માતૃભાષા એ શબ્દોનું વૃંદાવન છે
- 21 ફેબ્રુઆરીએ માતૃભાષા દિનની ઉજવણી થશે : ગુજરાતી ભાષા જીવંત જ છે અને રહેશે .. સ્માર્ટ ફોન અને એ. આઇ. તેનો વ્યાપ વધારવામાં મદદ કરશે
- વિવિધા-ભવેન કચ્છી
- ગુજરાતી કવિઓના મુશાયરા, સુગમ સંગીત, ડાયરા, લોક સંગીત, ભજનો, ગુજરાતી ફિલ્મો, ગુજરાતી ગીતો,ગરબા, નાટક, પ્રેરક પ્રવચનો, સત્સંગ ગુજરાતી ભાષાને જીવંત રાખવામાં મોટું પ્રદાન આપે છે.
- અગ્રેજી માધ્યમના ગુજરાતી વિદ્યાર્થીઓ અને વાલીઓ ઘેર અને મિત્રો સાથે ગુજરાતી ભાષામાં જ વાતચીત કરતા હોય છે.
- 'શબ્દ મનમાં આવે તે એકલો નહીં આવે,પણ આખો વારસો, અનુભવ, સ્મરણો પડઘાઓ, ઇતિહાસ સંસ્કાર,અર્થ, સંબધ,અને આભામંડળ સાથે લેતો આવે છે'- ફાધર વાલેસ
૨૧ ફેબ્રુઆરી એટલે ફરી માતૃભાષાનું મહિમા ગાન કરવાનો દિવસ. ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો મુદ્દો હવે બૌધ્ધિકો, શિક્ષણવિદ્દ અને સાહિત્યકારો માટે ચિંતા અને ચિંતનનો વિષય બની ચુક્યો છે. તેમાં હવે રાજકારણીઓ પણ જોડાયા છે. અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને માધ્યમિક સુધી ગુજરાતી વિષય અંગ્રેેજી માધ્યમમાં પણ ફરજિયાત હોવો જોઈએ તે આવકાર્ય જ છે. ઘણા વાલીઓ તો તેમના સંતાનોને ધોરણ ૧૨ સુધી ગુજરાતી માધ્યમમાં જ અભ્યાસ કરાવવા ઝંખે છે. એવા વિદ્યાર્થીઓ છે જ જેઓ આ રીતે ગુજરાતી માધ્યમમાં જ ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરીને જ દેશ વિદેશમાં જુદા જુદા ક્ષેત્રોમાં છવાઈ ગયા છે.પણ બધા વાલીઓ કે વિદ્યાર્થીઓ આવો આત્મવિશ્વાસ બતાવી ન શકે. વાલીઓ દેખાદેખી કે એક પ્રકારનું ગૌરવ અનુભવવા જ સંતાનને અંગેજી માધ્યમમાં અભ્યાસ કરાવે છે તેવું નથી. પણ વાસ્તવિકતા એ છે કે ધોરણ ૧૨ પછી અંગ્રેજીમાં જ તમામ વિદ્યાશાખાઓમાં પુસ્તકા, સંદર્ભ ગ્રંથો હોય છે. દરેક સમયે ૫૦ વર્ષ પહેલાં અત્યારના વાલીઓ કઈ રીતે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરીને આગળ આવ્યા હતા તે ઉદાહરણ વર્તમાન પેઢી સમક્ષ દરેક વખતે ધરી દેવું પણ યોગ્ય નથી. કમનસીબે આજે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થતી જાય છે અને જે છે તેની ખાસ પ્રતિષ્ઠા નથી રહી.
નવી પેઢી ગૂગલ કે સર્ચ એન્જિનમાં જે પણ માહિતી,સંદર્ભનો ખજાનો મેળવે છે તે અંગ્રેજીમાં છે. હવે ગુજરાતી વિકલ્પ ચોકકસ છે પણ તેમાં જે ભાષાંતર થાય છે તે ગુજરાતી ભાષા જોડે ચેડાં થતું કે તેનું ગૌરવ હણતું હોય છે. ગુજરાતી ન્યુઝ રીડર અને ચેનલોનું. ગુજરાતી કે સ્ક્રોલ પરનું લખાણ ઘણી વખત શરમજનક હોય છે. શબ્દ નર, નારી કે નાન્યતર જાતિનો છે તે જ ખબર નથી હોતી. મૂળ અંગ્રેજીની ગુજરાતીમાં ભાષાંતર થયેલી જાહેરાતો પણ અર્થનો અનર્થ સર્જે તેવી હોય છે.
