Get The App

બુલેટ પ્રૂફ કારનું 51 અબજ ડોલરનું બજાર

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
બુલેટ પ્રૂફ કારનું  51 અબજ ડોલરનું બજાર 1 - image


- સલમાન ખાનની બુલેટ પ્રૂફ કાર તો બે કરોડ રૂપિયાની છે પણ બુલેટ પ્રૂફથી પણ આગળ એક કેટેગરી આર્મર્ડ કારની છે.. યુધ્ધ ભૂમિ વચ્ચે પણ સુરક્ષા આપતી કાર પણ છે જેની કિંમત રૂ.સાઈઠ કરોડ છે!

- વિવિધા-ભવેન કચ્છી

- અવનવી બુલેટ પ્રૂફ કારની ખાસિયતો અને તેમનું ટેસ્ટિંગ દિલધડક હોય છે

- અમેરિકાના પ્રમુખની કાર " the beast"ની તાકાત ગુપ્ત રખાય છે.. તેનું વજન 9000 કિલો છે

'અ મારી કંપનીની બુલેટ પ્રૂફ કાર કેટલી ભરોસાપાત્ર છે' તેમ પુરવાર કરવા માટે બનેલી  જાહેરાત યુ ટયુબ પર જોઈને તમે પણ  હેરત પામી જશો.વીડિયોમાં બતાવાયું છે કે ફેક્ટરીમાંથી તાજી જ બહાર આવેલી બુલેટ પ્રૂફ કારમાં તેની કંપનીનો સી.ઇ.ઓ. બેસે છે અને ડોર બંધ કરે છે. કારની આગળના ભાગમાં કાચથી આઠ દસ ફૂટ દૂર એ.કે.૪૭ જેવી રાઇફલ લઇને એક વ્યક્તિ ઊભી છે. તે કારના આગળના ભાગમાં બોનેટ પર આવેલ મુખ્ય ગ્લાસ પર વીસેક જેટલી ગોળી વીંધી નાંખે છે. તે પછી હાથમાં રાઇફલ પકડેલી વ્યક્તિ કારની વિન્ડો અને તેની નીચેના ભાગમાં સ્ટીલથી બનેલ ડોર પર ગોળીઓનો વરસાદ કરે છે. કારના કાચ પર ગોળીઓ વીંધાઈ હોઇ ગોળ ચકામાં જરૂર પડે છે પણ એકપણ ગોળી કારની અંદર પ્રવેશી નથી શકતી.સી.ઇ.ઓ.ને તેની કંપનીની બુલેટ પ્રૂફ કાર પર કઈ હદનો વિશ્વાસ હશે તેની કલ્પના કરો.

બુલેટ પ્રૂફ કાર હવે કંપનીઓ માટે હરીફાઈ માટેનું નવું સેગમેન્ટ ઉભુ થયું છે તે હદે તેની માંગ વધતી જાય છે.

બુલેટ પ્રૂફ કાર આજકાલ ન્યુઝમા છે. લોરેન્સ બીશ્નોઇ ગેંગની ધમકી બાદ અભિનેતા સલમાન ખાને તેના કારના કાફલામાં વધુ એક લેટેસ્ટ મોડેલની બુલેટ પ્રૂફ કારનો ઓર્ડર આપ્યો છે. તેણે મંગાવેલ નિશાન કંપનીની  એસ.યુ.વી. મોડેલ કાર ભારતમાં ઉપલબ્ધ નથી તેથી સલમાને  રૂ.બે  કરોડ વત્તા ઘણી ઊંચી રકમની ડયુટી ભરીને  આ કાર ખરીદી છે. જો કે અત્યારે તો દસ પંદર કરોડથી માંડી સાઈઠ કરોડ રૂપિયાની કાર વિશ્વ બજારમાં પ્રાપ્ય છે ત્યારે સલમાન ખાને રૂપિયા બે કરોડની કાર ખરીદી તે ન્યુઝ આપણને બહુ ચમકાવી નથી દેતા.

