ફ્લોપ ક્રિકેટરોને ચાહકોની ટુંકી યાદદાસ્તને લીધે જીવતદાન .
- આઇ.પી.એલ.ની લોકપ્રિયતા જાળવવા અને જંગી કમાણી જારી રાખવા ક્રિકેટ બોર્ડ અને ફ્રેન્ચાઇઝી જ સ્ટાર ક્રિકેટરો નિવૃત્ત ન થાય તેમ ઈચ્છતા હોય છે.
- વિવિધા-ભવેન કચ્છી
- રોહિત શર્મા, કોહલી, રાહુલ જેવા ખેલાડીઓ તેમની બ્રાન્ડ વેલ્યુ જળવાઈ રહે તેથી પણ નિવૃત્તિ જાહેર ન કરે.. પરસ્પર એકબીજાના હીત હોઇ મૂક સંમતિથી કામ ચાલતું હોય છે
રો હિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની સીડનીમાં રમાયેલી આખરી ટેસ્ટ દરમ્યાન ડ્રેસિંગ રૂમમાં ગોગલ્સ પહેરીને મેચ જોઈ રહ્યો હતો.ગોગલ્સ પહેર્યા હતા છતાં તેના ચહેરા પરની નિરાશા તો આપણી આંખોથી તેને જોવાનો હોઇ તેને તે છૂપાવી નહોતો શક્યો.એટલે સુધી કહી શકાય કે 'કયા સે કયા હો ગયા' જેવા વિચાર સાથે તેની આંખો પણ ભીની જ હશે અને તે ગમગીની છુપાવવા જ તેણે ગોગલ્સ પહેરી રાખ્યા હતા.
શ્રેણી માટે જાહેર થયેલ કેપ્ટનને જ લગાતાર બેટીંગમાં નિષ્ફળતાને કારણે ટેસ્ટ મેચમાંથી પડતો મૂકવામાં આવે તેવું ક્રિકેટ ઇતિહાસમાં બન્યું હોય તેવું ઝટ યાદ નથી આવતું. જો કે રોહિત શર્મા આખરી ટેસ્ટના બીજા દિવસે કેટલાક પત્રકારોને સામે ચાલીને બ્રિફિંગ માટે મળ્યો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડ અને પસંદગી સમિતિએ જ તેને આમ કરવાની પરવાનગી કદાચ આપી હશે જેથી ડ્રેસિંગ રૂમની તીરાડ અને તેની હકાલપટ્ટી નથી કરાઈ તે આબરૂ જાળવવાની તક મળે.
રોહિત શર્માએ મીડિયાને જણાવ્યું કે 'હું બે સંતાનોનો પિતા છું. હું એટલો તો મેચ્યોર છું કે મારા ભવિષ્યનો નિર્ણય લઈ શકું.' તેણે મીડિયા અને ભૂતપૂર્વ ક્રિકેટરો કે જે હવે કોમેન્ટેટર થઈ ગયા છે તેઓને ક્લીન બોલ્ડ કરતા કહ્યું કે 'કોઈના હાથમાં માઇક, લેપટોપ કે કલમ આવી જાય એટલે તેઓ કોઈનું ભવિષ્ય નક્કી કરવાની તાકાત નથી મેળવી લેતા.' રોહિત શર્માએ કહ્યું કે 'તે સીડની ટેસ્ટમાંથી પડતો નથી મુકાયો પણ ટીમના હિતમાં જ તે ફોર્મ ગુમાવી ચુક્યો હોય જાતે જ ખસી ગયો છે.'
કોઈપણ કોર્પોરેટ કલ્ચર કે ટીમ વર્કમાં મેનેજમેન્ટ અમુક હોદ્દા પરની કે સિનિયર સભ્યની આબરૂ પણ જળવાય અને કંપનીની ઈમેજ બજારમાં એવી ન થઈ જાય કે તેઓ વર્ષો સુધી પ્રદાન આપનારને નાજુક સમયે કાઢી મૂકે છે તેથી તેને માટે 'એક્ઝિટ પ્લાન' બનાવે. અંદરખાનેથી વ્યક્તિને સ્પષ્ટ મેસેજ આપી દેવાય કે કોઈ કારણ આગળ ધરીને રાજીનામું આપી દો બાકી મેનેજમેન્ટને કઠોર નિર્ણય લેવા પડશે. રોહિત શર્માને પણ કહી દેવાયું હોય કે 'ટીમના હીતમાં નિર્ણય લેવો જોઈએ. આપણે શ્રેણી સરભર કરવા કોઈપણ સંજોગોમાં સમાધાન કરવા નથી માંગતા. ફોર્મ નહીં હોઇ તમને નથી લાગતું કે અન્ય કોઈને સમાવીએ ? આવી કોઈ જાહેરાત અમે કરવા નથી માંગતા. છેક ટોસ વખતે અમારે નિર્ણય જણાવવો પડે તે યોગ્ય નહીં લાગે.' હવે આમાં રોહિત શર્માએ સમજી જવાનું હોય કે તેની માનહાનિ થાય તે પહેલાં તે પોતે જ ટીમના હીતમાં બહાર બેસવા માંગે છે તેમ તેણે નિર્ણય લઈ લેવાનો છે અને ટીમ કે દેશના ગૌરવ કરતા કોઈ ખેલાડી કે કેપ્ટન મહાન નથી તેનું તે ઉદાહરણ બનવા માંગે છે તેમ કહેવાનો આ સમય છે. અને રોહિત શર્માએ તેમ જ કર્યું.
