કાર પાર્કિંગની એક માત્ર જગ્યા માટેનો સંઘર્ષ
- અમેરિકા અને યુરોપના વિશ્વખ્યાત સ્થળો રોજના હજારો પ્રવાસીઓનું નિયમન કઈ રીતે કરે છે?
- વિવિધા-ભવેન કચ્છી
- ભારતમાં નાગરિકો ભીડ અને મોતને બાથમાં લેવા કેમ આટલા બેતાબ ઃ સંચાલકો પર ભરોસો ન રાખતા.. સ્વયંશિસ્ત, સાવધાની અને સંયમ જ એકમાત્ર ઉકેલ
- ભારતમાં પ્રવાસન સ્થળો કે મંદિરમાં ખરેખર આપણે આવો આનંદ લઈને પ્રવાસ માણી નથી શકતા. થકવનારી મુસાફરી, ભીડ, અવ્યવસ્થા, દિવસો અને નાણાંનો વ્યય અને મસ્તી કરતા તનાવ વધુ જોવા મળે છે. ઇજા કે દુર્ઘટનાનો ભય એટલે પ્રત્યેક વખતે ઘેર પરત ફરતા ભગવાનનો આભાર માનીએ છીએ.
અ મેરિકાના પ્રવાસ દરમ્યાન અમે બે કલાક ડ્રાઇવ કરીને સાન ફ્રાન્સિસ્કો સ્થિત ગોલ્ડન ગેટ બ્રિજ જોવા નીકળ્યા હતા. અમેરિકામાં હવામાનની આગાહી સચોટ થાય પણ કારને પાર્કિંગ મળશે કે નહીં તેના માટે તો ભગવાન પર જ આધાર રાખવો પડે. ગોલ્ડન ગેટ બ્રિજને નજીકથી નિહાળી શકાય અને તે પછી બહુ ચાલવું ન પડે તેથી સ્વાભાવિક છે કે કારની પાર્કિંગ ની જગ્યા પણ તે રીતે જ મનોમન નકકી કરી હોય તેથી કાર સીધી એવા પાર્કિંગ એરિયા તરફ લઈ ગયા પણ દૂરથી જ બોર્ર્ડ વંચાઈ ગયુ કે આખો પ્લોટ પેક છે. કાર ચલાવી બાજુના, સામેના અને એકાદ બીજા એમ કરતાં બધા જ પાકગ તરફ ગયા પણ બધા જ એરિયા ભરચક હતા. જગ્યા ખાલી છે તે ચાલુ કારે જોતા રહેવાનું તેમ કરતા આપણી કાર હવે મુખ્ય ટ્રાફિક લેનમાં આવી જાય એટલે ફરી જે રસ્તે આવ્યા હો તે રસ્તા પર પરત જવાની લેન હોય.આ દરમ્યાન પણ અન્ય જાહેર પાર્કિંગ પર નજર જારી જ હોય. કારને શાંતિથી ઉભા રહીને જગ્યા શોધીએ સતત પાછળનો ટ્રાફિક જારી હોય તેથી તે ખાસ શક્ય ન હોય. બે માઇલે યુ ટર્ન મળે એટલે ફરી ગોલ્ડન ગેટ બ્રિજ તરફ એવી આશાએ કાર લઇ જાવ કે હવે બીજી પંદરેક મિનિટ વીતી હોઈ કદાચ જે જગ્યાઓ સર્ચ કરી હતી ત્યાં એકાદ જગ્યા પાર્કિંગની થઈ હશે.પણ હતાશા વચ્ચે આ વખતે પણ તમામ પ્લેસ પેક જ હતા.
આ વખતે ફરી મુખ્ય રસ્તા પર આવી જતા એવું વિચાર્યું કે ભલે વીસેક મિનિટ ચાલવું પડે પણ અન્ય થોડે દુર આવેલ જાહેર પાર્કિંગમાં કાર પાર્ક કરી દઈશું. યાદ રહે, આ બધા ભરચક થઈ ગયેલા પાર્કિંગ ૧૦થી૨૦ ડોલરના અમુક કલાક પ્રમાણેના હોય. વીસેક મિનિટ દૂર પણ આવી જ સ્થિતિ. રસ્તામાં કોઈ જાહેર સંસ્થા, ઓફીસ કે રહેણાક લેનમાં જગ્યા હોય પણ એકપણ સિકયોરીટી ન હોવા છતાં કોઈ ચાલક ભારે દંડના ભયથી કાર પાર્ક ન કરે.