હા,એ વાત ખરી કે સરકારી ઠરાવ, કોર્ટના ચુકાદા કે જ્યાં માત્ર અંગ્રેજી ભાષા જ ઉપયોગમાં લેવાઈ છે તે બધું ગુજરાતીમાં પણ ઉપલબ્ધ હોવું જોઈએ.
યુનિવર્સિટીઓ એવો પ્રયોગ પણ કરી ચૂકી છે કે બેચાર ડીગ્રીનો અભ્યાસક્રમ માતૃભાષામાં આપવામાં આવે પણ ગુજરાતી વિદ્યાર્થીઓએ જ કબૂલ્યું કે એના કરતા અંગ્રેજી માધ્યમ વધુ અનુકૂળ પડે કેમ કે વ્યવહારમાં આપણે અંગ્રેજી શબ્દો જ ઉપયોગમાં લેતા થયા છીએ.
ભલે મેડિકલ, પ્યોર સાયન્સ, એન્જીનીયરીંગ અને કાયદાથી માંડી તમામ વિષયોના પુસ્તકો માતૃભાષામાં પ્રાપ્ય બન્યા પણ એક ઓછું ભણેલ વ્યક્તિ પણ એવા હજારો શબ્દોથી વ્યવહાર કરે છે જેનો માતૃભાષામાં પ્રયોગ કરવો અજીબ લાગશે.
તબીબી ભાષાની રીતે જોઈએ તો કિડની,સ્ટેન્ટ ,હેમરજ,પોસ્ટ મોર્ટમ, હાર્ટ, વેન્ટિલેટર અંગ્રેજીમાં અને આંતરડું, મોતિયો, હાડકા, થાપા, દાંત વગેરેની બીમારી ગુજરાતી ભાષામાં બોલીશું.
મોબાઈલ, સીમ કાર્ડ, પાન કાર્ડ, ટયુબ લાઈટ, ટેલિવિઝન, ઓ. ટી ટી., પેન ડ્રાઇવ, ડેટા, કમ્પ્યુટર , બેટરી ચાર્જર, વાઈફાઈ, નેટવર્ક , મિક્સચર, ડાઇનિંગ ટેબલ, સ્વીચ, લાઇટર, શર્ટ, પ્લેટ (સ્ટીલ કે અન્ય ધાતુની થાળી ન હોય ત્યારે), સોસ, કેચપ, જ્યુસ જેવા હજારો શબ્દોનું ગુજરાતી થઈ શકે તો પણ તે ઉપયોગમાં નથી લેવાતા. અંગ્રેજીમાં તો શું ગુજરાતી ભાષામાં પણ બે પાંચ ચોપડી ભણેલા આવા અંગ્રેજી શબ્દો હોય તો જ સમજે. કોઈ અભણ વ્યક્તિ દૂરસંચાર કે ફળોનો રસ, અગ્નિ તણખો કે ગણક યંત્ર માંગશો તો ગુંચવાશે.એ રીતે જોઈએ તો શહેરથી ગામડાઓ સુધી ગુજરાતી નાગરિકો અંગ્રેેજી જ શબ્દો ઉપયોગમાં લેતા હોય તેવો શબ્દ કોષ પણ બની શકે.
ગુજરાતી ભાષાની ચિંતા ગુજરાતી સાહિત્ય, અખબારોના વાંચન કે ગુજરાતી ફિલ્મનો વ્યાપ જારી રહે તે સંદર્ભમાં યોગ્ય જ છે પણ ગુજરાતી ભાષાથી નવી પેઢી દૂર થતી જાય છે તેનું કારણ ભાષા પ્રત્યે અણગમો નથી પણ સ્માર્ટ ફોન પરની એપ , ફિલ્મોના સબ ટાઈટલ અને પોડકાસ્ટ હિન્દી કે અંગ્રેજીમાં વિપુલ માત્રામાં છે.
