અબ તક 27 : ડિગ્રી મેળવવાની જીદ .

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
અબ તક 27 : ડિગ્રી મેળવવાની જીદ          . 1 - image


- ચીનનો અબજપતિ લિયાંગ શી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા છેલ્લા ૪૦ વર્ષમાં ૨૭ વર્ષ પરીક્ષા આપી ચુક્યો છે પણ સફળ નથી થયો

- વિવિધા - ભવેન કચ્છી

- 'ભલે હું શ્રીમંત અને દુનિયાની નજરે સફળ મનાતો હોઉં પણ મેં કોલેજનું શિક્ષણ નથી લીધું તે મને ખટકે છે. હું કોઈ ઉચ્ચ ડિગ્રીધારી અને જ્ઞાાનીને જોઇને દંગ થઈ જઉં છુ'

આ પણે ત્યાં  એવા ઘણા  કરોડોપતિ વેપારી કે ઉદ્યોગપતિઓ છે જેઓ પાસે ભૌતિક સુખ એવરેસ્ટની ઊંચાઈ જેટલું હોય પણ તેઓના બાયો ડેટા પર નજર નાંખીએ તો તેઓ અભ્યાસમાં બારમું ધોરણ પણ પાસ ન થયા હોય કે પછી  માંડ ગ્રેજ્યુએટની ડિગ્રી પ્રાપ્ત કરી શક્યા હોય. આપણા સમાજમાં પણ આવી વ્યક્તિઓ માટે એવા ઉદાહરણ અપાય કે 'જુઓ આ ધનાઢય વ્યકિતએ હાઈસ્કૂલ સુધી જ અભ્યાસ કર્યો છે છતાં દુનિયાને કેવી ઝુકાવી દીધી.'

રાજકારણીઓ માટે આપણે ત્યાં એવા આંકડા પ્રકાશિત થતા હોય છે કે 'સાંસદોમાંથી ૯૦ ટકા કરોડોપતિ છે.' તેઓની શૈક્ષણિક લાયકાત પર નજર ફેરવશો તો આપણે શરમ અનુભવીશું કે આવા સ્નાતક પણ ન હોય તેવા આપણો દેશ કે રાજ્ય ચલાવશે. ૧૨ ધોરણ કે માંડ સ્નાતક થયેલ નેતાઓ આઇ.એ.એસ.ને હુકમ કરે તે કેવી વિસંગતતા.

આપણે સફળતાને ધનિક હોવું કે પછી કોઈ હોદ્દો ભોગવવા તરીકે જોઈએ છીએ. પછી તેની શૈક્ષણિક લાયકાત ગૌણ બની જાય છે તે કમનસીબી છે. ખરેખર તો જે વ્યકિતએ શૈક્ષણિક લાયકાત લીધા વિના કોઈ ક્ષેત્રમાં ભલે સફળતા મેળવી હોય, તે ધનિક બની ગયો હોય પણ તેને પોતાને એમ થવું જોઈએ કે ભલે હું ધનિક છું, દુનિયાનું બધું સુખ મેળવી લીધું છે પણ મારી પાસે સારી યુનિવર્સિટીમાં ઉત્તીર્ણ થયો હોઉં તેવી ડિગ્રી નથી. શિક્ષણ, જ્ઞાાન પ્રાપ્ત કરવાનો હેતુ માત્ર ઊંચા પગારની નોકરી કે ધંધો કરવા માટેની તાલીમ સુધી જ સીમિત નથી. શિક્ષણ અને જ્ઞાાન તો એક પ્રકારની કેળવણી, ઘડતર અને આત્મસન્માન મેળવવા માટે પણ હોઈ જ શકે. કોઈ આઇ.આઇ.ટી. કે આઇ.આઇ.એમ.માં અભ્યાસ કરી ચૂકેલ વેપારી, ઉદ્યોગપતિ કે રાજકારણી હોય તો આપણે દેશ માટે કેવા ઉજ્જવળ ભાવિની કે ગૌરવની લાગણી અનુભવતા હોઈએ છીએ.