છેલ્લા વર્ષોમાં જેટલા કરોડપતિઓ વધ્યા તેટલું કાર અને બુલેટ પ્રૂફ કારનું બજાર પૂરપાટ દોડવા માંડયું છે.ધનકુબેર વધ્યા એટલે મોતની ધમકી આપતી ખંડણી ઉઘરાવતી ગેંગ પણ તે જ વેગથી વધતી ગઈ. જમીનના કરોડોના સોદાની ખરીદ પ્રક્રિયામાંથી ખસી જવા પણ ધમકી મળતી હોય છે. અબજો રૂપિયાના રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ  પ્રોજેક્ટ મેળવવાની હરીફાઈમાં પણ ભ્રષ્ટ નેતાઓ, જમીન માફિયાના પીઠબળ ધરાવતી ગેંગ સક્રિય બનતી હોય છે. સેલિબ્રિટી બનો તો પણ સલામતીનો પડકાર સર્જાય છે.

ભારતના મુંબઈ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડ્રગ કાર્ટેલ, સટ્ટા કાંડ માટેની ગેંગ રચાઈ હોવાનું સ્પષ્ટ જણાઈ આવે. હવે ગેંગના મૂળિયાં દુબઈ સુધીના જ નહીં પણ પાકિસ્તાન, કેનેડા, યુ.એ.ઇ., અમેરિકા યૂરોપના દેશો સુધી પથરાયેલા છે. વૈશ્વિક સ્તરે જોઈએ તો ઇઝરાયેલ, પેલેસ્ટાઇન, લિબિયા, ઈરાન, જોર્ડન, ઇજિપ્ત યમન, તુર્કી, સીરિયા, અફઘાનિસ્તાન, બ્રાઝિલ, આફ્રિકા, રશિયા, યુક્રેનમાં યુધ્ધ કે આંતર વિગ્રહ ચાલે છે. અમેરિકા તો વિશ્વનું દોરીસંચાર કરતું હેડ ક્વાર્ટર છે. આ બધા દેશોમાં બુલેટ પ્રૂફ કાર સહજ બનતી જાય છે.

પ્રત્યેક દેશના શાસક અને વિરોધ પક્ષના નેતાઓ પણ જાન હથેળીમાં લઈને ફરતા હોય છે. ફિલ્મ, સ્પોર્ટસ ક્ષેત્રની સેલિબ્રિટીઓના પણ દુશ્મનો હોવાના જ. આવા વાતાવરણને લીધે જ યુધ્ધ કે આંતર વિગ્રહના શસ્ત્રો, ફાઇટર વિમાનો બોમ્બ, મિસાઈલ, ડ્રોન, સબમરીન, ગ્રેનેડ, એ.કે. રાઇફલ જેવા શસ્ત્રોનું બજાર તેજીમાં છે અને તેવી જ રફતાર બુલેટ પ્રૂફ કારના બજારે મેળવી છે. આપણે જેને બુલેટ પ્રૂફ કાર કહીએ છીએ તેના કરતાં પણ વધુ રક્ષણ આપતા ફિચર્સ ધરાવતી કાર નેતાઓ અને મોતનો ભય હોય તેવા લોકોમાં આર્મર્ડ કાર વધુ વેચાય છે. આ કારના ફિચર્સ યુધ્ધની ભૂમિ પર ઉતારાતા સૈન્ય વડાના વાહનો કે ટેન્ક જેવા છે તેથી તેને  આર્મર્ડ કાર કહેવાય છે.બુલેટ પ્રૂફ અને આર્મર્ડ બંને કારનો મળીને વર્ષનો  વૈશ્વિક ધંધો ૫૧ અબજ ડોલરનો છે અને તે ચાર ટકા વાર્ષિક વૃદ્ધિ સાથે આગળ વધી રહ્યો છે.એકલી બુલેટ પ્રૂફ કારનો ધંધો ૨૫ અબજ ડોલરનો છે.