હા, આપણા જેવા ભારત કે ગુજરાતથી ફરવા ગયેલા અને સાથે કારમાં બેઠેલાની નજરે તો આ એક જ કાર પાર્ક કરવા માટેની જગ્યા ભારતીય નજરે તો પચ્ચીસેક જેટલી ચઢી ગઈ હોય. આપણે સૂચના આપીએ કે 'આ બે કાર વચ્ચે પાર્ક કરી દો ને, આ ગલીમાં બંગલાની બહાર તો જગ્યા છે, આ મ્યુઝિયમના સંકુલમાં મૂકી દઈએ. ફૂટપાથની નીચે મૂકી દો?'
દર ચાર પાંચ કાર પાર્કિંગ ની જગ્યા પછી દિવ્યાંગો (હેન્ડીકેપ) માટે કાર પાર્કિંગની જગ્યા હોય જે ઘણી ખરી તો ખાલી જ હોય. ફરી આપણે કાર ચલાવનાર અને ત્યાં વસતા પરિવારજનને જાણે કોઈ હોંશિયારી બતાવતા હોઈએ તેમ સૂચન કરીએ કે 'લો, જગ્યા મળી ગઈ, હેન્ડીકેપ પાર્કિંગ ખાલી છે.' આ જગ્યાઓ ખાલી જ રહે અને કોઈ અટકાવનાર સિક્યોરિટી નથી, પોલીસ તો દૂર સુધી રસ્તામાં ક્યાંય જોવા જ નહોતા મળતા તો પણ કાર ત્યાં પાર્ક ન જ થાય.
તમને હજુ પાર્કિંગની એકાદ જગ્યા દેખાય તો ત્યાં જમીન પર 'નો પાર્કિંગ'લખેલું હોય.અમુક અમુક કારની હરોળ પછી આવી જગ્યા છોડવામાં આવી હોય. ત્યાં આપણી બાજ નજર છે તે બતાવવા આપણે જાણે ખજાનો શોધી કાઢયો હોય તેમ બુમ પાડીએ કે 'જુઓ ત્યાં એક જગ્યા ખાલી છે.' તેની નજીક કાર લઇ જઈએ તો ખબર પડે કે આગ લાગે તો અંડર ગ્રાઉન્ડ પાઇપથી પાણી બહાર લાવવાની જરૂર પડે તે માટેનો બંધ કોક ત્યાં હોઈ પાર્કિંગ ન થઇ શકે તેમ લખેલું છે. આવી રીતે ગોલ્ડન ગેટ બ્રિજની ફરતે રવિવારની રજા હોઈ પાર્કિંગ માટે એકાદ કલાક એકના એક રસ્તા પર ફરી આવી, ફરી યુ ટર્ન લઈને એક કાર પાર્ક કરવાની જગ્યા ન મળી. રૂપિયાની રીતે કહીએ તો રૂ.૧૬૦૦ આપવાની તૈયારી હોવા છતાં ! આપણને હતાશા સાથે નવાઇ લાગે કે આપણી નજરે પચાસ જેટલી કાર આડે અવળી કે અન્ય મકાનોની બહાર એકાદ કિલોમીટર ફરતા વિસ્તારમાં પાર્ક થઈ જાય ત્યારે અહીં કાયદા અને દંડનો ડર અને સ્વયં શિસ્તનું કલ્ચર કેવું ઉદાહરણીય છે તે અનુભવાયું.
