Get The App

તમે પણ હરભજન સિંઘ જેવી વેદના અનુભવી છે?

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
તમે પણ હરભજન સિંઘ જેવી વેદના અનુભવી છે? 1 - image


- ''ધોનીને બે વખત ફોન કર્યા પણ તેણે જવાબ નહોતો આપ્યો બસ આ વાતને દસ વર્ષ થયાં તેની જોડે પછીથી ક્યારેય વાત નથી કરી''

- વિવિધા-ભવેન કચ્છી

- ફોન અને સોશિયલ મીડિયા પરના શિષ્ટાચારનું પણ સિલેબસ હોવું જોઈએ

- સમાજની ઘણી વ્યક્તિઓનો પ્રતિભાવ છે કે એક બહોળો વર્ગ સંદેશા વ્યવહાર અને સ્માર્ટ ફોન પરના સંબંધોમાં  સ્વાર્થી, સ્વકેન્દ્રી અને દંભી અને ચાલાક બનતો જાય છે.

એ ક ટોક શોમાં ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંઘે ધોની અંગેના પ્રશ્નનો ચોંકાવનારો  ઉત્તર  આપતા કહ્યું કે ''ધોની અંગે મને કંઈ ન પૂછતા કેમ કે અમે ટીમ તરફથી સાથે રમતી વખતે મેદાન પર ફિલ્ડિંગની ગોઠવણી બાબત જે વાત થતી તેને બાદ કરતા  ફોન પર પણ  દસ વર્ષથી વાત નથી કરી.''

હરભજને રંજ સાથે વધુ વિગત આપતા કહ્યું કે ''મેં ધોની સાથે નિવૃત્તિ પછી પણ સંપર્ક અને મિત્રતા રહે તેથી દસેક વર્ષ પહેલાં એક વખત ફોન કર્યો હતો. પણ ધોનીએ ફોન ઉપાડયો જ નહોતો. તેણે વળતો મેસેજ કે પછીથી ફોન જ ન કર્યો. થોડા અરસા પછી ધોનીને બીજી વખત મેં ફોન કર્યો પણ ફરી આવો જ શૂન્ય પ્રતિભાવ તેણે આપ્યો. આખરે મારું પણ સ્વમાન હોય જ. હું કોઈ સાથી,પરિચિત કે મિત્રને બે વખત ફોન કરું છું.પણ,જો તેનો પ્રત્યુત્તર પાઠવવાનો પણ  સામી વ્યક્તિ વિવેક ન દર્શાવે કે તસ્દી ન લે તેઓને હું ફરી ક્યારેય ફોન નથી કરતો કેમ કે મારું સ્વમાન પણ મને વ્હાલું છે. ધોની નારાજ થાય તેવું મેં કંઈ કર્યું નથી. કદાચ ધોનીને કોઈ ગેરસમજ હોય તો તે મારી જોડે વાત કરી શકે છે જેથી ગેરસમજ સ્પષ્ટ થઈ જાય. શક્ય છે ધોનીને મારી મિત્રતાની જરૂર નહીં હોય. ભવિષ્યમાં ધોનીને કોઈ સંજોગોમાં મારી જરૂર હશે અને તે માટે તે મારો સંપર્ક કરશે તો હું ચોક્કસ તેને મદદરૂપ થવા પ્રયત્ન કરીશ.''

હરભજનને વધુ દુ:ખ એ વાતનું છે કે ''ધોની અને હું વર્ષો સુધી સાથે રમ્યા. ધોનીની કેપ્ટનસી હેઠળ ભારત ૨૦૦૭માં ટી-૨૦નો અને ૨૦૧૧માં વન ડેનો વર્લ્ડ કપ જીત્યું હતું તે બંને ટીમમાં પણ હું હતો. તે પછી આઇ.પી.એલ.માં બે સીઝન પણ ચેન્નાઈ  સુપર કિંગ્સ તરફથી ધોની સાથે રમ્યો અને એક વખત તો અમે ચેમ્પિયન પણ બન્યા હતા. મેદાન પર ફિલ્ડિંગની ગોઠવણી બાબત થોડી વાતચીત થાય તેને બાદ કરતા  સાથી ખેલાડી કે મિત્રતાના દાવે મેદાન બહાર વાત નથી કરી. ધોની ક્રિકેટ શ્રેણી કે ટુર્નામેન્ટ દરમ્યાન એક પણ વખત હોટલના મારા રૂમમાં પણ નથી આવ્યો.અમે ખેલાડીઓ એકબીજાના રૂમમાં બેસીને હંસી મજાક કરતા હોઈએ પણ ધોની અતડો રહેતો.''

