'ઓપરેશન થન્ડરબોલ્ટ' : મોસાદ હૈ તો મુમકિન હૈ .
- IC-814 વિમાન અપહરણ કાંડ પરની શ્રેણીની OTT રિલીઝના અરસામાં મોસાદ અને ઇઝરાયેલ કમાન્ડોના દિલધડક ઓપરેશનને યાદ કરાય છે
- વિવિધા-ભવેન કચ્છી
- લેબનોનના સૈનિકો પર પેજર અને વોકી ટોકી બ્લાસ્ટની હેરત પમાડતી ઘટના પછી ફરી ઇઝરાયેલની જાસૂસી સંસ્થા ન્યુઝમાં
IC-814 સિરીઝને લીધે ફરી કંદહાર પ્લેન હાઇજેક પ્રકરણ તાજું થયું છે. ૨૪ ડિસેમ્બર,૧૯૯૯ના રોજ કાઠમંડુથી દિલ્હી જતા વિમાનનું પાંચ આતંકવાદીઓએ અપહરણ કર્યું હતું.જેમાં ૧૭૯ પ્રવાસીઓ અને ૧૧ સ્ટાફનો સમાવેશ થતો હતો. પ્રવાસીઓને અપહરણ મુક્ત કરવાના બદલામાં અપહરણકર્તાઓએ ભારતની જેલમાં સજા ભોગવી રહેલા ત્રણ ખૂંખાર આતંકવાદીઓ મસૂદ અઝહર,ઓમર શેખ અને મુસ્તાક ઝાર્ગરને મુક્ત કરવામાં સફળતા મેળવી હતી. આગળ જતાં આજ આતંકવાદીઓએ પછીના વર્ર્ષોમાં ભારતમાં થયેલા મોટાભાગના આતંકી હુમલાઓને આકાર આપ્યો હતો. કંદહાર કાંડ વખતે પણ ભારતના અને વિશ્વના નાગરિકોએ ઇઝરાયેલ સેના અને તેઓની જગવિખ્યાત જાસૂસી એજન્સી 'મોસાદ'એ કેવી દિલધડક રીતે ઓપરેશન પાર પાડતા તેમના દેશના અપહરણ કરાયેલા પ્રવાસીઓને મુક્ત તો કરાવ્યા જ હતા પણ અપહરણકર્તા આતંકવાદીઓ અને તેની મદદે આવેલ યુગાન્ડાના સૈનિકોને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા તે ઓપરેશન યાદ કર્યું હતું. રોમાંચક થ્રીલર જેવી અનુભૂતિ આપતા આ ઓપરેશનના ફ્લેશ બેકમાં જઈએ.
૨૭ જૂન,૧૯૭૬ના દિવસે ઇઝરાયેલના તેલ અવીવથી ફ્રાન્સના પેરિસ સુધીની ફ્લાઇટ ૨૪૮ પ્રવાસીઓને લઈને ઉપડી હતી. અધવચ્ચે જ વિમાનનું પેલેસ્ટાઇનના અને જર્મનીના યહૂદી (જયુ) વિરોધી આતંકી જૂથે સંયુક્ત રીતે વિમાન એથેન્સ એરપોર્ટ પર હતું ત્યારે અપહરણ કર્યું હતું. તેઓ વિમાનને યુગાન્ડાના એન્ટેબે એરપોર્ટ પર લઈ ગયા હતા.જ્યાં અન્ય આતંકવાદીઓ પણ આ ચાર આતંકવાદીઓ સાથે જોડાયા હતા. વિમાનને યુગાન્ડા લઈ જવાનું કારણ એ હતું કે તે વખતના યુગાન્ડાના ક્રૂર સરમુખત્યાર ઇદી અમીનનો પેલેસ્ટાઇનને ટેકો હતો. ઇદી અમીન પોતે પણ ઇઝરાયેલી (જયુ) વિરૂદ્ધ ભારે ઝેર ધરાવતા હતા.
