Get The App

'અમેરિકા ફર્સ્ટ' : વ્હાઈટ હાઉસમાં પ્રવેશવાનું કાર્ડ માત્ર

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
'અમેરિકા ફર્સ્ટ' : વ્હાઈટ હાઉસમાં પ્રવેશવાનું કાર્ડ માત્ર 1 - image


- અમેરિકાને ભારતીય વિદ્યાર્થીઓ કે એન્જિનિયરો વગર ચાલે તેમ જ નથી: વિદેશી વિદ્યાર્થીઓના શિક્ષણનો ધંધો 43 અબજ ડોલરનો!

- વિવિધા-ભવેન કચ્છી

- અત્યારે ઘણા ભારતીયો પરત આવવા માંગે છે તેઓને ઊંચો પગાર આપીને આમંત્રણ આપવું જોઈએ. મેટા,ગૂગલ,એપલ કે ટેસ્લા બનવાની આપણામાં તાકાત છે જ

- અમેરિકાને  વિઝા અને ગ્રીન કાર્ડ માટે આજીજી કરવા કરતાં ભારતે વટ કે સાથ 'ટેલેન્ટ સપ્લાયર' બનીને માંગ ઊભી કરાવી જોઈએ

ભા રતના કુશળ અને ક્વોલીફાઈડ યુવા આઈટી અને કમ્યુટર એન્જીનિયરો વગર અમેરિકાની અને અમેરિકામાં કાર્યરત ભારતની કંપનીઓને જ ચાલે તેમ નથી. અમેરિકા વિશ્વના વિદ્યાર્થીઓને એન્જીનિયરીંગ,મેડિકલ સહિત અન્ય  ડીગ્રી અને વિશેષ કરીને માસ્ટર ડીગ્રી આપવાનો રીતસરનો વિશ્વમાં સૌથી મોટો શૈક્ષણિક ક્ષેત્રનો ધંધો કરે છે. એક અંદાજ પ્રમાણે કુલ ૪૩ અબજ ડોલરનો આ ધંધો છે. મધ્યમથી માંડી વિશ્વ શ્રે કહી શકાય તેવી યુનિવર્સીટીઓનો  આમાં સમાવેશ થાય છે. અમેરિકા સ્થિત પત્રકાર ચિદાનંદ રાજઘટ્ટા જણાવે છે કે અમેરિકામાં વિશ્વભરના દેશોના સહિત વર્ષે ૧૦ લાખ વિદ્યાર્થીઓ માસ્ટર ડીગ્રી અને બે લાખ વિદ્યાર્થીઓ પી એચ ડી મેળવે છે. વર્ષ ૨૦૦૦ સુધી ૨૫ વર્ષની વય સુધીના એક કરોડ માસ્ટર ડીગ્રીધારકો  હતા તે  બીજા ૨૦ વર્ષમાં બમણા થઇ ગયા હતા . અત્યારે આ આંક   ૨. ૧  કરોડનો છે. ૪૫ લાખ વિદ્યાર્થીઓ  આ વયજૂથમાં પી એચ ડી છે.આ બધામાં ૫૮ ટકા એશિયનો છે . આ એશિયનોમાથી સૌથી વધુ  ૨૧ ટકા ભારતીયો અને બીજા ક્રમે દસ ટકા ચાઇનીઝ છે. ભારતના ૧૩ લાખ વિદ્યાર્થીઓ દર વર્ષે વિદેશમાં અભ્યાસ કરવા જાય છે. ૧૯૭૦ પછી  અમેરિકાના નામે જે નોબેલ પ્રાઈઝ જીતાયા છે તેમાના  ૬૦ ટકા  અન્ય દેશમાં જન્મેલા  નાગરિકો છે જેઓએ અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યું હોય.વિશ્વની ટોચની ૫૦૦ ફોર્ચ્યુન મેગેઝીન લીસ્ટેડ કંપનીઓની ૪૦ ટકા કંપનીઓના માલિકો એવા  અમેરિકી છે જેઓ મૂળ વિદેશી છે.

