Get The App

જે.ડી.વેન્સ અને ઉષા ચિલુકુરીની લવ સ્ટોરીનો વિવાદ

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
જે.ડી.વેન્સ અને ઉષા ચિલુકુરીની લવ સ્ટોરીનો વિવાદ 1 - image


- ડોનાલ્ડ ટ્રમ્પે રિપબ્લિકન પક્ષના વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર તરીકે જે. ડી. વેન્સ પર પસંદગી ઉતારી અને  સમર્થકોમાં હોબાળો મચ્યો

- વિવિધા-ભવેન કચ્છી

- અમેરિકાનો એક વર્ગ કઈ હદે સંકુચિત છે તે જાણીને નવાઈ લાગશે : 'ગોરાઓથી સુપ્રીમ કોઈ નથી' .. 'મેક અમેરિકા ગ્રેટ અગેઈન'નું સૂત્ર ચિંતાજનક

અ મેરિકામાં આજકાલ ડોનાલ્ડ ટ્રમ્પ પરના હુમલા કે બાઇડેન કદાચ પ્રમુખપદની રેસમાંથી ખસી પણ જાય અને કમલા હેરિસ તેમની જગ્યાએ  ડેમોક્રેટિક પક્ષના  પ્રમુખ તરીકેના ઉમેદવાર જાહેર થાય તે બે વિષયો જ મીડિયામાં નથી છવાયા પણ ભારત અને ભારતીય સંસ્કૃતિ  સુધી છેડો અડતો હોય તેવો વિવાદ પણ ચર્ચાની એરણે છે. વાત એમ છે કે રિપબ્લિક પક્ષે  પ્રમુખ તરીકે  ડોનાલ્ડ ટ્રમ્પને અને ઉપપ્રમુખપદના (વાઇસ પ્રેસિડેન્ટ)  ઉમેદવાર તરીકે ૪૦ વર્ષીય જેમ્સ ડેવિડ વેન્સ જેઓ જ. ડી. વેન્સ તરીકે ઓળખાય છે તેમને જાહેર કર્યા છે.એટલે કે જો ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બને તો ઉપપ્રમુખ જે.ડી.વેન્સ બને. તમને થશે કે આમાં વિવાદ કરવા જેવું શું છે. ચર્ચાનું કારણ એ છે કે જે.ડી. વાન્સના  ૩૮  વર્ષીય પત્ની ઉષા ચિલુકુરી ભારતીય છે.માત્ર ભારતીય છે ત્યાં સુધી વાત ન અટકી પણ તેઓ યેલ યુનિવર્સિટી અને કેમ્બ્રિજની ખૂબ જ તેજસ્વી  કારકિર્દી ધરાવતા ડિગ્રીધારી છે. ઉષા ચિલુકુરી ઊંચા દરજ્જાના વક્તા તો છે જ પણ ભારતીય સંસ્કૃતિ , ભોજન શૈલી અને હિન્દુ ધર્મના સબળ પાસાઓ પર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા ત્યારથી ડીબેટમાં  ભાગ લઈ જાણીતું થયેલું નામ છે. જ્યારે  ડોનાલ્ડ ટ્રમ્પે પક્ષના  ઉપપ્રમુખ  ઉમેદવાર તરીકે જે . ડી.વેન્સનું નામ આપ્યું તે સાથે જ સંમેલનમાં  ઉપસ્થિત સેનેટ્સ અને ઉચ્ચ હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યાના ચુસ્ત રિપબ્લિકનના ચહેરા પર અણગમો અને નારાજગી ફેલાયેલી જોઈ શકાતી હતી.અધૂરામાં પૂરું ઉષા ચિલુકુરી ને જ પતિ જેમ્સ.ડી.વેન્સનો પરિચય આપવાનું કહેવામાં આવ્યું અને તેણે તેની સ્પીચમાં વટ કે સાથ પોતે ભારતીય હોવાનું ગૌરવ છે તેમ તો કહ્યું જ પણ તે સાથે ઉમેર્યું કે 'મારા પતિ જેમ્સ પણ ભારતીય સંસ્કૃતિના ચાહક બની ગયા છે. હું તો શાકાહારી છું જ હવે તો પતિ જેમ્સ પણ મારી સાથે વેજ ભોજન બનાવવામાં મદદ કરે છે.તેઓ હજુ પૂર્ણ શાકાહારી નથી બન્યા પણ તેમને હવે તે પસંદ પડતું જાય છે તેથી મજાકમાં હું જેમ્સને 'પોટેટો એન્ડ મીટ' (એક અર્થ કંઇક નવું અજમાયશી કરનાર થાય) કહું છું. પછી તો જેમ્સ કઈ હદે ભારતીયતા અને હિન્દુ વિધિઓ અને તત્ત્વ જ્ઞાનથી પ્રભાવિત છે તે બધી વાતો બહાર આવી.

