આઝાદી દિન..ઓલિમ્પિક અને ભારતની અસ્મિતા

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
આઝાદી દિન..ઓલિમ્પિક અને ભારતની અસ્મિતા 1 - image


- પેરિસ ઓલિમ્પિકમાં મેડલની રીતે ભારતનો 71મો ક્રમાંક : અમેરિકા અને ચીન ઓલિમ્પિકને સોફ્ટ પાવર તરીકે જુએ છે

- વિવિધા-ભવેન કચ્છી

- ભારતે તેના ઇતિહાસમાં બધા પ્રકારના મેડલ મળીને કુલ 41 મેડલ જીત્યા છે અને ચીને પેરિસ ઓલિમ્પિકમાં જ 40 ગોલ્ડની સિધ્ધિ મેળવી છે

- ભારતના ચાહકો ક્રિકેટ સિવાયની રમતોમાં ચાર વર્ષે અચાનક સફાળા જાગે છે.. હવે ફરી મળીશું 2028ની ઓલિમ્પિકમાં..

ઑ લિમ્પિકના પંદર દિવસ દેશ  બદલાયેલ નવા ભારત જેવા લાગ્યા. મનુ ભાકરે તેના બે બ્રોન્ઝ પૈકી પ્રથમ બ્રોન્ઝ જીત્યો તે પછી લગભગ રોજ 'ઇન્ડિયા રાઇઝિંગ'ની પ્રતિતી થવા માંડી. એ તો કબુલવું જ પડે કે ભલે ભારત ક્રિકેટમાં  વર્લ્ડ કપ જીતે અને આપણે ઉજવણીના સરઘસ કાઢીએ પણ ઓલિમ્પિકમાં ભારત મેડલ જીતતું હતું ત્યારે ખરા અર્થમાં રાષ્ટ્ર ગૌરવની લાગણી થતી હતી. ૨૦૦થી વધુ દેશોના ક્વોલિફાય થયેલા ચુનંદા ખેલાડીઓ કે ટીમ વચ્ચેની સ્પર્ધામાં મેડલ જીતવો તે અસાધારણ સિદ્ધિ જ ગણવી જોઈએ.

ક્રિકેટ જોડે તુલના કરવાનો આશય નથી પણ ભારતમાં ક્રિકેટ સિવાય અન્ય કોઈ રમત માટે વાતાવરણ, કમાણી, કોર્પોરેટ કે મિડિયાનું પીઠબળ નથી. ઑલિમ્પિક ઇવેન્ટના ભારતીય ખેલાડીઓ દૂધનો પ્યાલો પણ માંડ મળે તેવી ગરીબીમાં તે રમતને અપનાવે છે. ઑલિમ્પિકમાં મેડલ મળે તો જ ઓળખ, સેલિબ્રીટી જેવી રાતોરાતની ચાહના, પોસ્ટિંગ કે ઇનામી રકમ પ્રાપ્ય બને. જો કે ક્રિકેટ જો ઓલિમ્પિક હોય તો તેમાં પણ ભારતે ખાસ ઉકાળ્યું નથી. ભારતે ૪૯ વર્ષમાં વનડે ક્રિકેટમાં બે ગોલ્ડ  અને ટી ૨૦ ક્રિકેટમાં ૧૭ વર્ષમાં બે  ગોલ્ડ   જીત્યા કહેવાય.

આ વખતે ભારત જો કે ૨૦૨૧ની ઓલિમ્પિક જેવો દેખાવ ન કરી શક્યું. ટોકિયોમાં રમાયેલ ૨૦૨૧ની ઓલિમ્પિકમાં ભારતે એક ગોલ્ડ,બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ સાથે તેના ઇતિહાસના એક જ ઓલિમ્પિકમાં  સૌથી વધુ સાત મેડલ જીત્યા હતા. ૨૦૨૪માં આ વખતે ભારત એકપણ ગોલ્ડ મેડલ જીતી ન શક્યું. એક સિલ્વર  અને પાંચ બ્રોન્ઝ ભારતે જીત્યા. રમતના ચાહકો જાણે છે કે નીરજ ચોપરાએ ૨૦૨૧માં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને આ વખતે નિશ્ચિત ગોલ્ડ મનાતો હતો ત્યારે તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. એક ગોલ્ડ પછી મેડલ જીતનાર તે ભારતના ઇતિહાસનો એકમાત્ર ખેલાડી છે.

