Get The App

વિશ્વની ટોચની 100 બ્રાન્ડમાં ભારતની એક જ બ્રાન્ડ..ટાટા!

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
વિશ્વની ટોચની 100 બ્રાન્ડમાં ભારતની એક જ બ્રાન્ડ..ટાટા! 1 - image


- વિશ્વની ટોચની 100 બ્રાન્ડના બજારમાં 45 ટકા હિસ્સા સાથે અમેરિકા મોખરે, ચીનનો 13 ટકા અને ભારતનો બે જ ટકા હિસ્સો

- વિવિધા-ભવેન કચ્છી

- એપલ,માઇક્રોસોફ્ટ,ગૂગલ, એમેઝોન, સેમસંગ, વોલમાર્ટ, ટિકટોક, ફેસબુક, દોસે ટેલિકોમ અને આઇ.સી.બી.સી ગ્લોબલ ટોપ ટેન બ્રાન્ડ છે

થો ડા વર્ષો અગાઉના ફ્લેશ બેકમાં જઈએ.આપણા  સગા - સ્નેહી ભારત આવતા ત્યારે  સૌથી મોટો ઇંતેજાર તે  રહેતો કે ક્યારે તે બેગ ખોલે અને અમેરિકા અને વિદેશની વસ્તુઓ કોને કેટલી આપવાની છે તેના ભાગ પાડે. આપણા ભાગે ત્રણ ચાર સોની કે ટી. ડી.કેની ઓડિયો કેસેટ  આવે  એટલે જેકપોટ મળ્યો હોય તેવું લાગતું. કેડબરી, નેસ્લે કિટકેટ, ફરેરો રોસે, ટોબ્લેરોન, લિંટ જેવી ચોકલેટ  જોતા તો તે  સ્વર્ગમાંથી ઉતરી આવી હોય તેવી ખુશી અનુભવાતી, પરિવારના મોટી વયના વ્યક્તિઓ કેસેટ અને ચોકલેટ જોઈને બાળક જેવા બની જાય. તેઓ માટે પ્લાસ્ટિકની પારદર્શક કોથળીમાં પેક જીલેટનું  રેઝર અને બ્લેડ બેગમાંથી નીકળે ત્યારે તો દાઢી પર હાથ ફરવા માંડે.ત્યાં જ અચરજ પમાડતો ઊભો નળાકાર  ડબ્બો કાઢતા અમેરિકી પરિવારજન કહે કે 'લો, હવે દાઢી કરતી વખતે સાબુની ગોળ ગોટી કે ક્રીમનો ઉપયોગ ન કરતા આ જીલેટ શેવિંગ જેલ.'

આપણે વિચારીએ કે આ જેલ શું છે? કઇ રીતે દાઢી પર લગાડાય ત્યાં જ અમેરિકી પરિવારજન તે કેવી આધુનિક દુનિયામાં રહે છે તેનું ચહેરા પર ગૌરવ મિશ્રિત રેખા અંકિત કરતા જેલના ઉપયોગનું  નિદર્શન કરાવે. ડબ્બા પરના ઉપરના ભાગની ચોટે નોબ હોય તેને  સ્પ્રેની જેમ દબાવી સાબુની જેલ હથેળી પર મૂકે અને દાઢી પર ઘસવાનું જણાવે. પરિવારના બધા સભ્યો ગોળ ફરતે વીંટળાઈને બેઠા હોય અને અચરજ સાથે કહે કે 'શું જમાનો આવ્યો છે.'

આપણે  અમેરિકાથી જે પરિવારજન આવ્યા છે તેની વાત કરીએ છીએ તે બહુ ઉદાર છે. બાકી ઘણા તો આઠ દસ સસ્તી કાગળ પર વીંટેલી પિંપરમેન્ટ આપીને બેગમાંથી તેના કપડા કાઢી ફ્રેશ થવા સ્નાન કરવા બાથરૂમમાં ચાલ્યા જાય. સાબુ પણ આપણો અને  રેઝર - બ્લેડ, ક્રીમ પણ આપણો.

હા, તો આપણા આ ખૂબ ઉદાર અને પ્રેમાળ પરિવારજન અમેરિકાથી આવ્યા છે અને ઉપર બતાવેલ ચીજ વસ્તુ તો લાવ્યા જ છે પણ સાન્યો કંપનીનો રેડિયો અને એક સ્નેહી મંગાવેલ નેશનલ પેનાસોનિક કંપનીનું ટેપ રેકોર્ડ પ્લેયર પણ 

લાવ્યા છે.