તમે માનશો? એક જ કારનું પાર્કિંગ આ રીતે ન મળતા અમે વચ્ચે રેસ્ટોરાંમાં ભોજનની મજાને ટ્રીપ માનીને બે કલાક ડ્રાઇવ કરીને ગોલ્ડન ગેટ બ્રિજને કારમાંથી નીચે ઉતરી જોઈ ન શક્યા અને ઘેર પરત આવ્યા. થોડા દિવસો પછી વર્કિંગ ડેમાં નીકળ્યા ત્યારે હવામાન ઘેરથી નીકળતા ચોખ્ખું હતું. પણ ત્યાં પહોંચતા વાદળો એવી હદે છવાયેલા કે ગોલ્ડન ગેટ બ્રિજ દેખાય જ નહીં. આ વખતે પાર્કિંગ મળ્યું તો વ્યુ જોવા ન મળ્યો. ફરી બે બે કલાકની આવન જાવન અને વળતા રસ્તામાં ફૂડ અને આઈસક્રીમની મજાને પીકનીક ગણી.
થોડા દિવસો વીત્યા. પુત્ર, પુત્રવધૂની એવી લાગણી કે ગોલ્ડન ગેટ બ્રિજ તો બતાવવો જ છે. ત્રીજા પ્રયત્ને કુદરત પણ રિઝી. પાર્કિંગ પણ મળ્યું અને ભરપૂર સૂર્યપ્રકાશ સાથે ગોલ્ડન ગેટ બ્રિજનો રુઆબ અને નજારો મન ભરી માણ્યો.
ગોલ્ડન ગેટ બ્રિજ સસ્પેન્સન એટલે કે ઝૂલતા બ્રિજની પ્રણેતા ડિઝાઇનથી ૧૯૩૭માં બનેલો લોખંડનો બ્રિજ છે. ૧.૨૮ કિલોમીટર લાંબો બ્રિજ છ લેન ધરાવે છે. ૨૨૦ ફૂટ નીચે પાણી છે. ૪૨૦૦ ફૂટ લાંબો અને ૭૪૬ ફૂટ ઊંચાઇ અને ૯૦ ફૂટ પહોળાઈ ધરાવતા બ્રિજ પરથી રોજ સરેરાશ ૧,૧૦,૦૦૦ વાહનો અવરજવર કરે છે. ટુરિસ્ટ પ્લેસ તરીકે રોજના હજારો પ્રવાસીઓ આવે છે. આવો વિશ્વનો સૌથી લોકપ્રિય પર્યટક બ્રિજ ભારતમાં હોય તો કોઈ ઘડિયાળ બનાવતી કંપનીને સોંપાઈ શકે.
મોરબીનો ઝૂલતા પુલની હોનારત બની તેની સાથે સરખામણી ન થાય તો પણ ગોલ્ડન ગેટ બ્રિજ પાર્કિંગ શિસ્ત, પ્રવાસીઓનું પાર્કિંગ પેક છે તે જ ધોરણે થતું સહજ નિયંત્રણ અને એક કાર પાર્ક ન થઈ શકે તેવી શિસ્ત ભલે દંડના ભયના લીધે પણ હોય તો પણ આવકાર્ય છે. લાંચ કે ભ્રષ્ટાચાર નથી તો જ આવું શક્ય બને ને.
ગોલ્ડન ગેટ બ્રિજનું તો એક ઉદાહરણ આપ્યું છે.અમેરિકા અને યુરોપીય દેશોના જોવાલાયક સ્થળો અડધી સદી કે સદીથી જાળવણી અને તેના કરતાં પ્રવાસીઓના નિયમનની રીતે કઈ રીતે સંચાલિત થાય છે તેને દાદ આપતા રહેવા કરતા કે નકલ કરીને તેવી ફેસિલિટી ભારતમાં ઉભી કરવા કરતાં તેઓ કેવી સુરક્ષાથી વિશ્વભરના પ્રવાસીઓની ભીડને નિયંત્રિત કરે છે તે શીખવાનું છે. ઘેરથી બુકીંગ વખતે જ ખબર પડી જાય કે જગ્યા તેની ક્ષમતા પ્રમાણે હવે પેક છે. અમેરિકા અને યુરોપના ડિઝનીલૅન્ડ, યુનિવર્સલ સ્ટુડિયો, સફારી, અભ્યારણ, જંગલ, સરોવરો, જોવાલાયક સ્થળો, રાઇડ્સ, એડવેન્ચર સ્પોર્ટ્સ, વૉટર સ્પોટર્સ ઓછામાં ઓછી દુર્ઘટના સાથે પચાસ કે એક સો વર્ષથી ચાલે છે.જાણે હજુ તાજું જ ઉદ્દઘાટન થયું હોય તેવી જાળવણી જોઈ શકાય. બધું જ ખાનગી કંપનીઓને હસ્તક હોય છે પણ સરકારના તંત્રનું લાંચ કે વગદારોના દબાણ વગર નિયમિત ચેકીંગ,ઓડિટ થાય છે.જેને અનુભવ હોય તેવી કંપનીને જ જવાબદારી સોંપાય છે. ક્ષમતા કરતા વધુ ટિકિટ તો કોઈ મિનિસ્ટર ફોન કરે ( જો કે કરે જ નહીં) તો પણ શક્ય નથી.