સુખદ બદલાવ એ આવ્યો કે ઓલિમ્પિકમાં ભારતના ઇવેન્ટ બે કરોડથી આઠ કરોડ દર્શકો ટીવી કે એપ પર લાઇવ નિહાળતા હતા અને અમુક ઇવેન્ટ તો કામના ચાલુ દિવસે  ભારતીય સમય પ્રમાણે બપોરે કે સાંજે યોજાતા હતા. નીરજ ચોપરાનો ભાલા ફેંક ઇવેન્ટ તો રાત્રે સવા વાગ્યે પૂરો થયો હતો.બીજે દિવસે કામનો ચાલુ દિવસ હતો તો પણ આઠ કરોડ દર્શકો પર આંક પહોંચ્યો હતો.

ક્રિકેટની શ્રેણી કે કપના વિજય વખતે ભારતના અખબારો અને ટી.વી.માં પ્રથમ પાને હેડલાઇન બનતી હોય છે બાકી તો આપણે બધા પૂર્ણ સમયના રાજકારણ, કૌભાંડ કે શેરબજારના ખેલાડીઓ અને વિવેચક હોઈએ છીએ. આ વખતે મીડિયા પર ભારતના ખેલાડીઓએ કવરેજમાં સ્થાન આપવા જાણે  દબાણ સર્જ્યું.તેમાં પણ વીનેશ ફોગાટને માત્ર ૧૦૦ ગ્રામ વજન વધુ થતાં ગેરલાયક ઠરાવવામાં આવી ત્યારથી ચુકાદો આવ્યો ત્યાં સુધી દેશભરમાં તે રાષ્ટ્રીય પ્રાણપ્રશ્ન બની ગયો. બાંગ્લાદેશની હિંસા પર પણ વીનેશનું વધેલું ૧૦૦ ગ્રામ ભારે પડયું. રમત એ માત્ર રમત નથી દેશની યુવા પેઢી, દેશના ખમીર અને આત્મવિશ્વાસનો અરીસો અને અને ઇજન પણ છે.

ભારતના ખેલાડીઓએ મેડલ જીત્યા પછી મેડલ ભલે ખેલાડીએ જીત્યો પણ દેશના નાગરિકોનો હરખ એવો હતો કે જાણે તેઓ પોડિયમ પર ઉભા છે. આ આલિમ્પિક ભારતના નાગરિકોમાં અનેરી દેશદાઝ અને રાષ્ટ્ર ગૌરવની આહલેક જગાડી શક્યું તેનું અગત્યનું કારણ એ પણ રહ્યું કે,  સોશિયલ મીડિયા હવે ખૂબ જ એક્ટિવ બન્યું છે. આ વખતે તો ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટયુબ પર ઇવેન્ટ, કાઉન્ટ ડાઉન, રીયલ ટાઇમ સ્કોર, પરિણામ અને તે પછી તરત જ ઇવેન્ટની વિનિંગ ક્લિપિંગ કરોડો નાગરિકોમાં ફરી વળી. વિવાદ અને મેડલ્સની રીતે દુકાળ,ખેલાડીઓના કોચિંગમાં કૌંભાંડ, જાતીય સતામણી, ષડયંત્રથી માંડી મેડલ્સ જીતનારા ખેલાડીઓની ગરીબી અને સંઘર્ષની હૃદયદ્રાવી યાત્રા પણ વાઇરલ બની. 

