Get The App

કૌભાંડીઓને જેલનો ખેલ ફાવી ગયો છે .

Updated: Apr 22nd, 2025

GS TEAM


Google News
Google News
કૌભાંડીઓને જેલનો ખેલ ફાવી ગયો છે                                                 . 1 - image


- વિદેશમાં આશ્રય લઈ રહેલા ભારતના ભાગેડુઓ ભારતની જેલમાં સુરક્ષા અને પાયાની સગવડો નથી તેમ કારણ આપીને વિદેશમાં જલસા કરે છે 

- વિવિધા-ભવેન કચ્છી

- જેમ બે નંબરી સંપત્તિના 'સેફ હેવન' છે તેમ  બે નંબરી કૌભાંડીઓ અને આતંકીઓને પણ 'સેફ હેવન' પૂરો પાડવાનો આગવો કારોબાર છે

મું બઈ આંતકવાદી ષડયંત્રના સૂત્રધાર તવ્વહુર રાણા, વિજય માલ્યા, નિરવ મોદી અને બેલ્જિયમમાં જેમની ધરપકડ થઈ છે તેવા મેહુલ ચોક્સી જેવા કૌભાંડીઓ કે આંતકી  કબૂતરોને તો કાળા પાણીની સજા આપવી જોઈએ તેવો નાગરિકોમાં તીવ્ર રોષ પ્રગટે છે ત્યારે આ ગુનેગારો નફ્ફટાઈથી અમેરિકા, બ્રિટન કે બેલ્જિયમમાં આશ્રય મળતો રહે કે  જેલમાં રખાય તેવી માંગણી કરતા  કોર્ટ સમક્ષ એવું કારણ આગળ ધરે છે કે ભારતમાં જેલની ગુણવત્તા અમાનવીય સ્તરની હોઈ તેઓને ભારત સરકારને સોંપવામાં ન આવે. ભારતની જેલમાં તેઓની સુરક્ષા નહીં રહે એટલું જ નહીં ભારતની જેલમાં માનવ તરીકેના જે પાયાના હક્કો છે તેની પણ જાળવણી નથી થતી.

ટ્રમ્પે વચન પાળ્યું

 આઘાતજનક બાબત એ છે કે બ્રિટનની કોર્ટ માલ્યા જ નહીં ભારતમાંથી કૌભાંડ આદરીને બ્રિટન ભાગી આવેલ ગદ્દારોને આ જ કારણ આગળ ધરીને  ભારત નથી સોંપાતા. આ તો ટ્રમ્પ છે કે જેણે રાણાને ભારતને સોંપી દેવાનું વચન આપ્યું હતું અને તે કરી બતાવ્યું બાકી રાણાએ પણ અમેરિકાની કોર્ટ સમક્ષ એવી જ આજીજી કરી હતી કે 'ભારતની જેલની સ્થિતિ અને સુરક્ષા અંગે તો વિચારીને જ ધ્રુજી જવાય છે. મને ભારતની નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી કે જેલને ન સોંપો.'

કોર્ટે રાણાની અરજી ફગાવી છે અને હાલ રાણા ભારત હસ્તક છે અને વધુ આકરી સજા જાહેર નહીં થાય ત્યાં સુધી  તિહાર જેલની હવા ખાઇ રહ્યો છે.

કાળા પાણીની સજા

બ્રિટનની વાત કરીએ તો તેઓ ભારતની જેલની સ્થિતિની અને તેઓ જેનું પ્રત્યાર્પણ કરી આપશે તે કેદીઓને કઈ સ્થિતિમાં જેલમાં રખાશે તેનું નિરીક્ષણ કરવા પણ એક વખત ભારત આવી ગયા હતા અને કેટલાક સુધારા પણ સૂચવ્યા હતા.   તેઓએ માલ્યા કે નીરવ મોદી જેવા કૌભાંડીઓ વાતને સમર્થન પણ આપ્યું હતું.આ એ જ બ્રિટિશરો છે જેઓએ વીર સાવરકરને માનવ ઇતિહાસની જે સૌથી કઠોર અને પાશવી શબ્દ પ્રયોગ પણ સભ્ય લાગે તેવી કાળાપાણીની સજા ફરમાવી હતી. ઇતિહાસ ગવાહ છે કે, બ્રિટનના શાસન હેઠળના જે પણ દેશોના કેદીઓ પર જેલમાં કેવા કેવા જુલ્મો વીતાવાતા હતા. એ ખરું કે અત્યારે પણ ભારતની જેલો ચોક્કસ ક્ષમતા કરતા ઘણી ભરેલી છે પણ બ્રિટન, અમેરિકા અને યુરોપની જેલ ગીચ તો છે જ પણ સુરક્ષાની રીતે અતિ ભયાનક છે.

ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ

ઘણાંને કદાચ ખબર ના પણ હોય કે બ્રિટન, વેલ્સ અને સ્કોટલેન્ડના ખુંખાર કેદીઓ કે જેને મોતની સજા ફરમાવવામાં આવી હતી તેઓને જેલમાં રાખવાની જગ્યાએ બ્રિટિશ સલ્તનતે એવો નિર્ણય કર્યો હતો કે જેલ કરતા પણ કઠોર સજા પામે તેથી આવા કેદીઓને અલાયદા નિર્જન ટાપુઓ અને વિસ્તારોમાં સ્થળાંતર કરાવીને કાળી મજૂરી, શારીરિક અને માનસિક યાતના આપીને કણસતું ધીમું મોત અપાવું.

તે વખતનો આવો અજ્ઞાાાત વિસ્તાર એટલે કે આજનું ઓસ્ટ્રેલિયા જ્યાં ૧૮૭૭માં આવા કેદીઓથી ખીચોખીચ ભરેલી ૧૭ સ્ટીમરો ન્યુ સાઉથવેલ્સમાં આવી પહોંચી હતી. ૧૭૮૮થી ૧૮૬૬ વચ્ચે બ્રિટને ઓસ્ટ્રેલિયામાં ૧,૬૨,૦૦ આવા કેદીઓની વસાહત ઉભી કરી હતી. ન્યુ સાઉથવેલ્સ, તાસ્માનિયા, વિક્ટોરિયા, ક્વિન્સલેન્ડ અને સાઉથ ઓસ્ટ્રેલિયા આ રીતે વિકસ્યા હતા. જે એક જમાનામાં નિર્જન ટાપુઓ હતા.

આવા કેદીઓ પર જુલમની પદ્ધતિ ઇતિહાસનું કલંકિત પ્રકરણ છે. શક્ય છે આજના મહત્તમ ઓસ્ટ્રેલિયાનોના બાપ દાદા ગુનાઇત આકરી સજા પામેલના સંતાનો હશે. 

ભારતમાં કેદીઓની માનવીય સ્થિતિ જળવાતી નથી તેવી દયા બ્રિટન બતાવે તે  શોભતી નથી. બ્રિટનની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન મોદીએ વ્યંગાત્મક શૈલીમાં કહ્યું હતું કે,  'ભારત તમારું ગુલામ હતું ત્યારે  તમે ગાંધીજી, નેહરુ અને અમારા આદરણીય નેતાઓને ભારતની જે જેલોમાં રાખ્યા હતા તે જ જેલમાં અમે અમારા કેદીઓને રાખીએ છીએ.'

જસ્ટિસ વુલ્ફની વેદના

જો કે, કેટલાકે એવો અર્થ નીકાળ્યો હતો કે શું ભારતમાં હજુ આઝાદી પૂર્વે જેવી જ જેલ વ્યવસ્થા પ્રવર્તે છે ? ભૂતકાળની વાત જવા દો બ્રિટનમાં વર્તમાનમાં જે જેલ વ્યવસ્થા છે તે ભારત કરતા ઓછી શરમજનક નથી. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ લોર્ડ વુલ્ફે   'ઓબ્ઝર્વર' અખબારમાં ઇંગ્લેન્ડની વર્તમાન જેલની વ્યવસ્થાની ચિંતા કરતા લખ્યું હતું કે,  'જેલમાં ગેંગવોર કઈ હદની હિંસક હોય છે અને મહિલા કેદીઓ પાસે શું કરાવાય છે તેના કેસ મારી સમક્ષ આવતા અને હું તેવા શોષણ વિશે વિચારી ઊંઘી નહોતો શકતો.'

બ્રિટન સરકાર દ્વારા જેલોમાં ઓચિંતા દરોડા પાડવા માટે એચએમ ઇન્સ્પેક્ટરેટની રચના કરવામાં આવી છે તેઓએ તેમના રીપોર્ટમાં જણાવ્યું છે કે બ્રિટનની તમામ જેલો ૧૫૦થી ૨૦૦ ટકા કેદીઓની માન્ય સંખ્યા કરતા ભરચક છે. જેલમાં ગેંગવોર અને તેને કારણે કેદીઓના મૃત્યુ તેમજ ગંભીર ઈજાની ઘટના રૂટિન બનતી જાય છે. જેલમાંથી ડ્રગ્સ મોટી માત્રામાં મળી આવે છે. જેલમાં કેદીઓને સેક્સ માટે યુવતીઓ પૂરી પાડવામાં આવતી હોય છે.