અમે કેલીફોનયામાં આવેલ 'ધ મિસ્ટ્રી સ્પોટ' જોવા ગયા. બુકીંગ નહોતું કરાવ્યું. ત્યાં અઢી કલાક ડ્રાઇવ કરીને પહોંચ્યા ત્યારે ખબર પડી કે રીસેસ પહેલાની છેલ્લી બેચ ફૂલ છે. આ જગ્યા એવી છે કે ચારેક વ્યક્તિ વધારે લઇ લે તો કોઈ જોખમ નહોતું. કંપનીને તો ટિકિટ વેચવાની લાલચ હોય.અમે વિનંતી કરી કે કેટલે દૂરથી આવ્યા છીએ પણ ટિકિટ બારી પરની મહિલા કર્મચારીએ સસ્મિત માફી માંગી. તે પછી ઉમેર્યું કે એક ગુ્રપ કે જેઓએ બુકીંગ કર્યું છે તેઓ જો પાંચ મિનિટમાં નહીં આવે તો તમને જોવા જવા દઈશું. અમારૂ નસીબ ચમકયું. પેલું ગુ્રપ ન આવ્યું અને અમે 'ધ મિસ્ટ્રી પોઇન્ટ' જોઈ શક્યા બાકી ગોલ્ડન ગેટ બ્રિજ જેવું થાત.
હવે ભારતની વાત. દિવાળીની રજામાં એક પરિચિત પરિવાર કેટલાક હજારો રૂપિયા ખર્ચીને વારાણસી, અયોધ્યાના દર્શન માટે નીકળ્યા પણ ૨૫ સેકંડના દર્શનની ઝલક માત્ર લઇને ભારે નિરાશા સાથે પરત આવ્યા.હજારો શ્રદ્ધાળુઓની કચડાઇ જેવી તેવી ભીડ અને સિનિયર સીટીઝનનું કામ જ નહીં તેવી વ્યવસ્થા અને કેટલુંય ચાલવાનું. આટલા દિવસોનો વ્યય, જીવનભરની શ્રદ્ધા અને અરમાનો સાથેનો પ્રવાસ, જીવનનો કેટલોયે સંઘર્ષ કર્યા બાદની બચત બધું નિરાશા સાથે વહી ગયાની લાગણી થાય. અયોધ્યા તો દૂરની વાત છે પણ આપણા સોમનાથ કે દ્વારકામાં પણ ભીડમાં પાછળથી ધક્કા વાગતા જ મુર્તિ સુધી પહોંચાય અને તે જ ધક્કા સાથે પાંચ સેકંડના દર્શન થાય. ભારતના મંદિરોમાં નાસભાગમાં કચડાઈ જઇ મૃત્યુ સાથેની હોનારત થતી જ રહે છે. દીવમાં પેરા સેઈલિંગમાં દુર્ઘટના થતા રહી જ ગઈ હતીને. મેળામાં જાઇન્ટ વહીલ ચકડોળ પડે કે કેદારનાથમાં છકડા સર્વિસની જેમ જુના પુરાણા કે મેઇન્ટેઇન થયા વગરની હેલિકોપ્ટર સર્વિસ જારી રહે. યાત્રાળુઓ અમુક સમયાંતરે મૃત્યુ પામતા રહે.
