી થિયેટરમાં પ્રોજેક્ટર રૂમ એક જ માળનું થિયેટર હોઈ નીચે જ હતું. ફિલ્મનો શો ચાલુ હોય તે દરમ્યાન હાલની ફિલ્મ અને હવે પછી રજુ થનાર ફિલ્મના ફોટો કાચના કબાટમાં લગાવેલા હોય તે અંદર જઈને જોઈ શકાતા. જો કે આવી રીતે ફોટા તો જેઓ પછીનો શો જોવા આવ્યા હોય તેઓ સમય પસાર કરવા જુએ. પણ મારા જેવા કેટલાક જૂજ એમ જ ચહેરા પર દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાંથી ભોજનના ટુકડાની તલાશમાં આવ્યા હોય તેમ થિયેટરમાં જઈને ફોટા જોવાના બહાને ઉભા રહે. ત્રણથી છનો શો ચાલુ હોય ત્યારે ચાર વાગે થિયેટરમાં તે વિભાગમાં નહિવત ચહલ પહલ હોય. ફોટા જોવાના બહાને મૂળ આશય પ્રોજેક્ટર રૂમમાંથી ફિલ્મમાં ફાઇટિંગ ચાલતી હોય ત્યારે જે 'ઢીસુમ.. ઢીસુમ..'ના અવાજ આવતો હોય તે સાંભળવાનો રહેતો. આજે પણ આ રીતે સાંભળેલ ફિલ્મ 'બોમ્બે ટુ ગોવા', 'શાગીર્દ' કે 'હમજોલી'ના ગીત આવે તો આંખો ભીની થઈ જાય. ફિલ્મો જોવા પણ મળતી. તો પણ આ રીતે થિયેટરની આજુબાજુ જ જોવા મળતો હોઈ ડોર કીપર અપમાનિત ભાષા સાથે બહાર કાઢે અને ફરી તે આઘો પાછો થાય તો ફોટા જોવાના બહાને તક ઝડપી લેતો.
લિબર્ટીમાં ફિલ્મના સંવાદ કે ફાઈટના અવાજ સાંભળી શકાતા પણ હરેશ થિયેટરમાં ફિલ્મનું એકાદ દ્રશ્ય જોવા મળી જાય તે માટેની ભેદી યોજના પણ બનાવી હતી. ફિલ્મના ફોટા કાચના કબાટમાં મુક્યા હોય તે લોબીમાંથી જ અપર સ્ટોલના દર્શકોને પ્રવેશ મળતો. એક દ્રશ્ય જોવા કોઈવાર પાંચેક મિનિટમાં જ નસીબ સાથ આપે તો કોઈવાર પંદર વીસ મિનિટ પણ લાગે. આટલું તપ કર્યા પછી ડોરકીપરની નજરે ચઢો તો હડસેલી પણ દે. કોઈ વખત આ રોજનો અતૃપ્ત આત્મા છે તેમ માની લોબીમાં ઉભો પણ રહેવા દે. તે વખતે ફિલ્મ ચાલુ હોય ત્યારે હોલનો મુખ્ય દરવાજો બંધ નહોતો રહેતો પણ હોલમાં અંધારું જળવાઈ રહે તેથી કાળા રંગના જાડા પડદા રહેતા. ફિલ્મમાં કોઈ ગીત કે મુજરો આવે એટલે કેટલાક દર્શકો બીડી પીવા કે બાથરૂમ જવા બહાર નીકળતા. તેઓ કાળા રંગનો પડદો ખસેડી બહાર નીકળે તે સાથે જ હું કાળા પડદાને પકડી લઉં અને ફિલ્મનું ગીત કે દ્રશ્ય માણી લઉં. ઘણી વખત તો હોલમાં અંદર જ ઉભો રહી જઉં. આવી જ રીતે 'આયા સાવન ઝૂમકે'નું 'ઓ માજી ચલ' ગીતની ઝલક જોઈ હતી. ધર્મેન્દ્ર હોડીમાં બેસીને ગીત ગાતો હોય છે. તે પછીના દિવસોમાં ફિલ્મના ટાઈટલ ગીતનો એક અંતરો જોઈ કાઢેલો. બહુ લાંબો સમય ખેંચુ તો ડોર કીપર અશ્લીલ શબ્દો સાથે તગેડી મૂકે. ફરી થોડા દિવસો પછી આવી હરકતો શરૂ કરી દેતો. ખબર નહીં કેમ પણ ડોર કીપર મારા પર દયા રાખીને અમુક મિનિટો ઉભા રહેવા દેતા કે નજરઅંદાજ કરતા હતા.
નવાઈની વાત એ છે કે ૧૧ - ૧૨ વર્ષની નાની વયે પણ અમે ઘેરથી એક દોઢ કિલોમીટર દૂર ક્યાં રખડતા તે પૂછનાર કોઈ નહોતું.સાયકલ ભાડે લઈને ફરતા ત્યારે છોલાયેલા ગોઠણ સામે ઘેર ખાસ નજર પણ નહોતી મંડાતી.શેરીના કૂતરા એમ જ પાછળ પૂંછડી પટપટાવતા આવે અને અન્ય શેરીના કૂતરા જોડે ભસતા લડતા રહી પરત આવે.
