Get The App

માણસની ઓળખ માટેના શાસ્ત્રોની પણ આગવી દુનિયા છે

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
માણસની ઓળખ માટેના શાસ્ત્રોની પણ આગવી દુનિયા છે 1 - image


- જ્યોતિષ વિજ્ઞાનના પણ અનેક પ્રકાર અને મનોવિજ્ઞાનીઓ પણ માણસને તેની રીતે મુલવે 

- વિવિધા-ભવેન કચ્છી

- 2025નુ વર્ષ ચીનના કેલેન્ડર પ્રમાણે સર્પનું છે : હિપોક્રેટ્સ અને આયુર્વેદ પ્રકૃતિ પ્રમાણે વ્યક્તિની ખાસિયતો તરફ નિર્દેશ કરે છે

- બાળ મનોવિજ્ઞાનીઓના મતે વ્યક્તિનાં ગુણો કે અવગુણો તે છ વર્ષની ઉંમરનું હોય ત્યાં સુધીમાં જ મહદ્અંશે નક્કી થાય છે

ગણતરીના દિવસો પછી ૨૦૨૫ના વર્ષનો પ્રારંભ થશે. સૂર્ય રાશી પ્રમાણે તમારું નવું વર્ષ કેવું જશે તે મીડિયામાં સ્થાન પામશે. ભલે તિથી કેલેન્ડરની રીતે આપણું નવું વર્ષ કારતક સુદ એકમથી શરુ થતું હોય પણ હવે તિથી પ્રમાણે આપનો જન્મદિન ક્યારે છે તે જ આપણને ખબર ન હોય તેવું બને. આપણા તામામ આયોજન, હિસાબ અને શુભેચ્છા અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જ થતા હોય છે. ચંદ્ર અને સૂર્ય રાશીના ભવિષ્યની આગવી પદ્ધતિ છે. ૨૦૨૫નુ વર્ષ ચીનના કેલેન્ડર પ્રમાણે ૨૯ જાન્યુઆરીથી શરુ થાય છે અને આ વર્ષ 'સ્નેક' એટલે કે સર્પનું વર્ષ છે.

જ્યોતિષની વાતોના શોખીન તમને તમારી જન્મતારીખ પ્રમાણેની સૂર્ય રાશિ પૂછશે પછી કહેશે કે, ''તો તમે કેપ્રીકોન છો. એટલે જ આટલા સંવેદનશીલ છો. પણ થોડાં 'લીઓ' થાવ. અમારો દિકરો 'લીઓ' છે એટલે જ તેનું ધાર્યું કરે છે.'

હવે તો અક્ષરો, ચહેરા, પડછાયા પરથી કે પગની પાનીથી પણ તમારા ભવિષ્ય અને વ્યક્તિત્વની પરખ તેમજ આગાહી થાય છે.

વ્યક્તિની પ્રકૃતિ કેવી છે, તેનામાં કેવા ગુણો હોઈ શકે તે જાણવા માટે વિશ્વભરમાં અવનવી થિયરીઓ પ્રચલિત છે. પ્રાચીન શાસ્ત્રો કે વિજ્ઞાન પણ સ્વીકારે છે કે પ્રત્યેક વ્યક્તિ જન્મતાની સાથે જ અમુક પ્રકૃતિ લઈને આવે છે. તેને ભગીરથ સંકલ્પના જોરે દિશા આપી કે બદલી શકાય છે પણ સામાન્ય માનવી તેને બદલી નથી શકતો. વ્યક્તિત્વમાં બાહ્ય પરિબળો કે સંજોગોનો સ્પર્શ પામતાં અસર થાય છે તેવું જોકે સંશોધકો કબુલવા માંડયા છે. પણ અનુભવીઓ કહે છે કે વ્યક્તિના પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય.

