ઇતિહાસ નહીં પણ ભૂગોળ વિશ્વનું વર્તમાન અને ભાવિ ઘડે છે
- ટીમ માર્શલનું બેસ્ટ સેલર બની ચુકેલ પુસ્તક 'પ્રીઝનર્સ ઓફ જીયોગ્રાફી - ટેન મેપ્સ ધેટ એકસપ્લેઇન એવરીથિંગ અબાઉટ ધ વર્લ્ડ' : વિશ્વને જોવાની કોઈ કલ્પી નહીં હોય તેવી દ્રષ્ટિ આપે છે
- વિવિધા-ભવેન કચ્છી
- હિમાલય પર્વત એવી ભૂગોળ છે જે નવો ઇતિહાસ રચવા દેતી નથી. ભારતને ચીન સામે અભેદ્ય દીવાલ જેવી ગરજ સારે છે
- ભૂગોળને લીધે અમુક દેશો અમીર અને ગરીબ છે. દેશની ભૂગોળ ઢાલ તરીકે આબાદ કામ કરે છે
બ્રિ ટનના ૬૭ વર્ષીય ટીમ માર્શલ વિશ્વના રાજકારણના વહેણ અને વમળનું અનોખી રીતે વિશ્લેષણ કરતા પત્રકાર અને સમીક્ષક છે.અમેરિકાના સ્કાય ન્યુઝ અને બીબીસી માટે તેમણે વર્ષો સુધી પ્રદાન આપ્યું . હવે લંડનમાં સ્થાયી થઈને ''ધ વ્હોટ એન્ડ વ્હાય ડોટ કોમ''નામની કરંટ અફેર સાઈટના તેઓ એડિટર છે.
તેમનું ''ધ ન્યુ યોર્ક ટાઇમ્સ''દ્વારા બેસ્ટ સેલર જાહેર થયેલું ''પ્રીઝનર્સ ઓફ જીયોગ્રાફી - ટેન મેપ્સ ધેટ એકસપ્લેઇન એવરીથિંગ અબાઉટ ધ વર્લ્ડ'' પુસ્તક એક નોખો અને ક્યારેય આપણે વિચાર્યો જ ન હોય તેવો દ્રષ્ટિકોણ અરીસાની જેમ ધરે છે અને પુરવાર કરે છે કે ''માત્ર ઇતિહાસ જ નહીં ભૂગોળ પણ વિશ્વના વર્તમાન અને ભાવિની નિયતિ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.''
ટીમ માર્શલ યુદ્ધ અને સંઘર્ષ વચ્ચે સૈનિકો જોડે રહીને પત્રકારત્વ કરે છે પણ તે ડિફેન્સ પત્રકાર નથી.જે તે દેશની યુધ્ધ અને શાંતિ વેળાની ભૂગોળને, તે દેશના નકશા અને સરહદી દેશોની ખાસિયતને નજીકથી નિહાળી તે રિપોર્ટિંગ અને સમીક્ષા કરે છે. એવી કઈ કુદરતે ભેટ આપેલી પર્વત માળા, ખીણ પ્રદેશ, સમુદ્ર કે હવામાનનો ફાયદો દેશને બચાવી લે છે અને હુમલો કરનાર દેશ ગમે તેટલો તાકાતવર હોય તો પણ તેને પ્રભુત્વ મેળવતાં અટકાવે છે તેનો ટીમ માર્શલે સંશોધનાત્મક અભ્યાસ કર્યો છે.
ટીમ માર્શલે રશિયા, ચીન, યુનાઈટેડ સ્ટેટ, વેસ્ટર્ન યુરોપ, ધ મિડલ ઇસ્ટ, ભારત અને પાકિસ્તાન, કોરિયા અને જાપાન,લેટિન અમેરિકા, ધ આર્કટિક એમ દસ નકશાનો આધાર લઈને પુસ્તકમાં રોચક રીતે પ્રકાશ ફેંક્યો છે કે આ દસ નકશા વિશ્વના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય કાળની કુંડળી સમાન હતા, છે અને રહેશે.
