નાલંદા વિદ્યાપીઠનો નવોદય : જ્ઞાન અમર છે

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
નાલંદા વિદ્યાપીઠનો નવોદય : જ્ઞાન અમર છે 1 - image


- નાલંદા વિદ્યાપીઠના ધ્વંસ સાથે લાઇબ્રેરીના 90 લાખ પુસ્તકોને બાળી મૂકવામાં આવ્યા હતા જેની આગ અને ધુમાડો ત્રણ મહિના સુધી જાણે આકાશ તરફ ઊડીને શોક અને વેદના ઠાલવતો હતો

- વિવિધા-ભવેન કચ્છી

- નવી પેઢીએે રામ મંદિર જેટલી જ નાલંદાના નવનિર્માણ સાથે જોડાવાની જરૂર હતી : ભક્તિ અને શ્રધ્ધાની જેમ જ્ઞાનની દેવીનો પણ જયજયકાર થવો જોઈએ

બિ હારમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસને ખુલ્લું મૂકવામાં આવ્યું. ત્રીજી ટર્મમાં વડાપ્રધાન બન્યા પછી મોદીના હસ્તે ભારતને ગૌરવ લેવા જેવા પ્રસંગનો  નવોદય થયો. અયોધ્યામાં બાબરી મસ્જિદનો ધ્વંશ થયો હતો અને રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મોદીના હસ્તે થઈ હતી તેવી રીતે  એક જમાનામાં ભારતને શિક્ષા અને જ્ઞાનમાં વિશ્વમાં અગ્રેસર બનાવનાર નાલંદા વિદ્યાપીઠ (નાલંદા  મહાવિહાર) કે જેની સ્થાપના પાંચમી સદીમાં ગુપ્ત વંશના રાજા કુમારગુપ્તે કરી હતી તેનો તુર્કી - અફઘાન લશ્કરી સેનાપતિ બખ્તિયાર ખિલજીએ ૧૧૯૦ના દાયકામાં તેના પર હુમલો કરીને  તેનો  નાશ કર્યો અને તેને ભસ્મીભૂત કરી નાંખી હતી. હવે આ જ નાલંદા તેની જૂની જગ્યાથી થોડે દૂર બરાબર તે જ સ્થાપત્ય. અને બાંધણી સાથે પ્રથમ તબક્કમાં ૧૦૦ એકર વિસ્તારમાં રૂ.૧૭૫૦ કરોડમાં  આકાર પામી છે.તેનું ૩૦ ટકા કાર્ય બાકી છે પણ અત્યારે કેટલાક વિષયોમાં  અનુસ્નાતક અને પીએચડી કરવા સુધીની વ્યવસ્થા છે. અગાઉની નાલંદાની જેમ જ તે ૪૦૦ એકર વ્યાપમાં ફેલાશે.

આપણે ભલે તે વખતના અંગ્રેજોને નફરત કરતા હોઈએ પણ તેઓએ ઘણું લૂંટવા સાથે આપણને એવું પણ આપ્યું છે કે જે આજ સુધી આપણી સિસ્ટમ બની ચૂકી છે પછી તે રેલવે હોય પોસ્ટ હોય કે આર્મી પ્રોટોકોલ, કોર્ટ, સેવા પ્રવૃત્તિ અને પુરાતત્ત્વ સંશોધન પધ્ધતિ હોય.

નાલંદા વિશે જાણીને ૧૮૧૨ની સાલમાં સ્કોટિશ સર્વેયર ફ્રાન્સિસ બ્યુકાનન - હેમિલ્ટને અને તે પછી ૧૮૬૧માં પુરાતત્વવિદ સર એલેક્ઝાન્ડર કનિંગહામે તેના અવશેષ શોધી કાઢતો પ્રોજેક્ટ હાથમાં લીધો હતો અને પુરવાર કર્યું કે  આ વિસ્તારમાં જ એક જમાનામાં નાલંદા હતી. આગળ જતાં આઝાદી પહેલા ૧૯૧૫થી ૧૯૩૭ અને ૧૯૭૪થી૧૯૮૨ દરમ્યાન ભારતના પુરાતત્વવિદ્દોએ  સાઈટ પર ઉત્ખનન આગળ વધાર્યું અને નાલંદા આખે આખા બ્લોક, સ્તૂપ, મૂર્તિઓ, બહુમાળી ઇમારતો તેઓ બહાર લાવ્યા.