અપહરણ કર્તાઓએ ત્રણ જુલાઈની ડેડ લાઈન આપી હતી. જે પછીથી ઇઝરાયેલ સરકારે યોજનાના ભાગરૂપે એક દિવસ લંબાવી હતી. આતંકવાદીઓની માંગ હતી કે ઇઝરાયેલે તેમની જેલમાં પૂરી દીધેલા તેમના અને અન્ય પેલેસ્ટાઇન જૂથના ૪૦ સાથીઓને (આતંકીઓને) અને ચાર અન્ય દેશોના ૧૩ કેદીઓને મુક્ત કરવા.
ઇઝરાયેલ સરકાર અપહરણકર્તાઓ જોડે વાટાઘાટોના નામે સમય પસાર કરતી હતી પણ તે સાથે જ અંદરખાનેથી તેમની સેના અને જાસૂસી સંસ્થા મોસાદ 'ઓપરેશન થન્ડરબોલ્ટ' નામના કોડ વર્ડ સાથે ભારે ગુપ્તતાથી અપહરણકર્તાઓને ઠાર કરીને તમામ પ્રવાસીઓને સલામત પરત લાવવાની યોજના બનાવી ચૂક્યું હતું.
જો કે આ ઓપરેશન પાર પાડવું ભારે જોખમી તો હતું જ પણ જરા સરખી ચૂંક થાય તો તમામ પ્રવાસીઓના મોત નિપજે અને વિશ્વ સમક્ષ ઇઝરાયેલની આબરૂ ધૂળમાં મળી જાય અને તેઓ પર મૃતકોના સ્વજનો, દેશના નાગરિકો ફિટકાર વરસાવે. જો યોજના નિષ્ફળ જાય તો ઇઝરાયેલ સેના અને મોસાદનું મનોબળ અને ધોંસ તૂટી પડે જે દેશની સુરક્ષા પર પણ માઠી અસર પહોંચાડે.
ઇદી અમીન રોજ અપહરણકર્તાઓને મળતા અને યુગાન્ડાની સેના તેઓ જોડે જ છે તેમ ખાતરી આપતા હતા. અપહરણકર્તાઓએ બંધકોમાંથી જેઓ ઇઝરાયેલના નાગરિકો નહોતા તેવા પ્રવાસીઓને ત્રીજા દિવસે જ મુક્ત કરી દીધા હતા જેથી તે દેશોની સરકારનું દબાણ ઘટી જાય.
એક તરફ ઇઝરાયેલ સરકારે અપહરણકર્તાઓ જોડે વાટાઘાટો કરતા રહેવાનું નાટક કર્યું બીજી તરફ તેમની જાસૂસી એજન્સી મોસાદે તેમના નેટવર્કથી મેળવેલ અત્યંત ગુપ્ત માહિતીના આધારે 'ઓપરેશન થન્ડરબોલ્ટ' પાર પાડવા ઇઝરાયેલના કમાન્ડો સજ્જ થયા. મોસાદે એક અતિ મહત્વની બાતમી એવી આપી કે ઇદી અમીન મોરેશ્યસના એક દિવસના પ્રવાસે જવાના છે.ઇદી અમીન પણ રોજની જેમ બંધકો અને અપહરણકર્તાઓને મળવા નહીં આવે જેને કારણે તે દિવસે ટર્મિનલના જાપ્તામાં થોડી શિથિલતા આવશે.ઇઝરાયેલે અપહરણકર્તાઓ પર આક્રમણ કરીને બંધકોને મુક્ત કરવા આ જ દિવસ એટલે કે ત્રણ જુલાઈની મધરાત પસંદ કરવામાં આવી.
ઇઝરાયેલ અને યુગાન્ડા વચ્ચે ૪૦૦૦ કિલોમીટરનું અંતર છે. ઇઝરાયેલના શસ્ત્ર સજ્જ ૧૦૦ કમાન્ડોને લઈને વિમાનનું યુગાન્ડા તરફ પ્રયાણ થયું. અન્ય એક વિમાન પણ સાથે ઉડયું હતું.આ ઓપરેશન યોનાતન નેતાનયાહુની રાહબરી હેઠળ પાર પડવાનું હતું. માર્ગમાં આવતા દેશો અને સરહદ પર પહોંચ્યા પછી યુગાન્ડાના રડારમાં વિમાનો આવી ન જાય એટલે ૪૦૦૦ કિલોમીટરનો સંપૂર્ણ માર્ગ વિમાનોએ ૧૦૦ ફૂટથી ઓછી ઊંચાઇએ જ ઉડ્ડયન કર્યું હતું.