તો બીજી તરફ પ્રિન્ટ થયેલ ઓછું વંચાય એટલે ભાષા મૃત:પ્રાય માનવું ભૂલ ભરેલું છે વોટ્સ એપ, રીલ, પોડકાસ્ટ અને તેનાથી વધુ ફેસબુકને લીધે ખરેખર તો વ્યક્તિની અભિવ્યક્તિ બહાર આવી છે. જે એક જમાનામાં સામાન્ય નાગરિક દ્વારા પોસ્ટ કાર્ડ કે પત્રોમાં નહોતું બહાર આવ્યું તે વિચાર વ્યાપ, નિબંધ શૈલી અને મંતવ્યો ગુજરાતી ભાષામાં જ વ્યક્ત થવા માંડયા છે. ફેસબુકની પોસ્ટ ગુજરાતીમાં જ મહત્તમ હોય છે ને. ગુજરાતી ભાષા જ નહીં ગુજરાતી ટાઇપ રાઈટિંગ અને એડીટિંગ પણ શીખ્યા.
જેઓને ગુજરાતીમાં ટાઇપ કરતાં નથી આવડતું તેઓ આખરે તો અંગ્રેેજી આલ્ફાબેટનો સહારો લઈને ગુજરાતી શબ્દો અને વાક્યો લખતા હોય છે ને. તેમાં પણ હવે એ.આઇ.ની નવી વર્ઝન આવશે તે ગુજરાતીમાં પણ માહિતી ઠાલવશે.અંગ્રેજી વોલ્યુમનું પલકવારમાં ગુજરાતીમાં ભાષાંતર થઈ જશે.
પ્રેરક પ્રવચનો, વક્તવ્યો, સત્સંગ સભા અને શિબિર - સેમિનારમાં અગાઉ કરતાં વધુ યુવાનોની હાજરી જોઈ શકાય છે. અંગ્રેજી માધ્યમના પણ આ બધા ગુજરાતી ભાષાના શ્રોતાઓ હોય છે. ગુજરાતી કવિઓના મુશાયરા, સુગમ સંગીત, ડાયરા,લોક સંગીત અને ભજનો, ગુજરાતી ફિલ્મો, ગુજરાતી ફિલ્મના ગીતો, ગરબા, નાટક ગુજરાતી ભાષાને જીવંત રાખવામાં મોટું પ્રદાન તો આપે જ પણ તેઓને શ્રોતાઓ અને દર્શકો પણ મળ્યા છે. ગુજરાતી પુસ્તકો ભેટમાં આપવાની પ્રથા જારી રહેવા જોઈએ. ઘેર વાલીઓએ સંતાન જુએ તેમ અખબાર અને પુસ્તક વાંચવા જોઈએ. ટેબલ પર તેનું સ્થાન હોવું જ જોઈએ.
વિદેશમાં વસતા યુવા ગુજરાતીઓ પણ ગુજરાતી ભાષા માટેનું ગૌરવ અને સ્વીકાર તેઓની અગાઉની પેઢી કરતા વધુ જોવા મળે છે. 'ગુજરાતી છું પણ ગુજરાતી કરતા અંગ્રેજી બોલવાનું પસંદ કરીશ તેવો દંભ કે લઘુતા ગ્રંથિ હવે નથી અનુભવાતી. આવડે નહીં તો પણ પ્રભાવ પાડવા કે પછી હવે આધુનિક છે તે બતાવવા છબરડા વાળતું અંગ્રેજી નથી બોલાતું.
રહી વાત સાહિત્યની તો ઝવેરચંદ મેઘાણી કે ૫૦ - ૧૦૦ વર્ષ જૂના સાહિત્યકારોની અમર કૃતિઓમાં જે કાઠિયાવાડી અને તળપદી બોલી સાથેની ગુજરાતી છે તે શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગા, જે તે સમાજના પાત્રોના સંવાદ, કહેવતો તો ૧૫ -૨૫ વર્ષના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પણ સમજે નહીં. હવે આવી ગુજરાતી કૃતિઓમાં ઉપયોગમાં લેવાયેલ કેટલાક શબ્દોનો શું અર્થ થાય તે પણ પ્રત્યેક પાનાની નીચે ફૂદડી કરીને આપવાનો વખત આવ્યો છે.નવી પેઢીને બોલચાલની અને જરૂર પડયે અંગ્રેજી શબ્દ મિશ્રિત અહેવાલ કે સર્જન પસંદ પડે છે. નેરેશનનો જમાનો છે.કમ્યુનીકેશન કેન્દ્ર સ્થાને છે. અલંકાર અને ઉપમા ન પણ સ્પર્શે.મેઘાણી,મુનશી, ગુણવંતરાય આચાર્ય, ર વ.દેસાઈ જેવા સાહિત્યકારોની કૃતિ અને અન્ય ૫૦ ૧૦૦ વર્ષ જૂનું ગદ્ય અને પદ્યનો રસાસ્વાદ નવી પેઢી કરી શકે તે રીતનું રૂપાંતર કરી શકાય.આપણું મોટાભાગનું સર્જન ૫૦ વર્ષથી વધુ વયના વાચકોને નજરમાં રાખીને થાય છે અને તે જ રીતે શબ્દપ્રયોગ અને વર્ણનો થાય છે જેના લીધે ૨૦ વર્ષથીવધુ વયના યુવાનો જોડાઈ નથી શકતા.