આપણા દેશમાં શ્રધ્ધા અને ભક્તિ માટેનું જે ઘોડાપૂર જોવા મળે છે તેટલો જુવાળ  માતા સરસ્વતી માટે નથી. બાકી રામ મંદિર જેટલો જ ઐતિહાસિક દિવસ નાલંદાના પુન: ઉદયનો હતો. ખરેખર તો ઘેર ઘેર નાગરિકોએ તે અવસરનું જીવંત પ્રસારણ ટીવી પર જોવાની જરૂર હતી. જો કે ચુંટણીમાં ભાજપને કારમો ફટકો પહોંચ્યો તેની કળમાંથી હજુ મોદી કે પક્ષ બહાર નથી આવ્યા લાગતા તેથી આટલી મોટી ઘટના સરકારી પ્રેસ નોટની જેમ પ્રસારણ માધ્યમોમાં પ્રકાશિત થઈ. નાલંદામાંથી રાજકીય માઇલેજ પણ મળે તેમ નહોતું અને હવે નજીકમાં તો કોઈ ચુંટણી નથી એટલે કોઈ 'હાઇપ' ઊભો કરવાની પણ જરૂર ન હોય તે સ્વાભાવિક છે.

એ ખરું કે નાલંદાના પુન: નિર્માણનો વિચાર યુ.પી.એ.ના વડાપ્રધાન ડો.મનમોહન સિંઘના કાર્યકાળ દરમ્યાન બિહારમાં યોજાયેલ એશિયાઇ સંમેલનમાં તત્કાલિન રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામે વર્ષ ૨૦૦૬માં મૂક્યો હતો જેને ખાસ કરીને દક્ષિણ પૂર્વ સહિત એશિયાના ૧૬ દેશોએ વધાવ્યો હતો. ૨૦૧૦માં નાલંદા યુનિવર્સિટી બિલ સંસદમાં પસાર થયું હતું અને તે વખતે રૂ. ૨૦૦૦ કરોડ ફાળવવામાં આવ્યા હતા. તે પછી ફાઈલો થોડી ધીમી ગતિએ ચાલી હતી. મોદીએ તેની પ્રથમ ટર્મથી નાલંદાનો પ્રોજેક્ટ હાથમાં લીધો. ૨૦૧૬માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે નાલંદાના પુન: સ્થાપનનું ભૂમિ પૂજન પિલખી ગામ નજીક આવેલ રાજગીરમાં થયું હતું અને પ્રાચીન અવશેષ ભૂમિને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાઈ હતી. અવશેષોની નગરીથી નજીકમાં જ નવું કેમ્પસ પથરાયેલ છે. તે પર્યાવરણની સંપૂર્ણ તકેદારી. રાખતું સંકુલ છે જેમાં હવા, પ્રકાશ અને પાણી સહજ રીતે પ્રાપ્ય છે એરકન્ડીશનની ન્યૂનતમ જરૂર પડે છે. નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ દરજ્જો તેને મળ્યો છે.

પ્રથમ તબક્કાના બાંધકામ બાદ ૪૦ વર્ગખંડ અને ૧૯૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે. બે મોટા ઓડિટોરિયમ પણ ખરા. હાલ ૫૫૦ વિદ્યાર્થીઓ અને પ્રોફેસર સહિતનો ૧૯૦નો સ્ટાફ સંકુલમાં જ રહી શકે તેવી વ્યવસ્થા છે બાકીના વિદ્યાર્થીઓ નજીક આવેલી નગરીમાં પોતાની રીતે રહે છે. આગામી સપ્ટેમ્બર સુધીમાં ત્રણ લાખ પુસ્તકો ધરાવતી લાઇબ્રેરી તૈયાર થઈ જશે. સ્પોર્ટસ, મેડિકલ, ફેકલ્ટી ક્લબ અને કોમર્શિયલ સેન્ટર પણ બની જશે.

અત્યારે તો બુદ્ધિસ્ટ સ્ટડી, ઇતિહાસ, પર્યાવરણ, ભાષા, સાહિત્ય, આંતરરાષ્ટ્રિય સબંધો, ઇન્ડો પસયન, બે ઓફ બેંગાલ સ્ટડી, સંઘર્ષ નિવારણ જેવા વિષયોમાં ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજયુએટ, પીએચડી થઈ શકે છે.

યુ.પી.એ. શાસન દરમ્યાન નાલંદાના પ્રથમ ચાન્સેલર અને નોબેલ પ્રાઈઝ વિજેતા અમર્ત્ય સેનને બનાવાયા હતા પણ મોદી વડાપ્રધાન બનતા તેમણે અને તેમના જેવા વૈચારિક રીતે મોદી કરતા ભિન્ન મતી ધરાવનારા અન્ય સભ્યો લોર્ડ મેઘનાદ દેસાઈ, પ્રોફેસર સુગાતા બોસા અને એન. કે. સિંહ  જેવાએ પણ નાલંદાથી છેડો ફાડી નાખ્યો હતો. ઇતિહાસવિદ રામચંદ્ર ગુહા અને રાજનીતિ શાસ્ત્રના પ્રોફેસર પ્રતાપ ભાનુ મહેતાએ તો અગાઉથી જ ઓફર ઠુકરાવી દીધી હતી. તો પણ મોદી હતાશ ન થયા અને તેમની ટીમ બનાવી. હાલ નાલંદા યુનિવર્સિટી ચાન્સેલર અરવિંદ પાનાગરિયા  અને અંતરિમ જવાબદારી અભય કુમાર સિંઘ સંભાળે છે.

