સ્વાસ્થ્ય સાથે 100 વર્ષ જીવવાનો રાજમાર્ગ
- જાપાન અને ઓકિનાવા ટાપુના નાગરિકો શતાયુ થવાનો રેકોર્ડ કેમ ધરાવે છે? ભારતમાં કેટલા શતાયુ?
- વિવિધા-ભવેન કચ્છી
- 63 ભાષામાં અનુવાદ સાથે જેની 50 લાખ કોપી વેચાઈ ચૂકી છે તે 'ઈકિગાઈ' પુસ્તકના લેખકો મિરાલેસ અને ગાર્સિયાની વાત
આ પણે જન્મદિનની શુભેચ્છા આપતા એવું કહેતા હોઈએ છીએ કે 'સો વર્ષના થાવ.' ભારતીય સંસ્કૃતિની પરંપરા જાળવતા 'શતમ જીવમ શરદઃ' પણ કહેવાતું હોય છે. એક સો કે વધુ વર્ષનું આયુષ્ય તો ચોક્કસ નસીબવંતાઓને જ મળે પણ તે જો સ્વાસ્થયપ્રદ રહે તો સોનામાં સુગંધ ભળી કે પછી ઈશ્વરની વિશેષ કૃપા તેમ કહી શકાય.
આપણે બધા શક્ય એટલી ઓછી બીમારી અને પરવશ થયા વગર એક સો વર્ષ જીવવા તો માંગીએ છીએ પણ તે માટેનો આપણો કોઈ પ્રયત્ન હોય છે ખરો?
જાપાન સૌથી વધુ ૧,૪૬,૦૦૦ શતાયુ વયના નાગરિકો ધરાવે છે જ્યારે અમેરિકાનો આ આંક ૧,૦૮,૦૦૦ છે. ભારતમાં ૪૮,૦૦૦ અને ચીનમાં ૬૦,૦૦૦ નાગરિકો ૧૦૦ કે વધુ વયના છે. જો કે ભારતના ૮૫ વર્ષથી વધુ વયના લાગે તેવા મોટી સંખ્યામાં એવા વૃધ્ધો છે જેઓને તેમની જન્મ તારીખ યાદ નથી તેથી ૯૦, ૯૫ કે ૧૦૦ના વયજૂથ અંગે ચોક્કસ તારણ નથી નીકળતું.
અત્યારે વિશ્વમાં પાંચ લાખથી વધુ શતાયુ નાગરિકો હોવાનું અનુમાન છે. તબીબી વિજ્ઞાાન અને ફિટનેસ માટેની જાગૃતિએ હરણફાળ ભરી હોઇ શતાયુ લક્ષ્ય રાખવું વીતતાં વર્ષો સાથે વધુને વધુ પ્રાપ્ય બની જશે. આવા સંજોગોમાં જાપાન અને તેના ટાપુ ઓકિનાવાએ વિશ્વને 'ઈકિગાઈ' જેવો અણમોલ શબ્દ અને ખ્યાલ ભેટમાં આપ્યો છે જેનો સાદો અર્થ 'હેતુ સાથે જીવો અને છેક સુધી પ્રવૃત્ત રહો.' તેમ થાય.
સ્પેનના ફ્રાન્સેસ્ક મિરાલેસઅને હેકટર ગસયાએ તો 'ઇકિગાઈ - જાપાનીઝ સિક્રેટ ટુ અ લોંગ એન્ડ હેપી લાઇફ' નામનું બેસ્ટ સેલર પુસ્તક વિશ્વને ભેટ આપ્યું અને તે પછી માનવીઓએ ૧૦૦ વર્ષ સ્વસ્થ જીવવાનો જાણે સંકલ્પ કર્યો.વિશ્વની ૬૩ ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે અને ૫૦ લાખ કોપી વેચાણ થયું છે.
