Get The App

ચીનના ડ્રેગનને વિશ્વ આખું ગળી જવું છે : ખુલ્લેઆમ ખંધી ચાલ

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
ચીનના ડ્રેગનને વિશ્વ આખું ગળી જવું છે : ખુલ્લેઆમ ખંધી ચાલ 1 - image


- વિવિધા-ભવેન કચ્છી

- ભારતની સેનાના વડા અને તે પછી એર ફોર્સ ચીફે સરકારની પરવા કર્યા વીના કૉમેન્ટ કરી છે કે 'ચીન ભારત સરહદે ઘૂસણખોરી કરી જ રહ્યું છે અને શસ્ત્રોની ટેકનોલજીમાં ચીન ખાસ્સુ આધુનિક છે

- ગરીબ દેશોને જંગી લોન આપીને તેઓના બંદરો, સંપદા હડપ કરવી અને વિકસિત દેશોના શોધ સંશોધનો હેક કરવા

મો દી સરકારની પરવા કર્યા વગર ભારતીય  સેનાના વડા ઉપેન્દ્ર દ્વિવેદીએ થોડા દિવસો પહેલા ચોંકાવનારું નિવેદન કર્યું કે 'ચીન સરહદે સ્થિતિ અસામાન્ય અને ચિંતાજનક છે. ચીન ભારતની સરહદ તરફ છેલ્લા વર્ષોમાં નોંધપાત્ર જમીન કબ્જે કરી ચૂક્યું છે. ચીને વસ્તી સાથે ગામડાઓ પણ વિકસાવી દીધા છે. બંને દેશના નેતાઓ સુલેહની મંત્રણા કરતા રહે છે અને ચીન ઘૂસણખોરી કરતું જ જાય છે.' પૂર્વ સાંસદ  સુબ્રમણ્યમ સ્વામી તો ૪૦૬૪ કિલોમીટર જમીન ચીન પચાવી ચૂક્યું છે તેના પુરાવા સાથે રજૂ કરવા તૈયાર છે.

બરાબર આ જ કૉમેન્ટ પછી ભારતીય એરફોર્સના વડા  અમરપ્રીત સિંઘે  સરકારની પ્રતિક્રિયાની પરવા કર્યા વગર કહ્યું છે કે 'ચીન હવાઈ તાકાત અને ઇન્ફ્રાસ્ટ્રકચરની  રીતે ટેકનોલોજીમાં આપણા કરતાં  ઘણું આધુનિક છે.' તે પછી તેમણે ઉમેર્યું કે 'આપણે પણ ટેકનોલોજીમાં પ્રતિભા ધરાવીએ જ છીએ પણ એડવાન્સ ફાઈટર માટેની દરખાસ્ત કેટલાયે મહિનાઓથી મૂકી છે તે સરકારની ઓફિસમાં ફાઇલોમાં કેદ છે. આ આધુનિક વિમાનો ખાસ ચીન સામે સજ્જતા કેળવવા માટેના છે તેમ પણ અમે જણાવ્યું છે. લદાખમાં ચીન ભયજનક રીતે આગળ ધપી રહ્યું છે.'

ચીનનો ડ્રેગન ભારત જ નહીં  અમેરિકા અને તેના મિત્ર દેશો સહિત વિશ્વને ગળી જવાની યોજના ધરાવે છે.