બુલેટ પ્રૂફ કારની ટોપ ૧૪ બ્રાન્ડ જોઈએ તો જગુઆર એકસ.જે. સેન્ટીનલ, ટેસ્લા મોડેલ એસ પ્લાઇડ, ફોર્ડ રેપ્ટર, ડાર્ટ્ઝ બ્લેક શાર્ક, આર્મોરેડ લિંકન ટાઉન, ઓડી છ૮ ન્ સિક્યોરિટી, રેન્જ રોવર સેન્ટિનલ, બી.એમ.ડબલ્યુ ૭૬૦ એલ.આઇ., બેન્ટલી બેન્ટાયગા,મર્સિડીઝ બેન્ઝ મેબાક પુલમેન ગાર્ડ,મર્સિડીઝ બેન્ઝ એસ ગાર્ડ, કાર્લમાન કિંગ, બી.એમ.ડબલ્યુ સેવન સીરીઝ અને કેડિલેક વનનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ટોયોટા લેન્ડ ક્રૂઝર, શેવરોલે સુબુરબાન, લેક્સસ એલ. એકસ.૫૭૦, મર્સિડીઝ જી.એલ.ક્લાસ, કેડિલેક  એસ્કાલાડે,જી.એમ.સી.યુકોન, ઓડી એઈટ ન્, રોલ્સ રોયસ, આર્મરમેક્સ કંપનીની  બુલેટ પ્રૂફ કાર પણ સારી એવી વેચાય છે.

ઘણી ઘણી મોંઘી કહી શકાય તેવી રેન્જ જોઈએ તો બુગાટી શીરોન ૧૯થી ૬૦ કરોડ રૂપિયામાં મળે છે.

'લ્યુસિડ એર સેફાયર ૧૨૩૪ હોર્સ પાવરની સૌથી વધુ ઝડપે દોડી શકતી કાર છે. બે સેકંડથી ઓછા સમયમાં તે ૬૦ માઈલ પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે.

રસપ્રદ વાત એ છે કે ગમે તેટલી આધુનિક બુલેટ પ્રૂફ કાર હોય પણ તેના ટાયર બુલેટ પ્રૂફ નથી હોતા.પણ આવી કારના ટાયરમાં ખાસ પ્રકારની રબર કે મેટલ રીમ મુકાઈ હોય છે.જ્યારે ટાયર ફાટી જાય કે તે હદનો ધસારો મેળવે ત્યારે આ રીમ ટાયરની લગભગ યથા સ્થિતિ જાળવી રાખે છે.બુલેટ પ્રૂફની જગ્યાએ ટાયરની પ્રતિકાર શક્તિ કેવી તેમ તેના ડીલરને પૂછવું હોય તો ટાયર 'રનફ્લેટ' છે? તેમ સવાલ કરવો.

અંબાણી પરિવાર પાસે ૧૭૦ કારનો કાફલો છે જેમાં બેન્ટલી, રોલ્સ રોયસ, ફરારી, મર્સિડીઝ સહિતની લગભગ વિશ્વની ટોચની બ્રાન્ડ સામેલ છે. મોટાભાગની કાર બુલેટ પ્રૂફ છે.

શાહરૂખ ખાન પાસે બુગાટી સહિતની ડઝન કાર છે.આમિર ખાન પાસે બોમ્બ પ્રૂફ મર્સિડીઝ બેન્ઝ ૬૦૦ મોડેલની કાર છે. ભારતના મોટાભાગના સેલિબ્રિટી અને ઉદ્યોગપતિઓ પોશ બુલેટ પ્રૂફ કાર એક કરતાં વધુ ધરાવે છે.