અમેરિકામાં જ નહીં વિશ્વભરમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં જાપાનની કંપનીઓની પ્રોડક્ટનો ક્રેઝ હતો.સોનીના વોકમેન જાણે  વિશ્વમાં કાનદીઠ વેચાતા હતા.  કેલ્ક્યુલેટરનો પર્યાય કેશ્યોની પ્રોડક્ટ બની ચૂકી હતા. કેમેરા પણ જાપાનની કંપની સોની, કેનોન, કોડાક, નિકોન પેન્ટેક્ષ અને ઓલિમ્પસ બ્રાન્ડના જ હોય.

રેડિયો એટલે ફિલિપ્સ. ટીવીનો યુગ આવ્યો અને ભારતની બ્રાન્ડ છવાઈ પણ ખરેખર તો વિદેશી કીટનું એસેમ્બલિંગ જ રહેતું. 

એમ્બેસેડર અને ફિયાટ કારના યુગનો અંત લાવતા જાપાનની સુઝુકીએ મારુતિ જોડે હાથ મીલાવ્યા. ભારતમાં  જ નહીં વિદેશમાં પણ સુઝુકી, ફોર્ડ,ટોયોટો, હોન્ડા , હુંડાઇ, સ્કોડા, કિયા,મર્સિડીઝ, બી.એમ.ડબલ્યુ., દેવુ અને અન્ય વિદેશી કંપનીઓની  કાર રસ્તા પર દેખાય છે.  અમેરિકાની ટેસ્લા હજુ ભારતમાં નથી આવી પણ દુનિયાને હેન્ડ્સ ફ્રી કે ઓટો પાયલોટની હેરત આપતા તે પ્રણેતા બની. અમેરિકા,જાપાન, સાઉથ કોરિયા , જર્મની, ચેક રિપબ્લિક અને ચીનની કંપનીની કાર વિશ્વભરના રસ્તાઓ પર જોવા મળે છે. ભારતમાં પણ હવે વિદેશની બરાબરી કરે તેવી પિન ટુ પિયાનો ચીજ વસ્તુ, ગેજેટ્સ, વાહનો બને છે અને સારું એવું વેચાણ પણ થાય છે.આમ છતાં વિશ્વમાં ભારતની કોઈ બ્રાન્ડ પહોંચી નથી શકી.

મોબાઈલ યુગમાં પણ નોકિયાથી શરૂઆત થઈ અને  એપલ,સેમસંગ, ગુગલ, શીઓમી, વન પ્લસ, વિવો, ઓપ્પો, રેડમી, મોટોરોલા ભારતમાં અને વિશ્વમાં છવાયા.

ટીવીમાં એલ.જી. અને સેમસંગનો બહોળો માર્કેટ શેર છે.સોની, પેનાસોનિક, ટી.સી.એલ.,  ટોશિબા અને શીઓમી પણ બજાર સર કરે છે.

કમ્પ્યુટર અને લેપટોપમાં આઇ.બી.એમ., એચ.પી., ઇન્ટેલ , આસસ, અસેર, લેનોવો, આઇ મેક, એપલ, માઇક્રોસોફ્ટની વૈશ્વિક બોલબાલા છે. કોસ્મેટિક પણ અમેરિકા, ર્કાન્સ, બ્રિટનની કંપનીઓના છે.

વિશ્વમાં સોશિયલ મીડિયાની ક્રાંતિ અમેરિકાની કંપની ફેસબુકે કરી. એપલ, ગૂગલ, એમેઝોન, સોની, સ્પોર્ટસ ચેનલ, અંગ્રેજી ન્યુઝ ચેનલ , નેટફલિક્સ  જેવા ઓ.ટી.ટી પ્લેટફોર્મ, હોલીવુડ, ડિઝનીલેન્ડ, કેસિનો માટે લાસ વેગસ અને માહિતી-મનોરંજનની દુનિયા, સ્પોર્ટસમાં  અમેરિકા વિશ્વની દશા અને દિશા નક્કી કરે છે. 