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પેઓએ બે વર્ષ પહેલા રીચાર્ડ નિકસન લાઈબ્રેરી એન્ડ મ્યુઝિયમ હોલમાં ચોંકાવનારી સ્પીચમાં જણાવ્યું હતું કે જો ચીનનાં કોમ્યુનિસ્ટ શાસનનો  જેમ બને તેમ ઝડપથી  ખાત્મો બોલાવી ત્યાં લોકશાહી શાસન પ્રણાલી  અમલમાં નહીં મૂકાય તો આપણા સંતાનોના સંતાનો પર ચીન રાજ કરતુ હશે.ચીનનો આખરી એજેન્ડા માત્ર વિસ્તારવાદ જ નથી પણ જેવી રીતે ઇસ્લામ ધર્મી સુન્નીઓનો આઈ એસ આઈ એસ જેવો એક કટ્ટરપંથી ચોકો તેમના સિવાય વિશ્વના બધા નાગરિકોને કાફિર માને છે અને વિશ્વ પર તેઓનું જ રાજ હોવું જોઈએ તેવું મિશન પણ ધરાવે છે તેમ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી  (સી.સી.પી.) વિશ્વ પર ચીની સંસ્કૃતિ અને સામ્યવાદનો ઝંડો લહેરાવવાનો આખરી ધ્યેય ધરાવે છે. આ માટે જ તેઓએ જિનપીંગને અનિયતકાળ માટે અમર્યાદ સત્તા સોંપી દીધી છે. ચીનની લશ્કરની તમામ પાંખોના પણ તેઓ વડા છે. ૨૦૪૯ સુધીમાં ચીન વિશ્વ પર પ્રત્યક્ષ  કે પરોક્ષ રીતે પ્રભુત્વ ધરાવતું હશે તે ડેડલાઈન પણ ચીન પોલિટ બ્યુરોએ મીટીંગમાં જાહેર કરી દીધી છે.

ચીનના નેતા ડેન ક્ષીઆઓપિંગ ભારે ચાલાક હતા. ૧૯૭૦ના દાયકામાં તેમણે  પામી લીધું હતું  કે ચીને જો વિશ્વમાં આગામી ૫૦ વર્ષમાં ધાક જમાવવી હશે તો અમેરિકાની જોડે હાથ મિલાવી,  અમે લોકશાહી પ્રથા અમલમાં મૂકી તેને વધુ બુલંદ બનાવીશું તેવા ઠાલા વચનો આપીને અમેરિકાની ટેકનોલોજી હસ્તગત કરવી પડશે. અમેરિકાએ પણ ચીનને મજબુત કરવા ચીનની કંપનીઓમાં રોકાણ કરવા માંડયું. ચીનની કંપનીઓને માટે અમેરિકાએ તેમના દ્વાર ખોલી દીધા. સંયુક્ત સંશોધનો, યુનિવર્સિટી જોડેનાં શિક્ષણ કરારોની જાહેરાતો જાણે રોજીંદી બની. તત્કાલીન  અમેરિકી પ્રમુખ જીમી કાર્ટરે તો ચીનને વ્યાપાર માટે 'મોસ્ટ ફેવર્ડ' નેશન તરીકેનો દરજ્જો પણ આપી દીધો. તે પછી પ્રેમુખ રોનાલ્ડ રેગને ચીન જાણે તેના દેશનો એક હિસ્સો જ હોય તે હદે લશ્કરી, જેનેટિક, રોબોટિક અને તમામ શોધ -સંશોધનોમાં મુક્ત ભાગીદારી સાથે  પ્રવેશ આપ્યો. જે રીતે નોર્થ કોરિયા સામે મજબુત કરવા અમેરિકાએ સાઉથ કોરિયાને અત્યંત આધુનિક બનાવી દીધું તેમ રશિયા અને ટેકનોલોજીમાં આગળ નીકળી ગયેલ જાપાનની સામે ચીનને ખડું કરવું તેવી અમેરિકાની ગણતરી હોય તેમ ચર્ચાતું હતું.   આજે એવી સ્થિતિ નિર્માણ પામી છે કે છેલ્લા ૫૦ વર્ષમાં અમેરિકાએ જે વ્યાપાર, ટેકનોલોજી, શિક્ષણ અને જ્ઞાાનનું આદાન- પ્રદાન ચીન જોડે કર્યું તે જ હવે અમેરિકા સામે ફૂંફાડો  લગાવે છે.કઈ રીતે ચીન તેના એજન્ડામાં આગળ ધપે છે તે જોઈએ.

