Get The App

ધોની : સમરથ કો નહીં દોષ ગુંસાઈ .

Updated: Apr 15th, 2025

GS TEAM


Google News
Google News
ધોની : સમરથ કો નહીં દોષ ગુંસાઈ                             . 1 - image


- 'તમે તમારી ભૂતકાળની પ્રતિષ્ઠાના જોરે વર્તમાનમાં ટકી ન શકો' તે સિદ્ધાંત હવે ધોનીને કદાચ સમજાતો હશે

- વિવિધા-ભવેન કચ્છી

- ધોની જેટલા બોલ તો થોડા વર્ષો પહેલા  નિવૃત્ત થયેલ તમામ ક્રિકેટરો અત્યારે પણ રમી શકે

- માર્કેટિંગ અને બ્રાન્ડિંગની કમાલ : વાડેકર, કપિલ દેવ, તેંડુલકર, કોહલી અને દ્રવિડ નહીં પણ ધોની એટલે દંતકથા સમાન!

એ વું કહેવાય છે કે 'તમે તમારી ભૂતકાળની સિદ્ધિના જોરે વર્તમાનમાં નબળા હો તો ટકી ન શકો.- .- 'You can not live on your past credentials'.

સલમાન ખાને આપણને ભૂતકાળમાં  કેટલું બધું મનોરંજન અને સુપર હિટ ફિલ્મો આપેલી છે તો પણ આપણે 'સિકંદર' એમ કહીને જોવા નથી જતા કે 'સલમાન ખાને આપણને એક જમાનામાં કેવી મજા કરાવી હતી ચાલો તે ઋણ ચૂકવતા પણ 'સિકંદર' જોવા જઈએ.

ભૂતકાળની સિદ્ધિ

સલમાન તો  શું , અમિતાભ બચ્ચન જેવા અભિનેતાએ પણ ભૂતકાળમાં જે પ્રદાન આપ્યું તે ઇતિહાસ બની જતો હોય છે અને જો વર્તમાનમાં તે કોઈ ફિલ્મમાં અદાકારી દ્વારા દિલ જીતવામાં સફળ ન થાય તો તેની ભૂતકાળની સિદ્ધિ તેને સહેજ પણ મદદ નથી કરી શકતી.

કોહલી અને રોહિત શર્મા કેટલીક ઇનિંગ ફોર્મ ગુમાવે તે સાથે જ હવે તેઓને પડતા મૂકી દેવા જોઈએ તેવો શોર મચી જ જાય છે ને. તેંડુલકર પર પણ હવે ક્યારે નિવૃત્તિ લેશે તેવા પ્રશ્નો ઉઠયા હતા અને તેના અદમ્ય ચાહકો જ તેને રેકોર્ડલક્ષી અને સ્વાર્થી જાહેર કરતા કોરસમાં જોડાયા હતા.

કોઈપણ ક્ષેત્રમાં તમે સાતત્ય સાથે સારો દેખાવ કરતા રહો તો જ તમારો સ્વીકાર થાય બાકી ભૂતકાળમાં ચાહકોના દિલ પર રાજ કરતા હો પણ વર્તમાનમાં ઢસરડા કરો તો રાતોરાત ચાહકો તમારું બેનર નીચે ઉતારી દેતા હોય છે.એટલે જ તો એવું કહેવાય છે કે કોઈ ક્ષેત્રમાં ેબ્રેક મેળવવો કે સ્થાન પ્રાપ્ત કરવું કદાચ હજુ પણ આસાન છે પણ સરેરાશ કરતા અવિરત સારા પ્રદાન સાથે ટકી રહેવું તે મહાપડકાર છે.

ધોનીનો મોહ 

જો કે તેમાં પણ આખરે તો ટકી તો જ રહેવાય છે કે તમારું પ્રદાન કોઈને કમાવી આપતું હોય. માત્ર ભૂતકાળની સિદ્ધિઓના જોરે તો ક્યાંય અને ક્યારેય ટકી ન શકાય.

મહેન્દ્રસિંઘ ધોની તેનું તાજું ઉદાહરણ છે. ધોની આટલો બુદ્ધિશાળી હોવા છતાં આ સિદ્ધાંત મોહ હેઠળ સમજી ન શક્યો અને ભૂતકાળની પ્રતિષ્ઠાના જોરે ૪૨ વર્ષે પણ વધુ એક આઈ.પી.એલ.માં ઉતર્યો. ઘૂંટણના ઓપરેશન પછી પણ  દોડે તો તેને પીડા થાય છે. ગઈ સીઝનમાં પણ આવી હાલત હતી અને તેમાં સુધારો ન થયો તો પણ વધુ એક સીઝન રમ્યો. એ તો ઠીક પણ તેણે એવી હદ સુધીની કોમેન્ટ કરી કે 'હું વ્હીલ ચેર પર હોઉં તો પણ ચેન્નાઈ સુપર કિંગ મને રમાડવા માટે ફરજ પાડે.'