પણ અહીં વાત આપણે શિક્ષિત ધનિક કે નેતાથી વિશેષ ખુશી અનુભવીએ તેની નથી છેડવી પણ આવી જે તે વ્યક્તિ જ લાંછન અનુભવે અને ગમે તે વય હોય અભ્યાસ કરે તેની પ્રેરણા આપવાનો આશય છે.

ચીનની ૩૦૦૦ કોલેજમાં પ્રવેશ માટેનું મેરીટ લીસ્ટ એક જ બને છે અને તે વિશ્વની સૌથી કઠિન પ્રવેશ પરીક્ષા 'ગાઓકાઓ'ના દેખાવના આધારે તૈયાર થાય છે તે આપણે ગયા અઠવાડિયે તેના પરના લેખમાં જાણ્યું હતું. ચીનના ૧ કરોડ ૪૬ લાખ વિદ્યાર્થીઓ એક જ દિવસે આ પરીક્ષા આપે. રોજના દસ કલાક માટે બે દિવસ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં બેસીને પરીક્ષા આપતા હોય છે. ચીનમાં પરીક્ષા ખંડમાં નજર નાંખીએ તો ૧૫ ટકા પરીક્ષાર્થી એવા હોય જે ૨૫થી ૩૫ વર્ષની વય ધરાવતા હોય.સામાન્ય રીતે ૧૭ વર્ષની વયે વિદ્યાર્થી પ્રથમ વખત 'ગાઓકાઓ' પરીક્ષા આપતો હોય છે. ૨૫ - ૩૫ વર્ષના પરીક્ષાર્થીઓ આ વયે સારા પગારની નોકરી કરતા હોય અને ઘણા તો ધનિક પણ બની ચૂક્યા હોય છે. તેઓ કમાણીની રીતે તો ઠરીઠામ થયેલા હોય છે પણ તેઓને એક જ ખટકો દોઢ દાયકાથી સતાવતો હોય કે ભલે હું ધંધામાં કે નોકરીમાં સફળ હોઉં પણ અંતે તો નોન ગ્રેજ્યુએટ જ ને. અવનવા વિષયોનું જ્ઞાાન, શિક્ષણ અને યુનિવર્સિટીની હવા તો મેં નથી ખાધી ને. આવી મનોસ્થિતિ સાથે ચીનમાં હજારો એવા પરીક્ષાર્થીઓ છે જે પરણિત અને મધ્યમ વયના છે.

કેટલાક આવા પરીક્ષાર્થીઓ એવા પણ છે કે ભણવાની વયે તેમના પરિવાર પાસે ખર્ચ કરવા માટે પૂરતા નાણાં ન હતા. કેટલાકને ભણવાની ઉંમરે પરિવારના સભ્યોના ગુજરાન માટે મજૂરી કે શ્રમજીવી નોકરી કરવી પડે તેવી લાચારી હતી. હવે તેઓ ૩૦ - ૩૫ વર્ષની વયે પૈસે ટકે સુખી છે. હવે તેઓ ડિગ્રી લે કે ન લે કંઈ ફરક પડે તેમ નથી આમ છતાં તેઓને માટે ડિગ્રી આત્મસન્માન છે.