રોરી સ્ટુઅર્ટ શું કહે છે

બ્રિટનના ભૂતપૂર્વ જેલ મંત્રી રોરી સ્ટુઅર્ટ કબૂલે છે કે જેલમાંથી જ ગેંગ ઓપરેટ થાય છે અને ઇચ્છે તેની તેઓ બહારની દુનિયામાં હત્યા કરાવી શકે છે. તેમના દુશ્મનને  સહેલાઇથી પતાવવા તેઓ પોલીસ અને જેલની ઓથોરિટી સાથે ષડયંત્ર રચે છે અને કોઈપણ ગુના હેઠળ તે દુશ્મનની કે પછી જેની સોપારી જેલમાં બેઠા લીધી હોય તેને જેલની સજા ફરમાવવામાં સફળ થાય છે એટલું જ નહીં તેઓ ઈચ્છે તે જેલમાં જેને પતાવી દેવાનો હોય તેને સજા કાપવાનો હુકમ પણ મેળવે છે અને આવા કાચ કામના કેદી તરીકે આવેલનું ઝઘડો કરીને સામુહિક હુમલો કરીને મોત નીપજાવવામાં આવે છે.  અમેરિકાની જેલો પણ યાતનાની જાણે એક પછી એક ટનલ હોય તેવી ભાસે  છે.

જેલ આધારિત ફિલ્મો

જેલની દુનિયા પર ભારતમાં ફુલ લેન્થ ફિલ્મો ખાસ બની નથી પણ હોલિવૂડની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોમાં આ વિષય પરની ફિલ્મો સ્થાન પામે છે. શોશાંક રીડીમ્પશન, ગ્રેટ ધ ગ્રીન્ગો, બ્લડ ઇન બ્લડ આઉટ, એસ્કેપ ફ્રોમ આલ્કાટ્રાઝ, ગ્રીડીરોન ગેંગ, પેપીઓ, એનિમલ ફેક્ટરી, સેલ૨૧૧, ઇન હોલ જેવી જેલ પરની હોલીવુડ ફિલ્મો ઉલ્લેખનીય છે. 

યુએસમાં 25 લાખ કેદીઓ

અમેરિકાની વસ્તી વિશ્વની કુલ વસ્તીના પાંચ ટકા જ છે પણ વિશ્વમાં કુલ કેદીઓ પૈકી ૨૫ ટકા એકલા અમેરિકાના જ છે. ૨૫ લાખથી વધુ કેદીઓ જેલમાં સબડે છે. ૧૨,૦૦૦ કેદીઓ આજીવન કેદના છે.

અમેરિકાના આતંકવાદીઓ માટેની જેલ 'ગોઆન્ટાન્નો બે' માનવીય હક્કોની જાળવણીના કાયદાની ઐસીતૈસી કરીને જગતનું સૌથી યાતનાપૂર્ણ દોઝખ મનાય છે.

અમેરિકા, બ્રિટન કે યુરોપિયન દેશોના કૌભાંડીઓ અન્ય દેશમાં નાસી જાય અને રાજ્યશ્રય મેળવવા તેમના દેશની જેલની સ્થિતિ યોગ્ય નથી તેવું કારણ આપે છે ત્યારે જે તે દેશની કોર્ટ તેને ગ્રાહ્ય નથી રાખતી. ભારત પણ તેમને ત્યાં આશ્રય લઈ રહેલા કે ધરપકડ થયેલ વિદેશીને તેમના દેશને સોંપી દે છે. પણ આ જ યુરોપીય દેશોની કોર્ટને ભારતથી ભાગીને તેમના દેશમાં આશ્રિત લઈ રહેલા ભાગેડુઓ રજૂઆત કરે કે 'ભારત તો હજુ એવું જ ગંદુ અને અમાનવીય છે 'ત્યારે ખબર નહીં કેમ હજુ પણ ગુરુતા ંગ્રંથી સાથે અહંમ સંતોષતા તેઓના દિમાગમાંથી   'યુ ઇન્ડિયન્સ..' શબ્દો નીકળી જાય છે. અને ભાગેડુઓના સમર્થનમાં રાહત આપતો ચુકાદો આપે છે.