કારની વાત આવે એટલે આપણા અંદાજ પ્રમાણે રૂ.૧૨ કરોડથી માંડીને રૂ.૩૦ કરોડના  બુગાટી કારના મોડેલ નજર પર તરવરે પણ તમને જાણીને નવાઈ લાગશે કે રોલ્સ રોયસ -  લા રોઝ નોઈર ડ્રોપટોલ મોડેલની કારની કિંમત  રૂ.૨૫૧ કરોડની છે.આ જ કંપનીની બોટ ટેઈલ મોડેલની કારની કિંમત રૂ.૨૩૪ કરોડ, બુગાટી વોઈશર નોઈર મોડેલની કિંમત રૂ.૧૫૬ કરોડ,પાગાની ઝોન્ડાની રૂ.૧૪૨ કરોડની કિંમત છે.વિશ્વની સૌથી મોંઘી દસ કારમાં દસમા ક્રમે બુગાટી ડીવો મોડેલની કારની કિંમત રૂ.૪૬ કરોડ છે.

નવાઈની વાત એ છે કે ભારતના એક પણ સેલિબ્રિટી કે ક્રિકેટર પાસે રૂ.૨૫ કરોડથી મોંઘી કાર નથી પણ મયુર શ્રી કે જે અમેરિકા સ્થિત રિયલ એસ્ટેટ એજન્ટ છે તેની પાસે બુગાટી શિરોનનું રૂ.૬૦ કરોડનું મોડેલ છે. આ ઉપરાંત દુબઈમાં સ્થાયી થયેલ બિઝનેસમન બલવિંદર સહાની, હરમન કપૂર અને ક્રિસ સિંઘ પાસે રૂ. ૨૫થી ૬૦ કરોડની કાર છે.

તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં સૌથી વધુ ૭૭,૬૦૦  આર્મર્ડ કાર ઇજિપ્તમાં અને બીજા ક્રમે ઈરાનમાં ૬૬,૦૦૦ આવી કાર છે.દેશની રીતે બ્રાઝિલ પણ ટોપમાં છે.

બુલેટ પ્રૂફ કાર તેની કિંમત પ્રમાણે સુરક્ષા આપે છે. કેટલીક કાર રિવોલ્વરના લગભગ  પોઇન્ટ બ્લેન્ક નિશાનને બહારથી કાચ પર જ ઝીલી લે છે પણ એ.કે ૪૭ રાઇફલમાંથી વછૂટતી સેકન્ડમાં પંદર વીસ ગોળીઓનો વરસાદ ત્રણેક મિનિટ લગાતાર થાય તો તે હદની સુરક્ષા નથી આપી શકતી. બુલેટ પ્રૂફ કારનું લેટસ્ટ મોડેલ રાઇફલ તો શું બોમ્બ અને સીધી જ કાર પર મિસાઈલ  ફેંકાય તો પણ રક્ષણ આપે છે.

હવે વિચારો, ઇઝરાયેલ હમસના નેતાઓના બંકર અને આર્મર્ડ એસ.યુ.વી.નો પણ ખુરદો બોલાવી તેઓના મોત નીપજાવી શકે છે તો તે બોમ્બ કેવા સ્ફોટક હશે. અમેરિકા, ઇઝરાયેલ, ચીન અને રશિયા સતત એવા સંશોધન કરીને શસ્ત્રો બનાવે છે કે જે બુલેટ કે બોમ્બ પ્રૂફ વાહનોને પણ ઉડાવી શકે. બુલેટ પ્રૂફ કાર નામ પ્રમાણે બુલેટ સામે જ મહત્તમ રક્ષણ આપે છે પણ હવે ડ્રોનથી માંડી સેટેલાઇટ નિશાન સાધી બતાવતું હોઇ વી.વી.વીઆઇ.પી. નેતાઓ અને વ્યક્તિઓ આર્મર્ડ એટલે કે જાણે યુધ્ધ ભૂમિમાં ઉતર્યા હોય તેવી સુરક્ષા સાથેની ડિઝાઇનર કાર તૈયાર કરે છે. અમેરિકાના ટેક્સાસ આર્મર્ડ કંપની આ માટે વિશ્વમાં નંબર વન મનાય છે.