ચીને જો માનવ અધિકારના નિયમોનું પાલન, લોકશાહી મૂલ્યો સાથેનું શાસન  તેમજ પ્રમાણમાં નીતિમત્તા દાખવી હોત તો આ હદે આર્થિક અને રાજકીય તાકાત અને કદ ધારણ ન કરી શક્યું હોત. વિશ્વ જોડે તેના દેશની મુક્ત માહિતી અને પ્રસારણની વહેંચણી પણ ચીન ક્યારેય નથી કરતુ. સમજી લો ને કે ચીનમાં કાયમી રાજકીય કટોકટી જેવી સ્થિતિ પ્રવર્તે છે અને ત્યાંના નાગરિકો,મીડિયા, કોર્પોરેટ જગત, ધર્મ સંસ્થાઓ(ખરેખર તો અસ્તિત્વમાં જ નથી આવવા દીધી), ન્યાય તંત્ર, પોલીસ, બંધારણના કહેવાતા તમામ રખેવાળો, વિરોધ પક્ષો અને તેવા નેતાઓ જરા સરખો અવાજ ઉઠાવે તો જેલભેગા કે રહસ્યમય રીતે ગાયબ (મોત) કરી દેવાય છે. ચીનમાં અબજોપતિ કે શ્રીમંતો  સરકારની નજરમાં આવવું ટાળે છે. ચીનની સરકારનો તેમના નાગરિકોને  સ્પષ્ટ મેસેજ છે  કે અમારી શરતે કામ કરો બાકી સજાનો કોરડો તૈયાર જ છે. 

ચીન બેવડી ચાલ ચાલે છે. એક તરફ વિશ્વના ખંડો પર જમીની અને સમુદ્રી પેશકદમી અને પગપેસારો કરતુ જાય છે અને બીજી તરફ એવી ફોર્મ્યુલાને પણ અપનાવે છે કે ૨૧મી સદીમાં એક દેશ પર રાજ કરવા માટે યુદ્ધ કરીને તેને જીતવાની જરૂર નથી. તે  મોટાભાગના ગરીબ કે વિકસિત ન હોય તેવા દેશોને આર્થિક રીતે કમજોર બનાવતા  જંગી લોન આપે છે અને પછી તેના બંદરો અને સંશાધનો તેના નામે કરી લે છે. ચીન વિશ્વના દેશોના બજાર અને કંપનીઓને રસ્તા પર લાવી દેતી તેની પ્રોડક્ટ અડધા ભાવે વેચવી તેવી રણનીતિ પણ ધરાવે છે. ગિફ્ટ આર્ટિકલથી માંડી ફર્નિચર અને હેવી ડયુટી મશીન બધું જ ચીનમાંથી સસ્તા ભાવે ખરીદી શકાતી હોઇ તમામ દેશના સ્થાનિક બજાર, હુન્નર, લઘુ અને મોટા ઉદ્યોગો ખતમ થઈ રહ્યા છે. આજે ઇટાલી નામ પૂરતો જ ઇટાલી સરકારનો દેશ  છે. ઇટાલીના ફેશન સહિતના તમામ ઉદ્યોગોની માલિકી ચીનાઓએ હસ્તગત કરી લીધી છે. ઇટાલીયનોને ચીનાઓ તેમના જ દેશમાંથી લાત મારીને કાઢી મુકે તેવી સ્થિતિમાં છે. તેવી જ રીતે આફ્રિકાના દેશો, શ્રીલંકા, ભૂતાન, બાંગ્લાદેશ, સિંગાપોર, પાકિસ્તાનને તેઓએ જ વ્યૂહાત્મક રીતે નાદાર કરીને તેમના તાબામાં લઈ લીધા છે..