જૂનાગઢમાં તે વખતે નિશ્ચિત સ્થળો પર જુદા જુદા થિયેટરમાં ચાલતી ફિલ્મના નાના કદના હોડગ મુકાતા. દર ગુરુવારે તક મળે તો રાત્રે કે પછી શુક્રવારે સવારે તો આ બોર્ડ જોવા નીકળી પડવાનો ક્રમ.લાઈબ્રેરી જવાની સારી આદત એટલે રસ્તામાં બધા બોર્ડ આવી જાય. જોયેલી ફિલ્મ ઉતરી ન હોય તો નિરાશ થવાતું. નવી ફિલ્મના પોસ્ટર અને બોર્ડનો રોમાંચ અનેરો રહેતો.મોટેભાગે માતા પિતા જોડે જ ફિલ્મ જોવાની થતી તો પણ બધી જ જોવી શક્ય ન બનતા આવી રીતે ફિલ્મી દુનિયામાં રહેતો.
કિશોરવય છતાં ઝગમગ અને ચિત્રલોક સમાન ચાહિતા હતા. જૂનાગઢ પછી ભાવનગરના થિયેટરો અને તેના ડોર કીપર જોડે સંતા કુકડીના ખેલ રમ્યા.
ફળિયામાંથી પસાર થતા કે હેર કટિંગ સલૂનમાં વહેલી સવારે ભજનો રેડિયા પર રાહગીર સાંભળી શકે તેવા મોટા અવાજથી શરૂ થતાં અને આખો દિવસ ફિલ્મ સંગીતની જમાવટ રહેતી.ફિલ્મ અને ક્રિકેટ વગરનું જીવન કલ્પી જ ન શકાય.
અમદાવાદમાં તો યુવા વયે થિયેટરોની સંખ્યા જોઈને જ જાણે કરોડપતિ થઈ ગયો હોય તેવી લાગણી અનુભવી.તેમાં પણ આશ્રમ રોડ પર અજંતા ઇલોરા એમ બે થિયેટરની બહુમાળી ઇમારતે કૌતુક જમાવ્યું.મણીનગરમાં અપ્સરા- આરાધના આ રીતે નિર્માણ પામી. એડવાન્સ અને મધુરમમાં અંગ્રેજી કે બહુ તો આર્ટ ફિલ્મો પ્રદશત થાય.
કેટલીક સ્વચ્છ ફિલ્મો સોસાયટીમાં કોમન પ્લોટમાં પણ બતાવાતી. ભાડેથી પ્રોજેક્ટર અને ફિલ્મના રીલ આવી જાય. ભીંત પર પડદો ગોઠવાય અને સોસાયટીના રહીશો નીચે બેસી કોમન પ્લોટમાં ફિલ્મ માણે.
ફિલ્મનું મોટાભાગના બાળકોને એવી હદનું ઘેલું હતું કે ફિલ્મ નિર્માણ દરમ્યાન કેટલીક પટ્ટીનો બગાડ પણ નીકળતો. ફિલ્મ રિલીઝ થઇ ડબ્બામાં જાય તે પછી પણ તેની પટ્ટીના સંગ્રાહકો હતા.દુરબીનથી જોવા માટે પણ કચકડાની ફિલ્મ પટ્ટી કે ફોટા મળતા હતા. ફિલ્મના પ્રચાર માટે બંને બાજુ ફિલ્મના બોર્ડ લગાવેલી ઘોડાગાડી માર્ગો પર ફરતી.ફિલ્મના ગીતો, વાર્તા, ફોટા ધરાવતા પેમફ્લેટનું મફતમાં વિતરણ થતું. આવી ઘોડાગાડી પાછળ એકાદ કિલોમીટર ચાલીને ઘેર પરત આવતા જીવ કચવાતો. ફિલ્મ હીરો અને હિરોઈન જેવી હેર સ્ટાઇલ, ફેશન, બોડી લેન્ગવેજ, નખરા અને અદાકાર હોવાનો બધાને વહેમ પણ ખરો.
અમેરિકાથી ભારત સ્થાયી થયેલા ક્રિષ્ના શાહે ધર્મેન્દ્ર અને ઝીનત અમાન તેમજ વિદેશી કલાકારોને લઈને શાલીમાર ફિલ્મ બનાવી હતી. તેમણે જ સિનેમા સિનેમા નામની ભારતીય ફિલ્મ જગતની યાત્રા કરાવતી દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી.સિનેમા પરની સિનેમા ખાસ નથી બની. ગામડાના એક ગરીબ કિશોર થકી તેનું ફિલ્મ માટેનું અદમ્ય ખેંચાણ અને કુટુંબ તેમજ સમાજનું તે જમાનામાં ફિલ્મ જોવી તે અસંસ્કારિતા મનાતું તેવા પાસાઓને લઈને થતો મનોસંઘર્ષ વધતા ઓછા અંશે પ્રત્યેક ગ્રામીણ જ નહીં શહેરી અને શિક્ષિત પરિવારે પણ અનુભવ્યો હશે.