જ્યારે દેશનો એક એક નાગરિક સૈનિક બને ત્યારે..
- બાઇડેને રાજ્યાશ્રય આપવાની ઓફર કરી ત્યારે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ કહી દીધું હતું કે 'મારે તમારી છત્રછાયા નથી જોઈતી. સહાય જ કરવી હોય તો શસ્ત્રો પૂરા પાડો'
- વિવિધા-ભવેન કચ્છી
- રશિયા કરતા પાંચમા ભાગની તાકાત ધરાવતું યુક્રેન અઢી વર્ષથી યુધ્ધમાં કેમ ટકી શક્યું તેનું કારણ તેમના નેતા અને નાગરિકોની દેશદાઝ છે : ભારત આવો મિજાજ બતાવી શકે ખરો?
- ભારતમાં મફતનું લેવા માટે લાંબી લાઈન લાગે છે તેમ યુક્રેનમાં બંદૂક લેવા અને સૈનિક તરીકે ભરતી થવા લાઈન લાગે છે. વિદેશમાં વસતા યુક્રેનવાસીઓ લડવા માટે તેમના દેશમાં પરત આવી ગયા છે.
અ મેરિકા અને ચીન પછીનું સૌથી તાકાતવર સૈન્ય અને શસ્ત્ર સરંજામ ધરાવતુ રશિયા આખરે તો યુક્રેન પર વિજય મેળવશે જ તેમ કહી શકાય પણ વિશ્વના રાજકીય સમીક્ષકોએ ડંકે કી ચોટ પર જાહેર કરી દીધું છે કે ભલે રશિયાની જીત થાય પણ તે પોતે પણ અંદરખાનેથી વિશ્વ સમક્ષ તેઓની બંધ મુઠ્ઠી ખુલી ગઈ હોય તેમ હારેલું જ માનશે કેમ કે જે યુધ્ધ દસ પંદર દિવસ માંડ ચાલે તેમ હતું તેને હવે અઢી વર્ષ વીતી ગયા છે અને યુક્રેનને 'નાટો' સૈન્યનીની મદદ પણ નથી મળી.. હતાશ પુતિને પરમાણુ બોમ્બ ફેંકવા સુધીની ધમકી આપતા રહે છે. યુક્રેન રશિયા કરતા ભૂમિ, હવાઈ અને દરિયાઇ તમામ મોરચે પાંચમા ભાગની જ શક્તિ ધરાવે છે તો પણ આ હદે ઝીંક કેમ ઝીલી રહ્યું છે તેમાંથી ભારત જેવા દેશમાં નાગરિકો અને નેતાઓએ બોધપાઠ લેવાનો છે કે દેશની સુરક્ષા માત્ર સૈન્ય કે આધુનિક શસ્ત્રોથી નથી થતી પણ નેતા અને નાગરિકોના ખમીરથી થાય છે.
અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછું ખેંચ્યું અને તાલિબાનોએ લગભગ રાતોરાત કહી શકાય તેમ અફઘાનિસ્તાન પર કબ્જો લઇ લીધો હતો તેનું કારણ એ હતું કે દેશના પ્રમુખ અશરફ ઘાની એ જ દિવસે દેશને અને સૈન્યને તેના હવાલે છોડી અન્ય આશ્રય આપવા તૈયાર દેશમાં નાસી ગયા હતા. રાજા જ ભાગી જાય એટલે સૈન્ય પણ હતાશ થાય અને નાગરિકો પણ દેશદાઝની રીતે વહેંચાયેલા હતા.
અમેરિકાના પ્રમુખ બાઈડેને પણ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને કાયર ઓફર કરી હતી કે 'તમે યુક્રેન છોડી દો. તમારી જાનને ખતરો છે. અમે તમને આશ્રય માટેની વ્યવસ્થા કરી ચૂક્યા છીએ.' ત્યારે ઝેલેંન્સકીએ મર્દાનગી વ્યક્ત કરતા કહેલું કે 'મારે તમારી સવારી (રાઇડ) નહીં શસ્ત્રો જોઈએ છે.' તેમના પત્નીએ પણ ઝેલેન્સ્કિને કહ્યું કે 'દેશને છોડીને ન જતાં હું તમારી સાથે છું.'
સ્થૂળ તાકાતમાં રશિયા અનેકગણું શક્તિશાળી છે પણ દુશ્મન એટલે કે યુક્રેનની સૂક્ષ્મ તાકાતનો અંદાજ જ નહોતો માંડયો.