શિક્ષક,પત્રકાર,લેખક ,વક્તાએ પોતાની વિદ્વતા નથી બતાવવાની પણ માહિતી અને જ્ઞાાન કે મેસેજનું નિર્ધારિત લક્ષ્ય પાર પાડવાનું છે.ભાષા શાીઓએ ફિલ્મના નિર્દેશક,સંગીતકાર અને અખબારના તંત્રીની જેમ જન સમૂહની નાડ પારખતાં શીખવું પડશે.
ગુજરાતી ભાષાને ગંભીર ફટકો પહોંચશે નહીં તેનો વિશ્વાસ એ રીતે પણ છે કે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા મોટાભાગના ગુજરાતી વિદ્યાર્થીઓ આમ પણ માર્ક કે પરીક્ષાલક્ષી જ તૈયારી કરતા હોય છે. તેઓ અંગ્રેજીમાં પ્રશ્નનો ઉત્તર આપી શકે તે પૂરતું (ગોખેલું પણ હોઇ શકે) લેખિત પર થોડી પકડ ધરાવે છે પણ કોઈ જન્મજાતની જેમ અંગ્રેજી બોલી શકે તેવું તેનું અંગ્રેજી છે જ નહીં. ગુજરાતીમાં લેખિતમાં વિદ્યાર્થીઓ નાપાસ પડે છે પણ મૌખિકમાં ઉત્તીર્ણ થઈ જાય તેમ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ મૌલિક મૌખિક પરીક્ષા હોય તો નાપાસ પડે અને લેખિતમાં માર્ક લાવી બતાવે છે.આનું કારણ એ છે કે અંગ્રેજી માધ્યમના મૂળ ગુજરાતી વિદ્યાર્થીઓ અંગ્રેજી સાહિત્યકારોની કૃતિ, અખબારો અને સામયિક ખાસ નથી વાંચતા.તેઓ પાસે અંગ્રેજી ભાષાના શબ્દો, કહેવતો,અલંકાર,ઉપમા કે વ્યાકરણનું જ્ઞાાન નથી. હોલીવુડની એક્શન સિવાયની ફિલ્મો જોવામાં દિલચશ્પી નથી હોતી.
અંગ્રેજી બોલશે તો પણ મનોમન ગુજરાતી વાક્યનું ભારે માનસિક કવાયત સાથે ભાષાંતર કરશે.ઘરમાં સંતાન અને માતા પિતાનું જ અંગ્રેજી નબળું હોય ત્યારે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી ભાષા બંને સમાંતર જીવિત રહે છે. અંગ્રેજી માધ્યમના ગુજરાતી વિદ્યાર્થીઓ ગુજરાતીમાં જ વાત કરતા હોય છે ને? અમેરિકા અને વિદેશમાં રહેતી ગુજરાતી યુવા પેઢીની સાહિત્ય સંસ્કૃતિના કાર્યક્રમમાં ઓછી હાજરી હોય છે પણ ઘેર તો ગુજરાતી ભાષા અને ગુજરાતની સંસ્કૃતિ,સભ્યતા જોઈ શકાય છે.
