Get The App

ચંદ્રિકા ટંડન: વેદિક મંત્રોના વિશ્વપ્રસારક

Updated: Feb 11th, 2025


Google NewsGoogle News
ચંદ્રિકા ટંડન: વેદિક મંત્રોના વિશ્વપ્રસારક 1 - image


- 'મૃત્યુંજય, ઓમ સહનાવવતુ..ઓમ પૂર્ણમદ:' જેવા મંત્રોનું આલબમ ગ્રેમી એવોર્ડ જીત્યું

- વિવિધા-ભવેન કચ્છી

- નાની બહેન ઇન્દ્રા નૂયી પેપ્સીકોમાં સી.ઇ.ઓ. હતા જ્યારે  મોટા બહેન ચંદ્રિકા ટંડન અમેરિકાની વિખ્યાત મેકેન્ઝી કંપનીના સૌ પ્રથમ ભારતીય પાર્ટનર બન્યા : સાડી પહેરીને ઇન્ટરવ્યુ આપ્યા

- વેદિક મંત્રોમાં પીડા શમન અને તનાવ મુક્ત કરવાની તાકાત છે અને તેવા જ  આલબમ ચંદ્રિકા તૈયાર કરે છે

લો સ એન્જલસના  હોલમાં વર્ષના શ્રેષ્ઠ જુદી જુદી કેટેગરીના મ્યુઝિક આલબમને ગ્રેમી એવોર્ડથી નવાજવામાં આવી રહ્યા હતા. ગ્રેમી એવોર્ડ સંગીતની દુનિયાના ઓસ્કાર એવોર્ડ જેવી મહત્તા ધરાવે છે. 'ચાન્ટ એન્ડ ન્યુ એજ'  કેટેગરીમાં નોમીનેટ થયેલા આલબમની ઝલક મોટા પડદા પર રજૂ થઈ રહી ત્યારે હોલ 'ઓમ સહાનાવવતું..,' 'ઓમ પૂર્ણ મદ:..' , 'ઓમ શાંતિ શાંતિ..'  સાથે ગુંજી ઉઠયો હતો. ઉપસ્થિત વિશ્વના  જ્ઞાાની દર્શકો મંત્રની ભાષા જાણતા નહોતા છતાં તેની ગાયકી, સંગીત અને મંત્રના પ્રભાવ માત્રથી જાણે ક્ષણિક ધ્યાનમાં ગરકાવ થઈ ગયા હતા.

...અને જ્યારે ‘award goes to Chandrika tondon, Eru Matsumotu and Wouter  Kellerman for their album -  Triveni ' તેવી જાહેરાત થઇ ત્યારે હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠયો હતો. સ્ટેજ પર એવોર્ડ સ્વીકારતા ૭૧ વર્ષીય ચંદ્રિકા ટંડને સંગીતનો પ્રભાવ અને મહિમા વિશે તો કહ્યું જ પણ તે સાથે ઉમેર્યું હતું કે 'પ્રાચીન ભારતના મંત્રો આ  આલબમમાં છે અને તેને સામેલ કરતા હું ગૌરવ અને મારું અહોભાગ્ય સમજુ  છું. આપણી આંતરિક અને બાહ્ય પીડા દૂર કરતા (healing)  આ મંત્રો છે.'

હાલ જ્યારે ત્રિવેણી સંગમના મહાત્મ્ય સમાન કુંભમેળો જારી જ છે તે જ અરસામાં જોગાનુજોગ 'ત્રિવેણી' આલબમ  અને તે પણ આપણા પ્રાચીન મંત્રોને વિશ્વ ફલક પર મૂકતું આલબમ ગ્રેમી એવોર્ડ જીતે તે એક સુખદ સંયોગ જ કહી શકાય.

આલબમનું નામ 'ત્રિવેણી'  એ રીતે પણ સાર્થક છે કે 'આલબમ' માં પ્રદાન આપનાર  ત્રણ કલાકારો જુદાજુદા દેશના છે અને તેઓએ તેમના દેશના પ્રાચીન શૈલીના વાદ્ય  સંગીતને કંપોઝમાં વણીને આલબમ તૈયાર કર્યું છે.

મૂળ ભારતના ચંદ્રિકા ટંડન કંઠય ,  વાયોલિન પ્રકારના વાદ્ય 'Cello'ના વિખ્યાત  વાદક જાપાનના એરૂ માત્સુમોટુ અને દક્ષિણ આફ્રિકાના વાંસળી વાદક વાઉટર કેલેરમેને આ આલબમ તૈયાર કર્યું છે.