ભારત જેવા વિશાળ જનસંખ્યા અને સારી એવી લશ્કરી તાકાત ધરાવનાર દેશથી માંડી તાઇવાન જેવા તમામ ટચૂકડા દેશના નાગરિકોએ પ્રેરણા લેવા જેવી છે કે જો દેશનો એક એક નાગરિક દુશ્મન દેશ માટે સૈનિક જેવું જોમ બતાવે તો ચીન સહિતના મોટા માથા જેવા દેશોને આંખ ઉઠાવતા બે વખત વિચારવું પડે. જો કોઈ દેશ યુદ્ધ લાંબુ ખેંચવામાં સફળ થાય તો પોતાને દુનિયાના સુપર પાવરમાંનો એક માનતો દેશ ખુલ્લો તો પડે જ પણ તેની વિરુદ્ધ વૈશ્વિક આર્થિક નિયંત્રણો અને વિલન તરીકે જોવાની શરૂઆત થાય. યુક્રેને આ જ વ્યૂહરચના અપનાવી કે યુદ્ધને હારવા છતાં લંબાવો.
દેશના નાગરિકો કઈ રીતે યુદ્ધના દિવસોમાં તેમની ભૂમિકા ભજવી શકે તે પણ યુક્રેન વિશ્વના નાગરિકોને શીખવી ગયું. વિદેશમાં રહેતા હજારો યુક્રેન નાગરિકો યુદ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ મદદ કરવા તેમના સ્વદેશ પરત આવી ગયા છે. તેવી જ રીતે નિવૃત્ત સૈનિકોએ પણ ફરી યાદો તરીકે કબાટમાં મૂકી દીધેલો યુનિફોર્મ પહેરી લીધો.
વીરતા અને કાયરતા બંને ચેપી છે. યુક્રેનના પ્રમુખ, સેના અને નાગરિકોએ વીરતા થકી સમગ્ર દેશમાં દેશદાઝના ઘોડાપૂરને જન્મ આપ્યો. યુક્રેનનો એક નાગરિક હાથમાં એકપણ હથિયાર વગર રશિયાની ટેન્કના રસ્તે તેને જાણે કોઈ મોટર કાર અટકાવતો હોય તેમ ઉભો રહે અને આ તસવીર વાઈરલ બને તો યુક્રેનના નાગરિકોમાં કેવો મિજાજ કેળવાય તેની કલ્પના કરી શકો છો.
જે નાગરિકો યુધ્ધ મોરચે જઈ શકવા સક્ષમ નહોતા તેઓએ તેમની રીતે યોગદાન આપ્યું છે. યુક્રેનના હાઇવે, જુદા જુદા શહેરોની બહાર અને અંદર સ્થળ કે માર્ગ દર્શાવતા સાઈન બોર્ડ હતા તે કાઢી નાંખવાનું કે રશિયાના ભૂમિ દળને ગેર માર્ગે દોરવા તેની દિશા અવળી કરી નાંખતા બોર્ડ લગાવવાનું કામ તેઓએ ઉપાડી લીધું. દેશના એથીકલ હેકર્સને આગળ આવવાની ઝેલેન્સ્કીએ અપીલ કરી અને જોતજોતામાં મોટું સાયબર ટેક સજ્જ ગુ્રપ બની ગયું. તેઓએ રશિયાની લશ્કરી રણનીતિ ઘડતી વેબસાઈટ અવારનવાર હેક કરવામાં સફળતા મેળવી છે. રશિયા પાસેના પ્રાપ્ત નકશા, ઓનલાઇન બેંક વ્યવહાર, સંદેશા બધું જ ખોરવી નાંખવામાં ખાસ્સી સફળતા મેળવી. તે સાથે જ યુક્રેનની માહિતી રશિયા ન મેળવી શકે તેમ પોતાની સાઈટ લોક કરી દીધી.દેશના ટેકનોક્રેટ નાગરિકો આવી સ્વયં સેવક બનીને સેવા આપે છે.
આપણે ત્યાં મફત સેવા જાહેર થઈ હોય અને વહેલી સવારે લાઈન લાગતી હોય છે તેમ યુક્રેનમાં પુરુષો અને મહિલાઓની લાંબી લાઈન દૂધ, પાણી કે રેશનની સંગ્રહખોરી માટે નથી લાગતી પણ સરકાર દ્વારા અપાતી બંદૂક લેવા માટેની હોય છે.