ચીને નાગરિકત્વ મેળવવા સાથે અમેરિકા અને પશ્ચિમી દેશોમાં રોકાણ કરી દીધું છે.તો બીજી તરફ આ દેશોની ટેકનોલોજીને મેળવીને કે તેમ  શક્ય ન બન્યું  હોય તો ચોરી કરીને પણ તેમના દેશને તાકતવર કર્યો છે. યાદ રહે ચીન પોતે પણ તેમનું પોતીકું જીનીયસ બ્રેઈન  તો ધરાવે જ છે. તેમની પ્રજા પાસે મહેનત કરવા સાથે ટેલેન્ટ  છે. મોટાભાગના આળસુ ભારતીયો, અમેરિકી અને પશ્ચિમી દેશોના નાગરિકો કરતા અનેકગણી ક્ષમતા ચીનના નાગરિકો ધરાવે  છે. તેઓ ભારે ઉદ્યમી અને તેમના દેશ માટે સ્વપ્ન સેવે છે, એટલે સાવ એમ કહેવું કે ચીન ધુપ્પલ દેશ છે તો તેઓને અન્યાય કર્યો કહેવાશે. ઘણી વખત એવો પણ વિચાર આવે કે ભારતના નાગરિકોને પણ સાવ ચીનની પાશવી હદનું નહીં પણ કાયદાનો ફફડાટ હોય તેવું અનુશાસન જરૂરી તો છે જ. ચીનમાં લઘુમતીઓ શોષણ અને જુલમનો ભોગ બનતી નર્ક જેવી દુનિયા જીવે છે પણ હ્યુમન રાઈટ કે લઘુમતી દેશો હરફ સુધ્ધા ઉચ્ચારી નથી શકતા.

ચીનમાં અમેરિકા માટે ભારોભાર કટ્ટરતા પાઠયપુસ્તકોમાં જોવા મળે છે. ખ્રિસ્તી, ઇસ્લામ, હિંદુ અને હવે તો બૌદ્ધ ધર્મ વિશ્વ માટે ઘાતક છે તેમ વાતાવરણ કેળવાય છે. ચાઇનીઝ સંસ્કૃતિ જ વિશ્વ માટે ઉદ્ધારક છે તેવું બાળકોને ઠસાવાય છે.ચીનના મ્યુઝિયમોમાં અન્ય ધર્મો અને સંસ્કૃતિઓ પિશાચી તાકાત તરીકે દર્શાવાય છે. અમેરિકા તેઓના ધિક્કારનું કેન્દ્ર છે.  ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના આતંકી હુમલા પછી ચીનના પ્રસારણ માધ્યમોમાં અમેરિકાના ઘમંડ પરના પ્રહાર તરીકે જે થયું તે સારું થયું તેમ કવરેજ થયું હતું.  આમ છતાં અમેરિકાએ મહામુર્ખામી જારી રાખી અને આ હુમલાના ત્રણ મહિના પછી ચીનને સમર્થન આપીને 'વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન' (ઉ્ર્ં)નું સભ્યપદ અપાવ્યું. તે દિવસથી આજદિન સુધી ચીન આ સભ્યપદની તમામ શરતોનું બેફામ ઉલ્લંઘન કરીને વ્યાપાર કરે છે અને અમેરિકાની લગોલગ વેપાર અને નિકાસમાં પહોંચી ગયું છે. ચીનને  સૌથી મોટો ફાયદો  એ છે કે  અમેરિકાને રશિયા દીઠું પણ ગમતું નથી. રશિયા શક્તિશાળી દેશ છે. ભારત રશિયા જોડે સંરક્ષણ સોદા જારી રાખે છે તે અમેરિકાને ખટકે છે. નિર્ણાયક સમયે અમેરિકા ભારતની પડખે નહીં ઉભું રહે તો તેનું એક કારણ ભારત અમેરિકાને ખુશ કરવા રશિયા જોડે છેડો નથી ફાડતું તે હશે. ભારતની વિદેશ નીતિ  ચીનને માફક આવે છે.