ચંદ્રિકા ટંડને એવોર્ડ સમારંભ બાદ મીડિયાને સંબોધતા કહ્યું કે 'પ્રાચીન ભારતના આ મંત્રોના અર્થમાં ગૂઢ તત્ત્વજ્ઞાાન તો છે જ પણ આ મંત્રોની રચના અને પઠન કરવાની પદ્ધતિ એવી ગજબ રીતે (પ્રાચીન સમયમાં) થઈ છે કે તેનો અર્થ ખબર ન હોય તો પણ તેના એવા આંદોલનો પેદા થાય છે કે જે આપણને દિવ્ય શાંતિ અને પીડા શમનનો અનુભવ કરાવે છે.'

ચંદ્રિકા ટંડનને એવોર્ડ કરતા પણ વિશેષ આનંદ એ વાતનો થયો કે 'પ્રાચીન ભારતના આ મંત્રોને વિશ્વ ફલક પર લાવવા માટે તે નિમિત્ત બન્યા.'

'સ્પોટીફાય ' મ્યુઝિક એપ પર સાત ટ્રેક ધરાવતા આ આલબમને સાંભળી શકાય છે.

વિશેષ ગૌરવની વાત એ છે કે ચંદ્રિકા ટંડન અમેરિકાના કોર્પોરેટ અને મેનેજમેન્ટ જગતમાં જાણીતું નામ છે. તેમના સગા નાના બહેન ઇન્દ્રા નૂયી પેપ્સીકો કંપનીના સી.ઇ.ઓ. રહી ચૂક્યા છે જ્યારે ચંદ્રિકા ટંડન અમેરિકાની જગવિખ્યાત મેકેન્ઝી કંપનીના પાર્ટનર તરીકે રહેનાર પ્રથમ ભારતીય હતા. 

પશ્ચિમ  જગતના જે અપનાવવા જેવા ન હોય તે  પાસાઓનું આપણી મહિલાઓ અનુકરણ કરે છે તેમને માટે ઉદાહરણ રૂપ બની રહે તેમ ચંદ્રિકા ટંડન નખશિખ ભારતીય છે. ગ્રેમી એવોર્ડ લેવા પણ તેઓ સલવાર કુર્તા પહેરીને ગયા હતા.તેમને ઘેર પણ દક્ષિણ ભારતના પરંપરા સાચવતા પરિવારની જેમ જ રહે છે.એમ તો તેમના બહેન ઇન્દ્રા નૂયી પણ સી.ઇ.ઓ.ની ફરજ નિભાવી ઘેર પરત આવતા કરિયાણું કે દૂધ લઈ આવતા. 

ચંદ્રિકા ટંડન તેમની કારકિર્દીમાં પૂર્ણ સમય તો ઉચ્ચ પોસ્ટ પર રહ્યા છે પણ આપણા પ્રાચીન મંત્રો, શ્લોકો,સ્તુતિના વારસાનો વૈશ્વિક ફેલાવો કરવાની તેમની ભાવનાને લીધે વખતોવખત તેમણે વિશ્વના જુદાજુદા દેશોના વાદ્યકારો સાથે મળીને વિવિધ સંસ્કૃતિનું 'ફ્યુઝન' પેશ કરીને આલબમ બહાર પાડયા છે. છેક ૨૦૧૧માં પણ હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં સ્થાન પામેલા 'ઓમ નમો નારાયણ' શ્રેણીના મંત્રોનું આલબમ ગ્રેમીમાં નોમિનેટ થયું હતું પણ તે વખતે એવોર્ડ જીતવા માટે સફળ નહોતા થયા. ગ્રેમી  એવોર્ડ લેવા માટે સ્ટેજ પર તેઓ  મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલ ભારતીય ટ્રેડીશનલ સલવાર શૂટ, સોનાની જ્વેલરી અને ઓછી હિલના સેન્ડલ પહેરીને ગયા હતા.તે પછી યોજાયેલ પાર્ટીમાં પણ ઓરેન્જ દુપટ્ટા સાથેના સલવાર શૂટ અને નેકલેસ, માળા તેમજ હાથમાં કડા પહેરીને ગયા હતા.

