પિતા બનવા સાથે નોકરીમાંથી રજા ભારતમાં આવી મજા નથી
- ભારતમાં સરકારી પુરુષ કર્મચારી પિતા બને તો ૧૫ દિવસની 'પેટરનિટી' રજા માટે હકદાર : જાપાન અને યુરોપીય દેશોમાં એક વર્ષની આવી રજાની જોગવાઇ!
- વિવિધા-ભવેન કચ્છી
- અમેરિકાની નેટફલિકસ કંપની તેનો કર્મચારી પપ્પા બને એટલે ચાલુ પગારે એક વર્ષની રજા આપે છે : કોરોના કાળ અને ન્યુક્લિયર કુટુંબ બનતા પિતૃત્વ માણવાનો મહિમા વધ્યો
ભા રતની ક્રિકેટ ટીમનો કેપ્ટન હોવા છતાં રોહિત શર્મા પપ્પા બનવાનો હતો તેથી તેણે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચ નહીં રમી શકે તેવી ભારતીય ક્રિકેટ બોર્ડને જાણ કરી હતી અને ક્રિકેટ બોર્ડે તેની રજા માન્ય રાખી હતી.રોહિત શર્મા પુત્રનો પિતા બન્યો તે પછી પણ કેટલાક દિવસ પત્ની અને નવજાત શિશુ જોડે રહ્યો અને તે પછી હવે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો છે.
કોહલીએ પણ તેના બંને સંતાનોનાં જન્મ વખતે ટેસ્ટ ક્રિકેટ શ્રેણી હતી છતાં તે નહીં રમવાનો નિર્ણય લઈને તે વખતે ચાહકોના મિશ્ર પ્રતિભાવો ઝીલ્યા હતા.
પિતા તરીકેની ફરજ અને પિતૃત્વનો અવસર જીવનનો એક યાદગાર તેમજ પ્રેમ,હૂંફ અને ઘડતરની રીતે મહત્ત્વનો મુકામ છે. કોઈ ખેલાડી, સેલિબ્રિટી આખરે તો સંવેદનશીલ વ્યક્તિ છે. પુરુષને પણ મહિલાની જેમ પિતા બનતા તેના નવજાત શિશુ માટે અપાર હેતની લાગણી હોય છે.તેની પત્ની એટલે કે તેના બાળકની માતાને બાળકના જન્મ પછી વિશેષ ઊર્જા અને પોષણની જરૂર પડે છે. બાળકને ઉજાગરા કરીને મોટું કરવું પડતું હોય છે. અગાઉના જમાનામાં સંયુક્ત કુટુંબમાં બાળકો ક્યારે શેરી, ફળિયામાં મોટા થઈ જતા તેની માતા પિતાને ખબર જ ન રહેતી. કમ સે કમ ઘરમાં દાદા દાદી કે નાના નાની રહેતા અને પુત્રી કે પુત્રવધૂને પોષણયુક્ત ભોજન આપતા. માતાને આરામ મળી રહે તે માટેનું આયોજન થતું પણ હવે તો ન્યુક્લીઅર એટલે કે પતિ અને પત્નીી તેમજ તેના એક કે બે સંતાનો સાથે જ રહેતા હોય છે તેથી ઘરકામ, રસોઈ,પત્નીને આરામ આપવો બાળકને સાચવવું, ફરવા લઈ જવું કે બોટલથી દૂધ પીવડાવવું અને હાલરડાં ગાવા સુધીના કામ પતિ મહાશયો કરે છે.
જો કે એક મહત્વનો અને આવકાર્ય બદલાવ એવો આવ્યો છે કે અત્યાર સુધી પતિ દેવો માત્ર તેમની પત્નીને બાળકના જન્મ અગાઉ અને જન્મ પછી આરામ અને તેને પોષણયુક્ત આહાર વિહાર મળે તે માટે ઘરકામમાં સહભાગી થવું તે જ ખ્યાલથી જવાબદારી લેતા હતા. અત્યાર સુધી નવજાત શિશુના જન્મ અને પ્રારંભિક ઉછેરને માત્ર માતૃત્વના નેજા હેઠળ જ જોવાતું. પતિની જવાબદારી અને ફરજ પરિવારનું ગુજરાન ચલાવવાની જ રહેતી પણ હવે પુરુષ પણ પિતૃત્વને જીવનનો લ્હાવો માને છે.પત્ની સગર્ભા હોય ત્યારે પણ પતિ પણ પત્નીની સુશ્રુષા કરીને મીઠી પીડા વહોરતો હોય છે અને મજાકમાં એમ કહે છે કે 'વી આર ેપ્રેગનન્ટ.'