આવા પરીક્ષાર્થીઓમાં લિયાંગ શી હવે ચીનમાં ઘેર ઘેર જાણીતું નામ છે. 'ગાઓકાઓ' પરીક્ષાની સીઝન આવે ત્યારે અખબારો અને ન્યુઝ ચેનલ્સમાં લિયંગ શીનું કવરેજ આવે જ. ૫૭ વર્ષીય  લીયાંગ શી ચીનના વિખ્યાત અબજોપતિ છે અને ધનિકોની  યાદી બહાર પડે તેમાં તેનું સ્થાન પ્રસારણ માધ્યમોના કવરેજમાં હોય જ પણ તે પરીક્ષાની સીઝનમાં દેશમાં ચર્ચાનું કેન્દ્ર બને તેનું કારણ એ છે કે  છેલ્લા ૪૦ વર્ષમાં તે ખૂબ જ પડકારજનક એવી  'ગાઓકાઓ' પરીક્ષા ૨૭ વખત આપી ચૂક્યા છે. વચ્ચેના કેટલાક વર્ષ ચીનમાં પરીક્ષા અમુક વયથી વધારે હોય તે મર્યાદા જાહેર થઈ હતી તે વર્ષો લીયાંગ શીએ પરીક્ષા ન આપી. પણ ફરી એવો કાયદો જાહેર થયો કે કોઈપણ વયની વ્યક્તિ પરીક્ષા આપી શકે તે સાથે જ 'બ્રેક કે બાદ'ના ધોરણે લિયાંગ શી પરીક્ષા આપવા માંડયા. 'ગાઓકાઓ' પરીક્ષા દર વર્ષે લેવાય છે એટલે એમ કહી શકાય કે ૨૭ વર્ષ કે ૨૭ પ્રયત્ન તેણે  કર્યા છે પણ તેનું નામ દેશની સાવ સામાન્ય કોલેજમાં પ્રવેશ મળે તે રીતે પણ મેરીટ લીસ્ટમાં નથી આવતું. તેઓ પરીક્ષા આપે ત્યારે વર્ગખંડમાં બધા તેને આદરથી જુએ છે અને પ્રેરણા સ્ત્રોત્ર માને છે. પરીક્ષાના સુપર વાઈઝર કરતા પણ તેમની વય ઘણી વધુ જણાતી હોય છે.

તેઓ કોઈપણ ડિગ્રી નથી ધરાવતા પણ તેમના ધંધા કરવાની ફાવટ અને તેમાં આપેલ સખ્ત પરિશ્રમને લીધે અબજોપતિ થઈ 

ગયા છે.

લિયાંગ શી કહે છે કે 'જેઓ ઉચ્ચ ડિગ્રી કે વિશ્વની ટોચની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવે છે તેઓને જોઇને કે તેઓના વિશે જાણીને હું તેઓ પ્રત્યે અપાર આદર ધરાવું છું. હું આવા જ્ઞાાનીઓને જોઇને દંગ થઈ જાઉં છું. મારે પણ ચીનની કે અમેરિકાની ટોચની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો છે. પરીક્ષા આપતો રહીશ તો મારું જ્ઞાાન વધતું રહેશે. હું મારી જાતને પૂર્ણ તો જ માનીશ કે મારી સંપત્તિ સાથે મારી પાસે પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થાઉં તેવી લાયકાત અને સજ્જતા હોય.'

૧૯૮૫માં લિયાંગે ૧૭ વર્ષની વયે સૌપ્રથમ વખત 'ગાઓકાઓ' પરીક્ષા આપી હતી પણ એકપણ યુનિવર્સિટીમાં પ્રવેશ મળે તેવા માર્ક નહોતા આવ્યા.

લિયાંગનું બાળ વયનું સ્વપ્ન ચીનની સીચુઆન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું હતું. હવે તે કોઈપણ હિસાબે તેટલા માર્ક મેળવવાની જીદે ચઢયા અને આટલા વર્ષોથી પરીક્ષા આપતા જ રહે છે. તેમના ૭૫૦ માર્કની પરીક્ષામાં ૬૦૦ માર્ક આવે તો તેમને આ યુનિવસટીમાં પ્રવેશ મળી શકે પણ ગયા વર્ષે તેમણે ૨૭મી ટ્રાયલમાં પરીક્ષા આપી ત્યારે તેના ૪૨૪ માર્ક આવ્યા હતા.૨૭ ટ્રાયલમાં તેનો શ્રેષ્ઠ દેખાવ ૪૬૯ માર્કનો ૨૦૧૮માં હતો. તેનો અર્થ એમ કે તેઓ ૬૦૦ માર્કના ધમેજક ફિગરધથી તો જોજનો દૂર રહે છે.વર્ષ દરમ્યાન તો તે રોજના ત્રણ કલાક અભ્યાસ કરે છે. પરીક્ષા અગાઉના ત્રણ મહિના તો ધંધો ઉચ્ચ કર્મચારીઓને સોંપીને રોજના બાર કલાક અભ્યાસ કરે છે.હવે જો તેઓ કમ સે કમ  ૪૫૦ માર્ક મેળવે તો પણ તેમને બીજા ટાયર (ઉતરતો દરજ્જો)ની યુનિવર્સિટીમાં પ્રવેશ મળી શકે પણ લિયાંગને તો સીચુઆન યુનિવર્સિટીમાં જ પ્રવેશ મેળવવો છે.

