Get The App

જો રોગન સાથેનું પોડકાસ્ટ ડોનાલ્ડનું 'ટ્રમ્પ કાર્ડ' બન્યું

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
જો રોગન સાથેનું પોડકાસ્ટ  ડોનાલ્ડનું 'ટ્રમ્પ કાર્ડ' બન્યું 1 - image


- કમલા હેરિસે તુમાખી બતાવતા જો રોગન શો માટેનું આમંત્રણ ઠુકરાવ્યું અને ટ્રમ્પે બાજી ગોઠવી દીધી

- વિવિધા-ભવેન કચ્છી

- રેકોર્ડ 4.5 કરોડ દર્શકો સાથે ત્રણ કલાકનું પોડકાસ્ટ ગેમ ચેન્જર પુરવાર થયું : સ્વિંગ વોટ ટ્રમ્પને મળ્યા

કમલા હેરિસના ડેમોક્રેટિક પક્ષે ચુંટણી પ્રચારમાં રૂ.11,000 કરોડથી વધુ અને ટ્રમ્પના રિપબ્લિકન પક્ષે રૂ.8000 કરોડ જેટલી રકમ ખર્ચી

અ મેરિકાના પ્રમુખ ટ્રમ્પ ભલે ધાર્યા કરતાં વધુ  મત સાથે જીતી ગયા પણ છેક આગલા દિવસ સુધી રાજકીય વિશ્લેષકો અને એકઝિટ પોલના અનુમાન પ્રમાણે ૪૫.૫૫ - ૪૪.૪૫ જેવો ખરાખરીનો મુકાબલો જોવા મળશે તેમ મનાતું હતું.

અમેરિકાના નાગરિકો પણ કળી નહોતા શકતા તે રીતે જોરદાર પ્રચાર સાથે બંને ઉમેદવારોની હવા જામેલી જોઈ શકાતી હતી.

જો કે હવે પ્રચાર તંત્રની કેટલીક પડદા પાછળની રસપ્રદ વાતો બહાર આવતી જાય છે.માની ન શકાય પણ ટ્રમ્પને જીતાડવામાં જેમ ટેસ્લાના ઇલોન મસ્કનો સિંહફાળો છે તેમ પોડકાસ્ટર જો રોગન સાથે ટ્રમ્પના ઇન્ટરવ્યૂ રજૂ થયો તે  જોઈ - સાંભળીને તે પછીથી મતદારોનો એક નિર્ણાયક બહોળો વર્ગ ટ્રમ્પને મત આપવા પ્રેરાયો હતો. અમેરિકામાં રહેતા હોય તેવા નાગરિકો માટે  જો રોગન નવું નામ નથી. સોશિયલ મીડિયા અને ડિજિટલ જગતમાં એક ટીવી ચેનલ કે અખબાર કે કોર્પોરેટ જગતનું પીઠબળ જે ન કરી શકે તે એક પ્રભાવી પોડકાસ્ટર કરી શકે તે પુરવાર કરવા માટે  જો રોગન ઉત્તમ ઉદાહરણ છે.

અમેરિકામાં આમ તો સેંકડો પોડકાસ્ટર લોકપ્રિય છે પણ અમેરિકામાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં  સૌથી વધુ જોવાતી અને તેના કરતાં પણ સંસ્કૃતિ,સમાજ અને જનમત પર પ્રભાવ પાડતું 

પોડકાસ્ટ હોય તો તે તે  " The Joe Rogan experience" છે. તેના ૧.૭૪ કરોડ સબ્સ્ક્રાઇબર છે. વિશ્વમાં ૫.૪૯ અબજ નાગરિકો તેના દર્શકોની સંખ્યા છે.

ઓડિયો વીડિયો પ્લેટફોર્મ 'સ્પોટીફાય' જોડે  જો રોગન કરારબધ્ધ હોઇ તેને ખેંચવા અન્ય પ્લેટફોર્મ તેને તગડી રકમ ઓફર કરે છે. વીડિયો પ્લેટફોર્મ 'રમ્બલ' દ્વારા જો રોગનને ૧૦ કરોડ ડોલર ઓફર કર્યા થયા હતા જે તેણે નકાર્યા હતા.