આવી ભૂમિકા વચ્ચે સગર્ભા મહિલાને તેની નોકરીમાં પગાર ચાલુ રહે તેમ મેટરનિટી લીવ્સ - રજાઓ મળે છે તે તો જાણીતી વાત છે પણ હવે વિશેષ કરીને વિદેશી કંપનીઓના પુરુષ કર્મચારીઓ પણ પિતા બનતા ખાસ 'પેટરનિટી લીવ્સ'ના હકદાર બન્યા છે અને તેના લીધે ભારતની કંપનીઓમાં પણ આ ટ્રેન્ડ હવે શરૂ થાય તે દિવસો દૂર નથી ભારતમાં અત્યારે તો પુરુષ કર્મચારી પિતા બનતા જ તેની અન્ય રજાઓ લઈને પણ પત્નીની જોડે ઊભા રહે છે અને નવજાત શિશુના ઉછેરના શરૂના દિવસો સાચવે છે.ઘણા પુરુષ કર્મચારી 'પેટરનિટી' રજાઓનો નિયમ નહીં હોઇ કપાતા પગારે કે કોઈ અન્ય કારણ ધરીને પણ પંદરેક દિવસની રજા લેતા થયા છે.
ભારત સરકારના કર્મચારીઓ પિતા બનતા ૧૫ દિવસની રજા લઈ શકે છે.
પ્રત્યેક રાજ્ય સરકારની પોતાની માર્ગદર્શિકા હોય છે. દંપતીએ બાળકને દત્તક લીધું હોય કે સરોગેસીથી જન્મ કરાવ્યો હોય તો પણ તે પ્રસંગના છ મહિનાની અંદર ૧૫ દિવસની રજા પુરુષ કર્મચારી લઈ શકે છે અને તેને તેની કંપની કે નોકરી આપનાર ઈન્કાર નથી કરી શકતો.
પિતા બનવા સાથે મળતી રજાની વાત કરીએ તો અમેરિકા જેવા મુક્ત દેશની મોટાભાગની ટેકનો કંપનીઓ કે જે વિશ્વના સૌથી યુવા કર્મચારીઓ ધરાવે છે ત્યાં જૂજ કંપનીઓને બાદ કરતાં મોટા ભાગની કંપનીઓ પુરુષ કર્મચારીઓને આવી રજા આપવામાં કંજૂસ છે અને તેઓના આવા અભિગમની માનવ હકની સંસ્થાઓ દ્વારા પણ ટીકા થાય છે. અમેરિકાની કન્ઝયુમર અને રિટેઇલ કંપનીઓ તે રીતે વધુ માનવીય અભિગમ દર્શાવે છે અને રજા આપે છે. તેની તુલનામાં યુરોપની કંપનીઓ 'પેટરનિટી' રજા આપવાની રીતે ઘણી ઉદાર છે.
જો કે કંપનીના મહિલા અને પુરુષ કર્મચારીઓ માતા કે પિતા બને ત્યારે ચાલુ પગારે સૌથી વધુ એક વર્ષની રજા આપવામાં 'નેટફ્લિક્ષ' મોખરે છે.હા, કર્મચારી અમુક વર્ષથી ત્યાં નોકરી કરતો હોવો જોઈએ.આમ છતાં છ મહિના જ કાયમી નોકરીને થયા હોય તો પણ આટલી રજા મળી જતી હોય તેવા ઉદાહરણો પણ છે.
નવાઈની વાત એ છે નોકરીની અસલામતી અનુભવતા નવજાત શિશુના માતા કે પિતા એવા આ કર્મચારીઓ બે ત્રણ મહિનામાં જ ફરી નોકરીએ આવવા માંડે છે.
અમેરિકાની લુલુમેલોન રિટેઇલ કંપની અને ઓડિયો વિડિયો સ્ટ્રીમિંગ કંપની 'સ્પોટીફાય' અને એચ.પી. તેના આવા પુરુષ કર્મચારીઓને ૨૪થી ૨૬ અઠવાડિયાની રજા આપે છે. 'એકસેંચર' ૧૮ અઠવાડિયા, ઝૂમ ૧૬થી ૨૪ અઠવાડિયા, ગોલ્ડમેન સાચ, સોશિયલ મીડિયા પ્લેટફોમર્મ એક્સ અને પીન્ટરેસ્ટ ૨૦ અઠવાડિયા, ગૂગલ અને ઉબર ૧૮ અઠવાડિયા, બેંક ઓફ અમેરિકા, ડેલોઇટ્ટ, રેડીટ્ટ ૧૬, ઇન્ટેલ, માઇક્રોસોફ્ટ ,ફાઈઝર,સેલ્સ ફોર્સ ૧૨ અઠવાડિયા,સિસ્કો ૧૩ અઠવાડિયા રજા આપે છે
જાપાનમાં લગભગ પ્રત્યેક કંપનીઓ એક વર્ષની ચાલુ પગાર સાથે નવજાત શિશુના પિતાને એટલે કે તેના પુરુષ કર્મચારીને રજા આપે છે.બલ્ગેરિયામાં ૪૧૦ ,નોર્વેમાં ૪૧૩ ,સ્વિડનમાં ૩૯૦ ,ક્રોએશિયામાં ૨૨૫ ,ગ્રીસમાં ૧૧૯ અને અન્ય યુરોપીય દેશોમાં ૧૦૦થી ૧૨૫ દિવસની પેટરનિટી તો સહજ મનાય છે.