લેખક હેકટર ગર્સિયા તો છેલ્લા દોઢ દાયકાથી જાપાનમાં જ રહે છે જ્યારે ફ્રાન્સેસ્ક મિરાલેસ સ્પેનના છે. મિરાલેસ જેવું જીવન તો વિદેશમાં જ કલ્પી શકાય અને એટલે જ ત્યાં જુદાજુદા ક્ષેત્રોના પ્રણેતા પાકે છે.તેની માતા ઘરમાં દરજી કામ કરે અને પિતા ઓફિસમાં ક્લપર્ક હતા.૧૨ ધોરણ સુધી ખૂબ જ નબળા રેકોર્ડ સાથે અભ્યાસ કરીને પત્રકારત્વના કોર્સ માટે મિરાલેસે પ્રવેશ મેળવ્યો પણ ચાર જ મહિનામાં તેને પડતો મૂક્યો. વર્ર્ષના બાકીના મહિના તેણે વેઇટર તરીકે કામ કર્યું. નવું વર્ષ શરૂ થયું અને પોતે સ્પેનિશ હોઇ અંગ્રેેજીમાં ડિગ્રી મેળવવા કોલેજમાં પ્રવેશ મેળવ્યો. આ અભ્યાસક્રમ પાંચ વર્ષનો ઇન્ટિગ્રેટેડ હતો. ખર્ચ પૂરો કરવા તેણે તે દરમ્યાન પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે પણ નોકરી કરી. આ અભ્યાસક્રમને ત્રણ વર્ષ માંડ થયા હશે ત્યાં તેને પણ પડતો મૂકી દીધો.હવે આ છોકરાને શું કરવું હતું? કંઈ નહીં... તેને વિશ્વનો પ્રવાસમાં ઓછા ખર્ચ અને સગવડે ખેડવો હતો. ૧૭ વર્ષની વયે ક્રોએશિયા અને સ્લોવેનિયામાં રહ્યો તે વખતે ત્યાં બાલ્કન યુધ્ધ ચાલતું હતું.આ મુકામના અનુભવ પરથી તેણે 'કેફે બાલ્કનિક' લખ્યું.
તે પછી તેણે ભારતનો પ્રવાસ લગભગ ભિક્ષુક અવસ્થામાં કર્યો અને તે તેની પ્રત્યેક મુલાકાતમાં કહે છે તેમ તેને જો આધ્યાત્મિક રીતે સૌથી વધુ કોઈ દેશ હૃદયને સ્પર્શ્યો હોય તો તે ભારત છે. ભારત દર્શન દરમ્યાન તે રમણ મહર્ષિ અને જીદુ કૃષ્ણમૂર્તિના તત્ત્વ જ્ઞાાનથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.
ભારતમાં ત્રણેક વર્ષ વિતાવી મિરાલેસ ફરી તેના વતન બાર્સેલોના જાય છે.ફરી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવે છે પણ સ્પેનિશ કે અંગ્રેજી ભાષામાં નહીં પણ જર્મન ભાષા સાથે તેને ડિગ્રી મેળવવી હતી.આ વખતે તે ગંભીર વિદ્યાર્થી બનીને ડિગ્રી મેળવે છે.તેને લેખન અને પત્રકારત્વની રુચિ હોઇ માસ્ટર ડિગ્રી સંપાદક બનવાનો અભ્યાસ હોય તેવા વિષયમાં કરે છે.
હવે મિરાલેસની ધુની પ્રકૃતિનું વધુ એક ઉદાહરણ જોઈએ. પોતે જન્મજાત સ્પેનિશ તો જાણતો જ હતો.અંગ્રેજી પર પણ પ્રભુત્ત્વ હતું.તેને સ્પેનીશમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું કામ મળતું હતું પણ તેણે જર્મનીમાંથી અંગ્રેજી ભાષાંતરનું જ કામ સ્વીકાર્યું અને ડઝનથી વધુ આવા પુસ્તકો કર્યા.
અધ્યાત્મ, તત્ત્વ જ્ઞાાન અને જુદા જુદા દેશોમાં પ્રવર્તતી થેરાપીનો અભ્યાસ તેને પસંદ હોઇ તેવા જ પુસ્તકો તે પસંદ કરતા.