ટીમ માર્શલ પુસ્તકની શરૂઆતમાં જ હળવી શૈલીમાં ભૂમિકા બાંધતા લખે છે કે રશિયાના પ્રમુખ પુતિન પોતાને ધાર્મિક વ્યક્તિ ગણે છે અને રશિયન ઓર્થોડોક્સ ચર્ચમાં તે શ્રદ્ધા ધરાવે છે. પુતિન રોજ રાત્રે શયન કક્ષમાં જઈને પ્રાર્થના કરતા હશે કે ''હે ભગવાન, તે કેમ યુક્રેન અને યુરોપીય દેશોની વચ્ચે પર્વતમાળા ન મૂકી.'' પર્વતમાળા જેવું વિરાટ અડચણ નહીં હોઇ નોર્થ યુરોપિયન દેશ સમૂહ આસાનીથી યુક્રેનને લશ્કરી સહાય પહોંચાડી શકે છે. રશિયા પર હુમલો કરવો અમેરિકા જેવા દેશ માટે પણ આ બેઝ પરથી સરળ પડે કેમ કે કોઈ પર્વતમાળા નથી જે રશિયાને અભેદ્ય કુદરતી સુરક્ષા આપે. વર્તમાન યુધ્ધ પહેલા પણ રશિયાની યુક્રેન પરની મેલી મુરાદ વિશ્વ જાણતું જ હતું. પુસ્તક તો યુધ્ધ પહેલા લખાયું છે એમ છતાં ટીમ માર્શલે યુક્રેનનો આ ભૌગોલિક ફાયદો બતાવ્યો છે.
એથેન્સ, પર્શિયા, બેબીલોનીયન્સ અને તે પહેલાના અને પછીના સામ્રાજ્યોને પણ વિશ્વ સર કરવું શક્ય નહોતું બન્યું તેનું સૌથી મોટું કારણ ભૂગોળ છે. માત્ર યુદ્ધ વખતે જ નહીં પણ શાંતિના સમયે પણ કોઈ રાજ્ય, દેશ કે ખંડ આર્થિક અને વ્યાપારિક રીતે સુખી - સમૃદ્ધ હોય છે અને તેની તુલનામાં કેટલીક પ્રજા ગમે તેટલી ઉદ્યમી અને બૌદ્ધિક હોય પણ ભૌગોલિક સ્થિતિ, હવામાન કે અન્ય પરિબળો તેમની તરફેણમાં નહીં હોઇ વિકાસ નથી પામી શક્યા. ગરીબી અને શિક્ષણના અભાવને લીધે આંતરિક સંઘર્ષ, હિંસા અને વૈમનસ્ય પાંગરે છે.
કોઈ રાજ્ય કે દેશને ફળદ્રુપ જમીન, નદી, સમુદ્ર, બંદર, સમતોલ હવામાન મળે છે અને તે પ્રગતિમાં તમામ સ્તરે ખીલી ઉઠે છે. ટેકનોલોજી અમુક હદથી વધારે ભૌગોલિક, ઉણપને દૂર કરવામાં મદદ નથી કરી શકતી.
દેશ કે રાજ્યમાં આવેલા પર્વતો, નદીઓ, જંગલો સમુદ્ર અને રણ પ્રદેશ નક્કી કરે છે કે તેના નાગરિકો શું કરી શકે અને શું ન કરી શકે. આ પરિબળો દુશ્મન દેશોથી એવું રક્ષણ પણ પૂરું પાડે છે કે કોઈ સૈન્ય સંખ્યાબળ કે શસ્ત્ર - સરંજામની ધાક તીવ્રતા કે ઝડપથી નથી પહોંચી શકતી.
ટીમ માર્શલ ભારતનું ઉદાહરણ આપીને લખે છે કે હિમાલય પર્વતમાળા અને શિયાળામાં ગાત્રો થિજાવી દેતી ઠંડી ચીન ગમે તેટલું તાકાતવર હોય તો પણ તેના મલિન ઈરાદાને ઢીલું પાડી દે છે. હિમાલય પર્વત એવી ભૂગોળ છે જે નવો ઇતિહાસ રચવા નથી દેતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલું અફાટ રણ પણ આવી જ એક જડબેસલાક પરસ્પર સુરક્ષા છે. ચીનને તો ભારત સામે ઝેરી દુશ્મનાવટ છે છતાં આટલા વર્ષોમાં એક માત્ર ૧૯૬૨માં એક જ વખત ચીને યુદ્ધ કેમ કર્યું? તેનો જવાબ છે વિશ્વની સૌથી ઊંચી અભેદ્ય પર્વતમાળા હિમાલય.
