જયદેવ જયદેવ જય મંગલમૂર્તિ .

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
જયદેવ જયદેવ જય મંગલમૂર્તિ                                    . 1 - image


- ભગવાન ગણપતિ એકદંતા પણ કેમ કહેવાય છે? ગણપતિની સૌથી પ્રાચીન સચવાયેલી મૂર્ર્તિ ક્યાં છે?

- વિવિધા-ભવેન કચ્છી

- લોકમાન્ય ટિળકની આગવી દ્રષ્ટિ : ગણપતિનો તહેવાર  એટલે સંઘભાવના અને સમરસતા કેળવવા માટેનો મંચ 

ભ ગવાન ગણપતિનો તહેવાર હવે ઘેર ઘેર સ્થાપન સુધીની શ્રધ્ધાની હેલી વરસાવી રહ્યો છે.દિવાળી અને બેસતા વર્ષની જેમ મિત્રો સને સગા સ્નેહીઓ એકબીજાને ઘેર જઈ દર્શન કરે છે. પ્રસાદી હવે પાર્ટીમાં રૂપાંતરિત થતી જાય છે.ગણપતિ નામમાં જ ગણ એટલે કે નાગરિકોના સમૂહ અને તેઓનાં ભગવાન તેઓ સ્પષ્ટ અર્થ તારવી શકાય છે. ગણપતિ ભગવાન અને ઉજવણીની કેટલીક પ્રાસંગિક શાબ્દિક પ્રસાદી ગ્રહણ કરીએ.

ગણપતિ ઉત્સવનો પ્રારંભ 

ઋગવેદમાં ભગવાન ગણપતિનો સંદર્ભ હોઇ પ્રાચીન કાળથી ગણપતિ ઉત્સવ ભાદરવા સુદ ચોથથી દસ દિવસ માટે એટલે કે અનંત ચતુર્દશી સુધી ઉજવાતો.પુરાણમાં ગણપતિનો જન્મ ચોથના દિવસે થયો હોવાનું મનાય છે. જો કે જે દસ્તાવેજી પ્રાપ્ય છે તે મુજબ ઇતિહાસવિદ્દ રાજવાડેએ નોંધ્યું છે કે ચાલુક્ય શાસન અને તે પહેલાથી ગણપતિ ઉત્સવ ઉજવાતો હતો. ચોથી અને પાંચમી સદી અને ગુપ્ત શાસનમાં પણ ઉજવણીનો ઉલ્લેખ છે.નવમી સદીમાં તેની ઉજવણી સમૂહમાં થતી પણ વચ્ચેની કેટલીક સદીઓની માહિતી નથી મળતી.

તે પછી છત્રપતિ શિવાજી મહારાજે મહારાષ્ટ્રમાં દેશપ્રેમ અને સાંસ્કૃતિક ભાવના પ્રબળ બને એટલે આ ઉત્સવને પ્રોત્સાહન આપ્યું હતું. પૂણેમાં પેશવા શાસકોમાં તો એ રીતે ગણપતિ ઉજવણીએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું કે પેશવાના દરબારમાં રાજાની હાજરીમાં ગણપતિ પૂજા થાય તેનું પેઇન્ટિંગ કરવા સ્કોટલેન્ડ અને બ્રિટનના પ્રખ્યાત ચિત્રકારો આવતા. ૧૭૯૨ની સાલમાં તૈયાર થયેલ આવા પેઇન્ટિંગ આજે પણ આર્કાઇવ્સમાં ઉપલબ્ધ છે.તે પછી અંગ્રેજોના શાસનમાં કેટલાક વર્ષો આ ઉજવણી મંદ પડી હતી.

ક્રિષ્નાજીપંત ખાસ્ગીવાલેનું યોગદાન

૧૮૯૨ની સાલમાં પૂણેથી ક્રિષ્નાજીપંત મરાઠા શાસિત ગ્વાલિયરની મુલાકાતે ગયા હતા જ્યાં ગણપતિ ઉત્સવની ઉજવણી જોઈને તેઓ બહુ પ્રભાવિત થયા હતા. પૂણે પરત આવીને તેમણે તેમના મિત્ર  ભાઉસાહેબ લક્ષ્મણ જાવાલે કે જેઓ ભાઉ રંગારી તરીકે પણ જાણીતા હતા તેમને  આ વાત કરી અને તેઓએ નક્કી કર્યું કે આપણે આ પ્રથા પૂણેમાં શરૂ કરીએ. તેઓ ગામમાં આગેવાન હતા. સાર્વજનિક ગણપતિની ભાદરવા સુદ ચોથે તેઓએ સ્થાપના કરી.