ચંદ્રિકા અને ઇન્દ્રા બંને બહેનોનો ઉછેર ચેન્નઈમાં ખૂબ જ સાદગીસભર અને મઘ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણમૂર્તિ બેંકમાં નોકરી કરતા હતા. તેમની માતાનો વારસો ચંદ્રિકાને મળ્યો હતો કેમ કે માતા શાંતાએ દક્ષિણ ભારતીય સંગીતમાં તાલીમ લીધી હતી. બાળ વયે ચંદ્રિકાને સુવાડતી વખતે માતા દેવ દેવીઓના પાઠ અને મંત્રો બોલતા.પછી તો એવું બનતું કે ચંદ્રિકાને મંત્રો સાંભળે તો જ ઊંઘ આવતી. બે ઓરડા  અને રસોડા ધરાવતા જૂના પુરાણા ઘરમાં બંને બહેનોનો ઉછેર થયો હતો. ઘેર કચરા પોતાં કરીને કોલેજ જતી.

ચંદ્રિકાના માતા ખૂબ જ જુનવાણી માનસ ધરાવતા હતા. તે તો એવું જ ઈચ્છતા હતા કે દીકરીઓએ ૧૮ વર્ષ થતાં જ લગ્ન કરી લેવા જોઈએ. જો કે બાળ વયથી ચંદ્રિકા તેના દાદા કે જેઓ જજ હતા તેમની પાસેથી તેઓએ જ્યાં અભ્યાસ કર્યો હતો તેવી ચેન્નાઈની ક્રિશ્ચયન કોલેજની વાત સાંભળતા.વિશેષ તો તે વખતના લેજેન્ડ સમાન પ્રિન્સિપાલ એલેક્ઝાન્ડર બોયડની  શિક્ષણ પદ્ધતિના દાદા પ્રસંગો કહેતા.  ચંદ્રિકા રોમાંચિત થઈ જતા.  ચંદ્રિકાએ નિશ્ચય કર્યો હતો કે તે મોટી થઈને  ક્રિશ્ચિયન કોલેજમાંથી જ  સ્નાતક થશે. તે વખતે ક્રિશ્ચિયન કોલેજમાં  મહત્તમ છોકરાઓ જ અભ્યાસ કરતા હતા. કોલેજ પણ દૂર હોઇ ટ્રેનમાં બેસીને જવું પડતું હતું. એક તરફ માતા તરફથી લગ્ન માટે દબાણ અને બીજી તરફ ચંદ્રિકાનો અભ્યાસ અને તે પણ છોકરા વધુ હોય તે કોલેજમાં અભ્યાસ કરવાનો પ્રસ્તાવ. માતા શાંતા કોઈ હિસાબે માનતા જ નહોતા ત્યારે ચંદ્રિકા ભૂખ હડતાળ પર ઉતર્યા હતા અને આખરે માતાને ઝૂકવું પડયું હતું.તેમની કોન્વેન્ટ સ્કૂલના પ્રિન્સિપાલ મધર નેસુન માતાને સમજાવવા ખાસ ઘેર પણ આવ્યા હતા.

વર્ષો પછી અમેરિકામાં ખૂબ ડોલર કમાયા પછી ચંદ્રિકા અને તેના પતિએ ક્રિશ્ચયન કોલેજમાં ૨૦ લાખ ડોલરનું  દાન આપી બોયડ ટંડન સ્કૂલ ઓફ બિઝનેસ શાખાની સ્થાપના કરી ત્યારે તેમના જજ રહી ચૂકેલા દાદાને પણ યાદ કર્ર્યા અને બોયડ નામ પણ બીઝનેસ શાખાને આપ્યું.

ક્રિશ્ચયન કોલેજમાં અભ્યાસ દરમ્યાન ચંદ્રિકા સૌ પ્રથમ વખત વાર્ષિક કાર્યક્રમોમાં  જાહેરમાં ગાયકીની પ્રસ્તુતિ કરતા પણ તેમાં મહદ અંશે મંત્રો, શ્લોકો અને ભજન વધારે રહેતા. વિખ્યાત પ્રોફેસર સ્વામીનાથન  ચંદ્રિકાની કારકિર્દીથી પ્રભાવિત હોઇ અમદાવાદ આઇ.આઇ.એમ.માં અભ્યાસ કરવાની સલાહ આપી.