વિદેશમાં ઐયાશી

ખરેખર તો માલ્યા અને નીરવ મોદી કે રાણા જેવા શ્રીમંતો અને વગદાર કેદીઓ તો ભારતની જેલમાં તમામ સુવિધાઓ, બીમારીના નામે હોસ્પિટલ અને જેલ વચ્ચે આવનજાવન અને પેરોલ મેળવી શકે તેવી ચેડાં ધરાવતી સિસ્ટમથી વાકેફ છે. ભારતની જેલ પણ ટ્રાયલ કેદીઓથી ઉભરાય છે અને ગેંગવોર વગેરે દુષણ તો છે જ. વિજય માલ્યા કે નિરવ મોદી, મેહુલ ચોક્સીને અલાયદી સેલમાં જ રાખવામાં આવત. જો તેમ ના થાય તો તેઓ મેનેજ પણ કરી શકે તેવું ભ્રષ્ટ તંત્ર તો ભારતમાં છે જ.

આમ છતાં બ્રિટનની કોર્ટમાં આ ભાગેડુઓ એવો ડોળ કરે છે કે જાણે ભારતમાં તેઓને જેલભેગા કરાશે તો નાની ખોલકીમાં રીઢા ખુંખાર કેદીઓ વચ્ચે મુકાશે. 

ભારતની જેલમાં શ્રીમંતો, સેલિબ્રિટીઓ, અંધારી આલમના અને માલ્યા જેવી જ ઐય્યાશ જિંદગી વીતાવનાર ડોન, ગોડમેન અને રાજકારણીઓ જેલની સજા ભોગવે જ છે.

પણ હકીકત એ છે કે માલ્યા જલસાથી બ્રિટન અને ચોક્સી  અગાઉ એન્ટીગુઆ અને તે પછી બેલ્જિયમમાં તે દેશના શ્રીમંતોની જેમ ઠાઠ અને ઐયાશીથી રહે છે. જ્યારે નિરવ મોદી ભારત કરતા બ્રિટનની જેલ સલામત હોય તેમ ત્યાં સબડે છે. તેની જગ્યાએ ભારતમાં તેઓને જેલની કોટડીમાં બંધ થઈ જીવન વીતાવવું પડે.અમેરિકામાં તવ્વહુર રાણાને પૂછપરછ પુરતી જ કેદ છે પણ ભારતમાં મોતની સજા થાય તે હદનો આરોપ છે.તેના પાકિસ્તાની કનેક્શન અને આકાઓના નામ આપી દેવા પડશે તે વિશેષમાં.

ભારતના નાગરિકોમાં તો એવો રોષ પ્રવર્તે છે કે કૌભાંડીઓને વળી જેલમાં સગવડો પણ શાની. તેઓને એ હદે ઉદાહરણીય સજા જાહેર કરવી જોઈએ કે કૌભાંડી માનસ ધરાવનારાઓ ધ્રુજી  ઉઠે.

'સેફ હેવન'નો ધંધો

અમેરિકા કે બ્રિટન તેમના હિત જોખમાય તેવા કેદીઓને પરત લાવીને જ જંપે છે.  વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોકસી અને રાણા તો હિમશિલાના બહારથી દેખાતા ટોપકા છે તેઓ જેટલા વોલ્યુમમાં નહીં પણ અમુક હજારો કરોડનું ઉઠમણું કરીને વિદેશ ભાગી જઈને મોજ કરનારા કૌભાંડીઓ, બુકીઓ આંક ૨૫૦૦ ઉપર હોવાની સંભાવના છે. રાણા જેવા આતંકી ગેંગના સૂત્રધારો પણ વિદેશમાં આશ્રય લે છે. વિદેશમાં આશ્રય લેવા માટે તેઓ લાખો ડોલર તંત્રને સીધી કે આડકતરી રીતે આપે છે અને આશ્રય મેળવવાનું એક સરકારી બજાર કે ધંધો  ચાલે છે તે બીજા લેખનો વિષય બની શકે તેમ છે.

બ્રિટન, યુરોપીય દેશો, દુબઈ, હોંગકોંગ, સ્વિત્ઝર્લેન્ડ અને અમેરિકા સુધી આ સરકારી કારોબાર  ફેલાયેલ છે. જેમ બે નંબરી સંપત્તિના 'સેફ હેવન' છે તેમ પુરેપુરા બે નંબરી કૌભાંડીના અને આતંકીઓના પણ 'સેફ હેવન'ની આગવી દુનિયા છે.

પ્રત્યાર્પણના કાયદાઓમાં નવેસરથી પ્રામાણિક અભિગમ સાથે પરિવર્તન લાવવું જ રહ્યું. દેશના એરપોર્ટ પરની નાકાબંધી જડબેસલાક બનાવવી રહી.

જોઈએ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસીને ક્યારે જેલના સળિયા ભેગા કરવામાં ભારતને સફળતા મળે છે.

જો પુરવાર થાય તો રાણાને પણ ઉદાહરણીય સજા આપવી રહી. 

Tags :