ઉજ્જૈનમાં મહાકાળ મંદિરની આરતીમાં ભાગ લેવા પરિસરમાં નિશ્ચિત સંખ્યાથી વધુ ઓનલાઈન ટિકિટ જ નથી અપાતી તે જ રીતે તમામ મંદિરો, સ્થળો પર કલાક - કલાકના સ્લોટ ઓનલાઈન જ ફાળવી દેવાના તેવી સિસ્ટમ કરવાની જરૂર છે. જેને સમયની રીતે પરવડે તે મેનેજમેન્ટના નિયમોની શરતે આવવું હોય તો આવે.
તમે કહેશો ફરી અમેરિકાની વાત પર આવ્યા પણ ત્યાં જે પણ ધર્મ સ્થળો છે તેમના હોલમાં પ્રત્યેક વ્યક્તિ દીઠ અમુક ચોરસ ફૂટ ફાળવીને સંખ્યા લખેલી હોય છે જેમ કે '૧૪૮થી વધુ વ્યક્તિ નહીં.' મહત્વનું એ છે કે આવા કાયદાનું પાલન થાય છે અને ભંગ કરનારને સખ્ત સજા થાય છે. સ્થળના નિર્માણ દરમિયાન પણ ચેકીંગ થતું રહે છે. ભારત બેફામ બન્યું છે.ફલાણા મંદિરમાં જાહેર રજાના દિવસે આટલા લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા તેવી મંદિરો અને સંપ્રદાયો વચ્ચે પણ આંકડાકીય નકારાત્મક સ્પર્ધા પ્રવર્તે છે.
નાગરિકોની ગેરશિસ્ત, તુમાખી, મારપીટ, કોઈનું પીઠબળ હોઈ કાયદાના ડરનો અભાવ અને રાજકારણીઓના વગદારો,સગાઓને ભ્રષ્ટ કોન્ટ્રાકટ, ભેળસેળ તેમજ 'પડશે તેવું દેવાશે' જેવી માનસિકતાથી સતત અસલામતી સાથે બધા જીવી રહ્યા છે. ચાલો આપણે સ્વયં શિસ્ત પાળીએ અને ભીડ કરતા એકાંત કે નિયંત્રિત ભીડ ધરાવતી જગ્યાએ અને સલામતીની જાત તપાસ કરીને સ્થળોની મજા માણીએ.
જ્ઞાન પોસ્ટ :
જે તે ભગવાનના વારે કે તહેવારે જ દર્શન કરવા કરતાં સમગ્ર મંદિર આડે દિવસે સુમસામ ભાસતું હોય ત્યારે તમે અને ભગવાન એકલા જ હો .. ધરાઈને દર્શન કરો.. ધરાઈને ભગવાનને પ્રાર્થના કે જે ઇચ્છા હોય તે અરજ કરો. .ભીડમાં કે ખાસ વાર તહેવારે ભગવાનનું મંદિરમાં અવતરણ નથી થતું હોતું. એકબાજુ આપણે ધ્યાન, એકાંત સાધનાનો મહિમા કરીએ અને બીજી બાજુ ભીડમાં કોલાહલ વચ્ચે ક્ષણીક ભગવાનની મૂર્તિના દર્શન કરવા હાલાકી વેઠીએ તે વિરોધાભાસ વચ્ચે શુ કામ જીવવું. ઓફ સીઝનમાં પણ જઇ જ શકાય. આપણે ત્યાં તો રજા વર્ષ દરમ્યાન લઇ શકાય તેવું આયોજન થઈ જ શકે. ગાડરીયા પ્રવાહ કે તહેવાર, તિથિએ જ દર્શન કરીએ તો ભગવાન કે માતાજી રીઝે તેવી અંધશ્રદ્ધામાંથી બહાર આવીએ. આપણે રોજે રોજ રસ્તા પર ભીડમાં જ જીવીએ છીએ તો પણ ભીડને જ કેમ બાથ ભીડવા જઈએ છીએ.