લોકમાન્ય ટિળકનું પ્રદાન

જો કે વર્તમાન ગણપતિ ઉત્સવનો ખરો શ્રેય લોકમાન્ય ટિળકને આપવો જોઈએ. ૧૮૯૩ના તેમના અખબાર 'કેસરી'માં તેમણે ભાઉસાહેબ લક્ષ્મણ અને ક્રિષ્નાજી પંતના પ્રયાસને બિરદાવતો લેખ લખ્યો હતો. અંગ્રેજોના રાજમાં આ ઉજવણી વિસરાઈ હતી ત્યાં જ લોકમાન્ય ટિળકને વિચાર સ્ફૂર્યો કે અંગ્રેજોએ  નાગરિકો અમુક સંખ્યાથી વધુ ભેગા ન થઈ શકે તેવું ફરમાન બહાર પાડયું છે ત્યારે ગણપતિ ઉત્સવને આગળ કરી નાગરિકોમાં સંગઠનની ભાવના જગાડી શકાય.નાગરિકોમાં ધર્મ અને સંસ્કૃતિ માટે ગૌરવની લાગણી પેદા થાય અને દેશ પ્રત્યેનો પ્રેમ પણ ઉપસાવી શકાય. તે વખતે હિન્દુ ધર્મ વિખેરાઈ ગયો હતો. જ્ઞાતિ વાદને આગળ ધરી સવર્ણો જ ધાર્મિક ઉજવણીમાં આધિપત્ય ધરાવતા હતા. દેશના નાગરિકો વહેંચાઈ ગયા હતા. ભેદભાવની લાગણી પ્રબળ હતી તે જોતાં અંગ્રેજોને ભાવતું મળી ગયું હતું. લોકમાન્યએ ગણપતિ ઉત્સવ મહારાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં પંડાલ પ્રથાથી મૂર્તિ સ્થાપન સાથે ઉજવવાની 'કેસરી' અખબાર દ્વારા ટહેલ નાંખી. અંગ્રેજોના નાગરિકોના ભેગા નહીં થવા દેવાના ફરમાનનો પણ આ રીતે સવિનય ભંગ થાય. તેમણે પ્રત્યેક વિસ્તારની  ઊંચ નીચ તેવા ભેદભાવ વીનાની સમિતિ ઉજવણી માટે બને તેવો આગ્રહ રાખ્યો આમ ગણપતિ ઉત્સવ પહેલો એવો તહેવાર બન્યો જેમાં નાગરિકો દેશના એક નાગરિક તરીકે એકજૂટ થયા. મુસ્લિમ સમુદાયો પણ તેમની રીતે સહકાર આપીને દેશપ્રેમની ભાવના વ્યક્ત કરતા હતા. પંડાલના કાર્યક્રમોમાં પણ હાજરી આપતા હતા. આજે પણ એવા ઉદાહરણ જોવા મળે જ છે.વિસર્જન નદી કે સમુદ્રમાં કરવાનો પણ લોકમાન્યનો જ વિચાર હતો.ગણપતિ ઉત્સવના દસ દિવસ ભજન, સંગીત નાટિકા, વકતૃત્વ સ્પર્ધા, કાવ્ય પઠન અને શાસ્ત્રીય નૃત્યના કાર્યક્રમો રોજ રાત્રે પંડાલમાં થતાં. પ્રસ્તુતિના વિષયમાં  કેન્દ્ર સ્થાને ભારત દેશ, આપણી સંસ્કૃતિ અને ધર્મ જાગૃતિનો રહેતો.

લોકમાન્ય ટિળકનો બ્રાહ્મણ અને અન્યનો ભેદ મીટાવવાનો હેતુ સફળ થયો. બ્રિટિશ શાસન વિરુદ્ધ ભારતીય નાગરિક તેવો મિજાજ કેળવાયો.

મહારાષ્ટ્ર પછી ક્રમશ: તમિલનાડુ, કર્ણાટક,આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ ગણપતિના આ તહેવારે રાષ્ટ્રીય ઉજવણી તરીકે તેનો સ્વીકાર કર્યો.આ તહેવારે ગણપતિની મીની મૂર્તિથી માંડી ૩૦ મીટર સુધીની મૂર્તિ તૈયાર કરવાની કળા અને  હુન્નરને જન્મ આપ્યો. ગણપતિના પેઇન્ટિંગ, ગણપતિના ગિફ્ટ આર્ટિકલ , ગણપતિના કેલેન્ડર , મોદક સહિતની મીઠાઈ દ્વારા રોજગારી અને કળા પ્રતિભા પ્રદર્શનની એક જાણે નવી શાખા જ ખુલી. ઘર, દુકાન, વેપાર,ઉદ્યોગ કે કોઈપણ શુભ પ્રસંગનો ગણપતિ પૂજા કે શ્લોક સાથે થાય છે.ગણપતિને આથી જ વિઘ્નહર્તા - વિઘ્નેશ્વરા પણ કહેવાય છે.