ધોનીને એટલું જ કહેવાનું કે 'ભાઈ,  તારા માલિકની ઈચ્છા હોય તો પણ જ્યારે તને ખબર છે તું મેચ ફિટ નથી તો શા માટે આઈ.પી.એલ.માંથી  નિવૃત્તિ જાહેર નથી કરતો. તારું એક સ્થાન ટીમને માટે બોજરૂપ છે ત્યારે ના પાડી જ શકે છે ને.'

આ તો જાણે પોતે તેની ફ્રેન્ચાઇઝીના માલિકો પર ઉપકાર કરતો હોય તેવી કોમેન્ટ કહી શકાય.

પોતે ચાલાકીથી તેની ફિટનેસ , નબળું ફોર્મ અને  આંખોની દ્રષ્ટિ અગાઉ જેવી નથી જ તે ખામીઓ છુપાવવા કેટલાક બોલ જ રમવા મળે તેથી નવમા ક્રમે બેટીંગમાં આવે છે. પણ બધી મેચમાં આવી પલાયન વૃતિ થોડી છુપાવી શકાય. અંતે ચેન્નાઈની બેટિંગ એ હદે નિષ્ફળ રહી કે ધોની  સાતમા કે નવમાં ક્રમે બેટીંગમાં આવે તો પણ તેની ક્ષમતા કરતા વધુ ઓવરો રમવી પડી અને ધોની ખુલ્લો પડી ગયો.

ધોની ખુલ્લો પડી ગયો

ચેન્નાઈના હેડ કોચ ફ્લેમિંગે નાછૂટકે મીડિયાના પ્રશ્નોની ઝડી વચ્ચે કહેવું પડયું કે  'ધોની દસ ઓવરો રમી શકે તેવો ફીટ જ નથી.' અર્થાત્ તે તેની ભૂતકાળની પ્રતિષ્ઠાના જોરે જ ટકી રહ્યો છે. પણ લેખમાં જણાવ્યું તેમ આ રીતે ટકવું શક્ય નથી.

કોલકાતા સામેની કારમી હાર પછી ધોની પણ તેના જ ચાહકો દ્વારા સોશિયલ મીડિયામાં મીમ અને ઠઠ્ઠા તેમજ હાંસીનું કેન્દ્ર બન્યો. જે ધોની મેદાન પર ઉતરતા સ્ટેડિયમ કાન ફાટે તેમ ગુંજી ઊઠતું હતું પણ છેલ્લી મેચોમાં  ધોનીની લોકપ્રિયતાનો ગ્રાફ ગગડી રહ્યો છે.

સુવ્યવસ્થિત બ્રાન્ડિંગ

ધોની ચોક્કસ લોકપ્રિય ખેલાડી છે અને એક જમાનાનો ઉત્કૃષ્ટ ફિનિશર અને કેપ્ટન હતો તેમાં ના નથી પણ છેલ્લાં બે વર્ષમાં તો ધોનીનું સુવ્યવસ્થિત બ્રાન્ડિંગ જ થયું છે. દક્ષિણ ભારતમાં આમ પણ વ્યક્તિપૂજાનો જુવાળ માનસિક બીમારીની હદ સુધીનો હોય છે. આ એક અભ્યાસનો વિષય છે. રાજકારણી હોય કે ફિલ્મ હીરો તેમના ચાહકો હજારોની મેદનીમાં ઝલક લેવા ઉમટી પડે. આવે વખતે રડી પડે. તેઓની સ્મશાન યાત્રામાં આખું શહેર અને દૂર દૂરના ગામડાઓમાંથી નાગરિકો ઉમટી પડે. કેટલાક બેભાન થાય,છાતી કુટે, જીભ સુધ્ધા કાપી નાંખનારા છે.

ધોનીની ટીકા કે મહાનતા સામે પ્રશ્નાર્થ કરવાનો આશય નથી પણ માર્કેટિંગ ગિમીક સમજવા જેવું છે.