રિપબ્લિકન મતદારો એટલે કે ટ્રમ્પના જે મત છે  તેઓ અમેરિકામાં અમેરિકનોનું જ પ્રાધાન્ય અને વર્ચસ્વ રહેવું જોઈએ તેમ માને છે. અશ્વેતો તેમજ બીનનિવાસીઓ (ઇમિગ્રન્ટ્સ) દેશ માટે બોજરૂપ છે અને  તેઓને માટે પ્રોત્સાહક યોજનાઓ ન હોવી જોઈએ તેવી નીતિના કટ્ટા સમર્થક છે. રિપબ્લિક પક્ષના ટેકેદારો અમેરિકાની વસ્તીના ૪૮થી ૪૯ ટકા છે. પ્રમુખ તરીકે જે જીતે છે તેની તરફેણમાં ત્રણ ચાર ટકાના સ્વિંગ મતો જ નિર્ણાયક બનતા હોય છે. રિપબ્લિક પક્ષના મોટાભાગના મતદારો અને સેનેટરોને ડર છે  કે જે. ડી.વેન્સના પત્ની ઉષા ચિલુકુરી ભારતીય છે અને જાહેરમાં કહી ચૂક્યા છે કે પતિ પર તેમનો મોટો પ્રભાવ છે તેથી  જે. ડી.વેન્સ જો  ઉપપ્રમુખ બનશે તો તેમની પત્નીની વાતોમાં આવી જઈને ભારતીયો અને એશિયનોને ગ્રીન કાર્ડ આપવાની યોજના વેગવંતી બનાવશે જે પક્ષના પાયાના સિધ્ધાંતથી જ વિપરીત છે. 

ઉષા ચીલુકુરી જ્યારે રિપબ્લિક પક્ષના અધિવેશનમાં ઉપરોક્ત સ્પીચ આપતા હતા ત્યારે પક્ષના  સેંકડો કાર્યકરો તેમનો વિરોધ કરતા MAGA (મેક અમેરિકા ગ્રેટ અગેઈન) ઝુંબેશનું  બેનર લઈને જે. ડી. વેન્સના નામનો વિરોધ પ્રદર્શિત કરતા હતા. તેઓ 'અમેરિકા ફર્સ્ટ' ના હિમાયતી છે.હવે જે. ડી. વેન્સની ઉમેદવારીનો રિપબ્લિકન પાર્ટીને તે રીતે પણ ડર છે કે ટ્રમ્પનું ચુંટણીનું સૂત્ર જ 'મેક અમેરિકા ગ્રેટ અગેઈન' છે ત્યારે ભારતીયતાથી પ્રેભાવિત અમેરિકન  ઉપપ્રમુખ પતિ અને તેની   ભારતીય પત્ની 'સેકન્ડ લેડી ઓફ અમેરિકા' બનવાની હોય તો કટ્ટા મતદારો રોષે ભરાઈને રિપબ્લિકન પક્ષના મત ન આપે અથવા ડેમોક્રેટિક પક્ષને બંડ પોકારતા મત આપી શકે છે. પક્ષના કાર્યકરો અને સેનેટ સભ્યો અંદરખાનેથી એવો અવાજ કરે છે કે 'મેક અમેરિકા ગ્રેટ અગેઈન'ની હાકલ અમે કયા મોઢે કરી શકીશું.