ઓલિમ્પિકના પરિણામ સાથે હવે નાગરિકો ભારતનો  વિકાસ અને દેશની આત્મશ્રધ્ધા સાથે જોડાવા માંડયા છે તે આવકાર્ય પરિવર્તન છે. હવે અંતરિયાળ ભારતમાં રહેતી યુવા પેઢી શહેરની શાળા- કોલેજમાં પ્રવેશ લઈને અભ્યાસ અને ઇતર પ્રવૃત્તિમાં ઝળકી શકે છે. તેઓ શહેરના વિદ્યાર્થીઓ જોડે હળીમળીને મિત્ર વર્તુળમાં સામેલ થાય છે. વાચન, વિચાર અને ટેક્નોલોજી હસ્તગત કરવામાં પણ સમાન કે ચઢિયાતા પુરવાર થયા છે. ગરીબ અને ગ્રામીણ યુવા પેઢી રમત કે કોર્પોરેટ જોબ પ્લેસમેન્ટમાં પણ તેમની સફળતા પુરવાર કરી ચૂક્યા હોઈ શહેરના કહેવાતા બૌદ્ધિકો કે ટોચની શાળા- કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ તેઓને માનભરી દ્રષ્ટિએ જુએ છે. સ્ટાર્ટ અપમાં પણ દ્રષ્ટિ અને કુનેહ જ આખરે તો સફળતા અપાવતી હોય છે.

નાના સેન્ટરના વિદ્યાર્થીઓ હવે મોટા શહેરોથી લઘુતાગ્રંથિ નથી અનુભવતા તેવી જ રીતે નાના અને મોટા શહેરના ભારતના વિદ્યાર્થીઓ ક્યારેય જોયા જ ન હોય તેવા વિશ્વમાં પણ આત્મવિશ્વાસ સાથે ડગ માંડે છે અને વિશ્વ વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો જોડે ભળી જઈ વિદેશીઓ કરતા પણ સરસાઈ મેળવે છે.

ઑલિમ્પિકનો મેડલ ખેલાડી જીતે પણ અમે પણ કંઈ કમ નથીનો મિજાજ એક એક ભારતીયના દિલોદિમાગમાં ફરી વળે છે. હરિફ અમેરિકા, જર્મન, બ્રિટીશ, ફ્રેેન્ચ, કોરિયન, ચીની કે કઝાખસ્તાનના કેમ ન હોય. તેઓ ભલે આંતરરાષ્ટ્રીય સ્તરનું કોચિંગ, સિસ્ટમ અને બેકઅપ ટીમ, ડાએટ ધરાવતા હોય પણ અમે તેનાથી પ્રભાવિત નહીં થઈએ, અંજાઈશું નહીં, હીન લાગણી નહી અનુભવીએ અમે ભારતીય છીએ, ધરતી પરની પ્રજા છીએ. રોટલા, દૂધ, છાશ અને ચટણી તમારા પર ભારી પડશે આવો મિજાજ ગ્રામીણ અને ગરીબ ભારતીયનો જોઈ શકાય છે. હા, તેઓ મેડલ ન જીતી શકે તે જુદી વાત છે.

છેક ભારતની ૨૦૨૧ના ઑલિમ્પિકની મહિલા હોકી ખેલાડીને પણ પગ દેખાય તેવા કપડા પહેરીને રમવાનું હોય તેથી કેટલીક ખેલાડીઓના માતાપિતા સમાજની બીકે હોકી રમવાની પરવાનગી આપતા ખચકાતા હતા ત્યારે અગાઉના વર્ષોમાં તો કેવી સ્થિતિ હશે.

ભારતમાં ૬૦ ટકા આલિમ્પિક મેડલ મહિલાઓ જ જીતતી આવી છે. હવે આ ઑલિમ્પિકની સફળતાને લીધે દેશના વાલીઓ અને સમાજની સંકુચિત દ્રષ્ટિ દૂર થઈ જશે. વધુ ને વધુ મહિલા ખેલાડીઓ પ્રતિનિધિત્વ કરશે અને અન્ય ક્ષેત્રો અને શિક્ષણમાં પણ આગળ આવશે.