મિરાલેસે જે સંપાદન કરતી કંપનીમાં કામ કર્યું ત્યાં તેના ઉપનામ સાથે અઢળક લેખન કર્યું. જે પ્રકાશિત પણ થતું. મિરાલેસના કહેવા પ્રમાણે આ કંપનીએ તેનું કામમાં એટલી હદે શોષણ કર્યું કે જાણે તેને સખત લશ્કરી તાલીમ અપાતી હોય. આ નોકરી ૧૩ મહિના કર્યા પછી મિરાલેસે પ્રવાસમાં જ જિંદગી વિતાવી અને તેના પુસ્તકો તેના આધારિત જ હોઇ વાચકોને જાણે પ્રત્યક્ષ વિષય વસ્તુ સાથે તાદાત્મ્ય કેળવાતું જતું લાગ્યું.૧૬ જેટલી કાલ્પનિક કથા અને છ નોન ફિક્શન પુસ્તકો, અનુવાદ પુસ્તકો અને વાર્તા સંગ્રહો બહાર પાડયા.તેને જાપાનના પ્રવાસમાં એ રીતે રસ પડયો કે વિશ્વમાં સૌથી વધુ જાપાનમાં વૃધ્ધો આટલા પ્રસન્ન કેમ રહે છે. તેઓ સૌથી વધુ શતાયુ ધરાવે છે તેની પાછળનું રહસ્ય શું? આ પ્રવાસ દરમ્યાન તેનો પરિચય હેકટર ગર્સિયા જોડે થયો. મિરાલેસ ૫૬ વર્ષના અને ગર્સિયા ૪૩ વર્ષના છે. બંનેનો મૂળ ધ્યેય પશ્ચિમ અને પૂર્વની સંસ્કૃતિ, સભ્યતા અને જીવન દ્રષ્ટિનું અવલોકન છે. તેઓ આ માટે હજારો વ્યક્તિઓ જોડે વાતચીત કરીને મર્મ જાણવાનો પ્રયત્ન કરે છે. ગર્સિયા તો આ માટે ૨૦ વર્ષ સ્વિત્ઝરલેન્ડમાં રહ્યા અને છેલ્લા દોઢેક દાયકાથી જાપાનમાં રહે છે તેમજ એશિયાઈ દેશોમાં પ્રવાસ કરે છે.
બંને જાપાનમાં અને ઓકિનાવા ટાપુમાં વૃધ્ધો જોડે વિસ્તૃત વાતચીત કરી અને તેઓ જોડે કેટલાયે મહિનાઓ સાથે રહ્યા અને તેઓએ ૨૦૧૬માં 'ઇકિગાઇ' પુસ્તક કે જે મૂળ સ્પેનિશ ભાષામાં લખાયું છે તેનું સર્જન કર્યું.આ માત્ર પુસ્તક જ નથી પણ તેના વાચન પછી વિશ્વભરમાં ગુણવત્તાસભર જીવન વિતાવતા શતાયુ બનવાનું જાણે આંદોલન ચાલ્યું. વિશ્વના નાગરિકો જો આગામી વર્ષોમાં વધુ સુખી અને આયુષ્યની રીતે બળવાન બન્યા હશે તો તેનો શ્રેય આ લેખક બેલડીને જશે. એક પુસ્તક કેવી ક્રાંતિ સર્જી શકે છે તેનું આ ઉદાહણ છે.
ત્રણ વર્ષ પહેલાં મિરાલેસ ભારત (કેરળ) આવ્યા હતા ત્યારે તેમણે કહેલું કે 'ભારતના ગરીબ અને મધ્યમ વર્ગના કરોડો નાગરિકોના ચહેરા પર કોઈપણ સંજોગોમાં જે સ્મિત અને હાસ્ય જોવા મળે છે તેનું રહસ્ય તેની ઈશ્વર પરત્વેની શ્રધ્ધા અને સંતોષની માત્રા છે. ધર્મ અને આધ્યાત્મની રીતે ભારત સંગીન છે. ભારતના નાગરિકો જો તેમની આહાર વિહારની શૈલીમાં નિયમન કરે તો તેઓ જાપાન અને ઓકિનાવાના વૃધ્ધો જેમ જ સ્વાસ્થ્ય સાથે શતાયુની મજા માણી શકે તેમ છે. પશ્ચિમ જગતના નાગરિકો શ્રદ્ધાથી બળ નથી મેળવી શકતા તેથી તનાવ અને ડિપ્રેશન વધુ જોઈ શકાય છે. તેઓને તર્ક અને પુરાવા જોઈએ.પણ, તેઓનો આહાર, હવા - પાણીની રીતે ખૂબ જ ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે.ફિટનેસ, આઉટ ડોર, સ્પોર્ટસ કલ્ચર હોઇ કુદરત સાથે ઘણો સમય વિતાવી શકે છ, આ કારણે તેઓના વૃદ્ધ જીવનને વધુ માણતા હોય તેવું લાગે.શતાયુ વ્યક્તિઓની સંખ્યા પણ ભારત કરતાં અમેરિકામાં વસ્તી અને ટકાવારીની રીતે વધારે છે.