તમારી જન્મ તારીખનાં બે આંકનો સરવાળો કરો. સરવાળો એક થાય તો તે વ્યક્તિ કામને સંપુર્ણ ૫ાર પાડશે. બે શહાદત વહોરનારી પ્રકૃતિ, ત્રણ કાર્ય કરવામાં જ મસ્ત, ચાર રોમેન્ટિક, પાંચ વાતાવરણથી દૂર રહીને જ ધાર્યું લક્ષ્ય મેળવશે. છ વાળાને શંકાશીલ સ્વભાવ આગળ લાવશે. સાત મોજમજા માણવાનો શોખીન, આઠ માલિકી ભાવના વ્યક્ત કરશે. નવ ભારે ઉત્સાહ સાથે ઉત્પાત મચાવનાર હશે, દસ ધીરજ અને બે આંકનો ટોટલ ૧૧ થાય તો તમારામાં ઉદારતાના ગુણો કામ કરતા લાગે છે.

આસ્તિકો કર્મની થિયરી પ્રમાણે પ્રત્યેક વ્યક્તિના જીવનક્રમને અને પ્રકૃતિને મૂલવે છે. પ્રાચીન કાળમાં મનુએ દર્શાવેલ વર્ણ-વ્યવસ્થા જેવી કે બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શુદ્ધ પાછળ પણ કોઈ ધાર્મિક કે નાતજાતનો ઊંચ-નીચનો ભેદભાવ ન હતો પણ પ્રત્યેક વ્યક્તિસમૂહ અમુક જ પ્રકારના શારીરિક, બૌદ્ધિક કે ચતુરાઈભર્યા કામો કરી શકતો નથી તેથી સમાજમાં સમતુલા જાળવવાની તેની જવાબદારી રહેતી. આજે પણ આપણે અપવાદોને બાદ કરતા જોઈએ છીએ કે દેશનો વ્યવહાર ચલાવનારાઓનો ટેમ્પરામેન્ટ સરહદ પર લડવાનો નથી અને સરહદ પર લડનારને બિઝનેસ કરી અઢળક કમાણી કરવાની લાલસા નથી.

તેવી જ રીતે નીડર અને ડરપોક એ પ્રકૃત્તિ પણ જન્મથી પડે છે. હવે અંતર્મુખ અને બહિર્મુખ એવી રીતે પ્રકૃતિને વિશેષ વર્ગીકૃત થયેલી જોઈ શકાય છે.

જ્યોતિષશાસ્ત્રના મતે ૧૨ રાશિઓ પ્રમાણે વ્યક્તિઓના ગુણો, સ્વભાવ અને વિચારસરણી વિભાજીત કરી શકાય છે.

૭૮ ગંજીફાના કાર્ડની મદદથી જોવાતા ટેરોટ જ્યોતિષી પણ વ્યક્તિની ઓળખ અંગે વિસ્તૃત માહિતી આપે છે અને આ પદ્ધતિ ખુબ પ્રચલિત બની છે.

પ્રાચીન ગ્રીક શાસનના આધારે વ્યક્તિત્વને ૩૧ વર્ગોમાં વહેંચવામાં આવે છે. ચીનમાં  યાંગ પદ્ધતિ છે.

હિપોક્રેટસે ચાર જાતના વ્યક્તિત્વનો ઉલ્લેખ કર્યો છે. ઉત્સાહી કે જુસ્સાદાર (સેન્રગ્વીન), વ્યગ્ર કે માનસિક રીતે અકળામણ અનુભવતું (મેલન્કલી) વ્યક્તિત્વ, લાગણીશૂન્ય (ફલેમેટિક) અને તામસી-ક્રોધી (કોલરીક) ટાઈપ.

આયુર્વેદમાં માણસની પ્રકૃતિ વાત, પિત્ત, કફ પ્રમાણે ગણવી તે રીતે સારવાર અપાય છે.

વિશ્વખ્યાત મનોવિજ્ઞાની સિગ્મન્ડ ફ્રોઈડ ઈડ, ઈગો અને સુપર ઈગો એમ ત્રણ વ્યક્તિત્વ વિશે વિસ્તૃત તારણો સાથે અભ્યાસ કર્યો છે.

સ્ટેમિંગ નામના બીજા એક મનોવિજ્ઞાનીએ સદીઓ પહેલાં સભાન, અભાન અને પૂર્વસભાન એમ ત્રણ સ્થિતિમાં થતાં કૃત્યોના આધારે વ્યક્તિત્વ ફાળવ્યા હોવાનું મનાય છે.