ગોરા દેશોની વાત કરીએ તો વર્ષ દરમ્યાન તેઓ અશ્વેતો જોડે રંગભેદની દ્રષ્ટિ રાખતા હોય છે. પણ ગોરા દેશોને ઑલિમ્પિકમાં મેડલની રીતે સરસાઈ અશ્વેત ખેલાડીઓ જ અપાવતા હોય છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પ ચુંટણી પ્રચારની રેલીમાં અશ્વેતોની હાંસી ઉડાવતા તેની વિરુદ્ધમાં કંઈ પણ થાય તો રેલીમાં જોરથી તાડુકીને કહેતા હોય છે કે 'આ બધું કોનું કાવતરું છે? અમેરિકાની હાલત આવી કોણે કરી?' તે પછી રાડ પાડીને બોલે કે 'બ્લેક જોબ.' અને ગોરા સમર્થકો કિકિયારી પાડે.

આ વખતે અમેરિકા માટે ચાર ગોલ્ડ મેડલ જીતનારી લેજેન્ડ જીમનાસ્ટ સિમોન બાઈલ્સે ઐતિહાસિક સિદ્ધિ અમેરિકાના નામે આપી ત્યારે તેણે કટાક્ષમાં ટ્રમ્પને જવાબ આપતા કહ્યું કે 'આ તો કંઈ નથી  બ્લેક જોબ છે.' અશ્વેત નાગરિકોએ પણ તેઓ પ્રદાનકર્તા છે તેવી ખુમારી કેળવવી પડશે. ગોરાઓ પણ તેમની અમાનવીય ગુરૂતા અંગે આત્મમંથન કરતા થશે દેશના નાગરિકોની રાષ્ટ્રીય ભાવના, ખુમારી,અસ્મિતા,  ચારિર્ત્ય અને સૈન્ય તાકાતનો અંદાજ તે દેશ ઓલિમ્પિક અને સ્પોર્ટસમાં કેવું સ્તર ધરાવે છે તેના પરથી માંડી શકાય છે.

આલિમ્પિકના અંતે સૌથી વધુ મેડલ જીતનાર દેશોની યાદીમાં  ચીન ,અમેરિકા , ઓસ્ટ્રેલિયા,જાપાન, ફ્રાન્સ અને બ્રિટન જેવા દેશો જ કેમ ? શું તમે એવી કલ્પના કરી શકો કે અમેરિકા, ચીન ,ઓસ્ટ્રેલિયા કે જાપાન ૪૦મા ક્રમે હોય ?  તમે તરત કહેશો કે અમેરિકા અને ચીન તો  સુપર પાવર દેશ છે.બસ તો સમજી લો કે  વિશ્વના નાગરિકો અને વિશ્વના નેતાઓ પણ જે તે દેશના આલિમ્પિક મેડલ પરથી જ દેશના ખમીર અને તાકાતનો અંદાજ મેળવતા હોય છે.તે રીતે જોઈએ તો ઓલિમ્પિક સોફ્ટ પાવર છે.

ભારતે આલિમ્પિકના તેના શ્રેષ્ઠ દેખાવને અને આ ટેમ્પોને જાળવી રાખી સ્પોર્ટ્સ કલ્ચર ખડું કરવું જોઈએ. આમ જોઈએ તો ૨૦૨૧ની તુલનામાં ભારતનો દેખાવ કથળ્યો કહેવાય.૨૦૨૧માં ભારત મેડલ જીતનારા દેશોમાં ૪૮માં ક્રમે હતું પણ આ વખતે ગોલ્ડ મેડલ નહીં જીત્યું હોઇ ૭૧માં ક્રમે પછડાયું છે. જે દેશે માત્ર એક જ ગોલ્ડ મેડલ જીત્યો હોય અને સિલ્વર કે બ્રોન્ઝ એકપણ ન જીત્યો હોય તો પણ તેને મેડલ ટેબલમાં ચઢિયાતો ક્રમ મળે છે.