એલ્વિસ પ્રિસ્લે, માઈકલ જેક્સન,  એલ્ટન, આબા, બોની એમ, મેડોના, લોપેઝ, રિહાના, બીબર, ટેલર સ્વિફ્ટના પોપ કલ્ચર પર  દુનિયા ડોલે છે.ભારતની કોઈ એવી વૈશ્વિક મનોરંજન બ્રાન્ડ ખરી?

ફાસ્ટ ફૂડ આરોગતા વિશ્વને મેકડોનાલ્ડ,, કે.એફ.સી., પીઝા હટ, પાપા જોન્સ, અર્બી, સબ વે, બાસ્કીન રોબિન્સ, ચિપોટલે, તાકો બેલ કંપનીએ કર્યો. ફ્રેંચાઈઝીનો ખ્યાલ જ અમેરિકાએ આપ્યો. કોકા કોલા અને પેપ્સી તેમજ એનર્જી ડ્રીંક પણ અમેરિકાની કંપનીના છે. ભારતમાં પણ હવે ઠંડા પીણા બને છે પણ વિશ્વના બજારમાં પ્રવેશવાની ત્રેવડ નથી.

હવે હોટેલ ચેઇન પર આવીએ તો હિલ્ટન, મેરીઓટ્ટ, રેડિસન,હયાત, ક્રાઉન પ્લાઝા, ફેરફિલ્ડ, એમ્બેસી, હોલીડે ઈન એકસપ્રેસ, ડબલ ટ્રી, શેરાટોન, કંફર્ટ ઈન બધી જ મૂળ વિદેશની છે અને ભારત સહિત વિશ્વભરમાં તેઓની ચેઇન છે.

બુ્ર અને નેસ કાફે (નેસ્લે પ્રોડક્ટ) કંપની સ્વિત્ઝરલેન્ડ સ્થિત છે. લિપ્ટન ચાનું હેડ ક્વાર્ટર નેધરલેન્ડ્સમાં આવેલું છે. બુ્રક બોન્ડ બ્રાન્ડ લિપ્ટન કંપનીની જ છે. વિશ્વના નાગરિકોની સવાર ટૂથ બ્રશ સાથે થાય છે. કોલગેટ  ન્યુયોર્કમાં અને કલોઝ અપ ટૂથ પેસ્ટ પણ અમેરિકાની  યુનીલીવર કંપનીની પ્રોડક્ટ છે. અન્ય દેશોમાં ક્રેસ્ટ, સેન્સોડાઈન પ્રોનામેલ, હેલો, ટોમ્સ લોકપ્રિય છે. 

ડેટોલથી માંડી મોટાભાગની દવાઓની મૂળ કંપની વિદેશની છે. હોસ્પિટલના આધુનિક ઉપકરણો જર્મનીની કંપની સિમેન્સના હોય છે. ભારતે પણ ફાર્મસી ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી છે પણ વિશ્વના મેડિકલ સ્ટોરમાં તે દવા કે પ્રોડક્ટની પહેચાન નથી. 

બોઇંગ જેવા પ્રવાસી વિમાનો, યુધ્ધ માટેની ત્રણેય પાંખોનો શસ્ત્ર સરંજામ અને એ. આઇ.ટેકનોલોજીમાં પણ અમેરિકા, રશિયા, ચીન, યુરોપની કંપનીઓ જ અગ્રેસર નિકાસકારો છે. ભારતની કોઈ બ્રાન્ડ આ ક્ષેત્રમાં પણ નથી.

લેખની શરૂઆતમાં અમેરિકાના સ્નેહી ભારત આવે છે ત્યારે તેના પટારામાંથી નીકળતી  વિદેશની બ્હાન્ડની ચીજ વસ્તુ,ગેજેટ્સ હવે તો આપણા ઘરની નીચે આવેલ ગ્રોસરી કે પ્રોવિઝન સ્ટોરમાં મળે છે. વર્ષો પહેલા દંગ કરતી વસ્તુ કે ઉપકરણ પૈકી ઘણા તો આઉટડેટેડ થઈ કાળ સંદુકમાં દફન  થઈ ચૂક્યા છે.

હા, તો આ વિદેશી બ્રાન્ડની ચીજ વસ્તુઓ આપણને ઘરની બહાર જતા તરત જ પ્રાપ્ય છે પણ ભારતની કોઈ પ્રોડક્ટ વિદેશીઓમાં ઓળખ કે પહોંચી નથી શકી.