ચીનનું લશ્કર પીપલ્સ લીબરેશન આર્મી તરીકે ઓળખાય છે. તેઓનું સાયબર વોરફેર ડીવીઝન યુનિટ ગુનાખોરીની હદ કરે છે તો પણ કોઈ દેશ ચીનને પડકારી નથી શકતો. અમેરિકાની ગુગલ,એટી એન્ડ ટી તેમજ ટોચની કંપનીઓની કમ્યુટર સિસ્ટમમાં ઘુસી જઈને વર્ષોથી તેઓ હેકિંગ કરે છે. ડેટા અને ટેકનોલોજી બંનેની ચોરી કરે છે. હદ તો ત્યારે થઇ કે જ્યારે અમેરિકાના એફ -૩૫ ફાઈટર વિમાનનો જવાબ આપતા ચીને ગણતરીના મહિનાઓમાં જ અદ્દલ તેવું જ જે-૨૦ ફાઈટર વિમાન બનાવ્યું, અમેરિકાને આશ્ચર્ય થયું, ઘનિ તપાસ કરતા જાણવા મળ્યું કે ચીનના હેકરોએ અમેરિકાની ફાઈટર વિમાન બનાવતી કંપનીની સાઈટમાં જઈને આખીને આખી ડીઝાઈન ચોરી લીધી હતી અને તેની કોપી કરીને જે -૨૦ લોન્ચ કરી દીધું. ભારતે ફ્રાંસમાંથી રફાલ મંગાવ્યા છે તેનો ચીન આ જે -૨૦ વિમાનોથી જ જવાબ આપવાનું છે.

અમેરિકામાં ચીનની કંપનીઓના જંગી રોકાણ હોલીવુડથી માંડી સીલીકોન વેલીમાં છે. બેન્કિંગ, ગોલ્ડ,કેમિકલ  અને ફાર્મસીમા પણ ચીન છે. અમેરિકાના બંને રાજકીય પક્ષોને ચીન તરફથી સીધું કે આડકતરુ જંગી  ફંડ મળે છે  એપલ, એમેઝોન, ગુગલ, માઈક્રોસોફ્ટ  જેવી કંપનીઓ પણ ચીન સામે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ભંગના કેસ માંડવાની સ્થિતિમાં નથી.  એફ બી આઈના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રે ના કહેવા પ્રમાણે ચીને કંપનીઓ અને ટોચની યુનિવર્સિટીઓની લેબમાંથી જે શોધ -સંશોધનના ડેટા ચોર્યા છે તે માનવ ઇતિહાસની સૌથી મોટી તફડંચી કહી શકાય. વિજ્ઞાાનીઓની દાયકાની તપશ્ચર્યા ચીનના હેકરો પલકવારમાં હડપ કરી જાય છે. મૂળ શોધક કંપની હજુ તેની પ્રોડક્ટ મુકે તે અગાઉ કે સાથે ચીન તેની નકલ સાથે તૈયાર જ હોય છે.આવી ચોરીની વર્થ અબજો ડોલરની મૂકી શકાય. ચીનનો વિજ્ઞાાની  હોન્જીન તાન  અમેરિકાની એક પેટ્રો કંપનીની પ્રોડક્ટની  ફોર્મ્યુલા હેક કરી ચીનની કંપનીના નામે કરી ગયો તેની સામે કોઈ કાર્યવાહી થઇ  નથી શકી.

ચીન હેકર ઉપરાંત અમેરિકાના શોધ -સંશોધનોને હાથવગા કરવા હાર્વર્ડ સહિતની ટોચની યુનિવર્સિટીઓને સરેરાશ વર્ષે એક અબજ ડોલર જેટલું ડોનેશન આપે છે. પ્રોફેસરોની નિમણુક માટે ભલામણકરે છે .જુના સંશોધિત પેપર્સની નકલો મેળવે છે. જીનીયસોમાં પણ ભ્રષ્ટ તો બધે મળી રહે છે. આવા વિજ્ઞાાનીઓને ચીન ભેટ સોગાદ આપે છે. તેમની લેબમાં પાર્ટનર બનાવીને અમેરિકામાં કયા શોધ સંશોધનો જારી છે તે માહિતી મેળવે છે. યુનિવર્સિટીમાં લેક્ચર માટે જીનીયસોને આમંત્રણ આપીને ગુપ્ત માહિતી પ્રાપ્ત કરે છે.

ચીનની ભાવિ યોજના કહો કે એજન્ડા બહુ ખતરનાક છે. ચીનના ઝંડાનો રંગ લાલ છે અને વિશ્વમાં લાલ ઝંડો સીધી કે આડકતરી રીતે ફરકતો રહે તે તેઓની ખંધી ચાલ છે. 


Google NewsGoogle News