જો રોગનના પોડકાસ્ટ દર્શકોમાં અમેરિકાના યુવાઓની મહત્તમ સંખ્યા છે. જો રોગને તેના ટોક શોમાં આવવા માટે પહેલા કમલા હેરિસને આમંત્રણ આપ્યું હતું. જો રોગનની એક શરત એવી હોય છે કે તે જે પણ મહેમાનને શોમાં આમંત્રણ આપે તે વ્યક્તિવિશેષે જો રોગનના ટેકસાસ રાજ્યના પાટનગર ઓસ્ટિન સ્થિત સ્ટુડિયોમાં આવવું પડે. રોગન માને છે કે તે તેના સ્ટુડિયોમાં જે કેમેરા,સાઉન્ડ અને સ્ટાફની સિસ્ટમ સાથે અનુકૂળતા  ધરાવે છે તેના વગર બીજે ક્યાંય ગમે તેવી સગવડતા કે આધુનિકતા હોય પણ તેમાં તે ખીલી નથી ઊઠી શકતો. તેના સ્ટુડિયોમાં તેને સહજ અને મહેમાનનું હૃદય મોકળાશથી ખોલી શકે તેવો સંવાદ સાધી શકે તેવા જે 'વાઈબ્સ' પ્રાપ્ત થાય છે તે  બીજે શક્ય નથી બનતું. જો રોગને કમલા હેરીસને ઓસ્ટિન સ્થિત તેના સ્ટુડિયોમાં આવવા આમંત્રણ આપ્યું પણ કમલા હેરિસે આ પ્રસ્તાવનો ઇનકાર કર્યો અને જો રોગનને જણાવ્યું કે 'તમે વોશિંગ્ટન આવો અને આપણે  રેકોર્ડિંગ કરીએ. અમે અદ્યતન સ્ટુડિયો આ માટે ઊભો કરીશું.'

જો રોગનના પોડકાસ્ટ ઇન્ટરવ્યૂની બીજી ખાસિયત એ હોય છે કે તેનો કોઈ નિશ્ચિત સમયગાળો નથી હોતો. મહેમાન સાથે કેટલાયે જુદા જુદા વિષયો, વિચારો, અંગત જર્ની જેવા પાસાઓ પર વિસ્તૃત અને મહેમાન પાસે હોય તે બહુવિધ વાતો જો રોગન કરતો રહે. મહેમાનને પણ અગાઉથી કહી દેવાતું  હોય છે કે તમારી સાથે એક કલાક, દોઢ - બે કે વધુ કલાકો વાતચીત કરવામાં આવશે અને તેટલો સમય ફાળવવો પડશે.

મજાની વાત એ છે કે જો રોગન પાસે સંવાદની શૈલી અને મહેમાન પોતે અનિયત કાળ માટે ખીલવા તૈયાર થઈ જાય તેવી કુનેહ તો છે જ પણ દર્શક પોતે આટલો સમય સ્ક્રીન કે ઇયર ફોન ભરાવી ભારે ઇંતેજારી સાથે વિતાવે છે.

જો રોગનને  રેકોર્ડિંગ માટે ઓસ્ટિનની જગ્યાએ વોશિંગ્ટન આવવાની તો કમલા હેરીસે માંગણી કરી જ પણ સાથે એમ પણ ઉમેર્યું હતું કે તે ઇન્ટરવ્યૂ માટે એક કલાકથી વધુ એક મિનિટ પણ નહીં ફાળવે.

જો રોગને અમેરિકાના સંભવિત ભાવિ પ્રમુખ હોય તો પણ શું તેની પરવા કર્યા વગર કમલા હેરિસને ના પાડી દીધી.

કમલા હેરિસે જો રોગનની જગ્યાએ 'સ્પોટિફાય' પર જો રોગન પછીના ક્રમે આવતા પોડકાસ્ટ "Call her daddy"ના હોસ્ટ એલેઝાંડર કૂપરને તેની શરતે વોશિંગ્ટન બોલાવ્યો અને સેટ ઊભો કરીને ઇન્ટરવ્યૂ આપ્યો.પણ આ ઇન્ટરવ્યૂ જોઈએ તેવી હવા દલગસ્કોમાં ઊભી નહોતો કરી શક્યો કેમ કે કમલા હેરિસે  ડેમોક્રેટિક પાર્ટીના અમુક જ એજન્ડા પર વાતચીતનો દોર રહે તેવી એલકઝાંડર કુપર સમક્ષ શરત મૂકી હતી.

જો રોગને કમલા હેરિસના ઇન્કાર પછી ડોનાલ્ડ ટ્રમ્પને ઓસ્ટિન સ્ટુડિયોમાં આવવાનું આમંત્રણ આપ્યું.નવાઈની વાત એ હતી કે ટ્રમ્પની નીતિઓથી વિપરીત વિચારધારા જો રોગન ધરાવે છે તે અમેરિકા આખું જાણતું હતું જો રોગને તો ઇઝરાયેલના પેલેસ્ટાઇન પરના હુમલાને યુધ્ધ કરતાં નરસંહાર તરીકે  ગણાવી તેના અગાઉના પોડકાસ્ટમાં વિશેષજ્ઞાો જોડે ચર્ચા છેડી હતી. તે અશ્વેતોનો પણ તરફદાર છે. 'બ્લેક લાઈવ્સ મેટર' આંદોલનના અરસામાં ટ્રમ્પના કાર્યકાળને તેણે કલંકિત ગણાવ્યો હતો. આ ઉપરાંત ટ્રમ્પ જેના વિરોધી છે તેવા સજાતીય અને ટ્રાન્સજેન્ડર આંદોલનના જો રોગન હિમાયતી છે. હદની વાત એ છે કે બે વર્ષ પહેલા ટ્રમ્પે જો રોગનના શોમાં આવવા ભરપૂર લોબિંગ કરીને પ્રયત્ન કર્યા હતા પણ જો રોગન જાહેરમાં ટ્રમ્પને અમેરિકાની લોકશાહી માટે ભયજનક વ્યક્તિ તરીકે ગણાવી તેની ઓફર ઠુકરાવી ચૂક્યા હતા.