જેટલી રામ મંદિરની ડિઝાઇન, વાસ્તુ, રામલલ્લાની મૂર્તિ નિર્માણની પ્રક્રિયા, સ્થપતિઓના ઇન્ટરવ્યુ અને પ્રાણપ્રતિષ્ઠા વિધિ પરનું કવરેજ થયું તેની તુલનામાં નાલંદાનો પરિચય આપવાની તક ટીવી મીડિયા પણ ચૂક્યું. અગાઉ જણાવ્યું તેમ આપણા નાગરિકોને પણ નાલંદાની જાણકારી માટેના કુતુહલ, ગ્લેમર કે અસ્મિતાના ગૌરવની લાગણીનો અભાવ જણાયો.

નાલંદા કેવી ભવિષ્ય અને અલૌકિક જ્ઞાન નગરી હશે તેનો અંદાજ એવી રીતે માંડી શકો કે તેનો ધ્વંશ કરીને તેને બાળી નાંખવામાં આવી ત્યારે ૯૦ લાખ જેટલી હસ્તપ્રતો પણ રાખમાં ફેરવાઈ ગઈ હતી. પણ આટલી હસ્તપ્રતો એમ થોડી પલકવારમાં ભસ્મીભૂત થઈ જાય. ૯૦ લાખ હસ્તપ્રતો ખાક થતાં ત્રણ મહિના લાગ્યા હતા.એટલે કે ત્રણ મહિના આગ અને ધુમાડા તે વખતે મગધ તરીકે ઓળખાતી નગરીના આકાશમાં ઊંચે સુધી જઈને જાણે વિશ્વને માનવજાતના સૌથી અધમ કૃત્યના વાવડ ફેલાવતા હતા. જે કેટલીક હસ્તપ્રતો બચી છે તે લોસ એન્જલસ કાઉન્ટી મ્યુઝિયમ ઓફ આર્ટસ અને તિબેટના લારયુંગ મ્યુઝિયમમાં સચવાયેલી છે.

આથી જ મોદીએ યોગ્ય રીતે નાલંદાના ઉદઘાટન સમારંભમાં કહ્યું કે 'વિશ્વને આમ જોવા જઈએ તો આ એક સંદેશ છે કે પુસ્તકો કે હસ્તપ્રતોનો કોઈ અનિષ્ટ તત્ત્વો નાશ કરી શકે છે પણ જ્ઞાન અને તેના પ્રસારને દુનિયાની કોઈ તાકાત અટકાવી નથી શકવાની.'

જ્યારે પ્રિન્ટ ટેકનોલજીની શોધ પણ નહોતી થઈ તે અરસામાં તેની નવ માળની લાયબ્રેરીમાં ૯૦ લાખ હસ્તપ્રત હતી તેના પરથી શિક્ષણ અને જ્ઞાાનની શાખાઓમાં કેટલી આધુનિકતા અને વૈવિધ્ય હશે તે સમજી શકાય તેમ છે. આવી હસ્તપ્રતોની જાળવણીનું વિજ્ઞાન અને લાઇબ્રેરી સાયન્સ પણ હશે કેમ કે વિષયવાર હસ્તપ્રતો વર્ગીકૃત કરાતી હતી. આ લાઇબ્રેરી 'ધર્મ ગુંજ' કે 'સત્ય પર્વત' તરીકે ઓળખાતી. હસ્તપ્રતો પાલી ભાષામાં ભોજપત્રો પર લખાતી હતી.