તમે તો  વિચારશો જણાશે કે આપણે લગભગ તમામ વિદેશી બ્રાન્ડનો ઉપયોગ કરીએ છીએ. આ બધી એવી વિદેશી બ્રાન્ડ છે જે વિશ્વભરમાં તેમનું બજાર અને ઓળખ ધરાવે છે. એક જમાનામાં વિદેશથી આવતા પરિવારજન સ્વદેશ આવે ત્યારે વિદેશી ચીજવસ્તુથી આપણને જે  ધન્ય પળો આપતા તે  ચીજ વસ્તુઓ ભારતમાં બહુ  તો ડયુટી ફ્રી શોપમાં મોંઘી કિંમતમાં મળતી. આજે તો વિદેશી બ્રાન્ડ મુક્ત અર્થતંત્ર બન્યું ત્યારથી ભારતમાં કંપની સ્થાપી શકે છે. ડીલર નિયુક્ત કરીને વેચાણ પણ કરે છે.ભારતમાં જ આ વિદેશી પ્રોડક્ટનું ઉત્પાદન થાય કે પ્લાન્ટ સ્થપાયા છે.

હવે તો ભારતની કંપનીઓ પણ વિદેશી કંપની જેવી જ કે તેઓ જોડે સંયુક્ત ભાગીદારી કરી પ્રોડક્ટનું  નિર્માણ કરે છે અને ભારતના ગ્રાહકો પણ બહોળા પ્રમાણમાં તેના પર વિશ્વાસ  રાખીને ખરીદી કરે છે . 'વોકલ ફોર લોકલ', સ્વદેશી,  'મેક ઇન ઇન્ડિયા'  અને સ્ટાર્ટ અપ જેવું વાતાવરણ અને પ્રચાર આવકાર્ય છે પણ આજનો આપણો મૂળ વિષય એ છે કે ભારતની કોઈ બ્રાન્ડ કે પ્રોડક્ટ કે જેના પર  'મેડ ઈન જાપાન' કે 'મેડ ઈન યુ.એસ.એ.'ની જેમ 'મેડ ઈન ઈન્ડિયા' લખેલું હોય અને તેનો વિદેશીઓ ઉપયોગ કરતા હોય તેવી વૈશ્વિક  કન્ઝયુમર કે ગ્લોબલ બ્રાન્ડ  એકપણ નથી બની શકી  તે છે. આપણે જાણીએ છીએ કે અમેરિકા, સાઉથ કોરિયા,જાપાન, જર્મની અને યુરોપીય દેશોની મૂળ કંપનીની પ્રોડક્ટ કે કલ્ચર જ આપણે અપનાવીએ છીએ.

'બ્રાન્ડ ફાઇનાન્સ'ના ગ્લોબલ રેન્કિંગના આંક જાણી આપણને દુઃખ થાય કે વિશ્વની ટોચની ૧૦૦ બ્રાન્ડમાં ભારતની એક માત્ર ટાટા કંપનીનો જ સમાવેશ થાય છે. ટાટાએ હસ્તગત કરેલી ટેટલી ચા, જગુઆર અને લેન્ડ રોવર કાર અને કોરસ સ્ટીલ વિશ્વમાં આગવી ઓળખ અને ગ્રાહક વર્ગ ધરાવે છે. 

ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનવાનું વાસ્તવિક સ્વપ્ન ધરાવે છે. ભારતમાં ધંધો અને ઉત્પાદન કરવા અમેરિકા,જાપાન,સાઉથ કોરિયા અને બ્રિટનની કંપનીઓ તત્પર છે.વડાપ્રધાન મોદીને મળવા માટે તરત જ સમય આપી દે છે. વિશ્વના આ દેશો ચીનના વિકલ્પ તરીકે આપણે ત્યાં એસેમ્બ્લિંગ અને ઉત્પાદન માટેની તક જુએ છે.તે પણ સારી વાત છે પણ જ ભારતે વિશ્વમાં તેઓ ખરા અર્થમાં એક પાવર હાઉસ તરીકે વિકસ્યા છે તે પુરવાર કરવું હોય તો આપણી જુદા સેક્ટર અને કન્ઝયુમર પ્રોડક્ટ્સમાં પોતીકી બ્રાન્ડ હોવી જોઈએ જે વિશ્વની કંપનીઓ જોડે વિશ્વ બજારમાં હરીફાઈ કરતી હોય અને વિદેશી ગ્રાહકોમાં તેની બોલબાલા હોય.