આ વખતે ૬૨ દેશો કે જે ભારત કરતાં મેડલ ટેબલમાં આગળ છે તેઓએ કમ સે કમ એક ગોલ્ડ મેડલ જીત્યો છે.તે પછીના આઠ દેશોએ બે સિલ્વર તો બ્રોન્ઝ મેડલ ઉપરાંત જીત્યા જ છે.એક સિલ્વર મેળવનારની યાદી ૭૧માં ક્રમંકથી શરૂ થાય છે.

યુક્રેન ભલે ટચૂકડો દેશ હોય પણ રશિયાને હંફાવે છે તેની પ્રજાના કૌવતનો  તે રીતે જ અંદાજ લગાવી શકાય કે દોઢ વર્ષથી ભીષણ યુધ્ધમાં હોવા છતાં યુક્રેને ત્રણ ગોલ્ડ,પાંચ સિલ્વર અને ચાર બ્રોન્ઝ સાથે કુલ ૧૨ મેડલ જીત્યા છે અને મેડલ ટેબલના ૨૧માં ક્રમે છે. પાકિસ્તાન,ગ્વાટેમાલા,ડોમિનિકા,ટયુનિશિયા,ઇથોપિયા,બોતસ્વાના , મોરોક્કો અને સેન્ટ લુસિયા જેવા દેશો ભારત કરતાં આગળ છે. 

ચીનની જ વાત કરીએ તો ૧૯૯૬ના ઓલિમ્પિક સુધી અમેરિકા ચીન કરતા લગભગ ત્રણ ગણા ગોલ્ડ જીતતું રહ્યું હતું.૧૯૯૬માં અમેરિકાના પ્રથમ ક્રમે ૪૪ ગોલ્ડ હતા અને ચીન ૧૬ ગોલ્ડ મેડલ સાથે પાંચમા ક્રમે હતું. તે પછીની પ્રત્યેક ઑલિમ્પિકમાં ક્રમશ: ચીન અમેરિકાની લગોલગ કે વધારે ગોલ્ડ મેડલ જીતે છે. તમે રાજકીય અને વૈશ્વિક પ્રભાવની રીતે જુઓ તો ચીને અમેરિકાની બરાબરી ઉભુ છે ને. ચીનના વડા જિનપિંગે જ અંગત રસ લઈને કડક આંખો બતાવીને ઓલિમ્પિક મેડલ તે વિશ્વની નજરે ઓવરઓલ તાકાતનો માપદંડ છે તેથી અમેરિકાને ઑલિમ્પિકમાં પાછળ પાડો તે મિશન ઝનૂન સાથે જોડી દીધું છે. વધુ એક વિચારપ્રેરક નિરીક્ષણ. ભારતે તેના ઓલિમ્પિક ઇતિહાસમાં કુલ ૪૧ મેડલ જીત્યા છે તેની સામે ચીને  પેરિસ ઓલિમ્પિકમાં જ આ લખાય છે ત્યારે ૩૯ ગોલ્ડ ,૨૭ સિલ્વર અને ૨૪ બ્રોન્ઝ સાથે ૯૦ મેડલ જીતી લીધા છે.ભારત એક જ ઓલિમ્પિકમાં દસ ગોલ્ડ જીતે તે પચાસ વર્ષમાં શક્ય બનશે?

ભારતમાં ખેલાડી ગોલ્ડ મેડલ તો ઠીક સિલ્વર કે બ્રોન્ઝ જીતે તો પણ તમામ અખબારો પહેલાં પાના પર ફોટા સાથે હેડલાઈન  બનાવે છે તે સારી વાત છે. ટીવી. અને સોશિયલ મીડિયા પર ભારતનો મેડલ ફરી વળે છે.પણ  ચીન અને અમેરિકા તો રોજના પાંચ છ મેડલ જીતતા હોય છે આ ધોરણે અખબારમાં કવરેજ આપે તો આખું અખબાર જ ઓલિમ્પિકને ફાળવવું પડે. મેડલનો આંક વધશે તો આપોઆપ ભારત વિશ્વના પ્રભાવી દેશ તરીકે જોવાતો હશે. 


Google NewsGoogle News