AI એ લખેલી સ્ક્રિપ્ટ પરથી ફિલ્મ બની અને...

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
AI એ લખેલી સ્ક્રિપ્ટ પરથી ફિલ્મ બની અને... 1 - image


- 'ધ લાસ્ટ સ્ક્રિપ્ટ રાઈટર' નામની ફિલ્મ બનતા જ લેખકો ભડક્યા અને ફિલ્મનો વૈશ્વિક બહિષ્કાર કર્યો

- વિવિધા-ભવેન કચ્છી

- પડદા પાછળના કસબીઓ જ નહીં ભાવિ ફિલ્મોના કલાકારો પણ A.I. જ જનરેટ કરશે અને તેઓ જીવંત જ લાગશે. પ્રત્યેકના નામ હશે. તેઓની ગોસીપ પણ મજેદાર રહેશે

લં ડનમાં મનોરંજન જગતની રસપ્રદ છતાં સર્જનાત્મક ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI ) કેવો પડકાર સર્જી શકે છે તેની અગમચેતી આપતી ઘટના બની. સ્વિત્ઝર્લેન્ડના જાણીતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક પીટર લ્યુસીને એવો વિચાર આવ્યો કે ફિલ્મની એક સ્ક્રિપ્ટ કોઈ લેખકને લખવાનું કહેવા કરતા છનને જ તે કામ સોંપીએ. પીટર લ્યુસીને લાગ્યું કે તેનો પ્રયોગ તો ચોક્કસ ચર્ચા જગાવશે પણ AI ને કોઈ વાર્તાની ટુંકમાં રૂપરેખા આપવી પડે અને તે પછી AI  તેના આધારે સ્ક્રિપ્ટ જનરેટ કરી શકતું હોય છે.

પીટર લ્યુસી પોતે પણ કુશળ દિગ્દર્શક તો છે જ તેણે અનોખી કલ્પના ઉમેરી કે એવી જ વાર્તાની રૂપરેખા AI  ને આપીએ કે ધAI  માનવજીવનના તમામ ક્ષેત્રોમાં છવાઇ ગયું હોય તેવા જમાનાનું આગમન થઈ ચૂકયું છે અને  ફિલ્મો માટેની સ્ક્રિપ્ટ પણ હવે AI  જ લખી આપે છે ત્યારે એક સ્ક્રિપ્ટ લેખકની સ્થિતિ કેવી થાય છે. તેની આજીવિકા છીનવાઈ જાય છે અને તે અને તેનો પરિવાર જે વેદનામાંથી પસાર થાય છે તેની સંવેદના જગાવતી સ્ક્રિપ્ટ લખી આપો અને ફિલ્મ રોચક બને તેથી તેમાં જુદા જુદા ચરિત્રો ધરાવતા પાત્રોની ગૂંથણી કરવામાં આવે.'

કેવી ગજબની વિસંગતતા. AI ને જ કહેવામાં આવે કે 'તારા કારણે જીવંત સર્જનાત્મક પ્રદાન આપીને આજીવિકા કમાનાર સ્ક્રિપ્ટ લેખકની તું (AI ) કેવી દુર્દશા કરે છે તેની જ સ્ક્રિપ્ટ તું લખીને આપ.'

પીટર લ્યુસીના આશ્ચર્ય વચ્ચે AI  ને વાર્તાની આવી લાઈન આપ્યા પછી ગણતરીની મિનિટોમાં જ એક દળદાર સ્ક્રિપ AI એ તૈયાર કરી આપી જેમાં  AI  થી પીડિત અને બેકાર બની ગયેલ સ્ક્રિપ્ટ લેખકની વાર્તા તો હતી જ પણ AI  એ ફિલ્મને બોક્સ ઓફિસ પર ચાલે તે હેતુથી ફિલ્મમાં ખલનાયક, ચરિત્ર અભિનેતા, અભિનેત્રીઓ અને હાસ્ય કલાકારોનો પણ સ્કોપ રહે તેવી કહાનીમેં ટ્વીસ્ટ જેવી ઇંતેજારી ઉમેરતી સ્ક્રિપ્ટ લખી હતી. એટલું જ નહીં AI  એ જ આ ફિલ્મનું નામ 'ધ લાસ્ટ સ્િંક્રપ્ટ રાઈટર' તેવું આપ્યું.