ચાલો 'ઈકિગાઇ' માટેના નિયમોની ઝલક લઈએ.
૧. તમારે ક્યારેય નિવૃત્ત નથી થવાનું. નોકરીમાંથી નિવૃત્ત ભલે થાવ પણ તમને જેમાં રુચિ હોય તે માટે શક્ય એટલા વધુ કલાકો ફાળવો. ઝાડ પાનની નિયમિત જાળવણી તમને કુદરત સાથે પણ રાખે છે અને શ્રમ પણ થાય છે.જો તન અને મનથી વૃદ્ધ થયા તો સમજી લો કે વૃદ્ધત્વ,બીમારી ધીમા પગલે ઘર કરી જશે.મનને નવરું નથી રાખવાનું.
૨. દરેક ક્રિયા ધીમી ગતિએ કરો. પાણી પણ લિજ્જત માણતા હો તેમ અને ભોજન પણ ચાવી ચાવીને મોં માના કોળિયા પર જે સ્વાદ આવતો જાય છે તેના તરફ ધ્યાન કેન્દ્રિત કરીને કરો. ચાલો પણ મસ્તીથી અને ધીમા છતાં સ્ફૂર્તિ ધરાવતા ડગલાં માંડીને ચાલો. પ્રત્યેક સ્પર્શને અનુભવો.બોલવાનું પણ ધીમેથી રાખશો. કોઈ પણ નિર્ણય કે પ્રતિક્રિયા, પ્રતિભાવ ત્વરિત ઉતાવળિયા બનીને ન આપશો.
૩. ૮૦ ટકાની થિયરી ઃ ભોજન ભલે ગમે તેટલું સ્વાદિષ્ટ અને મનભાવન હોય પણ ૮૦ ટકા પેટ ભરવાનું અને ૨૦ ટકા ખાલી રાખવાનું. જે પણ ભૌતિક કે સૂક્ષ્મ કરો તેમાં ૮૦ ટકા જ શ્રમ આપવો. ૨૦ ટકા આરામ કે કામચોરીની વાત નથી પણ તમારી કાર્યક્ષમતા જ જો ઇકિગાઈ પ્રમાણે જીવશો તો અગાઉની તુલનામાં ૧૨૦ ટકા થઈ ગઈ હશે.
૪. તમારે એવો ધ્યેય રાખીને ફિટનેસ કેળવવાની છે કે નવા જન્મમાં તમે જાણે તમારી જે છેલ્લી ફિટનેસ હશે તે જ આગળ લઈ જઈને જન્મવાના હો. મનગમતી કસરત કે શ્રમ ઉઠાવતી પ્રવૃત્તિ કરો.
૫. સસ્મિત રહો. તમને ખુશ રાખે તેવું વાચન, શ્રવણ કે દર્શન કરો.જે મળે તેની જોડે હળવા રહેવાય તેવી રીતે વાતચીત કરવી. કોઈના પર અંગત હાંસી ન ઉડે તેવી રમૂજ વૃત્તિ રાખવી.ફુલાવેલ મોં શું કામ?હવે શું અપેક્ષા છે તે સ્વગત પૂછો.