ભાષાને સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખવાની રીતે. પણ જોવી જોઈએ. પૂરી, મમરા, ગોળ પાપડી અને સમોસા શબ્દની ખબર હશે તો જ તે ભાવિ પેઢીના ઘરમાં બનશે.તેના શબ્દકોશમાં પીઝા, સેન્ડવીચ, ચીઝ અને બ્રેડ બટર હશે તો તે જ બનાવશે. ખાટલો શબ્દ જ ખબર ન હોય તો તેની મજાને કાયમ માટે ગુમાવી રીકલાઈનર ચેરને આરામદેહની આખરી અનુભૂતિ માંડવા માનશે. ઘરમાં રસોડું કહી શકાય તેવું રસોડું નહીં હોય, રાચરચીલા (યુવા વાચકોએ અર્થ વાલીઓને પુછવો) કરિયાણું, મરી મસાલા અને શાકભાજીના નામ પણ નહીં આવડતા હોય તો ઘરમાં તે ક્યાંથી આવશે. શબ્દની અસ્તિત્વ અને જાણકારી સભ્યતા, સંસ્કૃતિ અને પરિવારને જાળવી રાખતી હોય છે. પ્રેમ જગાડતી હોય છે. આપણી લડવાની, ઝઘડવાની, રિસામણા અને કોઈને રીઝવવાની ભાષા પણ અંગ્રેેજી નહીં પણ માતૃભાષા હોવી જોઈએ.
તો બીજી તરફ એ પણ ધ્યાન રાખીએ કે ગુજરાતી ભાષાને જીવંત નથી રાખવાની પણ સંસ્કારી અને ગુણવત્તાસભર ગુજરાતી ભાષાનો પરિવારમાં, મિત્રવર્તુળમાં, સંબંધોમાં, વાતચીતમાં, વ્યાપાર અને વ્યવસાયમાં ઉપયોગ કરવાનો છે. આપણે શિક્ષિત અને દીક્ષિત બન્યા પણ આવા પરિવારોમાં પણ હલકા શબ્દો સાથેનું ગુજરાતી બોલાય છે. શિક્ષિત અને ભદ્ર સમાજના નાગરિકો પણ સામી વ્યક્તિનું અપમાન થાય તેમ મ્હેણાં ટોણા માટે ગુજરાતી કહેવતો અને શબ્દોનો ભંડાર ઠાલવી દેતા હોય છે. ચાંપલું અને કૃત્રિમ ગુજરાતી પણ નવી પેઢીને પસંદ નથી. આપણે જે રીતે સામાન્ય શૈલીમાં બોલીએ તેવું જ સાંભળવું અને વાંચવું ગમતું હોય છે.
ગુજરાતી ભાષા મૃત:પ્રાય નથી જ તે જીવવાની જ છે તેવા હકારત્મક અભિગમ કેળવવાની જરૂર છે.નવી પેઢી અને તેના કરતાં નર્સરી કે કે.જી.માં અભ્યાસ કરતા બાળકો મોટા થવાની પ્રક્રિયા દરમ્યાન ગુજરાતી ભાષા અને સાહિત્ય જોડે જોડાઈ રહે તે માટેના જ પ્રયત્નો કરીએ. પ્રત્યેક યુવા મમ્મી પપ્પાએ સંતાનોની ભાષા અને કેળવણી માટે સંતાનના દાદા - દાદી અને નાના - નાનીઓને વિનંતી કરવાની છે કે ઘડતર માટે થોડો સમય આપો.અને દાદા દાદી અને નાના નાનીએ પણ આજના બાળકના કુતુહલને સંતોષાય તેવી વાર્તાઓ, તર્ક અને પુષ્કળ પ્રશ્નોના ઉત્તર આપવાની તૈયારી સાથેનું હોમ વર્ક કરવાનું છે.
ગુજરાતમાં નેતાઓ, તબીબો, વકીલો, વેપારીઆ, ગ્રાહકો અને બાળકો, નાગરિકો ગુજરાતીમાં જ વાત કરે છે. ગામડાઓના તળપદી શબ્દો અને ઉચ્ચાર વિદેશમાં પણ જળવાઈ રહ્યા છે. ભલે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો હોય તો પણ અંગ્રેજી ભાષા પર પકડ ઓછી હોવાને લીધે પણ ગુજરાતી ભાષા જીવંત રહેવાની છે.
જેમ ફ્રાન્સ કે જર્મનીની વ્યક્તિ 'મને અંગ્રેજી નથી આવડતું તેથી મારી પોતાની ભાષામાં બોલીશ. તમે દુભાષિયો રાખી તમારી ભાષામાં તેનું ભાષાંતર કરો તેમ ગર્વથી કહે છે તેમ આપણે પણ ગુજરાતી તેવી જ ખુમારીથી બોલવું અને લખવું જોઈએ.ભાષાંતર કરવા એ.આઇ. પણ હવે તો હાજર છે.