પીટર લ્યુસી તો દંગ થઈ ગયા. તેમણે AI  એ આપેલ સ્ક્રિપ્ટ સાથે ફિલ્મ બનાવી. AI એ  સ્ક્રિપ્ટ લેખકને હીરો બનાવ્યો હતો.અન્ય ઘણા પુરુષ અને મહિલા પાત્રો હતા. AI  પોતે માનવજગતને સર્જકોને સંબોધતો હોય તે માટે તેનું પાત્ર પણ ખરું. પીટર લ્યુસી તો પ્રયોગ તરીકે સ્ક્રિપ્ટ જ AI  પાસે લખાવવા માંગતા હતા. ફિલ્મમાં અભિનય તો જીવંત અને જાણીતા કલાકારો જ કરવાના હતા. પીટર  લ્યુસીએ લગભગ છ મહિના આ સ્ક્રિપ્ટ પર ફિલ્મનું શૂટિંગ કરીને પૂર્ણ કર્યું અને ફિલ્મનું નામ પણ 'ધ લાસ્ટ સ્ક્રિપ્ટ રાઈટર' રાખ્યું.

ફિલ્મને લંડનના વિખ્યાત પ્રિન્સ ચાર્લ્સ થિયેટરમાં  નિયત તારીખ સાથે રિલીઝ કરવાની જાહેરાત પણ થઈ. ફિલ્મના નામે હોલીવુડ અને પશ્ચિમ જગતમાં  રજૂઆત પહેલાં જ ચર્ચા જગાવી. ફિલ્મ નિર્માતા, નિર્દેશકો, લેખકો અને સ્ક્રિપ્ટ લેખકોથી માંડી સંગીતકારોના યુનિયનોએ આ ફિલ્મનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું અને જાહેરાત કરી કે 'આ ફિલ્મ AI  ની મદદથી બની છે અને AI થી બનેલ કોઈપણ સર્જનની કોઈપણ રજૂઆત થવા નહીં દઈએ.'

પીટર લ્યુસીએ ફિલ્મ મેકર્સને સમજાવ્યા છે કે ફિલ્મની વાર્ર્તા જ AI  પાસે એવી લખાવી છે કે કઈ રીતે AI  સ્ક્રિપ્ટ રાઇટરના અસ્તિત્વને ખતમ કરી નાંખશે. છૈ ના પડકાર સામે જાગ્રત થવાનો જ મૂળ આશય છે. પીટર લ્યુસીએ એટલે સુધી કહ્યું કે 'ફિલ્મના સ્ક્રિપ્ટ રાઇટર સિવાયના તમામ કલાકાર - કસબીઓ આ ક્ષેત્રના જ છે જેઓથી ફિલ્મ બની છે.'

પણ ફિલ્મના જુદા જુદા સંગઠનો ન જ માન્યા. તેઓએ પ્રિન્સ ચાર્લ્સ થિયેટરની કમિટીને આંદોલનની ચીમકી આપીને આ ફિલ્મનો પ્રીમિયર શો જ રદ કરવા ફરજ પાડી.

કમિટીએ જાહેરાત કરવી પડી  કે 'ધ લાસ્ટ સ્ક્રિપ્ટ રાઈટર' ફિલ્મ AI ની સહાયથી બનાવાઈ છે અને તેમાં સ્ક્રિપ્ટ લેખક તરીકે જીવંત સર્જકની જગ્યાએ ટેકનોલોજી પાસેથી કામ કરાવાયું છે. આ ટ્રેેન્ડ સર્જકો માટે ભયજનક છે તેથી આ ફિલ્મની રજૂઆત અમારા થિયેટરમાં નહીં થાય. હડતાળ અને આંદોલનના ડરથી હવે કોઈ થિયેટર આ ફિલ્મ રિલીઝ કરવા તૈયાર નથી.

ગયા વર્ષે હોલીવુડમાં નિર્માતાઓ  AI ની મદદથી ફિલ્મ વાર્તા તૈયાર કરાવીને ફિલ્મ નિર્માણ કરવા લાગ્યા હતા. લેખકોને કામ મળતું જ બંધ થવા માંડયું અને આખરે તેઓએ ફિલ્મ નિર્માણ કંપનીઓનો બહિષ્કાર કરતી હડતાળ પાડેલી જે  એક મહિનાથી વધુ ચાલી હતી. અંતે ફિલ્મ નિર્માણ કંપનીઓએ સમાધાન કર્યું અને તેઓ AI  પાસેથી વાર્તા જનરેટ નહીં કરે તેની ખાતરી આપી.