વાચક મિત્રો તમે પણ હરભજન સિંઘ જેવી વેદના અનુભવી છે? 

એક તરફ સંદેશા વ્યવહાર અને સ્માર્ટ ફોન તેમજ અન્ય ગેજેટ્સ ક્ષેત્રે ક્રાંતિ થઈ છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પણ આમ જોઈએ તો અંગત રીતે પરિચિત  અને  રૂબરૂ ક્યારેય સંપર્ક ન કર્યો હોય છતાં ઓનલાઇન મિત્રો સમક્ષ માહિતી અને વિચારો વ્યક્ત કરવાનું માધ્યમ જ છે ને.

સ્માર્ટ ફોન તો  હાથવગો જ હોય છે. આમ છતાં વખતોવખત અમુક મિત્રો અને સગા સ્નેહીઓ હરભજનની જેમ જ આપણી સમક્ષ વેદના ઠાલવતા હોય છે કે ''સમાજ સ્વાર્થી, સ્વકેન્દ્રી અને મતલબી થઈ ગયો છે. માણસોનો મોટો વર્ગ થેન્ક લેસ એટલે કે આભારની લાગણી વિનાનો નિર્લજ્જ બની ગયો છે.''

કેટલીક પ્રતિક્રિયા એવી છે કે ''અગાઉના વર્ષોમાં કોઈ જ કામ કે હેતુ વગર,વ્યક્તિ પૈસા પાત્ર હોય કે ન હોય, તેનું વર્તમાન કે ભવિષ્યમાં ક્યારેય કામ પડવાનું જ ન હોય છતાં નિર્દોષ અને નિર્મળ સંપર્ક બંને પક્ષે  જારી રાખતો. ટપાલ અને ડાયલ  ફોનના જમાનામાં સંબંધોના ગુણાકાર થતાં. સંબંધોનું સિંચન થતું હતું. બે વ્યક્તિ અને પરિવાર વચ્ચે માત્ર અને માત્ર પ્રેમ, સ્નેહ, પાડોશ અને એકબીજાની પડખે ઊભા રહેવાના સહજ સંસ્કાર હતા. મધ્યમ વર્ગ કે ધનવાન, ઊંચી જ્ઞાતિ કે નીચી જ્ઞાતિ, પ્રતિભાશાળી અને સામાન્ય, સાક્ષર અને ઓછી શૈક્ષણિક લાયકાત ધરાવનાર તેમ ભેદ દ્રષ્ટિ નહોતી. શાળાના વર્ગમાં પણ મિલ માલિકનો અને મિલમાં નોકરી કરનારના સંતાનો એક જ બાકડા પર બેસીને અભ્યાસ કરતા હતા. પણ વર્ષો વીતતાં સ્માર્ટ ફોનના યુગમાં માણસો પણ સ્માર્ટ અને ચાલાક થઈ ગયા.

હરભજન સિંઘની જેમ તમે પણ એવા વ્યક્તિઓ કે જેઓ જોડે તમે એક જમાનામાં વર્ષો વિતાવ્યા હતા. અરે.. એમાં કેટલાક તો તમારા સાવ સગા - સ્નેહી હશે જેને તમે ફોન કર્યો હશે અને તેનો ઉત્તર જ તેઓએ નહીં આપ્યો હોય. તેમાંના ઘણાં એવા પણ હશે કે ફોન પર જવાબ આપતા વાત કરવા તો લાઈન પર આવશે પણ તેઓ જાણે કંઈ ભોજન લેતા લેતા વાત કરતા હોય કે કોઈ અન્ય પ્રવૃત્તિ કરતા  જાણે તમારા ફોનમાં જરા પણ રસ ન હોય તેમ આડકતરું અપમાન અને અવગણના થતી હોય તેમ જ વાત કરશે. 