બધા યલો જર્સીમાં મેચ જોવા આવે. ઘણી તો મફતમાં વિતરણ થઈ હોય. ધોનીની ખુશામત પગચંપી કરવાની જ બાકી હોય તે હદે ભૂતપૂર્વ ક્રિકેટરો કોમેન્ટરી કરે. સ્પોર્ટસ પત્રકારો વાહવાહીની એક તક ન છોડે. બધા જ ભૂતપૂર્વ નામાંકિત ક્રિકેટરો, વર્તમાન કોચ અને ક્રિકેટરો પણ જાણે છે કે ધોની જ નહીં કોહલી અને રોહિત શર્મા નિવૃતિ પછી આઈ.પી.એલ.,  ભારતીય ક્રિકેટ બોર્ડ અને ફ્રેન્ચાઇઝીમાં  નિર્ણાયક હોદ્દો ભોગવતા હશે. તેઓ નક્કી કરશે કે કોને કોચ, કોમેન્ટેટર કે જોબ અપાવવી. હરાજીમાં પણ નિર્ણાયક ભૂમિકા સાથે બેસતા હશે. તેઓ માટે ઘસાતું લખીને કે બોલીને શું કામ ભાવિ કમાણી પર લાત મારીએ. તેમની ટીકા કરીએ અને દાઢમાં રાખે તો?

જેમ લોકપ્રિય વ્યક્તિ બનવા માટેના ફંડા હોય છે તેવા જ ધોની કે ટોચના ખેલાડીઓ, કલાકારો અપનાવતા હોય છે અને આ માટે બ્રાન્ડિંગ કંપનીઓને રોકવામાં આવતી હોય છે.

તેઓ નાગરિકોનું સંમોહન કરવા સોશિયલ મીડિયા પર તેમના ક્લાયન્ટની ઉજળી ઈમેજ બંધાય તેવી પોસ્ટ મૂકતા રહે છે. કોહલી આક્રમક ઇમેજ થકી જ વેચાય તેથી તેને તે અંદાજમાં રજૂ કરવાનો. ધોની કુલ ઇમેજમાં અને કેવો સાદગી અને નમ્રતા ધરાવે છે તે જ રીતે તેની પોસ્ટ મુકાય. ધોનીની કાર, ધોની પાસેની મોટર સાયકલ તેના ચાહકોમાં ઉમેરો કરે છે

ધોનીની સોશિયલ મીડિયા પર ટીકા શરૂ થાય તે સાથે જ તેના બચાવમાં રાખેલ ટોળકી તેમની પોસ્ટ સાથે ઉતરી જ પડે.

ધોની તો ઉદાહરણ છે બાકી ટેલર સ્વિફ્ટ હોય કે કોલ્ડપ્લે બધા જ ચાહકોને જકડી રાખવાના નુસખા અજમાવે.

માઈકલ જેક્સનની વાત 

માઈકલ જેક્સનની કારકિર્દીની શરૂઆતમાં તેની બ્રાન્ડિંગ કંપનીએ આગળની હરોળમાં ભાડૂતી છોકરીઓ ગોઠવી હતી જેઓ જેકસન પર્ફોર્મ કરે ત્યારે ઝૂમતા ઝૂમતા જેકસનના ક્રેઝ હેઠળ બેભાન થઈ જાય. તે જ વખતે સાયરન વગાડતી એમ્બ્યુલન્સ આવે અને આવી બેભાન હોવાનો ડોળ કરતી છોકરીઓને લઈ જય.તે પછી બનતું એવું કે ખરેખર અમુક છોકરીઓ જેકસનના ઉન્માદમાં બેભાન થઈ જતી હતી.જાણી જોઈને છોકરીઓનું એક ગુ્રપ કલાકાર માટે પડાપડી કરે ,ઓટોગ્રાફ માંગે એટલે બીજા પણ મોબ સાયકોલોજી હેઠળ તે મોહવર્તુળમાં આવી જાય.

ધોની દંતકથા નથી

ધોની મેદાનમાં ઉતરે, છગ્ગો ફટકારે અને આઉટ થાય ત્યારે ચાહકો જે પ્રતિક્રિયા કે નખરા કરે તેના પર કેમેરો ફરે જેથી ટીવીના માધ્યમથી દેશભરમાં ધ્યાન ખેંચાય.