જો કે પીટર લ્યુસી જેવા નિર્માતા નિર્દેશક કહે છે કે AI  પરની રોક કે હડતાળનો ડર લાંબો સમય નહીં ચાલે જીવનના દરેક ક્ષેત્રોમાં આપણે ઇચ્છીએ કે ના ઇચ્છીએ ટેકનોલોજી વગર બજારમાં ટકી જ નહીં શકાય. ફિલ્મ દુનિયાની વાત કરીએ તો વાર્તા લેખકો પાસે એવી વાર્તા કે કલ્પના શક્તિ જ નથી રહી કે તેઓ AI  સમકક્ષ આપી શકે. ફિલ્મના નિર્માતાઓ નવી દુનિયાના દર્શકોની કલ્પના શક્તિ અને અપેક્ષાને સંતોષી શકે તેવી વાર્તાઓની અછત અનુભવે છે. આ જ કારણે અન્ય ભાષાઓની ફિલ્મની રીમેક બનતી જાય છે. હોલિવુડ સાઈઠ સિત્તેરના દાયકામાં જે વાર્તાઓ સાથે ફિલ્મ બનાવતું હતું તેવું છેલ્લા દાયકામાં નિરંતર ઘટતું જાય છે.માત્ર હોલિવુડ નહીં આપણા હિન્દી ફિલ્મ જગતમાં તો સારી વાર્તા કે એક્શન ફંડાની તીવ્ર અછત હોઇ સાઉથની ફિલ્મો પર જ મદાર રખાય  છે. બંગાળી,મરાઠી સાહિત્ય પણ આવી કટોકટી અનુભવે છે.

અધૂરામાં પૂરું ઓ.ટી.ટી.પ્લેટફોર્મ પર સેંકડો સિરિયલ, ફિલ્મ અને બે ત્રણ સીઝન ધરાવતી સિરિયલ નિહાળતા દર્શકો કેટલીયે સ્ટોરી, સ્ટાઇલ અને એક્શન માણતા હોય છે. તેઓને કંઇક નવું આપતા રહેવું પડકારજનક છે. 

આની સામે AI ના ઉદરમાં વિશ્વના જુદી જુદી ભાષાના સાહિત્ય,ફિલ્મોની સ્ક્રિપ્ટ અને વાર્તાઓ ધરબાયેલી છે. તેનું મિક્ષિંગ કરીને તે અજબ સ્ટોરી લાવી શકે છે. નિર્માતા અને નિર્દેશક તેમની કલ્પના શક્તિ ઉમેરીને AI ને  જણાવી શકે છે કે વાર્તામાં આવું કંઇક લાવશો.

પીટર લ્યુસી કહે છે કે આ તો તમે AI  સ્ક્રિપ્ટનો બહિષ્કાર કર્યો પણ AI  જનરેટેડ ફિલ્મ કલાકારો પણ આવશે જેઓ અદ્દલ જીવંત કલાકારો જેવા જ દેખાશે અને અભિનય પણ શાનદાર કરી બતાવશે. અત્યારે AI  જનરેટેડ બ્યુટી ક્વીન સ્પર્ધા તો યોજાતી થઈ છે. ગ્લેમરસ દેખાવની રોબો ન્યુઝ રીડર અને એંકરનો જમાનો પણ પગરણ માંડી રહ્યો છે. 

લોકપ્રિય ફિલ્મ કલાકારો પણ કોઈપણ ઇન્ડસ્ટ્રીમાં વધુમાં વધુ ૧૫થી ૨૫  હોય છે. દર્શકો નવા ચહેરાઓને જોવા તરસે છે. આ અપેક્ષા પણ AI જ સંતોષી શકે છે. તે જે તે પ્રાંત, દેશ કે વૈશ્વિકને નજરમાં રાખીને કલાકારોનું સર્જન કરશે.

તમે વિચારો જાણીતા ફિલ્મ કલાકારોએ પોતાની ખાસ શૈલી, ડાયલોગ અને ઓળખનો કોપી રાઈટ લેવો પડયો છે કેમ કે AI  પોતે જે કલાકાર જનરેટ કરશે તેમાં આ કલાકારોની અદા કે સ્ટાઇલ - ફેશન પણ સામેલ હોઈ શકે. આમ AI  સામે કાપિરાઇટ ભંગના કેસ સાયબર અદાલતમાં ચાલતા હશે. તેવી જ રીતે ફિલ્મ દુનિયાના ગાયક કલાકારો પણ તેમના અવાજના કોપી રાઈટ કરવા માંડયા છે કેમ કે નિર્માતા નિર્દેશક AI  પાસે જ ગીત ગવડાવશે ત્યારે શક્ય છે કે AI ને કહી શકે કે વોઇસઓફ કુમાર શાનું, સોનું નિગમ  કે શ્રેયા ઘોષાલના અવાજ સાથે ગીત રજૂ કરો.