 બદલાતા જમાનાનો જેમને  રંગ લાગી ચૂક્યો છે તેવા ઘણા જોડે તમે પ્રેમથી ફોન પર વાતચીતનો હોંશભેર ટોન સાથે પ્રારંભ કરશો કે  ''કેમ છો..'' તો સામેથી કોઈ કડક મિજાજી  અધિકારી હોય તેમ  જવાબ આપશે કે ''હા..સારું સારું..બોલો શું કામ છે ?'' તમે કહો કે ''કંઈ કામ નથી એમ જ યાદ કર્યા'' પછી તમે જે વાત જણાવો તેમાં તે કંઈ આગળ તેને રસ જ ન હોય તેમ ઉમેરો જ ન કરે. તમે વધુ એક નવી વાત કરો. તો તે પછી હા..હા..કરે. તેના તરફથી કોઈ જ વાત કર્યા વગર કેટલીક સેકંડો વિરામ લાવી દે. પછી કહેશે કે ''બોલો બીજું કંઈ.''

તમે આ ફોન તેની ઓફિસની વ્યસ્તતા દરમ્યાન પણ નથી કર્યો હોતો. આ જ વ્યક્તિ  જેની તેને ગરજ છે. જરૂરિયાત ઊભી થઈ શકે છે તેની જોડે લળી લળીને વાત કરતી હોય છે. વ્યક્તિ દંભ બતાવવામાં પણ પસંદગીના વિકલ્પ રાખે છે.

ઉદાહરણ તરીકે ધોની તેને જેની જરૂરિયાત હશે તેને તો ફોન કરતો જ હશે.

ઘણી વ્યક્તિઓ એવી હોય કે આમ તેનું પૂર્ણ સમયનું કામ ગામ આખાને વારાફરતી ફોન કરતા રહેવાનું જ  હોય પણ ચાલાકી એવી કરે કે જાણી જોઈને જે સંબંધમાં જેની સૌથી વધુ નજીક હોય તેની જોડે જ ફોન પર વાત ન કરે. તેઓ એમ બતાવવાનો પ્રયત્ન કરે છે કે ''અમને તમારી જરૂર નથી અથવા તો અમે તમને વિશેષ મહત્તા નથી આપતા. તમારાથી પ્રભાવિત નથી.'' હકીકતમાં આવા લોકો જોડે  સામી વ્યક્તિની સજ્જનતા અને સૌમ્ય, સંસ્કારી સ્વભાવને લીધે જ સંબંધ ટકેલા હોય છે. સામી વ્યક્તિના સૌજન્યને પણ તેઓ ગરજ તરીકે જોતા હોય છે. તેઓ સ્વગત બોલતા હોય છે કે ''જોયું ફરે છે ને આપણી આગળ પાછળ.''

 બાકી સામી વ્યક્તિ પણ સંબંધ તોડી નાંખતો  ચમકારો કે હુંકારો  બતાવે તો બે હાથ જોડીને કાકલૂદી પર આવી જાય. તેઓને મન એ હદની ગંદી ગેરસમજ અને લઘુતા ગ્રંથી હોય છે કે  ''અમુક વ્યક્તિ કે સંબંધમાં ફોન કરીશું તો તેઓ એમ માનશે કે હું નાનો માણસ છું એટલે ફોન કરું છું.''

હરભજન સિંઘ અને ધોની વચ્ચે તો કોઈ પારિવારિક સંબંધ નથી તેથી હરભજન સિંઘ એમ કહી શકે કે ''હવે ધોનીના નામ પર ચોકડી.'' પણ પરિવારમાં કોઈ એક પક્ષે નમતું જોખીને સંસ્કાર બતાવવા જ પડે. બાકી તો  ગાંઠ વધુને વધુ મજબૂત બનતી જાય. જે આગળ જતાં સંબંધની સરવાણી સૂકવી દે અને સંબંધ વિચ્છેદ પણ થઈ શકે.

એક બહોળો વર્ગ એવો છે કે તેઓ મસ્ત મજાના પાંગરી શકે તેવા સંબંધોને માત્ર આવી લઘુતા કે ગુરુતા ગ્રંથિને લીધે ઉગે તે પહેલા જ મુરઝાવી દેતા હોય છે.