કેટલાક રાજકીય વિશ્લેષકો એવું માને છે કે ધ ટ્રમ્પને પણ પ્રભાવી એવા સાઉથ ઇસ્ટ દેશોના  મૂળ નાગરિકો કે જેઓ અમેરિકામાં જોબ કે બિઝનેસ  કરે છે તેમના મત ગુમાવવા પોસાય તેમ નથી. ટ્રમ્પે જ ડેમોક્રેટિક પક્ષના પ્રમુખ પણ હિંમત ન કરી શકે તેવી કૉમેન્ટ કરી થોડા દિવસો પહેલા હતી કે 'અમેરિકા માટે જે પણ ભારતીયો સહિત એશિયન ટેકનો બ્રેઈન એટલે કે એચ વન બી વિઝા ધારક છે તે દેશને અગ્રેસર રાખવા માટે જરૂરી છે.અન્ય ક્ષેત્રોમાં પણ સક્ષમ પ્રતિભાઓ બીનનિવાસી વર્ગની છે.તે તમામને જો  એચ વન બી વિઝાના વર્તમાન નિયમ   પ્રમાણે રાખીશું તો શક્ય છે કે તેઓ તેમના દેશ આગળ જતાં પરત ચાલ્યા જાય એટલે તેઓને કોઈ ગ્રીન કાર્ડ પ્રકારે રક્ષણ આપીને અમેરિકામાં કાયમ રહી શકે તેવું વિચારવું જોઈએ.'

બધા માને છે કે ટ્રમ્પ માટે આમ કરવું આસાન નથી.પણ ટ્રમ્પ જીતવા માટે એટલા બેબાકળા બન્યા છે કે ડેમોક્રેેટિક મત બેંક પર પણ તરાપ મારવાનો જોખમી ખેલ ખેલે છે. 'અમેરિકા ફર્સ્ટ' ના નારા સાથે આવી વિરોધાભાસી નીતિ અમલમાં મૂકવાની વાત જ રિપબ્લિકનોને બેચેન બનાવી દે છે.

આવા વાતાવરણ વચ્ચે જે. ડી. વેન્સ અને ઉષાની અંતરંગ દુનિયા મીડિયા માટે ગોસીપ બની છે. જે ચુસ્ત રિપબ્લિકન બોલકા નેતાઓ છે તેઓ રિપબ્લિકન પક્ષમાં હોવું એટલે રાજકીય પક્ષના સમર્થક તરીકે જ પોતાને માનતા હોય તેવું માત્ર નથી. જેમ આપણે ત્યાં હિન્દુત્વ કે સનાતન ધર્મીના સમર્થકોને રાજકીય પક્ષ જોડેનું જોડાણ ન પણ હોય છતાં તેઓ જમણેરી વિચારસરણીના સમર્થક હોય તેમ 'વ્હાઈટ સુપ્રીમસી' એટલે કે ગોરા અમેરિકન જ બૌધ્ધિકતા, સભ્યતા, નીતિમત્તા અને  ખ્રિસ્તી ધાર્મિકતાની રીતે અન્ય કોઈપણ રંગના નાગરિક કે ધર્મી કરતા જીનેટીકલી  શ્રે છે તેવી લાગણી જોર પકડતી જાય છે અને   રિપબ્લિકન  પાર્ટી વિવાદિત રીતે  'વ્હાઈટ સુપ્રીમેસી'માં  માનતી જમણેરી પાર્ટી છે. અમેરિકાની અસ્મિતાને પરત લાવવી હશે તો અમેરિકાના તમામ મહત્વના હોદ્દાઓ  પર ગોરા અમેરિકનોનો જ હક્ક હોવો જોઈએ તેમ આ વિચારધારા માને છે. તેઓ મને છે કે અમેરિકાનું છેલ્લા દાયકામાં ક્રમશ: સુપર પાવર તરીકેની પ્રભાવ ઘટતો જાય છે તેમજ સભ્ય સમાજ નથી રહ્યું તે માટેનું મુખ્ય કારણ બીન ગોરાઓ અને મેક્સિકોના જે પણ ઘૂસણખોરો છે.

હવે આ જમણેરીઓ પ્રચાર કરે છે કે જે. ડી.વેન્સ શાકાહારી બની જશે. તેમની પત્ની ઉષા પતિને  ભારતીયતામાં કન્વર્ટ કરવાનું મિશન ધરાવે છે. તમને જણાવી દઈએ કે વ્હાઈટ સુપ્રીમસીના ખ્યાલ હેઠળ ગોરા અમેરિકનોએ બીજા કોઈ ધર્મ કે સંસ્કૃતિથી પ્રભાવિત થઈને તેની મૂળ જે માંસાહારી ભોજન પધ્ધતિ છે ત્યજવાની નથી.

