અભિમન્યુના કોઠા વીંધવા જેવો પડકાર : વિશ્વની સૌથી કઠિન પ્રવેશ પરીક્ષા "Gaokao"

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
અભિમન્યુના કોઠા વીંધવા જેવો પડકાર : વિશ્વની સૌથી કઠિન પ્રવેશ પરીક્ષા "Gaokao" 1 - image


- ભારતમાં 'નીટ'ની પરીક્ષાનો વિવાદ વકર્યો છે ત્યારે ચીનમાં 1.34 કરોડ વિદ્યાર્થીઓએ કોલેજમાં પ્રવેશ મેળવવા એક સાથે પરીક્ષા આપી

- વિવિધા-ભવેન કચ્છી

- આઈ.આઈ.ટી. કે યુ.પી. એસ.સી. કરતા પણ મુશ્કેલ પરીક્ષા : બે દિવસની પરીક્ષા રોજના દસ કલાક વર્ગખંડમાં બેસીને આપવાની આપવાની રહે છે

ભા રતમાં 'નીટ'  અન્ડર ગ્રેજ્યુએટ પરીક્ષા વિવાદમાં સપડાઇ છે. ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક મળ્યા છે તે બહાર આવ્યું હોઇ અન્ય વિદ્યાર્થીઓ પરીક્ષા નવેસરથી યોજાવાની માંગ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે એક કમિટી નીમી છે જેઓ તેમનો રિપોર્ટ સુપ્રત કરશે તે પછી આખરી ઉકેલ લેવામાં આવશે. ભારતમાં જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ હવે શંકાના દાયરામાં આવતી જાય છે. પારદર્શકતા પર પ્રશ્નો ઉઠાવાઇ રહ્યા છે.

જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્ન પેપર પણ અમેરિકા, બ્રિટન કે ચીનની જેમ નવી પેઢીને ભાવિ પડકારોનો સંદર્ભમાં તૈયાર થાય તેવા નથી હોતા.આ જ કારણોસર ભારતના જે પણ વિદ્યાર્થીઓ સ્નાતક કે અનુસ્નાતક બનીને બહાર આવે છે તેનાથી ભારતીય કંપનીઓને અસંતોષ છે. નારાયણ મૂર્તિએ એક મહત્વની કામેન્ટ કરી હતી કે 'અમારે જુદા જુદા વિભાગમાં ભરતી તો કરવી હોય છે પણ ઇન્ટરવ્યુ દરમ્યાન અમે ભારે નિરાશા અનુભવીએ છીએ કે અરજદાર પ્રેકટીકલ જ્ઞાાન નથી ધરાવતો. તે આગામી ટેકનોલોજીના કે તેની જોબ સામે કેવા પડકારો આવી શકે છે તે માટે સજ્જ નથી.' આવો જ સુર અન્ય કંપનીનાં માલિકોનો છે. આથી જ પશ્ચિમના દેશો તેના કર્મચારી કે વ્યવસાયીને ભલે બીજા બે વર્ષ અભ્યાસ કરવો પડે પણ તેમના દેશની પરીક્ષામાં ઉત્તીર્ણ થવું અનિવાર્ય  માને છે.ઘણા અભ્યાસક્રમમાં ભારતમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હોય તો પણ વિદેશનો અભ્યાસ કે ડિગ્રી જરૂરી મનાય છે.

ભારતમાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના કિસ્સા પણ વધતા જાય છે. પરીક્ષાને અવસર કરતા વાલીઓ પણ તનાવ તરીકે જુએ છે. 

આવી સ્થિતિ વચ્ચે ચીનની  વધુ એક તાકાત પણ જાણી લો કે વિશ્વની સૌથી મોટી જ નહીં પણ સૌથી અઘરી પ્રવેશ પરીક્ષા પણ ચીનના નામે છે અને આ પરીક્ષાનું નામ "Gaokao"('ગોકો' કે 'ગાઓકાઓ' તેવો ઉચ્ચાર થાય) છે. ચીનની ભાષામાં નેશનલ હાયર એજ્યુકેશન એક્ઝામ તેમ અર્થ થાય. ભારતમાં ૨૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસતા હોય છે તેની સામે "Gaokao"માં ગયા અઠવાડિયે અભૂતપૂર્વ રીતે ચીને ૧ કરોડ ૩૪ લાખ વિદ્યાર્થીઓની બે દિવસની આ પરીક્ષા પાર પાડી એટલું જ નહીં પરિણામ પણ આજકાલમાં આવી જશે. ચીનની આ પરીક્ષા વિશ્વની સૌથી મોટી અને સૌથી કઠિન પ્રવેશ પરીક્ષા મનાય છે.  ચીનનું સાહિત્ય, ગણિત, અંગ્રેજી, ભૌતિક વિજ્ઞાાન,રસાયણ શાસ્ત્ર, રાજકારણ અને ઇતિહાસના મૂળભૂત પ્રકરણો ચીનના તમામ વિદ્યાર્થીઓએ જાણવા જરૂરી હોય છે. આથી જ કોઈપણ વિદ્યાશાખાનું પાયાનું જ્ઞાાન પ્રત્યેક વિદ્યાર્થી માટે જાણવું જરૂરી હોય છે. ચીનમાં બસ આ એક જ પ્રવેશ પરીક્ષા છે. તમને જાણીને નવાઈ લાગશે કે બંને દિવસ  દસ - દસ કલાકની પરીક્ષા  હોય છે. ૭૫૦ માર્કની પરીક્ષામાંથી ૬૫૦ માર્ક તો મેરીટ લીસ્ટમાં સ્થાન મેળવવા લાવવા જ પડતા હોય છે. આટલી મોટી પરીક્ષાના તમામ સેન્ટર સી.સી.ટી.વી.કેમેરાથી સજ્જ હોય છે. ચીનની સેના પણ પરીક્ષા સાંગોપાંગ પાર પડે એટલે ફરજ પર મુકાતી હોય છે.આ પરીક્ષા પાસ કરવા વિદ્યાર્થી છેલ્લા બે ત્રણ વર્ષ અગાઉથી રોજના ૧૨ કલાક અભ્યાસ કરતો હોય છે. શિક્ષકો કહે છે કે આ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે જંગમાં ઉતરવા સમાન છે. જે કારકિર્દીને ઘડે છે. વિદ્યાર્થીઓ મનોબળ વધારવા યુધ્ધ ગીતો ગાતા હોય છે.