કેટલાક દેશો એવા પણ છે જેની સરહદ ધસમસતી નદી બની ગઈ હોય છે. કેટલાક દેશ એવી ભૌગોલિક સ્થિતિ ધરાવે છે કે તેઓ દુશ્મન દેશ હુમલો કરવા આવે તો તેમની ઉપરની ઊંચાઈની સ્થિતિને લીધે જોઈ શકે છે અને આસાનીથી પહેલો ઘા કરી શકે છે.
ટીમ માર્શલ વધુ એક રોચક ઉદાહરણ આપે છે કે ''વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા પછી અમેરિકા સહિતના યુરોપીય દેશોના બનેલા નોર્ધન અલાયન્સ સૈન્યએ અફઘાનિસ્તાનના તાલિબાનો સામે યુધ્ધ જાહેર કર્યું ત્યારે હું તેઓ સાથે હતો. અમેરિકાની સેના પાસે વિશ્વના સૌથી વિનાશક શસ્ત્રો હતા. તેઓ ગણતરીના દિવસોમાં જ તાલિબાનોનો ખાતમો બોલાવી શક્યા હોત. ''મઝાર એ શરીફ''થી અમેરિકાનું સૈન્ય તેમજ તેના જેટ કાબુલ પર ચઢાઈ કરવા જઈ રહ્યા હતા ત્યારે જ મેં કે અમેરિકી સેનાએ ક્યારેય જોઇ ન હોય તેવી આંધી જમીન અને આકાશમાં ડમરીઓ સાથે ફરી વળી. અફઘાનિસ્તાનના સૈનિકો મૂછમાં મરકતા હતા કેમ કે તેઓને ખબર હતી કે કુદરત છાશવારે આવી આંધી અને બળબળતી ગરમીથી તેઓનું રક્ષણ કરે છે. તે આંધી વખતે એક ફૂટના અંતરે પણ જોઈ શકવુ શક્ય નહોતું.
અમેરિકાની અદ્યતન સેટેલાઇટ ટેકનોલોજી પણ આંધી સામે આંધળી પૂરવાર થઈ હતી. તે આંધી પછી ભારે વરસાદ પડયો અને જાણે આખું અફઘાનિસ્તાન કાદવમાં ફેરવાઈ ગયું. અમેરિકાના સૈન્યની છાવણી પણ હવામાં ઉડી ગઈ. આક્રમણની યોજના પડી ભાંગી અફઘાનિસ્તાનમાં અમેરિકાએ સૈન્ય પરત ખેંચ્યું તેનું કારણ ત્યાંનું અતિ વિષમ હવામાન પણ હતું. અમેરિકાના સૈનિકોએ મોટી સંખ્યામાં શહાદત પણ વહોરી. આટલે બધે દૂરથી અફઘાનિસ્તાન, ઇરાક કે મધ્ય, પશ્ચિમ એશિયામાં લાંબુ યુદ્ધ ખેલવું કપરું છે. ત્યાં સૈન્ય અને શો શિફ્ટ કરવા પણ વ્યવહારુ નથી.
ચીન સમુદ્ર પરનો કબજો જમાવે છે તેનું એક કારણ વ્યાપારી અને બીજું અમેરિકા પર નૌકા જહાજ પરથી હુમલો કરવાની પોઝિશનની ધાક ઊભી કરવાનો છે. કેમ કે અમેરિકાને પેસિફિક અને એટલાન્ટિક મહાસાગરનું ગજબનું સુરક્ષા કવચ પ્રાપ્ત થયેલ છે. કોઈપણ દેશ તેની જોડે સીધો જંગ તો ખેલી જ ન શકે.હુમલા કારના દેશે જાણે સાત સમંદર પાર કરવા જેવો પડકાર પાર પાડવો પડે.
સીરિયામાં પણ સુન્ની હુમલાખોરોથી શિયા સમુદાયને તેઓ વચ્ચે આવેલ ખીણ પ્રદેશ બચાવે છે.