૬. કુદરત જોડે રહો. રોજ ખુલ્લામાં ચાલવા જવાય તો અડધા 'ઇકિગાઈ' સૂચનો આવરી શકાય તેમ છે. ઘરમાં નાની બારી હોય તો તેમાંથી આકાશ, મોસમના રંગ, પક્ષીના અવાજ, હરિયાળી જોવી. કારમા કે ટ્રેનમાં બેસીને પણ કુદરતને નિહાળવાની દ્રષ્ટિ કેળવવી. સમયાંતરે કુદરતી સૌંદર્યસભર સ્થળોનો પ્રવાસ કરવો.
૭. આભારની લાગણી ઃ તમને જો કોઈએ નાની અમથી પણ મદદ કરી હોય તો તેઓનો આભાર માનો. આભાર તમને અહંકાર મુક્ત બનાવશે. જો તમને કોઈએ સુખનો એહસાસ આપ્યો હોય તો તેને કહો કે 'સરસ કામ થયું છે.' ઈશ્વરનો તો હર પળ આભાર માનો કે મારા માટે તું કેટલી કૃપા કરે છે.મારું નાનામાં નાનું ધ્યાન રાખે છે.તે મને કેવું મજાનું બધું આપ્યું છે. ઈશ્વર પાસે માંગવા નહીં આભાર માનવા મંદિરે જાવ.
૮. સારા લોકો જોડે જ વર્તુળ બનાવો. તમારા મિત્ર કે ઇનર સર્કલમાં જેઓ હકારાત્મક હોય તેવાને જ રાખો. જીવન પ્રત્યે વાત વાતમાં ફરિયાદ અને રોદણાં રડતા હોય તેનાથી દૂર રહો. જેને મળીને તમારામાં ચમક આવે, તમને હસાવી શકે,જેનામાં તરવરાટ અને ઊર્જા હોય અને જીવનને માણતા હોય તેવા જોડે જ સોબત રાખો. મિત્ર વર્તુળ જોડે વખતા ેવખત મજા કરો.
૯. વર્તમાનમાં જ રહો. ભૂતકાળને તમે બદલી શકવાના નથી અને ભવિષ્ય પર તમારો કોઈ કાબૂ નથી માટે વર્તમાનની ક્ષણના જ તમે માલિક છો. વર્તમાન તમારી સામે હાજરાહજૂર ખડો જ છે તેને માણો, તેનો શ્રેષ્ઠ ભવિષ્ય માટે ઉપયોગ કરો.
..અને છેલ્લે ૧૦. તમારે કંઇક તો એવું તમારામાં પડેલ છે જે કાર્ય કરવાથી તમને તે બોજ કે નોકરી જેવું નહીં પણ આનંદ અને સંતોષ આપતું હોય. તે કોઈ શોખ કે સ્વભાવ પણ હોઇ શકે. નોકરી કે ધંધાને લીધે જે ન કરી શક્યા પણ અંદરથી ઈચ્છા ધરબાયેલી હતી તો તેવું કાર્ય, પ્રવૃત્તિ કે હેતુ આજીવન કાર્ય કરતા રહેવા શોધવું અનિવાર્ય છે. કોઈ સંસ્થા જોડે જોડાઈને પણ આ હેતુ સિધ્ધ થઈ શકતો હોય તો તેમ કરો.
ઓકિનાવા ટાપુ કે જ્યાં સૌથી વધુ શતાયુ રહે છે તેઓનું ભોજન સાદુ, સુપાચ્ય અને વનસ્પતિજન્ય કે પ્લાન્ટ બેઝડ મહત્તમ હોય છે. તેઓ ગ્રીન જાપાનીઝ ચા પીવે છે. તેઓને મોટી વયે પણ કોલેસ્ટેરોલ નથી. આર્ટરી ચોખ્ખી છે. કેન્સર થાય તેવી કૃત્રિમ, રસાયણ અને કોસ્મેટિક સભર ઉપભોગ નથી કરતા. તનાવની દુનિયાથી તેઓ દૂર છે. નિવૃત્તિ પછી પરિવારની બિનજરૂરી ચિંતા છોડી પોતાના માટે જીવે છે.
તો ચાલો આપણે પણ ઇકિગાઈ જીવન જીવીએ..