ધોનીએ ભૂતકાળમાં જીતાડેલી મેચ કે છગ્ગાના રેકોર્ડિંગની ફટાફટ ઝલક બતાવાય. એક સીધું સરળ સ્ટેમ્પિંગ ધોનીએ કર્યું તેમાં તો તે કેવો વીજળીક ચપળતા ધરાવે છે તે જ વિઝયુઅલ વારંવાર બતાવાય. ધોની  બેટીંગમાં આવવા પેડ પહેરીને બેસે અને ડ્રેસિંગ રૂમમાં હવામાં બેટ વીંઝીને પ્રેક્ટિસ કરે ત્યારે કેમેરો તેના પર ગઈ સિઝન સુધી અચૂક મંડાતો. તે પછી સ્ક્રીન પર લખેલું આવે કે  'મેન, મિથ ,માહી.' એ ખરું કે ધોની ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સફળ કેપ્ટન કે ફિનિશર તરીકે સ્થાન પામે પણ તેને 'મિથ'એટલે કે દંત કથા સમાન કહેવો તે તો વધુ પડતું છે. કપિલ  દેવ , સચિન તેંડુલકર , દ્રવિડ અને કોહલી છેલ્લા ચાર દાયકાના મહાન ક્રિકેટર કહી શકાય. વિકેટ કીપર તરીકે કિરમાણી ભારતના ઇતિહાસનો શ્રેષ્ઠ કહી શકાય. વાડેકરે ભારતને કેપ્ટન તરીકે ઈંગ્લેન્ડમાં સૌપ્રથમ વખત વિજય અપાવ્યો હતો. કપિલ દેવે વર્લ્ડ કપ જીતાડયો હતો. એમ તો હવે રોહિતની કેપ્ટન્સીમાં ટાઇટલ જીત્યા છે. ધોનીની વ્હાઈટ બોલ ક્રિકેટમાં  સફળતા પાછળ યુવરાજ સિંઘ અને ગંભીરનું મહત્તમ પ્રદાન છે.

આ બધા હાંસિયામાં ધકેલાઈ જાય અને 'ધોની ધોની .. થાલા..થાલા'તે માર્કેટિંગ અને બ્રાન્ડિંગ મોહિનીની પણ કમાલ છે.

સચિન, દ્રવિડ કે કપિલના યુગમાં સોશિયલ મીડિયા નહોતું. ક્રિકેટ અબજોનો ખેલ નહોતો બન્યો.

બ્રાન્ડ વર્થનો ખેલ

હવે તો ધોનીએ પોડકાસ્ટ એપ લોન્ચ કરી છે. તેણે ભાડૂતી વિડિઓ ફોટોગ્રાફર પણ રાખ્યા છે જે તેને ફ્રન્ટ ચહેરા સાથે જ્યાં જાય ત્યાં રેકોર્ડ કરે છે અને રીલ મૂકે છે.અત્યાર સુધી સેલિબ્રિટી પાપારાઝીઓને દોડાવતા હવે તેઓની મફતમાં પબ્લિસિટી થાય એટલે શાંતિથી પોઝ આપે છે.

ચેન્નઈ સુપર કિંગને તેમની બ્રાન્ડ વર્થ વધે તે માટે ધોનીની જરૂર છે અને ધોનીને તેની વર્થ વધતી રહે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કંપનીઓ મળતી રહે તે માટે આઈ.પી.એલ. અને ચેન્નાઈ સુપર કિંગની જરૂર છે.

આ બંને આ માટે સુવ્યસ્થિત રીતે ચાહકોના માનસ પર કબજો જમાવી રાખવામાં સફળ થયા. બાકી તો મુંબઈ ઇન્ડિયન્સે પણ પાંચ ટાઇટલ જીત્યા જ છે ને.

આ જ ધોનીએ ભારતની ટીમના કેપ્ટન તરીકે અચાનક હજુ કેટલાક વર્ષો રમી શકે તેમ હોવા છતાં રાજીનામું આપી દીધું હતું. પણ ૪૩ વર્ષે પણ આઈ.પી.એલ. રમે છે. 

જો આ રીતે જ કેટલાક બોલ રમવાના હોય તો સચિન, સેહવાગ કે લેજેન્ડ ટુર્નામેન્ટના મોટાભાગના ખેલાડીઓ આઈ.પી.એલ. રમી શકે. ધોની ભૂતકાળની પ્રતિષ્ઠાના જોરે વર્તમાનમાં ટકી ન શકાય તે માન્યતા સાથે હવે  સંમત થતો હશે ખરો?

આશા રાખીએ કે ચેન્નાઇ ધોનીના નેતૃત્વમાં કમ બેક કરે અને થાલા છઠ્ઠી વખત આઈ.પી.એલ.ટાઇટલ જીતાડે. 

Tags :