ભારતીય ક્રિકેટ બોર્ડને માટે આઇ.પી.એલ. સોનાના ઈંડા આપતી મરઘી છે તો ભારતના સ્ટાર ખેલાડીઓ માટે પણ એવું કહેવાય કે આવી મરઘી તેઓએ પણ પાળી છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ અને ફ્રેંચાઈઝી વચ્ચે મૂક સંમતિ હોય કે આઇ.પી.એલ.ની બ્રાન્ડ અને દર્શકોની સંખ્યામાં ઘટાડો ન થવો જોઈએ. વર્ષ ૨૦૨૫ની આઇ.પી.એલ. અઢી મહિના પછી યોજાનાર છે. રોહિત શર્મા, કોહલી, રાહુલ અને ગીલ ભલે નિષ્ફળ ગયા પણ તેઓની હાજરી આઇ.પી.એલ.ને બ્રાન્ડ વેલ્યુ વધારવા માટે જરૂરી છે. હવે જો રોહિત શર્મા અને કોહલી નિષ્ફળતા અને ચાહકોના રોષ વચ્ચે નિવૃત્તિ જાહેર કરે તો આઇ.પી.એલ. વખતે તેઓને લગભગ ભૂતપૂર્વ અને ફ્લોપ ફોર્મ સાથે ટેસ્ટ કારકિર્દી આટોપનારા તરીકે જુએ. એક પ્રકારનો ચાર્મ તો ચાલ્યો જ જાય.જ્યારે આ ખેલાડીઓ તો હવે આગામી આઇ.પી.એલ.ની પ્રત્યેક મેચ માટેની જે ટક્કર હશે તે વખતે જાહેરાતના મુખ્ય મોડેલ હશે.
ધોનીની લોકપ્રિયતા નિવૃત્તિ પછી પણ ધોવાઇ ગઈ હતી તેમ કહેવાનો આશય નથી પણ ચેન્નાઈ સુપર કિંગ્સના માલિકો અને સ્પોર્ટસ ચેનલ તેમજ ઓ.ટી.ટી. એક સુવ્યવથીત કેમ્પઈન કરે. યલો જર્સી હજારોની સંખ્યામાં પ્રેક્ષકોને વહેંચાય. 'થાલા..થાલા'થી સ્ટેડિયમ ગાજી ઊઠે. ધોની બેટીંગમાં આવવાનો હોય તે અગાઉ તે પેડ પહેરીને ડ્રેસિંગ રૂમમાં બેચેન હોવાની એક્ટિંગ સાથે બેટ હાથમાં લઈને હવામાં શોટ રમવાની અદા કરે અને બરાબર બધું સ્ટેજ મેનેજડ્ હોય તેમ હવે તેના પર તેની પ્રત્યેક ઈનિંગ અગાઉ આ રીતે કેમેરો ફરે. આપણે આપણા ઘરના ડ્રોઈંગ રૂમમાં ટીવી સામે બેઠા 'ધોની ફીવર'માં જકડાઈ જઇએ.
હવે ધોની ડ્રેસિંગ રૂમના પગથિયાં ઉતરતા બેટિંગમાં આવે એટલે ટીવી સ્ક્રીન પર લખેલું જોઈ શકાય કે ‘Man, myth and mahi’ ધોની માટે નહીં આઇ.પી.એલ.કાયમ તીજોરી ભરતું રહે અને પ્રત્યેક ફ્રેંચાઇઝી પણ માલામાલ થવા એવું ઇચ્છે કે ‘Hype’ ઊભી કરી શકે તેવા ખેલાડીની તેઓને જરૂર છે. ધોનીની છાપને જેટલી ઘસવી હોય તેટલી ઘસી લેવી.