ત્રણ ગ્રંથોમાં ગાથા

ગણપતિ અંગે વેદો અને પુરાણમાં તો ઘણા સંદર્ભ અને પ્રસંગો છે પણ ગણપતિને સમપત ત્રણ અલાયદા ગ્રંથો ગણેશ પુરાણ, મુદુગ્લા પુરાણ અને ગણપતિ અથર્વર્શિષા છે.ગણેશના સહસ્ત્રનામ પણ શ્રધ્ધાળુઓ પઠન કરે છે. સંસ્કૃતના પ્રાચીન શબ્દ કોષ 'અમરકોષ' પ્રમાણે ગણપતિના આઠ સમાનાર્થી નામ છે. જેમ કે વિઘ્નહરા, વિનાયક, દ્વેઇમાતુરા (જેને બે માતા છે તેવા), ગણાધિપા, એકદંતા, હેરાંબા, લંબોદરા (મોટું પેટ ધારક) , ગજાનન( હાથીનું  મુખ ધરાવનાર)નો અષ્ટ વિનાયકમાં સમાવેશ થાય છે.

તમિલનાડુમાં ગણપતિ 'પિલ્લાઈયર' તરીકે પૂજાય છે તેનો અર્થ બાળ કે કિશોર વયના હાથીની શુંઢ અને દાંત ધરાવનાર ભગવાન તેવો થાય છે.

ગણપતિની મુખ્ય મૂર્તિની મુદ્રા જોઈએ તો તે નૃત્ય કરતા હોઇ શકે, દૈત્યનો સંહાર કરતા હોય તે મૂર્તિ પણ પ્રચલિત છે. એક બાળકની જેમ ભગવાન શિવ પાર્વતી જોડે રમતા હોય કે પછી સર્વ સત્તાધીશ હોય તેમ કોઈ આસન પર બેઠા પણ જોવા મળે છે. છેક ઇ.સ.૯૭૩- ૧૨૦૦ દરમ્યાન તેઓ આસન પર બેઠા હોય તેવી મૂર્તિ પોલ માર્ટિન અને ડુબોસ્ટ નામના પુરાતત્વવિદ્દ દ્વારા ઓળખી બતાવાઈ છે. ઇલોરાની ગુફામાં જે ગણપતિ છે તે સાતમી સદીના હોવાનું મનાય છે. સદીઓ પહેલાંની અને છેલ્લા દાયકાઓની ગણપતિની મૂર્તિઓમાં તેમના હાથમાં જે સશસ્ત્રો કે વસ્તુઓ છે તેમાં થોડા ફેરફાર જોઈ શકાય છે.હવે તૂટેલા દાંત સાથેની મૂર્તિ ખાસ જોવા નથી મળતી.પુરાણમાં એવો પ્રસંગ છે કે વેદ વ્યાસ મહાભારતના શ્લોક બોલતા જતા  હતા અને તેટલી જ ગતિએ ગણપતિ તે શ્લોક તેના ભાવ અને અર્થ સાથે લખતા હતા. આ રીતે અવિરત લેખન દરમ્યાન ગણપતિની કલમ એક વખત તૂટી જાય છે. વેદ વ્યાસના ધ્યાનમાં આ નથી આવતું તે તો પ્રવાહી શૈલીમાં શ્લોકનું મુખમાંથી અવતરણ કરતા જ રહે છે. ગણપતિ તેમના લેખનમાં કલમ બટકી ગઈ હોઇ પાછળ ન પડી જાય એટલે ત્વરિત તેનો અણિયાળો એક દાંત તોડી નાંખે છે અને તેની કલમ બનાવી લખવાનું જારી રાખે છે. આવા એક દંતા  ગણપતિ હવે જૂજ જોવા મળે છે.