અપહરણકર્તાઓએ બંધક પ્રવાસીઓને વિમાનમાંથી બહાર કાઢી એરપોર્ટના સંકુલમાં જ આવેલ જૂના એરપોર્ટના એક ઘણા અરસાથી બંધ પડેલ ટર્મિનલમાં રાખ્યા હતા.
ઇઝરાયેલના વિમાનોએ એરપોર્ટ પર ઉતરાણ કરતા જ એવો ઠાઠ બતાવ્યો કે જાણે ઇદી અમીન મોરેશ્યશથી પ્રવાસ કરીને બંધકોને જોવા આ ટર્મિનલ તરફ વિમાનમાંથી ઉતરવાના હોય. ઇઝરાયેલથી આવેલ અન્ય વિમાન નજીકમાં જ પાયલોટ વિમાન હોય તેમ રન વે પર ચાલતું હતું. મધરાતનો સમય હતો તેથી દૂરથી ખાસ કળી પણ નહોતું શકાતું. આંતકવાદીઓ કે યુગાન્ડાના સેનાને એવી ભીતિ પણ રહી કે ફાયરિંગ કરીશું અને ઇદી અમીનનો કાફલો હશે તો. આ જ તકનો લાભ લઈને ઇઝરાયેલી કમાન્ડો ટર્મિનલ બિલ્ડિંગથી ઘણા નજીક આવી ગયા અને વ્યૂહાત્મક પોઝિશન લઈને ગોઠવાઈ ગયા.
આતંકવાદીઓએ કલ્પના જ ન કરી હોય ને કે ઇઝરાયેલના વિમાનો એરપોર્ટ પર આવી પહોંચ્યા છે કેમ કે બરાબર આ સમયે ઇઝરાયેલ સરકાર પૂર્વયોજના મુજબ અપહરણકારો જોડે વાટાઘાટો કરતી હતી. કોઈ વિદેશી વિમાન આવે તો યુગાન્ડા એરપોર્ટ ઓથોરિટી પણ એલર્ટ બને પણ આ વિમાનો તો રડારમાં જ નહોતા આવ્યા અને મુખ્ય એરપોર્ટથી દૂર આવેલ જૂના ટર્મિનલ પાસે ઇઝરાયેલ વિમાનોએ દબદબા સાથે ઉતરાણ કર્યું. કમાન્ડો પણ એવી રીતે ઉતર્યા કે જાણે વિમાનની અંદર બેઠેલા ઇદી અમીન હવે બહાર નીકળવાના હોય. ઇઝરાયેલ કમાન્ડો એક વિમાનમાં મર્સિડીઝ - બેન્ઝ ૬૦૦ પણ લઈ આવ્યા હતા જેમાં ઇદી અમીન બેસતા હોય છે. વિમાનની બહાર આ મર્સિડીઝ પણ કમાન્ડોએ ઉતારી અને ધીમી ગતિએ ચલાવી જેથી દૂરથી એમ જ લાગે કે ઇદી અમીનનું આગમન થઈ રહ્યું છે.
અપહરણકર્તાઓના આશ્ચર્ય વચ્ચે કમાન્ડો ગણતરીની પળોમાં જ ટર્મિનલને વ્યૂહાત્મક રીતે ઘેરી લઈને ગોળીનો વરસાદ કર્યો. ટર્મિનલના જે વિસ્તારમાં બંધકોને રાખવામાં આવ્યા હતા ત્યાં સુધી અપહરણકારો પહોંચે નહીં તેની તકેદારી રાખતા ફાયરિંગ જારી રખાયું. કમાન્ડો જે હદે નજીક પહોંચીને તેમની પોઝિશન લઈ ચૂક્યા હતા તે બધું ચીવટ ભર્યા પ્લાનને આભારી હતું. મોસાદે તેમના કેન્યા દેશના વિશ્વાસુ એજન્ટોની મદદથી જૂના એરપોર્ટ અને તેમાં ટર્મિનલનો મેપ અને, એન્ટ્રી, એકઝીટ પોઇન્ટ તેમજ રૂટ મેળવ્યા હતા કેન્યાને તે વખતે ઇદી અમીન જોડે દુશ્મનાવટ હતી.