એક સ્વાર્થી બહોળો વર્ગ એવો છે કે  તમે તેને અને તેના પરિવારને ઘણી મદદ કરી છે. જ્યાં સુધી તે પરિવારને લાગતું હોય કે હજુ અમારે સામી વ્યક્તિની જરૂર પડી શકે છે તો નિયમિત ફોન કરશે, વાર તહેવારે ઘેર આવશે. વખત જતાં આવો પરિવાર તમારી જોડે હવે છેડો ફાડી નાંખે કે વ્યવહાર ઓછો કરી નાંખે. ફોન ન કરે, દિવાળીનું પણ મળવા ન આવે તો માનવું કે હવે તે પરિવારને પાંખો આવી ગઈ છે અને તેઓને આત્મવિશ્વાસ છે કે હવે અમારે અગાઉ જેની પાસેથી કામ લીધું તેની જરૂર નથી પડવાની. હવે તમારો ફોન ઉપાડશે નહીં .પોતે પણ કમ નથી તે બતાવશે. તમારા પાડોશમાં આવશે પણ તમારે ત્યાં નહીં આવે. આવો આભારની લાગણી વગરનો સમાજ છે તેમ પણ ઘણા સ્નેહીઓની વાતચીતમાંથી વેદના ડોકાય.

આમાં વળી અમુક તો એટલા ચતુર હોય છે કે તેઓને અંદાજ આવી ગયો છે કે સામી વ્યક્તિ ભલી અને ઉદાર છે. વચ્ચેના વર્ષો સંબંધ નહિવત કર્યા હશે તો પણ જ્યારે જરૂર હશે અને જઈશું તો મદદરૂપ થશે જ. અત્યારથી જ શું ભાવ આપવો.

તમે  જાણીતા ન હોય તેવા કે મેમરીમાં સ્ટોર ન કર્યા હોય તેવા ફોનનો જવાબ ન આપો પણ કોઈ પરિચિતે ફોન કર્યો હોય અને હાલ વ્યસ્ત હોવ તો જ્યારે કાર્ય મુક્ત થાવ ત્યારે ફોન કરવો જોઈએ.માની લો કે ફોનનો જવાબ ન આપવો હોય તો તેમને મેસેજ કરવાનું જણાવો. આ પણ મેસેજ મૂકીને જણાવી શકાય.

કેટલાક એવા પણ છે જેઓ મનોમન યાદ રાખે કે છેલ્લે મેં ફોન કર્યો હતો અને અમે વાતચીત કરી હતી. હવે તે નહીં કરે ત્યાં સુધી હું નહીં કરું. આમ એક સામે એકની સ્કીમ સાથે શુષ્ક જિંદગી પૂરી કરી નાંખે. ફોન પર વાતચીત દરમ્યાન એક એક વાક્યમાં પૂર્ણ વિરામ લાવી દે.જાણે પોલીસ કે કોર્ટમાં વકીલ પૂછતો હોય તેમ જોખી જોખીને ભૂલથી પણ લાગણીમાં વહી ન જવાય  તેની જડબેસલાક કિલ્લેબંધી સાથે વાત કરે. ફોન પર ''હંસના તો  મના હૈ'' તેમ ભારેખમ રહેવાનું. સામી વ્યક્તિને ભોંઠા પાડવાની શૈલી, કઇ વાત કેટલી અને કઈ રીતે કરવી, તેમાં કઈ વિગત કે વ્યક્તિના નામ બાકાત રાખવા કે ઉમેરવા તે ચાલબાજીની પણ ઘણી વ્યક્તિઓને ફાવટ હોય છે. તેઓ પૂર્ણ સમય સામી વ્યક્તિ તેની સાથે ગેમમાં સામેલ હોય કે ન હોય  એકતરફી રીતે ચેસ રમતા હોય છે.

સોશિયલ મીડિયામાં પણ આવી જ રમત જારી હોય. બધાની પોસ્ટ વાંચવી પણ ન કોઈને જન્મદિનની, કોઈ સફળતા બદલ કે લગ્ન તિથિની શુભેચ્છા આપવી કે શોકની ઘટનામાં શોક વ્યક્ત કરવો. તેઓ બધા સમાચાર જાણી લે છે પણ દુનિયાને એમ બતાવે છે કે હું જાણતો નથી.