ગણપતિના કેટલા હાથ

સૌથી પ્રચલિત સ્વરૂપ  ચાર હાથ ધરાવતા ગણપતિનું છે પણ નવમી અને દસમી સદીના જે  ચિત્રો કે મૂર્તિઓ છે તેમાં ગણપતિની બે હાથથી માંડી ,ચાર હાથ, ૧૪ હાથ અને ૨૦ હાથ ધરાવતા હોય તે પણ જોઈ શકાય છે. ગણેશ પુરાણ પ્રમાણે ગણપતિના ગળા ફરતે વાસુકી નામનો સર્પ પણ વીંટળાયેલો છે. કોઈ મૂર્તિમાં આ સર્પ કમર ફરતે જોઈ શકાય છે. ભગવાન શિવની જેમ ગણપતિ પણ ચંદ્ર ધારક છે. ગણેશના કપાળ પર તિલક અને ચંદ્ર છે.આથી જ ગણેશનું એક નામ ભાલચંદ્ર પણ છે. ગણેશ પુરાણ પ્રમાણે તેમના ઉદરમાં બ્રહ્માંડના તમામ ગ્રહો અને ભૂત,વર્તમાન અને ભવિષ્ય સમાયેલું છે તેથી તે  વિશાળ મોટા પેટના જણાય છે. જો કે તેમના અંગોના, આયુધના અને વાહન મૂષક કેમ તે અંગે જુદા જુદા મર્મ સાક્ષરોએ તારવ્યા છે. ગણેશ વિઘ્નહર્તા તો છે જ પણ રિધ્ધિ અને સિધ્ધિ પણ તેમને આધીન છે. ગણપતિ આથી જ બુધ્ધિપ્રિયા તરીકે પણ ઓળખાય છે. ગણપતિના વ્હાલા બનો તો રિધ્ધિ, સિધ્ધિ, અષ્ટ સિધ્ધિ, નવનિધી તમારે પણ વશ થઈ જશે.

ગણેશના આઠ અવતાર છે

ભગવાન ગણેશના આઠ અવતાર છે તેમાંથી એકદંતા, મહોદરા, ગજાનન, લંબોદરા એમ ચાર અવતારમાં મૂષક (ઉંદર) તેમનું વાહન છે . વક્રતુંડા અવતારમાં તેમનું વાહન સિંહ , વિકાતા અવતારમાં મોર અને વિઘ્નહરા અવતારમાં સર્પ તેમનું વાહન છે. ગણેશ પુરાણમાં  ધૂમ્રકેતુ અવતારનો ઉલ્લેખ છે જેનું વાહન ઘોડો છે. સાતમી સદીની કેટલીક મૂર્તિમાં ગણપતિ તેમના વાહન મૂષક પર નૃત્ય કરતા હોય તેવી પણ મુદ્રા છે. મૂષક વાહન તરીકે કેમ છે તેના પણ વિવિધ મર્મ પુરાણો અને શાસ્ત્રોમાં જોઈ શકાય છે. રોબર્ટ બ્રાઉન નામના અંગ્રેજે ગણપતિ પર વિસ્તૃત સંશોધન કર્યું છે. ઇતિહાસવિદ્દ પોલ કોર્ટરાઈટનું પણ નોંધપાત્ર પ્રદાન છે. કુંડલિની જાગૃતિની રીતે જોઈએ તો ગણેશ પ્રથમ ચક્ર મૂળાધારમાં વસે છે. અન્ય તમામ ચક્રોનો તે ટેકો અને આધાર છે.

એશિયાઇ દેશોમાં ગણપતિ

બૌદ્ધ ધર્મના યાત્રાળુઓ અને સંશોધકો સદીઓ પહેલાંથી  ભારતના પ્રવાસે આવતા અને હિન્દુ દેવ દેવીઓથી પ્રભાવિત થઈને જતા.તેઓએ તેમના પ્રાચીન ભગવાનોમાં પણ ગણેશના સ્વરૂપ જોડે સામ્ય જોયું છે. તો બીજી તરફ અગાઉ અખંડ ભારત હતું જે પ્રાંત કે દેશ વિખૂટો પડયો ત્યાં શ્રધ્ધા તો જળવાઈ જ રહી. જાપાન, ઈન્ડોનેશિયા, શ્રીલંકા, મલેશિયા તિબેટ, બ્રુનેઇ, મ્યાનમાર, નેપાળ, અફઘાનિસ્તાનમાં ગણેશ તે જ કે તેને મળતા કોઈ નામથી કે પછી થોડા જુદા સ્વરૂપે પૂજાય છે.  જાપાન, થાઇલેન્ડ કંબોડિયા જેવા દેશોમાંથી ગણેશની મૂર્તિઓ અને તેની નીચે લખાયેલ લિપિ મળી આવી છે..

અને છેલ્લે...

ભગવાન ગણપતિની સૌથી પ્રાચીન મૂર્તિ આઠમી સદીની અફઘાનિસ્તાનથી મળી આવી હતી અને તે કાબુલના દરગાહ પીર રાધાન નાથ મંદિરમાં  સચવાયેલ છે. તેનું નામ ગાર્ડેઝ છે. તે ૨૪ ઇંચ ઊંચી અને ૧૪ ઇંચની પહોળાઈ ધરાવે છે. 


Google NewsGoogle News