જેમ્સ બોન્ડ જેવી કાર પણ કંપનીઓ મૂકે છે. બુલેટ પ્રૂફ કાર ભડભડતી આગમાંથી બહાર નીકળી શકે તેવા મોડેલ પણ ધરાવે છે. હુમલાખોરોની યોજના નિષ્ફળ બનાવે તે માટે કારની અંદરથી બટન દબાવીને ચોતરફ ટીયર ગેસ છોડી શકાય તેવું પણ ફીચર હોય છે.કારમાં બેઠેલી વ્યક્તિ નાઈટ વિઝન સહિત બહારનું બધું જોઈ શકે પણ બહારની વ્યક્તિઓને  અંદર કોણ કયાં બેઠું છે તે ખબર જ ન પડે તેવા ડાર્ક ગ્લાસ પણ હવે કોમન બનતા જાય છે.

દસેક કરોડની આવી કારમાં કેમિકલ શસ્ત્રોના હુમલા પણ ખાળી શકાય છે.

અમેરિકાના પ્રમુખના એરફોર્સ વન વિમાનની ખાસિયતો જેમ ખૂબ રસ જગાવે છે તેમ તેમની કાર વિશ્વની સૌથી સુરક્ષિત ફિચર્સ ધરાવનારી મનાય છે. ૨૦૧૮ સુધી જનરલ મોટર્સ અને હવે કેડિલેક કંપનીને પ્રેસિડેન્ટ અને તેના કાફલાની કાર નિર્માણ કરવાની જવાબદારી સોંપાય છે.પણ તેના ફિચર્સ અત્યંત ગુપ્ત રાખવામાં આવે છે. અમેરિકાના પ્રમુખની કાર 'ધ બિસ્ટ' તરીકે ઓળખાય છે.તે લિમોઝિન શ્રેણીની છે.આ એક કારનું વજન ૯૦૦૦ કિલો હોવાનું મનાય છે. પ્રમુખના કારની કિંમત રૂ.૮૫ કરોડથી એક અબજ રૂપિયા જેટલી થાય છે.

અમેરિકાના પ્રમુખની કાર  ૨૪થી ૪૫ કારના કાફલા વચ્ચે  ચાલતી હોય છે. આ તમામ કાર ધારે તો દુશ્મનો જોડે તત્કાળ મીની યુધ્ધ કરી શકે તેવી સજ્જતા ધરાવે છે. આવી કારને રિપેર નથી કરાતી પણ તેને ગુપ્ત સ્થળે ભંગાર બનાવી અજ્ઞાાત રીતે તે ભંગારનો નિકાલ કરવામાં આવે છે.

સૌથી મોંઘી બુલેટ પ્રૂફ કારમાં સ્ટીલની જાડાઈ પાંચથી આઠ ઇંચની હોય છે. અન્ય બુલેટ પ્રૂફ કારમાં તે બે કે  ત્રણ ઇંચ હોય છે. તેને બનાવવામાં લોખંડ, સિરામિક એલ્યુમિનિયમ, ટાઇટેનિયમ ધાતુનો પણ ઉપયોગ થાય છે.

જે રીતે વિશ્વમાં અંધાધૂંધી પ્રવર્તે છે તે જોતાં ભવિષ્યમાં એવી પૂરી શક્યતા છે કે અત્યારે જેમ કારમાં સલામતી માટે એરબેગ સિસ્ટમ અનિવાર્ય બની છે તેમ બુલેટ પ્રૂફનું ફિચર્સ પણ ફેમિલી કાર અને કોમર્શિયલ વાહનો,જાહેર બસ વગેરેમાં ફરજિયાત ઉમેરાશે. 


Google NewsGoogle News