અમેરિકામાં તુલસી ગેબાર્ડ, કમલા હેરિસ જેટલી જ ચર્ચા ઉષાની થાય છે. જમણેરીઓ જે. ડી. વેન્સ યુનિવર્સિટીમાં ઉષાના પ્રેમમાં પડયા ત્યારથી ભારતીય રંગે રંગાયેલા છે તેના પુરાવાઓ બહાર પાડે  છે. આપણને હસવું આવે કે આધુનિક બનીને વિશ્વને તેના રવાડે ચઢાવનાર દેશની સોચ આટલી સંકુચિત? શું વૈશ્વિક નાગરિક કે પછી ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થવું કંઈ ગુનો થોડો છે? હા, અમેરિકાના વ્હાઈટ સુપ્રીમસી અને કટ્ટા રીપબલિકન્સ આવું બધું માને છે. થોડા અરસા પહેલાં અમેરિકાના મીડિયામાં એવી તસવીરો પ્રકાશિત થઈ કે 'આપણા ઉપપ્રમુખ પદના ઉમેદવાર જે. ડી.વેન્સ ઉષા જોડે હિન્દુ વિધિથી લગ્ન વિધિ કરી રહ્યા છે.ગળામાં હાર, કપાળ પર તિલક, શર્ટ વગરનું ખુલ્લું શરીર અને અબોટિયું પહેર્યું છે.

આ અંગે ઉષા કહે છે કે અમે હિન્દુ અને ખ્રિસ્તી બંને વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા તો તેમાં ખોટું શું છે?

વળી વ્હાઈટ સુપ્રીમસીના કાર્યકરોએ નવી પંચાત બહાર પાડી કે  જે. ડી. વેન્સના બે પુત્રોમાંથી એકનું શુધ્ધ ભારતીય એવું વિવેક નામ છે. શું હવે અમેરિકન રિપબ્લિક ઉપપ્રમુખ તેના સંતાનનું નામ પણ ભારતીય પાડશે? અમેરીકાનું પત્રકારત્વ પણ તળિયે ગયું લાગે છે. તેઓ આવા વિવાદ વચ્ચે શોધી લાવ્યા કે જે. ડી. વેન્સ દાઢીધારી છે. અમેરિકાના ઇતિહાસમાં છેલ્લે ૧૮૮૮માં બેન્જામિન હેરિસ એવા પ્રમુખ હતા  જેમણે દાઢી વધારી હતી. તે પછી ૧૯૦૮માં હોવાર્ડ તાફ્ટ અમેરિકાના પ્રમુખ હતા જેઓ આછેરી દાઢી અને મૂછ રાખતા. હવે જો જે. ડી.વેન્સ ઉપપ્રમુખ બને તો ૧૧૬ વર્ષ પછી  અમેરિકાના પ્રમુખ કે ઉપપ્રમુખ દાઢીધારી હોય તેવી ઘટના બનશે. રિપબ્લિકન સમર્થકો આને પણ 'ઉષા ઇફેક્ટ' કહે છે. એશિયાના દેશોમાં જ પુરુષો દાઢી વધારે છે. ભારતમાં પણ આ ટ્રેન્ડ છે જે માટે ઉષાએ શક્ય છે કે જે. ડી. વેન્સ પર પ્રભાવ પાડયો હોય તેમ રિપબ્લિક પક્ષના કાર્યકરો પ્રચાર કરે છે

૩૮ વર્ષીય ઉષા ચિલુકુરી નો જન્મ  કેલિફોર્નિયાના સાન ડીયાગોમાં થયો છે. તેના માતા અને પિતા '૮૦ના દાયકામાં આંધ્ર પ્રદેશના ક્રિષ્ના જિલ્લામાંથી અમેરિકા સ્થાયી થયા હતા.તેમના પિતા આઈ.આઈ.ટી.મદ્રાસમાંથી મેકેનીકલ એન્જિનિયર બન્યા હતા અને સાન ડિયાગો સ્ટેટ યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે જોડાયા હતા. ઉષાના  માતા બાયોકેમિસ્ટ છે અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન ડીયાગોમાં પ્રોવોસ્ટ છે. ઉષાના નાના અને દાદા બંને પરિવારના સભ્યો ભારતમાં આઈ. આઈ. ટી. સહિત ટોચની યુનિવર્સિટીમાંથી ઉત્તીર્ણ થઈને ઉચ્ચ હોદ્દા ધરાવે છે. પરિવારમાં શિક્ષણને એટલું મહત્વ અપાયું છે આજે ૯૬ વર્ષની વયે પણ ઉષાના સૌથી મોટા કાકી. ચિલુકુરી સાંથામ્માં વિશાખાપટ્ટનમની યુનિવર્સિટીમાં  વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પ્રોફેસર છે અને ડ્રાઈવર ન હોય તો પોતે સાઈઠ કિલોમીટર સહેલાઈથી કાર ડ્રાઇવ કરી વિદ્યાદાન માટે જાય છે. મોટા કાકીએ મીડિયા દ્વારા ઉષાને શિખામણ આપી કે 'પતિને એવા કાયદા બનાવવા સમજાવજે કે આપણા ભારતીયોને ફાયદો થાય. તેઓ ત્યાં સ્થાયી થાય' બાદ પછી તો અમેરિકામાં રિપબ્લિકનો વધુ બગડયા.