અમેરિકામાં ફાઈલ થતા મહત્તમ પેટેન્ટ, શોધ સંશોધનના પેપર્સ ,સ્ટાર્ટ અપ કે ઊંચા પગારની નોકરી કરનારાઓ એચ વન બી વિઝા ધારકો છે. આવા દબદબા વચ્ચે અમેરિકામાં અનુસ્નાતકોને  હજુ ડિગ્રી મળે તે સાથે કે તે પછીના બે ત્રણ મહિનામાં જે વિદ્યાર્થીનું જેવું સ્તર તેવી નોકરી  અમેરિકાની કંપનીઓમાં   મળી જાય છે .જો માસ્ટર ડીગ્રી મળ્યાના નિયત મહિનાઓમાં નોકરી ન મળે તો તે વિદ્યાર્થીએ તેમના દેશ પરત થવું પડે છે. આથી જ માસ્ટર ડીગ્રી મળ્યા પછી વિદ્યાર્થીને સૌથી મોટું ટેન્શન એ હોય છે કે કમ સે કમ તેનો પગ અમેરિકામાં ટકી રહે તે રીતે તેને નોકરી મળી જાય. નોકરી મળી ગયા પછી કંપનીઓ તેમના હજારો  એન્જીનિયર કર્મચારીઓમાંથી એક યાદી બનાવે છે જેઓને માટે કંપની ઈચ્છે છે કે તેઓને એચ વન વિઝા મળે અને આ કર્મચારીઓને તેઓ લાંબા સમય માટે ટકાવી શકે. કંપની જ આ કર્મચારીઓની ભલામણ સાથે   અમેરિકાની ઈમિગ્રેશન સવસને એચ વન વિઝા માટે અરજી કરે છે. દર વર્ષે એપ્રિલમાં અમેરિકાની તમામ કંપનીઓની આવી અરજીઓનો લકી ડ્રો કરવામાં આવે. લકી ડ્રોમાં જેઓને એચ વન વિઝા મળે તેઓને એક વર્ષથી ત્રણ વર્ષની મુદ્દત માટે સામાન્ય રીતે સ્ટેમ્પ વાગે . આ વિઝા મુદ્દત પૂરી થતા ફરી વધુ મુદ્દત માટે એકસ્ટેન્ડ કરાવવાનો રહે છે. હવે ટ્રમ્પ નવી માર્ગદર્શિકામાં કેવી શરતો જાહેર કરે છે તે જોવાનું રહેશે.

હા, એચ વન વિઝા મળ્યા પછી કંપનીમાંથી જોબ જાય એટલે કે લે ઓફ મળે તો નિયત મહિનાઓમાં બીજી જોબ લઈ લેવી પડે અને જો આમ કરવામાં નિષ્ફળ જાવ તો સ્વદેશ માટે બિસ્તરા પોટલા પેક કરવાની તૈયારી રાખવી પડે.

ડોનાલ્ડ ટ્રમ્પ 'અમેરિકા ફર્સ્ટ'ના ગતકડાં હેઠળ નાગરિકોને ઉલ્લુ બનાવીને જીત્યા તે પછી તરત જ ફેરવી તોળ્યું કે અમારો વાંધો અન્ય દેશના બોજરૂપ  નાગરિકો માટે છે કુશળ અને કુનેહ ધરાવનારા માટે અમારા દરવાજા ખુલ્લા છે.

 અમેરિકન યુવાનોની બેકારી માટે   અમેરિકામાં નોકરી કરતા ભારત,ચીન,યુરોપ જેવા દેશોના  ટેકનોક્રેટ્સ અને મેક્સિકનોના શ્રમજીવીઓ જવાદાર છે તેવી હવા ઉભી કરીને તેમણે  મતપેટીને નજરમાં રાખીને વાતાવરણ ડહોળ્યું છે. ટ્રમ્પ જે વચનો આપીને પ્રમુખ બન્યા છે તેની પૂર્તિ કરવા પણ એચ વન વિઝા ધારકોને સતત ભારે તનાવ અને અસ્થિર રાખતી કોમેન્ટ અને ઠરાવ તેમણે કરવા પડયા છે પણ તેનો અમલ શક્ય નથી.

ટ્રમ્પ પણ આ  જાણે જ છે. 'અમેરિકા ફર્સ્ટ' કોણીએ ગોળ લગાવતું સૂત્ર માત્ર બની રહેશે. ટ્રમ્પ પોતે જ જાહેરમાં કહી ચુક્યા છે કે 'આઈ લવ પુઅરલી એજ્યુકેટેડ અમેરિકન.'