અપહરણકર્તાઓ પાસે આટલા બધા કમાન્ડો સામે ઓચિંતી ઝીંક ઝીલવી શક્ય નહોતી પણ ઝપાઝપીની ખબર પડતાં ઇદી અમીને અપહરણકર્તાઓને ફાળવેલ ૧૦૦થી વધુ સૈનિકો પણ હવે ઇઝરાયેલ કમાન્ડો સામેના પ્રતિકારમાં જોડાયા.
પણ ઇઝરાયેલ કમાન્ડોની તાકાત અને વ્યૂહાત્મક કમાલ જુઓ. તમામ ૭ અપહરણકારો ઠાર કરાયા. યુગાન્ડાની સેનાના ૪૫ જેટલા સૈનિકોને પણ મોતને ઘટ ઉતારી દેવાયા. તમામ બંધકોને એરપોર્ટમાં જ પાર્ક થયેલી કારમાં અને બસમાં બેસાડી કમાન્ડો જે અલાયદું વિમાન પ્રવાસીઓ માટેનું લઈને આવ્યા હતા તેમાં બેસાડી દેવામાં આવ્યા.
એટલું જ નહીં પણ બંધકોને લઈને જઈ રહેલ વિમાનનો યુગાન્ડાનું એરફોર્સ તેમના વિમાનો સાથે પીછો ન કરે તે હેતુથી એરપોર્ટમાં જ પાર્ક થયેલ યુગાન્ડા એરફોર્સના મિગ ૧૭ અને મિગ - ૨૧ તેમજ અન્ય ૯ વિમાનો પર બોમ્બ ઝીંકીને તેને કાટમાળમાં ફેરવી દેવાયા.
સમગ્ર ઓપરેશન ૯૦ મિનિટ જ ચાલ્યું હતું. અપહરણકારો તો પહેલા કલાકમાં જ ઢેર થઈ ગયા હતા પણ યુગાન્ડાના સૈનિકો અને ઇઝરાયેલ કમાન્ડો વચ્ચે જાણે જૂના એરપોર્ટ પર ભીષણ યુધ્ધ જામ્યું હતું. યુગાન્ડાની સેના બંધકોને લઈ જતા વિમાન પર ગોળીબાર કરવા આગળ ધપી રહ્યા હતા ત્યારે આ 'ઓપરેશન થન્ડરબોલ્ટ'ના કેપ્ટન યોનાતન નેતાનયાહુ ગોળીઓ તેમના પર ઝીલતા વચ્ચે ઊભા રહી ગયા હતા અને તેમણે શહાદત વહોરી હતી.તેમની અંતિમ ક્રિયામાં ભારે ગૌરવ સાથે જાણે આખું ઇઝરાયેલ જોડાયું હતું. નેતાનયાહુ રાષ્ટ્રીય હીરો તરીકે આજે પણ યાદ રખાય છે. ઇઝરાયેલના વર્તમાન બેંજામીન નેતાનયાહુ તેમના નાના ભાઈ થાય. તેઓ મોટાભાઈની પ્રતિષ્ઠાના જોરે જ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા હતા અને આ સ્તરે પહોંચ્યા છે.
ઇદી અમીન કઈ હદે ક્રૂર હશે તે જાણો. જ્યારે તેમને પરત આવ્યા પછી ખબર પડી કે કેન્યાના જાસૂસોએ મોસાદને મદદ કરી હતી તે સાથે જ તેમણે યુગાન્ડામાં રહેતા કેન્યાના તમામ ૨૪૫ નાગરિકોને સામૂહિક મોત ભેટમાં આપ્યું. કેન્યાના ૩૦૦૦ નાગરિકો જીવ પડીકે બાંધીને યુગાન્ડાની બહાર નાસી જવામાં સફળ થયા હતા.
'ઓપરેશન થન્ડરબોલ્ટ' પરથી તો અત્યાર સુધી ઘણી દસ્તાવેજી, હોલિવુડ ફિલ્મ, વિડિયો ગેમ બની ચૂકી છે. ભારતની જાસૂસ સંસ્થા 'રો' પણ બાહોશ છે તેઓનો મહત્તમ પ્રતિભા બહાર લાવતી મુક્તતા તેઓને મળે તે જરૂરી છે.