કાર્લ જુગે કુદરતી કે અંતર્ભાન પ્રેરિત કે સંવેદના વડે અનુભવેલા જીવન પ્રસંગોના આધારે છતું થતું વ્યક્તિત્વ તે જ નિર્ણાયક છે તેમ સાબિત કર્યું છે.

હવે તો અવનવા પ્રાચીન, મોડર્ન શાસ્ત્રોને ભેગા કરી અવનવી થિયરીઓ જેવી કે એકટોમોર્ફ, એન્ડોમોર્ફ, મેસોમોર્ફ, એનેગ્રામ પણ વિકસી ગયા છે. મેડિકલ સાયન્સ અત્યારે ન્યુરોલીન્ગ્વીસ્ટીક પ્રોગ્રામિંગ (એનએલપી) નામની સિસ્ટમમાં બહુ રસ લે છે. આ અભ્યાસના આધારે એ સાબિત થયું છે કે પ્રત્યેક માનવીને પાંચ ઈન્દ્રિયો પૈકી કોઈને કોઈ એક ઈન્દ્રિય વિશેષ સતેજ હોય છે.

વ્યક્તિની વર્તણુંકની સામાન્ય પેટર્ન, લક્ષણો, ચારિત્ર્ય, તેની રેન્જ આંતરદર્શન એ બધું જ ભવિષ્યકથનની પદ્ધતિઓ માપવાના માપદંડમાં આવી જાય છે. જીવનમાં, બિઝનેસમાં, કુટુંબમાં તમામ પ્રકારના માણસોની જરૂર પડે છે. કૃષ્ણ, રામ અને અર્જુનની પ્રકૃતિની પણ જરૂર છે, દુર્યોધન, દુ:શાસન કે કર્ણ પણ સમાજમાં જોવા મળે જ  છે.

રાજકારણીઓ ગમે તેવા હોય પણ તેઓમાં શાંતિપ્રિય જીવન વિતાવવાનો ટેમ્પરામેન્ટ આવી જાય તો ખટપટભર્યું શાસન કોણ સંભાળશે ? જો બધાંને ઘેરબેઠાં કમાણી થાય તો મહેનત કરી ફેકટરી ઉદ્યોગો કોણ ચલાવશે ? બધા આરામપ્રિય કે કુટુંબપ્રિય બને તો સવારથી રાત સુધી દુકાનની ગાદીએ કોણ બેસે ? બધા વાત વાતમાં જીવન વીમો ઉતરાવી મોતથી ડરીને સાઈકલ પણ ન ફેરવે તેવા બને તો દેશની રક્ષા કોણ કરશે ?

મનોવિજ્ઞાની સિગ્મન્ડ ફ્રોઈડે લખ્યું છે કે દરેક વ્યક્તિ અંદરથી પોતાની નબળાઈ જાણતો જ હોય છે તેથી તે બીજા સબળ ગુણોભર્યા પાસાને મજબુત કરવા પ્રયત્ન કરતો હોય છે, જેમ કે અપંગ વિદ્યાર્થી ક્લાસનો મોનિટર બનવાની ખેવના રાખે છે.

રૂડોલ્ફ સ્ટેનરે વાલ્ડોર્ફ સ્કુલ સિસ્ટમમાં જણાવ્યું છે કે ઉત્સાહી અને જુસ્સાદાર વ્યક્તિના ચહેરા પર લાલાશ અને ચમક હોય છે. માનસિક રીતે હતાશ વ્યક્તિની આંખો અને ચહેરામાં નિસ્તેજતા જોઈ શકાય છે. લાગણીશૂન્ય વ્યક્તિ ફિક્કી કે રંગહીન જણાશે. ક્રોધી વ્યક્તિની આંખો તેને છુપાવી નહીં રાખે.

બાળ મનોવિજ્ઞાનીઓના મતે વ્યક્તિનાં ગુણો કે અવગુણો તે છ વર્ષની ઉંમરનું હોય ત્યાં સુધીમાં જ મહદ્અંશે નક્કી થાય છે. અમુક કિસ્સાઓમાં બાહ્ય વાતાવરણ, સંગ કે તાલીમનો ફર્ક જરૂર પડે છે. મોટી કંપનીઓની જુદી જુદી જગ્યાઓ માટે ભરતી કરી આપતી એક કંપનીએ જણાવ્યું કે જો કોઈ કંપનીના કામદારો તોફાની અને અસહકાર આપી ટેન્શન લાવવા જાણીતા હોય તો અમે તેવા જ ઈન્ડસ્ટ્રિયલ ઓફિસરને લાવીશું કે જે તમામ રીતે કામ પાર પાડવામાં પહોંચેલો હોય.