આમ છતાં જો રોગને ટ્રમ્પને ઓસ્ટિન સ્ટુડિયોમાં રેકોર્ડિંગ માટે આવવા આમંત્રણ આપ્યું અને કહ્યું કે જ્યાં સુધી મને સંતોષ નહીં થાય ત્યાં સુધી આપણે વાતચીત કરતા રહીશું.

ટ્રમ્પની પ્રચાર ટીમે અને ઇલોન મસ્કે ટ્રમ્પને સમજાવ્યા કે યુવા  તેમજ ડાબેરી  વિચારસરણી ધરાવતા મતદારોને તમે સમજાવી શકો કે તેઓ શા માટે અમુક નીતિઓનો વિરોધ કરે છે અને વિરોધીઓ કઈ રીતે જનમાનસમાં તમારા વિરૂધ્ધ ભ્રામક  ભય ફેલાવે છે. તેમાં પણ જો રોગન તમારી સાથે વાતચીત કરશે તે દરમ્યાન તમારાથી વિરૂધ્ધ છે તેઓને તમે સમજાવવામાં સફળ થશો તો આપણને એક આપણી નહોતી જ તેવી વોટબેંક પ્રાપ્ત થશે. બીજું , અમેરિકાના પ્રમુખ પદનો તાજ પહેરવા માટે નિર્ણાયક બનતા સ્વિંગ સ્ટેટમાં  જો રોગનના પોડકાસ્ટની સૌથી વધુ વ્યૂઅરશિપ છે.

ટ્રમ્પ સંમત થયા.આમ પણ તેમને બોલવામાં તો કોઈ પાછળ પાડી શકે તેમ નહોતા.વ્યવહાર કુશળતા વાપરીને ટ્રમ્પ જો રોગનના ઓસ્ટિન સ્થિત સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવા પણ ગયા અને દોઢ બે જેટલા કલાક વાતચીત કરવી હોય તો તે માટે તૈયારી બતાવી.અને આ કાર્યક્રમ એટલે કે પોડકાસ્ટ પરની વાતચીત  ત્રણ કલાક ચાલી. દર્શકોએ જાણે હોલીવુડની રોચક ફિલ્મ માણતા હોય તેમ તે માણી. 

જો રોગનના શોમાં ટ્રમ્પ આવશે તે સમાચારે જ જાણે એક જુવાળ સર્જ્યો હતો. જેઓ ટ્રમ્પનો ફોટો જોતા પણ નફરત કરતાં હોય તેવા દર્શકોએ ટ્રમ્પની વાક્છટા અને એજન્ડાનાક્ર્ક તેમજ કારણો સાંભળ્યા. જો રોગનના જે પણ કરોડો ચાહકો હતા તે પણ એવું માનવા માંડયા કે જો રોગન પણ ટ્રમ્પથી હવે આકર્ષાયા છે. 

મતદાનના દસ દિવસ પહેલા જો રોગન અને ટ્રમ્પનું પોડકાસ્ટ શ્રોતાઓ માટે રિલીઝ થયું હતું અને તેણે ૨૦ જ કલાકમાં સ્પોટીફાય ઉપરાંત યુ ટયુબ સહિત ૪.૫ કરોડ  દર્શકોની રીતે રેકોર્ડ તોડયો. અમેરિકાના કોઈ પણ મનોરંજનના કે રિયાલિટી ટોક શો, બાસ્કેટબોલની ફાઇનલ જેવી મેચને પણ આટલા દર્શકો નથી મળ્યા.કલીપિંગ્સ તો  છેક મતદાનના દિવસ સુધી વાઇરલ બનીને ફરતી રહી હતી. અખબારો, સામયિક ( મેગેઝિન)અને અન્ય માધ્યમોમાં વાતચીતના અંશોનું કવરેજ પ્રસારિત થયું.