આ માટેના ઇન્ટરવ્યુમાં એક ફ્રેન્ચ પ્રોફેસર પણ હતા. તેમણે બાયો ડેટામાં જોયું કે 'મને ફ્રેન્ચ ભાષામાં અને સંગીતમાં રસ છે.' તેમણે ચંદ્રિકાને ફ્રેન્ચ ગીત ગાવાનું કહ્યું. ચંદ્રિકાના ગાયન અને ફ્રેન્ચ ઉચ્ચારોથી પ્રોફેસર પ્રભાવિત થયા.અન્ય વિષયોના ઇન્ટરવ્યુ પણ સારા રહેતા પ્રવેશ મળ્યો.

આઇ.આઇ.એમ.ની ડિગ્રી બાદ સિટીબેંકના ગ્લોબલ ઇન્ટરવ્યુમાં ચંદ્રિકા સફળ રહેતા તેમનું પોસ્ટિંગ લેબનોનના બૈરૂતમાં થયું.આ જોબ ત્રણ વર્ષ ચાલી. નોકરી સાથે ત્રણ જુદાજુદા વિષયો પર પી.એચડી પણ કર્યું હતું. બૈરૂતમાં યુદ્ધ થતાં સિટીબેન્કે ચંદ્રિકાને ન્યુયોર્ક ઓફિસમાં બદલી કરી.અત્યાર સુધી તેમણે સાડી જ પહેરી હતી. બધા તેની સામે અચરજથી જોતા. તે દરમ્યાન અમેરિકાની મેકેન્ઝી કંપનીમાં જગ્યા હોઇ તેના ઇન્ટરવ્યુમાં ચંદ્રિકા ગયા. ખૂબ ઊંચી પોસ્ટ હોઇ ત્રણ દિવસમાં ૧૬ ઇન્ટરવ્યુ થયા જે દરમ્યાન ચંદ્રિકાએ ખાસ ખરીદેલ ત્રણ સાડી પહેરી હતી. ચંપલ પણ હિલ વગરના અંગૂઠા દેખાય તેવા હતા.

મેકેન્ઝીમાં પાર્ટનર તરીકે ૧૯૭૯થી ૧૯૯૦ સુધી વીતાવ્યા પછી  પતિ સાથે મળીને પોતાની કેપિટલ કંપની સ્થાપી. જેમાં આજે પણ કાર્યયંત છે. દરમ્યાન પુત્રીનો વેદિક મંત્રો સાથે ઉછેર કર્યો અને  હવે પૌત્રીને પણ હવે મંત્રો, શ્લોેક બોલીને પારંગત કરી છે  સંગીતની યાત્રા તો સમાંતર ધોરણે જારી જ રહી. તેમની મેકેન્ઝીની જોબ એવી હતી કે દર દસ દિવસે ન્યૂયોર્કથી ૩૨ કલાકની ફલાઇટમાં ઓસ્ટ્રેેલિયા જવંે પડતું.આમ છતાં કાર ચલાવતા કે ફ્લાઇટમાં ધીમા અવાજે સામ વેદ, વેદિક મંત્રો અને કાર્નેટિક સંગીત  નિત્ય ક્રમ જળવાઈ રહે તેનો પ્રયત્ન કરતા. ચેન્નઈમાં શુભ્રા ગુહા પાસેથી વાદ્ય અને ગિરીશ વાઝાલકર પાસેથી કંઠય સંગીતની પધ્ધતિસર તાલીમ પણ ચંદ્રિકાએ લીધી હતી જે જ્ઞાાન આગળ ધપાવ્યું છે.

તેઓ વિશ્વનું એવું જ સંગીત સાંભળે છે જે સુખદ અને પ્રસન્ન લાગણી જન્માવે. મંત્રો અને સંગીતમાં હીલિંગ પાવર છે તેમ તે કહે છે.

ચંદ્રિકા ટંડનને માત્ર સંગીતજ્ઞા માનવાની ભૂલ ન કરતા. પતિ રાજ ટંડન સાથેની ટંડન કેપિટલ અને એક અલાયદા ફાઉન્ડેશન પણ સાંભળે છે. પતિ પત્ની બંને  સમાજને પરત આપવાની ભાવના ધરાવતા હોઇ ૧૦ કરોડ ડોલરનું દાન તેઓએ ન્યુયોર્ક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગને વર્ષ ૨૦૧૫માં કર્યું હતું.

ચંદ્રિકા ટંડન ભારતીય અને હિન્દુ સંસ્કૃતિના બ્રાન્ડ એમ્બેસેડર પણ કહી શકાય. 


Google NewsGoogle News