એક માર્ગદર્શક તો એટલે સુધી કહ્યું કે તમે માત્ર તમારી જ પર્સનાલિટી જાણી લો એ સફળતા માટે જરૂરી નથી પણ ઘેર તમારા કુટુંબીઓ ધંધામાં ગ્રાહકોની અને ઓફિસમાં તમારા બોસની પર્નાલિટીને પણ જાણી તે પ્રમાણે વર્તવાનું છે.

એક મનોચિકિત્સકે કહ્યું કે દર્દી ડિપ્રેસ્ડ કે ક્રોધમાં છે, નિરસ છે કે આપઘાત તરફ જઈ રહ્યો છે તે તેના વ્યક્તિત્વમાં ઊતરીશું તો ખબર પડશે અને શ્રેષ્ઠ સારવાર થશે. આજે જાહેરાત બનાવતી કંપનીઓ પણ તેના ગ્રાહકવર્ગની પર્સનાલિટી અને માનસનો અભ્યાસ કરે છે.

વ્યક્તિ અંતર્મુખી કે બહિર્મુખી છે તેના આધારે પણ તેની જોડે વર્તન કરી શકાય. ઘણી વ્યક્તિ મિશ્ર હોય છે.

હવે તો વ્યક્તિત્વ વિકાસ કે તમારામાં શું પડેલું છે તે જાણવા માટેના અંગ્રેજી પુસ્તકો બેસ્ટસેલર મનાય છે.

હવે એક નવી વાઈબ્રેશન થિયરી બહાર આવી છે. વ્યક્તિને મળતાં જ તેની આસપાસ રચાતા તરંગો, મોજાં તમને તે વ્યક્તિ કેવી છે તેવા સંકેતો આપી દેતી હોય છે.

ચીનના જ્યોતિષ પ્રમાણે બાર પ્રાણીઓને જન્મવર્ષ આપી દેવાયા છે. જે તે પ્રાણીવાળી વ્યક્તિ તે પ્રાણી જેવા પોઝિટિવ કે નેગેટિવ ગુણો ધરાવે છે તેવી ગેરસમજ ન થાય તે જરૂરી છે. સ્નેક કે સાપ કેટેગરીમાં આવતી વ્યક્તિઓ સાપ જેવી ઝેરી હોય કે ડુક્કર જેવી કેટેગરીમાં આવતી વ્યક્તિ તેવી ગંદી ગોબરી છે તેવી રીતના તારણો નથી અપાયા.

સ્નેક વર્ગનો વ્યક્તિ સાપ જેવો કાર્ય અને વર્તનમાં પ્રવાહી અને પાળેલા કૂકડાના વર્ગમાં આવતી વ્યક્તિ તરવટાટભરી બતાવાઈ છે. શીપ કેટેગરીની વ્યક્તિ આજ્ઞાંકિત, ઓક્ષ દ્રઢનિશ્ચયી, ડ્રેગન મક્કમતા, હોર્સ ગતિ, મિન્કી ચંચળ, કૂતરો વફાદારી અને ડુક્કર શાંતિપ્રિયતા સુચવે છે.

તમને પાળેલા વારસાગત સદગુણો અને દુર્ગુણોની તટસ્થભાવે યાદી બનાવો. તમારી પ્રકૃતિનું આત્મદર્શન કરો. ખૂબીઓ અને ખામીઓ પ્રત્યે જાગ્રત બનીને તમારી સુખ, શાંતિ અને સમૃદ્ધિની સમતુલા કઈ રીતે જાળવી શકાશે તેનું ચિંતન કરીને આગળ વધો. કોઈ થિયરી કે આગાહીને જડતાથી ના માનો. ખરાબ કે નકારાત્મક બાબત હોય તો પડકાર તરીકે જુઓ. જીવનની દ્રષ્ટિ જ તમને સુખી કે દુ:ખી બનાવી શકે છે.


Google NewsGoogle News