ટ્રમ્પે પણ જો રોગનની લોકપ્રિયતાનો ભરપૂર ઉપયોગ કર્યો. ત્રણ કલાકના રેકોર્ડિંગ બાબત કોઈને ખબર નહોતી પણ ટ્રમ્પને આ કારણે મિશિગનમાં યોજાયેલ રેલીમાં સાત કલાક મોડું થયું.પણ ત્યાં પહોંચતા જ તેણે ઉપસ્થિત હજારો સમર્થકોની માફી માંગતા કહ્યું કે 'મને માફ કરશો..હું જો રોગનના સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવા ગયો હોઇ મારે મોડું થયું.' ટ્રમ્પ આટલું બોલ્યા ત્યાં તો વાતાવરણ તાળીઓથી ગુંજી જ ઉઠયું પણ તે રેલી કરતાં ટ્રમ્પ જો રોગનના પોડકાસ્ટમાં રજૂ થશે તે સમાચાર અમેરિકામાં બ્રેકિંગ બની ફરી વળ્યા.

રિપબ્લિકન પક્ષે બીજો માસ્ટર સ્ટ્રોક ઈલોન મસ્કની  જો રોગન સાથેની ટોક યોજીને લગાવ્યો. મતદાનના આગલા દિવસે જ તે બ્રોડકાસ્ટ થયો. ઈલોન મસ્કનું પણ ટ્રમ્પને જીતાડવામાં મોટું પ્રદાન છે.

એવું કહેવાય છે કે કમલા હેરિસે જો રોગનના સ્ટુડિયોમાં જવાનો ઇન્કાર કરતા પોડકાસ્ટની પરવા નહોતી કરી કેમ કે તેને ખાતરી હતી કે જો રોગન તો ટ્રમ્પનો કટ્ટો વિરોધી હોઇ તેમને આમંત્રણ નહીં આપે અને ધારો કે ટ્રમ્પને આમંત્રણ મળશે તો ટ્રમ્પ જશે પણ નહીં. જો કે  જો રોગન અને ટ્રમ્પ બંનેએ કમલા હેરિસને આબાદ થાપ આપી. તેમાં આગળ જતા ઇલોન મસ્કનું પોડકાસ્ટ પણ પ્રસારિત થતા કમલા હેરિસે તેની વોટબેંકનો અમૂલ્ય હિસ્સો ગુમાવ્યો.

તેવી જ રીતે કમલા હેરિસ અને ડેમાક્રેેટિક પક્ષે ટ્રમ્પ અને રિપબ્લિકન પક્ષની તુલનામાં ઘણા વધુ નાણાં ખર્ચ્યા પણ રિપબ્લિકન પક્ષે ખર્ચની ફાળવણી એવા મુદ્દા પરના પ્રચારમાં જ ફાળવી જેમાં ટ્રમ્પની સ્થિતિ મજબૂત હતી. તેમણે સ્વિંગ સ્ટેટ્સમાં એડી ચોટીનું જોર લગાવ્યું.

ડેમોક્રેટિક પક્ષે (કમલા હેરિસ) ચુંટણીમાં રેકોર્ડ ૧૩૭  કરોડ ડોલર(૧.૩૭ અબજ ડોલર) અને રિપબ્લિકન પક્ષે (ટ્રમ્પ) ૯૧.૪૦ કરોડ (૯૧૩ મિલિયન)   ડોલર ખર્ચ કર્યો હતો.

કમલા હેરિસે કર માળખાના અને ટ્રમ્પે ઇમિગ્રેશનના એજન્ડા પર ૭૫ ટકા જાહેરાતો બનાવી હતી.

અમેરિકાની સમગ્ર ચુંટણી પ્રક્રિયા, સેનેટની ચુંટણી, પ્રમુખ અને ઉપપ્રમુખ પદના જે તે પક્ષના ઉમેદવાર બનવા માટેની ચુંટણીથી માંડી પ્રમુખપદની કુંતની, મેનેજમેન્ટ આ તમામનો જાહેરાત સહિતનો કુલ ખર્ચ તો ૧૧ અબજ ડોલર જેટલો થાય છે.

નવાઈની વાત એ છે કે કમલા હેરિસને ટેલર સ્વિફ્ટ,જુલિયા રોબર્ટ્સ, રિહાના, લેડી ગાગા, જેનિફર એનિસ્ટન, સ્વાર્ઝનેગર, બેડ બની, બિયોન્સ, કેલી રોલેન્ડ, લિયોનાર્ડો ડીકેપ્રિયો, સરાહ જેસિકા પાર્ક સહિત હોલિવુડ, પોપ સિંગર, મોટાભાગના મીડિયા, બૌધ્ધિકોનું ખુલ્લેઆમ સમર્થન હતું જ્યારે ટ્રમ્પ પાસે ઇલોન મસ્ક જ મોટું નામ હતું અને જો રોગન પોડકાસ્ટ  એકે હજારા જેવું સાબિત થયું.  


Google NewsGoogle News