મૂળ વાત એ છે કે અમેરિકાની કંપનીઓને અમેરિકાના કુશળ એન્જીનિયરો મળતા જ નથી તેથી ભારત કે ચીનના માસ્ટર ડીગ્રીધારીઓને નોકરીએ રાખવા જ પડે તેમ છે.અમેરિકાની કંપનીઓ એચ વન વિઝા ધારકો વગર લગભગ ઠપ્પ થઇ જાય. કંપનીઓ કંઈ એચ વન વિઝા ધારકોને નોકરી આપીને ચેરીટી નથી કરતી. કંપનીઓએ સામુહિક સહી સાથે ટ્રમ્પને આ વાસ્વિકતાથી વાકેફ કરતી અરજી પણ તેઓ પ્રથમ ટર્મમાં હતા ત્યારે અનેક વખત કરી છે પણ ટ્રમ્પ એચ વન વિઝાની ચાબૂક પણ છાશવારે વીંઝતા જાય છે અને લગામ  પણ ખેંચતા જાય છે. તેમની પહેલી 

ટર્મમાં. કુશળ અને નિરુદ્રવી વિદેશીઓને તેમણે હેરાન નહોતા કર્યા. જો એવું જ હોત તો તેમની કેબિનેટથી માંડી સી.આઇ.એ.માં ટોચના પડે ભારતીયોની નિયુક્તિ જ ન કરી હોત. હા, ટ્રમ્પની નવી ટર્મમાં ગોરા અમેરિકનો અશ્વેતો માટે મુસીબત બની શકે છે.તેવી જ રીતે ભારતીયોની પ્રગતિ જોઈને ગોરાઓ કે જેઓને ખાસ કંઈ કરવું નથી તેઓ અદેખાઈ કરતા હિંસક બની શકે છે. ટ્રમ્પ અમેરિકાની શાંતિ અને વૈશ્વિક દેશ તરીકેની ઈમેજને ડહોળી શકે છે.

હવે જરા ભારતની ગ્રાઉન્ડ રીયાલીટી જોઈએ. ભારતના વિદ્યાર્થીઓ માસ્ટર અને તે પછી નોકરી માટે અમેરિકા અને અમેરિકા નહીં તો કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન તરફ મોટી સંખ્યામાં જાણે હિજરત કરી છે. જેઓ માસ્ટર કરવા જાય છે તેઓનો મૂળ આશય તો વિદેશમાં કાયમ માટે વસી જ જવાનો છે. જેમાં ૯૦ ટકા વિદ્યાર્થીઓ સફળ થાય છે.

મિકેનિકલ  અને આઈ સી બ્રાન્ચના ડીગ્રીધારીઓ જર્મની અને અબુ ધાબી કે દુબઈમાં સ્થાયી થવાની નજર દોડાવે છે.ભારત છોડીને  ક્યાંય પણ જવું  તે માનસિકતા  યુવા પેઢીમાં સવાર થઇ ચુકી છે. આમ  જોઈએ તો આ નવી વિચારધારા નથી પણ પ્રતિ વર્ષ આ ટ્રેન્ડ ભારતની પ્રગતિ માટે ચિંતા જન્માવે તેમ વેગ પકડતો જાય છે.