આવા બેકગ્રાઉન્ડ ઉછરેલ ઉષા પણ હોનહાર કારકિર્દી ધરાવે છે. માતા પિતાએ ભારતીય અને હિન્દુ ધર્મના સંસ્કારોથી તેનો ઉછેર કર્યો છે. વિશ્વભરના સાહિત્યકારોના પુસ્તકો તે એક પછી એક ઉષા વાંચતા જ રહે છે. ઉષાએ યેલ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ વિષય સાથે બેચલર અને ગેટ્સ કેમ્બ્રિજ સ્કોલરશીપ હેઠળ કેમ્બ્રિજ, લંડનથી ફિલોસોફીમાં માસ્ટર કર્યું છે. લંડનથી પરત આવીને ૨૦૧૩માં યેલ લો સ્કૂલમાંથી એવી ડિગ્રી મેળવી કે જેના આધારે તે અમેરિકાના ટોચના ન્યાયાલય, જસ્ટિસ સાથે કામ કરી શકે.

યેલમાં કાયદા પર અભ્યાસ કરવા દરમ્યાન જ ઉષાનો પરિચય જેમ્સ વેન્સ જોડે થયો હતો. જેમ્સ વેન્સના માતા તે બાળવયના હતા ત્યારથી જ ડ્રગના ભારે બંધાણી હતા. જેમ્સ વેન્સ યુવાન બન્યા. ત્યાં સુધી તેમના પર કેવી વીતી હતી તે વિષયને આવરતું તેણે પુસ્તક પણ લખ્યું જેના આધારે તો હોલીવુડની ફિલ્મ "Hillbilly Elegy"(૨૦૨૦માં)બની જેમાં ઉષાનું પાત્ર ફ્રેઇડા  પિન્ટોએ ભજવ્યું છે. ડિપ્રેશન અને હતાશામાં ગરકાવ જેમ્સ વેન્સને ઉષા જે તત્વજ્ઞાનની સમજાવી બેઠો કરે છે તેને જેમ્સ વેન્સ ભારતીય સંસ્કૃતિની તાકાત તરીકે જુએ છે. તેને તે આકર્ષે છે એટલે જ હિન્દુ વિધિથી લગ્ન કર્યા અને તે જીવનશૈલી અપનાવે છે. તેઓ તેમના બે પુત્રો, એક પુત્રીને ભારતીય સંસ્કૃતિથી જ ઉછેર કરે છે.૨૦૧૪માં તેઓના લગ્ન હિન્દુ અને ખ્રિસ્તી વિધિથી વારાફરતી થયા હતા.

અમેરિકામાં એવા કટ્ટર જમણેરીઓ પણ છે જેઓ મૂળ  ભારતીય છે પણ જન્મથી અમેરિકામાં વસ્યા છે અને અમેરિકાના નાગરિકો છે. તેઓને ગોરા અમેરિકનો તો  ભારતીય તરીકે જ જુએ છે પણ આ દોઢ ડાહ્યો વર્ગ પોતાને ગોરા અમેરિકન જેવા જ સમજે છે અને ભારતના જે બીનનિવાસી ભારતીયો છે તેમને તુચ્છ ગણે છે. જમણેરી બનીને ભારતના આવા ઇમિગ્રન્ટસ અમેરિકાને બગાડે છે તેમ માને છે અને તેઓ વિરૂદ્ધ જ ઝુંબેશમાં સામેલ થાય છે. તેઓ ભારતીય કે હિન્દુ સંસ્કૃતિને પણ નિમ્ન ગણે છે.ઉષા અને જેમ્સ ડી વેન્સ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવા જૂજ તત્ત્વો પણ છે જ.

જોઈએ જે. ડી.વેન્સ અને ઉષાનો મુદ્દો અમેરિકામાં હજુ કેટલો ઉછળે છે. 


Google NewsGoogle News