૨૦૧૬થી ચીનમાં કાયદો પ્રવર્તે છે કે આ પરીક્ષામાં ગડબડ કરનાર કે તેમાં સામેલને કોઈ કાનૂની પ્રક્રિયા વગર ૭ વર્ષ માટે જેલભેગો કરાય છે

તેની સામે ભારતમાં તો કેટલીયે શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સીટીઓ  પોતપોતાની જુદી જુદી પ્રવેશ પરીક્ષા પણ યોજતી હોઈ બિચારા વિદ્યાર્થીઓ અને વાલીઓ આર્થિક, માનસિક અને સામાજિક રીતે રીતે ખતમ થઈ જતાં હોય છે. તેમાં પણ એક પરીક્ષા એક તારીખે અને સ્થળે અને બીજી, ત્રીજીનું કેલેન્ડર પાછું જુદું. એકનું પરિણામ આવ્યું હોય અને ફી ભરવાની ડેડલાઈન આવીને ઉભી રહે અને જ્યાં પ્રવેશ લેવાની ઇચ્છા હોય ત્યાં હજુ મેરીટ લીસ્ટ બનવાને વાર હોય. ચીનમાં હાયર સેકન્ડરી પૂરું કર્યા પછી મેડીકલ, એન્જીનીયરીંગ, ફાર્મસી, કોમર્સ, મેનેજમેન્ટ, આર્ટસ અને કાયદા શાખાઓ માટે યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવવા માટે આખા દેશની એક જ કાર્યક્રમ હેઠળ  પ્રવેશ પરીક્ષા યોજવામાં આવે. સ્વાભાવિક છે કે તમામ વિષયોના ડીગ્રી પ્રવેશ માટેની પરીક્ષા હોઈ દોઢેક કરોડ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે. જરા કલ્પના કરો કેવું વિરાટ છતાં પારદર્શક પરીક્ષા તંત્ર ગોઠવાતું હશે.

પરીક્ષા પૂરી થયા પછી મેરીટ લીસ્ટ પણ આખા દેશનું એક જ બને! ચીનની ૩૦૦૦ યુનિવર્સિટીઓમાં પ્રવેશનું મેરીટ લિસ્ટ બહાર પડે. ૫૦થી ૬૦ ટકા પરિણામ આવે એટલે કે દર વર્ષે ૫૦ લાખ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે. ચીનનો નાગરિક ગમે ત્યારે અને ઈચ્છે એટલી વખત આ પ્રવેશ પરીક્ષા આપી શકે છે આને કારણે ૫૦ વર્ષની વયના પણ પરીક્ષાર્થી હોય છે. એવા નાગરિકો પૈકી એક ખેડૂતનું ઉદાહરણ લઈએ.આ વ્યક્તિ ફી ભરીને જ્યારે વિદ્યાર્થી હતો ત્યારે ટોચની યુનિવર્સિટીમાં  ફી મોંઘી લાગતી હોઈ તે વખતે અભ્યાસ કરવો શક્ય નહતો. તે પછીના તેના વર્ષો પરિવારનાં ઉછેરમાં જ ગયા હતા તેવા ૪૯ વર્ષની વયના ખેડૂતે  આ પરીક્ષા આપી હતી. આવા તો કેટલાય ઉદાહરણો છે.

ભારતમાં પણ કોઈપણ વયે પરીક્ષા અને ગમે તેટલી ટ્રાયલ આપી શકાય તેવું વિચારવા જેવું ખરું.