તમને તમારા કોઈ મિત્ર,સગા કે સ્નેહી ખાસ અલગ રીતે કોઈ પોસ્ટ મોકલે તો કમ સે કમ તેનો ઈમોજી કે સંકેતાત્મક ચિત્ર મૂકીને તમે તે જોયું છે તે સૂચિત કરો.એમ જ કોઈ નોંધ ન લેવી તે પણ અવિવેક કહેવાય. હા, તમને એમ લાગે છે કે સ્તર કે ઇરાદાની રીતે આ વ્યક્તિમાં વિવેક નથી તો ચોક્કસ તેની અવગણના કરો. જેઓ હંમેશા એકતરફી જ પ્રતિભાવો કે કદરની અપેક્ષા રાખતા જણાય તો આવા વન વે ટ્રાફિકના પ્રવાસીઓને અવગણી શકો છો. કોઈ આબાદ રીતે તેની પોતાની વ્યક્તિ પૂજામાં તમને ઢસડી જતો હોય તો પણ તેની જાળમાં ન ફસાતા. કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયામાં પોતાના જ સૌંદર્યના પ્રેમમાં હોવાની માનસિક બીમારી ધરાવતી હોય અને સ્વકેન્દ્રી જ પોસ્ટ મૂકતી રહે તો પણ સાવધ રહેજો. સોશિયલ મીડિયા ખુશામત, ચાપલુંસી કે ધિક્કાર વ્યક્ત કરવાનું પ્લેટફોર્મ નથી.

માહિતી અને પ્રસારણ તેમજ સંદેશા વ્યવહારની દુનિયાનો કઈ રીતે ઉપયોગ કરવો અને શું કરવું, ન કરવું તે સામાજિક પરિપ્રેક્ષ્યમાં અભ્યાસક્રમમાં સામેલ કરવાની જરૂર છે કેમ કે સમાજ દંભ, સ્વાર્થ, કટ્ટરતા, દ્વેષ અને ચાલાકી જેવા દુષણો સાથે ખોખલો અને માનસિક બીમાર બનતો જાય છે. 

જ્ઞાન પોસ્ટ: અભિજિત 

ભટ્ટાચાર્યએ પણ હરભજનની જેમ જ શાહરૂખ ખાન માટે વ્યથા ઠાલવી કે ''શાહરૂખ ખાને તેના પડદા પાછળના કસબીઓને પણ આદર આપવો જોઈએ. તેને ફિલ્મ દુનિયામાં લોન્ચ કરી સ્ટારડમ પ્રાપ્ત થયું તેમાં મેં પ્લેબેક આપેલા ગીતોનું મોટું પ્રદાન હતું.અન્ય ગાયકોનું પણ ખરું પણ શાહરૂખ ખાન પાર્ટીમાં મળે ત્યારે, સેટ પર  અમારી જોડે જાણે અમે ચણા મમરા હોઈએ તેમ વર્તન કરતો હતો. જાણે ઓળખતો જ ન હોય. સામે સ્મિત કે હેલો ન કરે પછી સારા ગીત માટે બિરદાવવાની તો વાત જ ક્યાંથી આવે. તે અરસામાં  તેની આગામી ફિલ્મો માટે મને પ્લેબેકની ઓફર મળી પણ મેં તેને માટે પ્લેબેક નહીં આપું તેવું નક્કી કરી નાખ્યું હતું. શાહરૂખ તો  મેં ના પાડી પછી ખૂબ મોટો સુપર સ્ટાર થઈ ગયો અન્ય ગાયકોના તેના પ્લેબેક ગીતો પણ ખૂબ હિટ નીવડયા. હું તો જાણતો જ હતો કે શાહરૂખને મારાથી થોડું અટકવાનું છે. ખોટ તો મેં સહન કરી.પણ મને મારું  આત્મસન્માન વહાલું હતું. જેને મારા જેવા તેના માટેના  ગીતના અવાજ બનતા કલાકાર પ્રત્યે   આદર ન હોય તેની સાથે  કામ કરવાની જરૂર જ શું છે?

હરભજન સિંઘ અને ગાયક અભિજિત જેવા સંવેદનશીલ અને ખુમારી ધરાવતા વ્યક્તિવિશેષ જેટલું આત્મગૌરવ તો હોવું જોઈએ.. 

''બસ ઇતના સા ખ્વાબ હૈ.'' 


Google NewsGoogle News