તેની ૧૭ વર્ષની વયે લિયાંગના પરિવારને આર્થિક મદદની જરૂર હોઈ તેણે નોકરી તો કરી પણ તે જ કંપની નાદાર જાહેર થતાં બંધ થઈ ગઈ હતી. તે કંપની લાકડાના સપ્લાયનો ધંધો કરતી હતી. લિયાંગને તેમાં ફાવટ હતી તેણે સખ્ત મહેનત કરીને તે જ ધંધો જમાવ્યો અને બીજા બે દાયકામાં તો અબજપતિ થઈ ગયો હતો પણ ધગાઓકાઓધ ઉત્તીર્ણ નહીં થયો હોઈ તેને આ સફળતા એકડા વગરના મીંડા જેવી લાગતી હતી.

હવે લિયાંગની પ્રેરણા ૩૫ વર્ષીય તાંગ શાંગજુને મેળવી છે. તેણે અત્યાર સુધીમાં ૧૫ વખત પરીક્ષા આપી છે. તેના માર્ક બીજા ટાયરની યુનિવર્સિટીમાં પ્રવેશ મળે તેટલા તો આવે છે પણ આ ભાઈને હાર્વર્ડ કરતા થોડી ઉતરતી એવી ચીનની 'ત્સીનઘુના યુનિવર્સિટી'થી ઉતરતી કોઈ યુનિવર્સિટિીમાં પ્રવેશ નથી લેવો.

સિંગાપોરમાં તો સરકારે જ ૪૦ વર્ષથી વધુ વયના નાગરિકો માટે તેઓ બદલાતી ટેકનોલોજી અને એ.આઇ. નો ઉપયોગ કરીને યુવા પેઢી જેમ જ સજ્જ થઈ શકે તે માટેના ડિપ્લોમા કોર્સ સબસિડી સાથેની ફી સાથે શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકામાં મોટી વયે અભ્યાસ કરવાનો કે પરીક્ષા આપવાનો ટ્રેન્ડ વધ્યો છે.

૨૫ વર્ષ પહેલાં જે અભ્યાસ કર્યો હતો તેમાનું અત્યારે  વ્યવહારમાં કે નોકરી - ધંધામાં કંઈ કામ નથી લાગતું. તબીબી, એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ, ગુનાખોરી અને કાયદો, મેનેજમેન્ટના સિધ્ધાંતો અને માર્કેટિંગ, એકાઉન્ટ બધું જ અગાઉનું આઉટડેટેડ થઈ ચૂક્યું છે ત્યારે વ્યકિતએ આજીવન વિદ્યાર્થી બનવું જ પડશે. ભલે કોઈ પરીક્ષા ન આપીએ પણ જમાના જોડે તાલ તો મેળવવો જ પડશે.

શરમ બાજુએ મૂકીને પૈસાદાર હો કે ન હો પણ કોઈ અભ્યાસક્રમમાં આગળ આવવું હોય તો કોઈ ઉંમર મોટી નથી. શૈક્ષણિક  જ્ઞાાન અને ઉચ્ચ યુનિવર્સિટીમાં ડિગ્રી મેળવવા  કર્મ કરવામાં છોછ ન અનુભવીએ  તેવી માનસિકતા કેળવાતી હોય તો ખોટું નથી. 


Google NewsGoogle News