ચીનમાં અવારનવાર મહત્તમ ભાગમાં આપણા બિહાર અને આસામ જેવા પ્રચંડ પૂર અને ભારે વરસાદ પડી જતી હોય છે. ચીનની સરકાર પરીક્ષાના દિવસે આવો કુદરતી પડકાર સર્જાય તો પરીક્ષા મોકૂફ નથી રાખતું. પણ હજારો બોટ અને ફેરીઓ ઉતારે છે. વિદ્યાર્થીઓને પણ ખબર જ હોય છે કે વિષમ પરિસ્થિતિ વચ્ચે  તેને પરીક્ષા આપવા જવું જ પડશે.

વિદ્યાર્થીઓ માટે  જાહેર અને ખાનગી બસ, વાહનોને હુકમ ફરમાવી દેવામાં આવે કે  તેઓએ જરૂર પડયે વિદ્યાર્થીઓને મફતમાં પરીક્ષા કેન્દ્રમાં પહોંચાડવાનાં રહેશે. શાળાઓ, કોલેજો, સરકારી સંસ્થાઓ, બોર્ડિંગ અને હોટલોની પણ યાદી બનાવી વિદ્યાર્થીઓને રાત્રી રોકાણ કરવું પડે તો ક્યાં  વ્યવસ્થા કરવામાં આવી છે તેની યાદી શિક્ષણ વિભાગ કેટલાક દિવસો પહેલાથી ઓનલાઇન મૂકી દે છે. જો કોઈ સંસ્થા કે વાહન વિદ્યાર્થીની વ્યવસ્થા ન કરે તો વિદ્યાર્થીઓને નંબર અપાય છે તેના પર ફરિયાદ કરવાની રહે છે. ટ્રાફિક પોલીસ પરીક્ષાના બંને દિવસો સવારના છ વાગ્યાથી ફરજ પર હાજર થઈ જાય છે. ચીનમાં બધા  જિનપિંગ સરકારથી ડરે છે. જિનપિંગ પોતે રાષ્ટ્રીય ચેનલ પર વિદ્યાર્થીઓ જોગ મેસેજ આપે છે કે  પરીક્ષા એ માત્ર પરીક્ષા નથી પણ દેશને વિશ્વમાં મોખરે લઇ જવા માટેનો અવસર છે.  

ચીનની પ્રવેશ પરીક્ષાનું ધ્યેય આગળ જતા વિદ્યાર્થી ગૂગલની પરીક્ષામાં પુછાય છે તેવા અતિ પેચીદા અને મગજનું દહીં કરી નાખે તેવા પ્રશ્નો માટે તૈયાર થાય તે પ્રકારનું છે. આથી જ"Gaokao"વિશ્વની સૌથી પડકારજનક પરીક્ષા મનાય છે. હેતુલક્ષી સિવાયના થિયરી સેકશનમાં  ચીન અને જિનપિંગનું વિશ્વ માટેનું સ્વપ્ન, ચીનની સંસ્કૃતિનું ગૌરવ, સાઉથ ચાઈના અને પડકારો, ચાઈના વન બેલ્ટ વન રોડ અને કોરીડોર, વર્તમાન વિશ્વના યુધ્ધો અને ચીનની ભૂમિકા, પશ્ચિમના દેશોના પ્રતિબંધાત્મક પગલાં સામેના ઉપાયો કયા?, ચીન અને જીઓ પોલિટિકસ જેવા વિષયો પર પણ  નિબંધ પુછાતા હોય છે. ઓબ્જેક્ટીવ પરીક્ષા પણ ભારે ભેજાબાજ હોય છે.

આ પરીક્ષાની મહત્તા ચીનના અને વિશ્વના સેલિબ્રિટી પણ જાણે છે તેથી જેક મા હોય કે ડેવિડ બેકહામ સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવે છે. ચીનમાં ઉત્સવ જેવો માહોલ હોય છે. વાલીઓ ચીનમાં શુકનવંતો મનાતા લાલ રંગના કપડા પહેરીને અને હાથમાં શુભ મનાતું સુર્યમુખીનું ફૂલ લઈને પરીક્ષા ખંડની બહાર ઊભા રહે છે. બે કરોડથી વધુ સૂર્યમુખી ફૂલનું વેચાણ દેશવ્યાપી થાય છે.

અમેરિકામાં આમ તો SAT  અને બ્રિટનમાં ટાયર વન પરીક્ષા ગ્રેજ્યુએશન માટે માન્ય છે પણ Gaokaoનું સ્તર એટલું ઉચ્ચ મનાય છે કે વિદેશની ઘણી રેન્ક યુનિવર્સીટી આ પરીક્ષાના પરિણામના આધારે ચીનના વિદ્યાર્થીઓને સીધો પ્રવેશ આપે છે. 

ભારતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની વિશ્વસનીયતા ઘટતી જાય છે. તેઓના અભ્યાસક્રમમાં પણ નવી દુનિયા સાથે તાલ મિલાવતું કે ભાવિ પડકારો સામે સજ્જ કરતું ખૂટે છે ત્યારે શિક્ષણ વિભાગ અને દેશના નેતાઓએ આવી પરીક્ષાને રાષ્ટ્ર નિર્માણ તરીકે જોવી જોઈએ. 


Google NewsGoogle News