આમ જોવા જઈએ તો વિશ્વના સિદ્ધહસ્ત મનાતા ડ્રીમ દેશો અમેરિકા,બ્રિટન,ફ્રાંસ,જર્મની કે અમીરાત દેશોની આંતરિક આર્થિક સ્થિતિ અને સામાજિક ગુણવત્તાસભર જીવન ધોરણ હવે કદાચ ભારત કરતા વધુ ભયજનક બનતું જાય છે.અમેરિકાની ઓળખ અને સુપર પાવર બનવા પાછળનું એકમાત્ર કારણ એ રહ્યું છે કે ત્યાં વિશ્વની  તમામ ક્ષેત્રોની પ્રતિભાઓ સર્જનાત્મક રીતે ખીલી શકે છે. અમેરિકા વિશ્વનું ''મેલ્ટીંગ પોઈન્ટ'' અને ''કન્ટ્રી ઓફ ઈમીગ્રન્ટસ'' મનાય છે.પણ ટ્રમ્પના શાસનકાળમાં અમેરિકનોને ત્યાં વસતા અન્ય દેશના નાગરિકો માટે  વૈમનસ્યના બીજ રોપાતા જશે. કેમ કે ભારતીયોએ પ્રગતિ કરી છે. ભારતીય યુવાનો થોડા વર્ષોમાં જ પોતાની માલિકીના ઘર અને પોશ ગાડીઓ ધરાવતા થઇ ગયા. ભારતીયો રેસ્ટોરામાં મજા કરે છે . ભારતીયોની કુટુંબ પ્રથા પણ આગવી છે. અમેરિકનો આ જોઇને ઈર્ષા અનુભવે છે. સલામતીની રીતે પણ  હવે પછીના  વર્ષોમાં ભારતીયોએ  સાવધ રહેવું પડશે. તો બીજી તરફ  ગોરાઓ અને અશ્વેતો વચ્ચેનો ભેદ હજુ વધુ વિસ્ફોટક બનીને વકરશે.અમેરિકાના પોલીસ તંત્ર પર નાગરિકોને રોષ અને અવિશ્વાસ છે. ટ્રમ્પ પોલીસ તંત્રને પણ બેફામ બનવાનું કલ્ચર ભેટમાં આપવા માટે કુખ્યાત છે. છે.ગોરાઓની  બેકારી  અને ગન કલ્ચર હજુ અમેરિકામાં પડકાર સર્જશે. બ્રિટનમાં પણ આતંકવાદ અને અસામાજિક તત્વો માઝા મુકતા જાય છે. યુરોપિયન દેશોની તો આર્થિક દુર્દશા જ દયનીય છે.અમેરિકા અને વિશ્વના સ્વપ્ન દેશોના ભાવિની તુલનામાં ભારત હવે જીવન ધોરણ, વૈશ્વિક પ્રવાહ,બજાર અને આર્થિક પ્રગતિની રીતે આગળ વધી રહ્યું છે.તેમાં પણ જેઓ પાસે આવડત અને ડીગ્રી છે તેમના માટે ઊંચા પગાર સાથેની નોકરીની તકો પણ છે.કુટુંબ,સમાજ અને આપણી સંસ્કૃતિ અને તહેવારોની ઉજવણીની મજા ઓર છે.

૪૦ વર્ષથી નીચેની વયના ઘણા  ભારતીયો  સ્વદેશ  પરત આવવા ઈચ્છે છે. મોદી સરકારે  નીતિ આયોગ જેવો એક અલાયદો વિભાગ ખોલવો જોઈએ જેમાં એ ડેટા મેળવી શકાય કે ભારતમાં કેટલા યુવાઓ પરત આવવા માંગે છે. તેઓ જોડે સંપર્કમાં રહીને ટોચની કંપનીઓ જોડે તેમનું પ્લેસમેન્ટ અને ઊંચો પગાર વગેરે ગોઠવી શકાય. સ્વાભાવિક છે કે એક ડોલર બરાબર ૮૬ રૂપિયા હોય તો અમેરિકાનું જ આકર્ષણ રહે.  મોદીએ રસ લઈને ચુનંદા ટેકનોક્રેટ્સઅને એન્જિનિયરોને ડોલરનો રૂપિયામાં ગુણાકાર કરીને પગાર આપવા સાથે   ભારત ખેંચી લાવી મેટા ,ગૂગલ,એપલ, એમેઝોન અને એ.આઇ. કંપનીઓ ખડી કરાવવા સેતુરૂપ ભૂમિકા ભજવવી જોઈએ.અમેરિકાની સિલિકોન વેલીની બધી કંપનીઓમાં માલિકો અમેરિકન છે પણ તેઓ અબજોપતિ અને ટેકનોક્રેટ ભારતીયોની મદદથી બન્યા છે.આપણે  શા માટે ટ્રમ્પ કે અમેરિકાને આજીજી કરવી જોઈએ કે અમારા ભારતના વિદ્યાર્થીઓ, ત્યાં નોકરી કરનારાઓનું તમે રક્ષણ કરો.તેમને વિઝા કે ગ્રીન કાર્ડ આપો.

આપણે દયાની ભીખ માંગવા કરતા ટેલેન્ટ સપ્લાયર તરીકેના ગૌરવ સાથે જાણે અમેરિકા પર ઉપકાર કરતા હોઇએ તેવો મિજાજ કેળવવાની જરૂર છે.જરા કલ્પના કરો ભારતીય ટેલન્ટ વીનાના અમેરિકાની. 


Google NewsGoogle News