જે સર્વે થયા છે તેમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના કર્મચારીઓ પ્રામાણિક છે અને જરૂર હોય એટલી જ રજા લે છે.કોઈ એક વર્ષ વેકેશન માનીને પ્રવાસ નથી કરતા કે ટહેલતા નથી. તેમાં પણ કંપનીઓ લે ઓફ આપવા માંડી હોઇ કર્મચારીઓ શક્ય એટલી રજા ઓછી લેતા હોય છે.
કોરોનાના કપરાં કાળ બાદ માનવ જગતે અનુભવ્યું કે જીવન ઈશ્વરે આપેલી કેવી દિવ્ય અને દુર્લભ ભેટ છે. કુટુંબ અને સમાજ છે તો આપણા અસ્તિત્ત્વનો એહસાસ છે. વિશ્વ જોડે વર્ચ્યુયલી જોડાવાનો રોમાંચ જાણે ક્ષણજીવી રહ્યો.જીવંત જોડાણ જ શ્વાસ ધબકે છે તેનો પુરાવો બની ગયું.જેઓના જીવનમાં ક્લેશ કે અંતર હતું તેઓને જ્ઞાન થયું કે અમૂલ્ય જીવન કેવું વેડફી રહ્યા છીએ.પતિ અને પત્ની સહજીવન,સહશ્રમ કરવા સાથે નજીક આવ્યા.
પુરુષને ભાન થયું કે સંતાન જોડે મહત્તમ સમય આપવો સ્વર્ગીય સુખનો રોમાંચ છે. પેટરનિટી રજાનું આટલું માહાત્મ્ય ક્યારેય નહોતું.
તેમાં પણ પેટરનિટી રજા લેતા ખેલાડીઓએ મહત્વની મેચ ગુમાવવી પસંદ કરી,,મનોરંજનની દુનિયાના સેલિબ્રિટીઓએ ફિલ્મના શૂટિંગ કે શો રદ કર્યા અને કોર્પોરેટ હસ્તીઓની બાળકને બોટલથી દૂધ આપતી, લેપ ટોપ પર કામ કરતા હોય અને એક હાથથી બાળક પકડયું હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાં ફરતી થઈ અને જાણે ફેશન હોય તેમ વિશ્વભરના પુરુષોમાં પિતૃત્વ માણવાનો જુવાળ જામ્યો. પેટરનિટી રજાઓ જેવો અમૃત આનંદ ક્યાંય નથી તેમ સૂક્ષ્મ સુખ છલકાવા માંડયું.
ભારતની કંપનીઓ હજુ પેટરનિટી રજાની રીતે પા પા પગલી માંડે છે. કદાચ મેટ્રો પુરુષોમાં બાળ ઉછેર ફેશન કે રોમાંચ છે પણ નિમ્ન અને મધ્યમ વર્ગ માટે બાળકના ઉછેર માતા કેન્દ્રી જ મનાય છે અથવા તો આ વર્ગના પુરુષોને માટે તેના માટે
અલાયદી રજા લેવાની જરૂર નથી.તેઓ બાળકને કામ પરથી આવીને ખોળામાં લીધા વિના દૂરથી નીરખીને ,સીસોટી લગાવીને દસ પંદર મિનિટ રમાડી લઈને ફ્રેશ થઈ જાય છે.આ વર્ગની ગૃહિણી બાળ જન્મ અને ઉછેરને માતાને જ ઈશ્વરે આપેલી ભેટ સમજે છે.મોટે ભાગે તો તેના પિયરમાં જ અમુક મહિના રહે છે. અગાઉ જણાવ્યું તેમ પેટરનિટી રજાઓ ન્યુક્લિયર કુટુંબની દેન હોય તેમ વધુ લાગે છે.
પેટર્નિટી રજા હોવી જોઈએ? અને કેટલી? તમે શું માનો છો.