યુક્રેનના હજારો પુરુષો તેમના પરિવારની મહિલાઓ, વૃધ્ધો અને બાળકોને પોલેન્ડ, હંગેરી, રોમાનિયામાં મોકલી દેવા સરહદ સુધી મુકવા જાય અને 'રહી જિંદગી તો ફિર મિલેંગે' જેવો કોલ આલિંગન સાથે આપીને ફરી યુક્રેન સરકાર અને સેના સમક્ષ ઊભા રહી કહે છે કે 'તમે રશિયા સામે ઝીંક ઝીલવા જે કામ સોંપો તે કરવા તૈયાર છીએ.'
નાગરિકો પોતાની અને સૈનિકોની સુરક્ષા માટે રશિયા સામે યુદ્ધ લડી શકાય તે માટે તેઓને કહેવામાં આવે તે પોઇન્ટ પર ખાડા ખોદે કે બંકર બનાવી યોગદાન આપે છે.. રશિયાના સૈનિકો, ટેન્ક અને વાહનો હુમલા માટેની આગેકૂચમાં ધીમા પડે તે માટે તેઓને દેખાય નહીં તેવી ટ્રેંચ અને નેટ પાથરતા હોય છે.
યુક્રેન વિશ્વમાં સૌથી વધુ સૂર્યમુખી ફૂલ પેદા કરતો દેશ છે. એક વીડિયો ખૂબ વાઈરલ બન્યો હતો. યુક્રેનની પીઢ વયની મહિલા રશિયન ટેન્ક આગળ ઊભા રહીને રશિયન સૈનિકને પડકારે છે કે 'મારા પર ગોળી ચલાવતા અગાઉ મારા ખિસ્સામાં સૂર્યમુખી ફૂલ ઉગે તેવું બીજ પણ મૂકી દે. મારા દફન બાદ તેમાંથી સૂર્યમુખી ઉગીને નીકળશે.'
ઝેલેન્સ્કીને બીજા ચર્ચિલ તરીકેની ઓળખ મળી છે. તેમણે પુતિન પર મેસેજ મૂક્યો છે કે 'તમે અમારા સૈનિકો અને નાગરિકોના મૃતાવસ્થામાં પણ ચહેરા જોઈ શકશો પીઠ નહીં.'
યુક્રેનની ગૃહિણી, ખેડૂત, કેબ ડ્રાઈવર, શિક્ષક, તબીબ, નિવૃત્ત કર્મચારી તમામ માટે દેશ છોડી દેવો આસાન હતો પણ મોટાભાગના નાગરિકોએ તે પસંદ નથી કર્યું.
હવે સવાલ એ થાય કે ભારત સામે કોઈ દેશ યુદ્ધ જાહેર કરે તો રાષ્ટ્રના ધ્વજ હેઠળ બધા નાગરિકો અને વિપક્ષો એક થાય? વાતવાતમાં ધાર્મિક લાગણી દુભાઈ જતા સોશિયલ મીડિયા પર કટ્ટર ધર્મ અને રાષ્ટ્ર પ્રેમ દેખાડનારા અને એકબીજાની હત્યા કરી નાંખતા નાગરિકો તેમના સંપ્રદાય, ધર્મ, અને પોતપોતાના વાવટામાંથી બહાર આવે ખરા ? સરકારની યોજના માટે કે મોલમાં સેલની ખરીદી માટે લાંબી લાઈન લગાવનારા સરકાર લડવા માટે બંદૂક આપે તો તે માટે લાઈનમાં ઉભા રહે? કારમાં ભૂલથી અન્ય વાહન ચાલકથી જરા ઘસરકો પડે તે સાથે બહાર આવી વાહન ચાલકને લાફો લગાવીને શૂરાતન બતાવનારા દુશ્મન દેશની ટેન્કને અટકાવવાની બહાદુરી બતાવે ? બધું જ સરકાર અને સેના કે જે તે વ્યવસાય સાથે જ સંકળાયેલા જ કરે તે માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે. યુક્રેનનો મિજાજ જોઇને આપણે દેશભક્તિની સાચી વ્યાખ્યા સમજવાની છે. યાદ રહે યુક્રેનને અમેરિકા અને યુરોપીય દેશોએ શો તો આપ્યા પણ તે ચલાવનારા સૈનિકો અને નાગરિકો મોરચા પર રહ્યા તો રશિયાના દાંત ખાટા કરવાનું શક્ય બન્યું હતું.