નાલંદાની સ્થાપના પાંચમી સદીમાં (૧૬૦૦ વર્ષ પહેલાં) થઈ હતી અને તેનો ધ્વંશ ૧૨મી સદીમાં થયો હતો આમ સાતસો વર્ષ તો તે કાર્યરત રહી હતી. કુમાર્ગુપ્ત પછી રાજા હર્ષના અરસામાં તેની ખ્યાતિ વિશ્વભરમાં ફેલાઈ હતી. જરા વિચારો, ૪૫૦ એકરમાં પથરાયેલી તે  નાલંદા નગરીની સદીઓ કેવી ભવ્ય હશે. આજે ૨૧મી સદીના બિલ્ડિંગ મટીરીયલ અને ટેકનોલોજી છતાં પચાસેક વર્ષમાં ઇમારતો જીર્ણ અને ઉપયોગમાં ન લઈ શકાય તેવા ટેગ સાથે ભયજનક કેટેગરીમાં મુકાઈ જાય છે ત્યારે ૭૦૦ વર્ષ બાદ તો તે ધ્વંશ કરતા નાશ પામી હતી બાકી આજે પણ એ જ બુલંદ યુગની પ્રતીતિ કરાવતા વર્તમાન વિશ્વની પ્રગતિ પર વ્યંગ કરતું તે સ્થાપત્ય હયાત હોત. તે વખતે પણ બાંધકામ, વાસ્તુ અને આકટેકચર, ડિઝાઇનની દુનિયા કદાચ વધુ બહેતર હતી. યાદ રહે નાલંદા વિશ્વની સૌપ્રથમ એવી યુનિવર્સિટી હતી જેના તમામ  ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓને ત્યાં જ રહીને અભ્યાસ કરવાનો રહેતો. આમ હોસ્ટેલનો ખ્યાલ પણ હતો. ભારત ઉપરાંત ચીન, કોરિયા, જાપાન, તિબેટ, મોંગોલિયા, શ્રીલંકા અને દક્ષિણ પૂર્વ એશિયાના હજારો વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થાને લીધે રાજાગ્રિહા નામની એક નગરી આકાર પામી હતી જે આજે રાજગીર તરીકે ઓળખાય છે. તે વખતના પાટલીપુત્ર  કે કે હાલ પટના તરીકે  ઓળખાય છે તેનાથી  નાલંદા ૯૦ કિલોમીટર દૂર આવેલું છે.

ચીનનો  પ્રવાસી હ્યુ એન સંગ તો નાલંદાથી એ હદે પ્રભાવિત હતો કે તેણે ચાર પાંચ મહિના અહીં વિતાવ્યા હતા અને પરવાનગી લઈને કેટલીક હસ્તપ્રતો પણ ચીન લઈ ગયો હતો.

 નાલંદામાં તબીબી વિજ્ઞાન, આયુર્વેદ, બુધ્ધિઝમ, જ્યોતિષ, ગણિત, વ્યાકરણ, ભારતીય તત્ત્વજ્ઞાન, અવકાશ વિજ્ઞાન જેવા વિષયો રહેતા અને એશિયાના દિગ્ગજ ૨૦૦૦ પ્રોફેસર લેક્ચર માટે આવતા કે ત્યાં જ કાયમી નિવાસ કરતા હતા. બૌધ્ધ ધર્મના ગુરુ ધર્મપાલ અને શિલાભદ્ર પણ આકર્ષણનું કેન્દ્ર હતા.  છઠ્ઠી સદીમાં ભારતના ગણિતજ્ઞા અને શૂન્યના શોધક આર્યભટ્ટ નાલંદામાં અભ્યાસ કરતા હતા.

દસ્તાવેજી રીતે એવું સચવાયું છે કે નાલંદામાં પ્રવેશ માટેની પરીક્ષા અને તે પછીના ઇન્ટરવ્યુ એટલા કઠિન મનાતા કે પાંચેક ટકા વિદ્યાર્થીઓને માંડ પ્રવેશ મળતો હતો. બુધ્ધ ધર્મનું  તત્ત્વ જ્ઞાન અભ્યાસમાં કેન્દ્ર સ્થાને રહેતું હતું. દલાઈ લામા કહે છે કે આપણી પાસે બૌધ્ધ ધર્મનું જે પણ જ્ઞાન આજે છે તે નાલંદાને આભારી છે.

નાલંદાને ફરી અગાઉ જેવું વિશ્વ ગૌરવ મળે તે રીતે નિર્માણ કરવા માટે ભારત જોડે બૌધ્ધ ધર્મથી પ્રભાવિત ૧૭ દેશોએ સંયુક્ત રીતે હાથ મીલાવ્યા છે. આ જ રીતે તક્ષશિલા વિદ્યાવિહાર તો નાલંદા કરતા પણ જૂની વિધાનગરની હતી. હુણ અને પર્શિયન રાજાઓએ તેનો નાશ કર્યો હતો. તક્ષશિલાના અવશેષો પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં  ઇસ્લામાબાદ -  રાવલપિંડીથી ૨૫ કિલોમીટર દૂર આવેલ છે કેમ કે તે ત્યાં આવેલું જગવિખ્યાત વિધાસંકુલ હતું.પ્રાચીન ભારતની ભવ્યતા ફરી જીવંત થઈ રહી છે તે આવકાર્ય ઉપક્રમ છે. 


Google NewsGoogle News