આમ પણ અત્યારે વી.એફ.એકસ અને કોમ્યુટર જનરેટેડ ફિલ્મોનું શૂટિંગ થાય છે. એડિટિંગમાં અતિ અદ્યતન ટેકનોલોજી આવી છે. હવે લોકેશન ઊભા કરવાની જરૂર નથી. વિદેશી શૂટિંગ ન કરો તો પણ ચાલે. બધું જ ગ્રીન સ્ક્રીન ટેકનોલોજીથી થાય છે. કલાકારો અમુક દ્રશ્યમાં એક્ટિંગમાં નબળા પડતા હોય તો અન્ય કેમેરાના દ્રશ્યો, એંગલ તરત મિક્સ કરી શકાય છે. ફિલ્મ એડિટર હવે કલાકારોની નબળાઈ ઢાંકી શકે છે. માર્વેલ પ્રકારના પાત્રો હોય પછી શું. 

કલ્કિમાં અમિતાભ બચ્ચન ન હોત તો પણ વી.એફ.એકસ.થી આઠ ફૂટની પડછંદ વ્યક્તિ બનાવી જ શકાઈ હોત. ફિલ્મ માટે કલાકારોની જરૂર નહીં પડે. નિર્માતા અને નિર્દેશક જેવી કલ્પના AI ને આપશે તેના વિકલ્પો સાથે AI  અવનવા ગેટ અપ આપશે.

ફિલ્મ સંગીતકારો, ગીતકારો અને ગાયકો પણ એ.આઈ. રિપ્લેસ કરી નાંખશે. સંગીતકારો જ નહીં હોય પછી વાજિંત્રો કે વાદ્યકારોની પણ શું જરૂર. AI  હાજર હશે.આજે પણ AI ને નિર્દેશક ગીતની સિચ્યુએશન અને વાર્તાનું તત્ત્વ જણાવે છે તો AI  જાણે જાવેદ અખ્તર કે ગુલઝારને પણ ચોંકાવી દે તેવા ગીત લખીને તો આપે જ છે. કોઈ નવા જ અવાજમાં ગીત પણ કમ્પોઝ સાથે ગાઈ બતાવે છે.

આ તો હજુ ફર્સ્ટ જનરેશનનું AI  છે પણ ત્રીજા તબક્કા વખતે તો AI એ તમામ ક્ષેત્રોમાં સર્જકો અને કલાકાર - કસબીઓના હાથમાંથી તખ્તો આંચકી લીધો હશે.

અરે આપણે પણ આપણે ઘેર AI ને આપણી કલ્પના તેને ફીડ કરીશું તો તે સ્ક્રીન પર લઈને હાજર થશે.

હા જેમ આપણી માહિતીની ઉપલબ્ધિનો આધાર ગૂગલ સર્ચ એન્જિનને આપણે   કેવી કી કે શબ્દો અને વાક્યો આપી પૂછીએ છીએ તેના પર રહેલી છે. તેવી રીતે AI  તો આપણે  તેમની પાસે શું માંગવું, કઈ સૂચનાઓ અને બ્રીફ આપવી તેના આધારે તેનુ સર્જન બહાર લાવશે.

આગામી જમાનો એવા લોકોનો હશે કે જેઓ AI  પાસેથી મહત્તમ, સચોટ અને જે પરિણામ પ્રાપ્ત કરવું છે તેવું કઢાવી શકે.તેને શું સર્ચ કે ફીડ કરવાનું કહીશું તો બીજા કરતા જુદું પડશે તેના પર સફળતાનો આધાર રહેશે. AI  કંઈ પોતાનું નથી આપતું પણ અબજો સંદર્ભથી કમ્પાઇલ કરીને આગવું હોય તેમ આપે છે.

દરેક AI  કંપની વચ્ચે સ્પર્ધા પણ ગળાકાપ થવાની છે એટલે દરેકે પોતાની આગવિતા તો રાખવી જ પડશે. પ્લે સ્ટેશન કરતા પણ જીવંત લાગે તેવા ્રગ્રાફિક્સ અને ડેટા હશે.

માનવીએ પણ AI  જે ન કરી શકે કે પછી લાગણી અને જીવંતતા લાવવામાં છે AI  પાછુ પડે ત્યાં તેના પર સરસાઇ મેળવતા શીખવું પડશે અને તો જ સર્વાઈવ થઈ શકાશે.

 'ધ લાસ્ટ સ્ક્રિપ્ટ રાઇટર' ફિલ્મ તો રજૂ ન થઈ શકી પણ 'ધ લાસ્ટ શો ઓફ મેનકાઈન્ડ' જેવા ટાઇટલ સાથે AI  પાસે જ ફિલ્મ બનાવવી જોઈએ અને તે આપણા કેવા હાલ કરે છે તે તેના પાસેથી જ જાણવું જોઈએ. જેમને અસ્તિત્વ ટકાવવું છે તેઓએ પલાયનવાદી બનવા કરતા કઈ રીતે વધુ ફીટ અને સાબદા રહેવું તે અંગે આત્મમંથન કરવું જોઈએ. 


Google NewsGoogle News