ચાહકોમાં જુવાળ ઊભો કરવા મનોવિજ્ઞાાન અને ગ્રાહકના માનસને સમજતા બેતાજ બાદશાહ એવા માર્કેટિંગ નિષ્ણાતો આ માટે ખેલાડીની બ્રાન્ડ ઈમેજ લોકમાનસમાં ઊભી કરવાનું કામ કરે છે.
રોહિત શર્મા, કોહલી, રાહુલ અને ગીલ આવા બ્રાન્ડ મટીરીયલ છે. રોહિત શર્માએ સીડનીના ઇન્ટરવ્યુમાં ભારતીય ચાહકોની ખાસિયત તરફ ઈશારો કરતા સૂચક કૉમેન્ટ કરી હતી કે 'રમતમાં પ્રત્યેક પળે બધું બદલાતું હોય છે.'
તેનો કહેવાનો મર્મ એવો હતો કે ચાહકોની યાદદાસ્ત બહુ ટુંકી હોય છે. આ જ રોહિત શર્મા અને કોહલી આગામી ફેબ્રુઆરી અને માર્ચમાં રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક બે ઇનિંગમાં ઝળકે કે પછી ભારત ચેમ્પિયન બને તો તેઓની છેલ્લા બે વર્ષની સરિયામ નિષ્ફળતા અને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી હાર અને ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રેસમાંથી બહાર ફેંકાઈ ગયું તે ચાહકો ભૂલી જશે. આઇ.પી.એલ.માં પણ રોહિત ..રોહિત અને કોહલી..કોહલીના નારાથી પ્રેક્ષકો સ્ટેડિયમ ગજવી દેશે.
માર્કેટિંગ ટીમ તો લોકમાનસનું સંમોહન કેમ કરવું તેના કિમિયા જાણે જ તેઓ પણ તેમનું કામ કરશે.
ભારત ટી - ૨૦માં રોહિત શર્માના નેતૃત્વમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યું તે અને કોહલી પાકિસ્તાન સામે વિજયી બેટિંગ કરતો હોય તેની વિડિયો ક્લિપ પ્રસારણમાં બતાવાતી જ રહેશે.
યાદ કરો મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે રોહિત શર્માને હટાવી હાર્દિક પંડયાને તાજ સોંપાયો ત્યારે રોષે ભરાયેલા ચાહકો રોહિત શર્માની માંગ કરતા હાર્દિક પંડયાનો હુરિયો બોલાવતા હતા.
રોહિત શર્મા અને કોહલી તેમની આઇ.પી.એલ. ટીમના રીટેઈન થયેલા ખેલાડીઓ છે તેમની ઈમેજ જળવાઈ રહે તે ગરજ ભારતીય ક્રિકેટ બોર્ડ અને આઇ.પી.એલ.ની પણ છે. નિવૃત્તિ આઇ.પી.એલ. પહેલા તો નહીં જ તેવી મૂક સમજૂતી હોય છે.
આ તો ભારતના ખેલાડીઓનું કમનસીબ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હોઇ ક્રિકેટ શ્રેણીઓ યોજવાનું હવે આઇ.સી.સી.ના હાથમાં છે બાકી વર્ષોથી ભારતીય ક્રિકેટ બોર્ડ પડકારજનક વિદેશ પ્રવાસની શ્રેણી પછી ઘર આંગણે શ્રીલંકા, બાંગ્લા દેશ કે વેસ્ટ ઇન્ડીઝ સામે શ્રેણીનું કેલેન્ડર તૈયાર જ રાખતા. વિદેશમાં ધબાય નમ: ખેલાડીઓ નબળી ટીમ સામે ઘરઆંગણે ફોર્મ બતાવે અને મહાકુંભમાં સ્નાન સમાન નબળી ટીમો સામે ફાંકા ફોજદારી જેવી બેટિંગ બતાવી નજીકના ભૂતકાળના પાપ ધોઈ શકતા કેમ કે ચાહકો 'શોર્ટ મેમરી'ની બીમારી ભોગવતા હોય છે તે ક્રિકેટરો જાણે છે. નબળી ટીમ સામેનું ઘરઆંગણાનું ફોર્મ જોઈને જ ચાહકોના સૂર બદલાઈ જતા.
પણ, હવે ભારતના ફ્લોપ ખેલાડીઓ પાસે આવી તક નથી અને ટેસ્ટ શ્રેણી સીધી છેક આ વર્ષે ઓગસ્ટમાં ઇંગ્લેન્ડના પ્રવાસે રમાનાર છે.