વિચારો, વિશ્વની ટોચની ૧૦૦ બ્રાન્ડમાં ભારતની એક જ બ્રાન્ડ અને તે ટાટા છે. સ્વ. રતન ટાટાની બાહોશીનું આ જ્વલંત ઉદાહરણ છે. રિલાયન્સ, અદાણી અને જૂથોએ ભારતનો પ્રભાવ વધારવા પણ કોઈ એવા પ્રોડક્ટ સેગમેન્ટમાં વૈશ્વિક બજારના ધ્યેય સાથે પણ આગળ ધપવું જોઈએ.

વિશ્વની ટોચની કમ્પ્યુટર,  કોમ્યુનિકેશન, સોશિયલ મીડિયા અને ગેજેટ્સ કંપનીઓ ભારતીય એન્જિનિયરોથી જ વિશ્વભરમાં આભા પ્રગટાવે છે અને વિશ્વને ૨૧મી સદીમાં લઈ જાય છે ત્યારે ભારત પોતે જ ગૂગલ, ફેસબુક કે એપલ કેમ ઉભુ ન કરી શકે.

વિશ્વની ટોચની ૧૦૦ બ્રાન્ડમાં ટોચની ચાર કંપની એપલ, માઇક્રોસોફ્ટ, ગૂગલ અને એમેઝોન છે આ  ચારેય કંપનીઓના કેન્દ્ર સ્થાને  ભારતીય એન્જિનિયરોએ છે.આમ છતાં ભારત તેઓના પાંચમા ભાગની કહેવાય તેવી પણ બ્રન્ડ કે વૈશ્વિક કંપની બનાવી નથી શક્યું. તે લિસ્ટમાં પાંચમા ક્રમે સેમસંગ, ચીનની ટિકટોક છઠ્ઠા, અને આઇ.સી.બી.સી બેંક દસમા ક્રમે છે.

વિશ્વની કુલ  બ્રાન્ડ વેલ્યુમાં  અમેરિકાનો હિસ્સો ૪૫ ટકા, ચીન ૧૩ ટકા અને ભારત માત્ર બે ટકાનો હિસ્સો ધરાવે છે.

'ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના તંત્રી લેખમાં વાંચેલું કે ભારત વિદેશી કંપની ખરીદે તેનાથી વિશ્વમાં સોફ્ટ પાવર બતાવી ન શકાય. ભારત જે કંપની ખરીદે છે તેની પણ ઓળખ આજે પણ વિશ્વની નજરે મૂળ કંપનીની જ છે તે ભારતની અણઆવડત કહેવાય. ઉદાહરણ તરીકે જગુઆર કાર ખરીદનારને કદાચ એ ખબર નથી કે તેમાં ભારતની ટાટા કંપની છે. તે તો બ્રિટિશ બ્રાન્ડ તરીકે જ જુએ છે.

ભારત વિદેશમાં માર્કેટ સર કરતી કોઈ બ્રાન્ડ કે કન્ઝયુમર પ્રોડક્ટ નથી બનાવી નથી શકતું તે માટે સરકારી બાબુ શાહી,  રેડ ટેપિસમ, વિદેશ નીતિ , અમુક જ ઉદ્યોગ ગૃહોને વ્હાલ કરવા જેવા કારણો હોવાનું મનાય છે. વડાપ્રધાન મોદીએ વિદેશમાં ભારતીય પ્રોડક્ટની બોલબાલા હોય તેવું  સ્વપ્ન  નવી પેઢી અને ઉદ્યોગ ગૃહને જોતા કરવા જોઈએ.

એપલ જેમ ગૌરવ સાથે કહે છે કે અમારી પ્રોડક્ટ 'ડિઝાઇન્ડ ઈન કેલિફોર્નિયા એસેમ્બલ્ડ ઈન ચાઈના' તેમ ભારતે પણ એવી પ્રોડક્ટ બહાર પડાવી જોઈએ કે 'ડિઝાઇન્ડ ઈન ઈન્ડિયા એસેમ્બલ્ડ ઈન તાઈવાન.' વિદેશમાં ફરતા આપણને રંજ સાથે એવો વિચાર તો જરૂર આવે કે આપણી પાસે ટેલેન્ટ હોવા છતાં 'ભારત ક્યાંય નથી વૈશ્વિક બજારના નકશામાં.' 


Google NewsGoogle News