માત્ર યુધ્ધ જ નહીં ભૌગોલિક કે નકશાની અનુકૂળ સ્થિતિને લીધે અમુક દેશોના કોઈ દુશ્મન જ નથી હોતા. વિપુલ કુદરતી સંપત્તિ અને વિકસિત હોવા છતાં કેનેડા , ઓસ્ટ્રેલિયા, સ્વીડન, નોર્વે, ઈન્ડોનેશિયા જાણે વિશ્વના રાજકીય સંઘર્ષના સ્પર્શથી જ દૂર છે. તો બીજી તરફ આફ્રિકા પર કુદરત રૂઠેલી રહી અને તેના લીધે ત્યાં ગરીબી, કુપોષણ, રોગચાળો, હિંસા વ્યાપક જોવા મળે છે.
ટીમ માર્શલે એક વિચારપ્રેરક વાત જણાવી છે. ભૌગોલિક નકશા દેશ કે બે દેશો વચ્ચે યુધ્ધ કે અડચણની નોબત લાવી શકે છે તે બ્રિટિશરો સૌથી પહેલા પામી ગયા હતા.આથી જ જ્યાં કુદરતી રીતે બનેલો નકશો કે સરહદો નહોતી ત્યાં બ્રિટિશરોએ પોતાની રીતે સરહદો અને નકશાને જન્મ આપી દેશના ભાગલા પાડયા અને ભારત અને પાકિસ્તાન તેનું ઉત્તમ ઉદાહરણ છે. તે પછી જે પરિસ્થિતિ સર્જાઈ તેમાંથી બાંગ્લાદેશનો જન્મ થયો. પાકિસ્તાન સર્જાયું જ ન હોત તો ચીનને ભારે પડી જાત. અમેરિકા અને રશિયાના શસ્ત્રોના ધંધા ઠંડા હોત. મિડલ ઇસ્ટ, વેસ્ટ એશિયાનું રાજકારણ જ જુદી કરવટ પર હોત.
સાઉથ અને નોર્થ કોરિયાના બે ભાગ અને ઉકળતા ચરું જેવી કાયમી સ્થિતિ માનવ સર્જિત નકશાની જ દેન છે.
જાપાન ધનિક છે પણ તેની કમનસીબી છે કે તે એવો ટાપુ છે જ્યાં કુદરતી સંપદાનો અભાવ છે. લેટિન અમેરિકા અન્ય દેશોથી એવી હદે દૂર છે કે જાણે વિશ્વના મુખ્ય પ્રવાહ સાથે તેમના દેશો જોડાઈ જ નથી શક્યા તેવું લાગે.
ભૂગોળ દ્વારા સર્જાયેલી વિષમતા પર કાબૂ મેળવવા ટેકનોલોજી સજ્જ થઈ ચૂકી છે. લાંબી દૂરીનાં મિસાઈલ હુમલા કરીને પર્વતો ઉપરથી આબાદ નિશાન સાધી શકાય છે. પર્વતોને ભીષણ બોમ્બ મારાથી ભેદીને રસ્તો પણ બનાવી શકાય છે. ડ્રોન અને એ.આઇ. પણ આગળ આવશે.
ટીમ માર્શલ ઉમેરે છે કે ભૌગોલિક સ્થિતિને માત્ર યુદ્ધ કે પ્રતિકારક ઢાલ તરીકે જ જોવાની જરૂર નથી. યુધ્ધ તો અમુક વર્ષોના અંતરે જ થતું હોય છે પણ જે તે રાજ્ય કે દેશના નાગરિકોના જીવનની ગુણવત્તા, ખુશનુમા વાતાવરણ, કાર્યક્ષમતા, આર્થિક પ્રગતિ, શૌર્ય સાહસ, બૌદ્ધિકતા, સ્વાસ્થ્ય અને સૌવ બધું જ આખરે ભૂગોળને આભારી છે. જે દેશોનું જીવન ધોરણ ઊંચું છે તે માટે ભૂગોળનું યોગદાન છે. ઇતિહાસ અને વિજ્ઞાાનની દિશા અને દશા આખરે તો ભૂગોળ નક્કી કરે છે.
ટીમ માર્શલે ''વ્હાય નેશન્સ ફેઇલ'' નામના એવોર્ડ વિજેતા પુસ્તકમાં પણ ભૂગોળ વિશ્વની મહાસત્તાને પણ નિષ્ફળ બનાવે છે તેનું વિવરણ કર્યું છે.