આગામી આઇ.પી.એલમાં રોહિત, કોહલી અને રાહુલ કેટલીક મેજીકલ ઇનિંગ રમશે તે પછી આમ પણ આપણે ત્યાં વ્હાઈટ બોલના ક્રિકેટ ફોર્મને આધારે જ ટેસ્ટ શ્રેણી માટેની ટીમ પસંદ થાય છે. તે ધોરણે સીનીયરોની ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પસંદગી થઈ જ શકે.
હેડ કોચ ગૌતમ ગંભીર પણ લાચાર છે કેમ કે તેના આગમન પછી ભારત શ્રીલંકામાં વ્હાઈટ બોલ શ્રેણી, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી હાર્યું છે. ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનની ફાઇનલમાં પ્રવેશવા માટે પણ નિષ્ફળ ગયું છે. ભારત પાસે ટેસ્ટ ક્રિકેટમાં સ્થાન લઈ શકે તેવા મજબૂત ખેલાડીઓ નથી. હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જો ભારત ચેમ્પિયન નહીં બને તો ગૌતમ ગંભીર પોતે જ રડાર હેઠળ આવી જશે. તેને પણ યોગ્ય વિકલ્પના અભાવે રોહિત, કોહલી અને રાહુલ જેવા પર કદાચ તેઓ ફોર્મ મેળવશે તો જીતાડી શકે તેવી આશા છે. આમ થાય તો તેનો રેકોર્ડ પણ સુધરે. ઇંગ્લેન્ડનો પ્રવાસ ઓસ્ટ્રેલિયા જેવો જ કઠિન છે તેમાં બધા યુવા કે ઓછા અનુભવીની ટીમ લઈ જવી પણ ભારે પડી જાય આમ રોહિત, કોહલી અને રાહુલ ઇંગ્લેન્ડ સુધી ગાડું ગબડાવી શકે છે. તમામ સંજોગો તેઓને માટે અનુકૂળ છે.
જો સીનીયરો ભારતના સ્ટાર ખેલાડીઓના બ્રેકેટમાં જારી રહે તો આઇ.પી.એલ.માં સરેરાશ વીસ કરોડ રૂપિયા તેઓને એક સીઝનના મળી શકે તેમ છે.
ખેલાડીઓ ટોપ પ્લેયર્સની સર્કિટમાં હોય તો તેઓ જુદી જુદી કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર કે મોડેલ તરીકે પણ જારી રહી શકે. રોહિત શર્મા, કોહલી, રાહુલ, ગીલ વગેરે પાસે ૧૦થી ૨૦ બ્રાન્ડ છે. સીનીયરોને આ માટે પણ નિવૃત્તિ લઈને તેમની ઈમેજ ઓસરી જાય તે ન પોસાય. ધોની તેની લોકપ્રિયતાનો કસ કાઢીને અમિતાભ બચ્ચનની બ્રાન્ડ વેલ્યુને વટાવી ચૂક્યો છે. ધોની નવી નવી હેર સ્ટાઈલ કરાવે કે મોટર બાઈક પર ફરવા નીકળી પડે તે બધું યુવા પેઢી જોડે કનેક્ટ રહેવા તેની બ્રાન્ડ ટીમ તેને સલાહ આપે છે તેમ અનુસરે છે. કોહલી પણ વખતોવખત હેર સ્ટાઈલ, ટેટૂ ચિતરાવે કે અવનવી રીતે દાઢીના વાળ ટ્રિમ કરાવે છે તે બધા જ બ્રાંડિંગ માટેના ફંડા છે.
ક્રિકેટના પરિણામને ક્રિકેટરો ચાહકો જેટલી લાગણીથી નથી લેતા હોતા. એક બે દિવસ ઉદાસ રહે પછી કરોડોની કમાણી નજર સામે તરવરે. 'વી આર પ્રોફેશનલ્સ.. હાર કે જીત એટલે તો રમત' તે પ્રકારના સુવાક્યો બોલીને તેઓ નિષ્ફળતાને ખંખેરી લેતા હોય છે.
જેમ ઘણા શ્રીમંત વારસાના સંતાનો ‘who cares’ ની તુમાખીમાં ફરતા હોય છે તેમ આઇ.પી.એલ.ના આપણા વારસદારો કરોડોની કમાણીમાં આળોટે છે. આઇ.પી.એલ. સિવાયનું ક્રિકેટ તો તેઓ માટે આઇ.પી.એલ.માં રમવા માટેની ટિકિટ જેવું છે તેથી નાછૂટકે રમે છે.