ઓલિમ્પિક વિલેજ : પર્યાવરણના નામે ખેલાડીઓને હાલાકી
- પેરિસમાં રેકોર્ડ ગરમી છતાં ઓલિમ્પિક વિલેજમાં વિશ્વભરના ખેલાડીઓના રૂમમાં અને બસમાં એર કન્ડીશન જ નથી!
- વિવિધા-ભવેન કચ્છી
- ખેલાડીઓને સુવા માટેના પલંગ પણ કાર્ડ બોર્ડના અને ભોજનમાં પણ ધાંધિયા
ઓ લિમ્પિકના આયોજનમાં શક્ય એટલું પર્યાવરણ ઓછું દૂષિત થાય અને વાતાવરણમાં કાર્બન વિસર્જનની માત્રા વધે નહીં તેવા કારણોસર વિશ્વના ૧૧,૦૦૦ જેટલા ઓલિમ્પિક ખેલાડીઓ અને ઓફિસિયલ્સ રહે છે તે ઓલિમ્પિક વિલેજમાં જે નિયમનો રાખ્યા છે તેનાંથી ખેલાડીઓ ત્રાહિમામ પોકારી ઊઠયા છે. ફ્રાન્સ વિશ્વને પોતે કલાઇમેટ માટે કઈ હદે પ્રદાન આપે છે તે દેખાડો કરવામાં કોઈ કસર નથી છોડતું અને વિશ્વમાં ગ્રીન કન્ટ્રી તરીકે તેઓની નોંધ લેવાય તે માટે દંભી હરકતો કરી રહ્યું છે. ફ્રાન્સના મીડિયાએ સાથ આપ્યો હોય તેમ તેઓ ઓલિમ્પિક વિલેજમા પ્રવર્તતી હાલાકીનું કવરેજ ખાસ નથી કરતા પણ અમેરિકા, યુરોપ અને ચીનના મીડિયાએ પેરિસની પોલ ખુલ્લી પાડી દીધી છે. ભારતના કેટલાક મીડિયાએ પણ ખેલાડીઓની મુલાકાત લઈને તેઓ પર કેવી વીતી રહી છે તેની વાત કરી છે.
આજે ભારતમાં પણ શહેરોમાં અડધો કલાક ઉનાળાની ઋતુમાં વીજળીનો પુરવઠો ખોરવાય તો નાગરિકો અકળાય જાય છે કેમ કે પંખા, એ.સી. વગર રહેવાનું થાય. કર્મચારીઓની કાર્યક્ષમતા પર પણ અસર પડતી હોય છે.હોસ્પિટલમાં દર્દીઓની બીમારી વધુ જોર પકડે છે અને સર્જરી પણ ઠપ્પ થઈ જતી હોય છે.
જો કે એ.સી. પરની નિર્ભરતા સારી ન જ કહેવાય. પર્યાવરણવાદીઓ કહે છે કે એ. સી. અને ગેજેટ્સ કાર્બનની માત્રા વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં વધારે છે. જેમ બને તેમ ઝડપથી માનવ જગતે કુદરતી રીતે અથવા ઓછામાં ઓછું પ્રદૂષણ ઉમેરાય તેમ જીવન પધ્ધતિ અપનાવવી પડશે. જો કે આ માટે સબળ અને અસરકારક વિકલ્પો પણ આપણે જ શોધવા પડશે.
હવે મૂળ વાત પર આવીએ, તમને જાણીને આશ્ચર્ય થશે કે પેરિસમાં જે ઓલિમ્પિક રમાઈ રહ્યો છે તેમાં ખેલાડીઓ જે રૂમમાં રહે છે તે રૂમમાં એ. સી.જ નથી. હવે વિચારો, ખેલાડીઓએ તેમના કે અન્ય દેશમાં ટ્રેનિંગ જ એ.સી.સુવિધા સાથે લીધી હોય તેઓ
એ. સી. વગરના ઇન્ડોર સ્પોર્ટ્સમાં તેમની પ્રેક્ટિસ કરે છે. આખી રાત્રિ તેઓને પૂરતી ઠંડક વગર રાતોરાત આવી કંડીશનમાં મૂકી દીધા હોવાથી પૂરતી ઉંઘ પણ નથી આવતી. આયોજકોએ એક લાઈનમાં વિનંતી કરી દીધી છે કે 'આપણે શક્ય એટલી ગ્રીન ઓલિમ્પિક યોજવાની છે. ચાલો,સૌ મળીને વિશ્વના વાતાવરણને કલુષિત થતાં બચાવીએ. કાર્બન ફૂટ પ્રિન્ટ ઓછી પાડીએ.'
આયોજકોએ વૈકલ્પિક વ્યવસ્થા એવી કરી છે કે આખા વિલેજને બનાવતા પહેલા ૪૦ એપાર્ટમેન્ટની ફરતે કન્સિલ પાઇપ લાઇન નાંખી છે જેમાંથી ઠંડુ પાણી પસાર થતું રહે અને દીવાલ અને છતને તે સિસ્ટમ ઠંડી રાખે છે.આ ઉપરાંત એપાર્ટમેન્ટના ફ્લોર નીચેની જમીનમાં જીઓથર્મલ સિસ્ટમ મુકાઈ છે જે અંતર્ગત ઠંડુ પાણી પમ્પિંગ થઈને ફરતું રહે અને રૂમમાં ઠંડક પૂરી પાડે. ખેલાડીઓએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો છે કે આ સિસ્ટમથી એ.સી.ના વિકલ્પ જેવી ઠંડક નથી. ખેલાડીઓ કહે છે કે 'અમે અહીં એશોઆરામ કરવા નથી આવ્યા તે પણ જાણીએ છીએ પણ ઓલિમ્પિકના સ્તરની હરીફાઈમાં અમારે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન બહાર લાવવાનું હોય ત્યારે એ.સી.વગર તૈયારી કરવી અને પૂરતી ઊંઘ વગર પર્ફોર્મ કરવું ખૂબ પડકારજનક પુરવાર થયું છે.
ભારતના કેન્દ્રીય રમત જગત મંત્રી મનસુખ માંડવીયાએ પેરિસ સ્થિત ભારતીય એમ્બેસીને ભારતના ખેલાડીઓ માટે ૪૦ જેટલા મીની પોર્ટેબલ એર કન્ડીશન ખરીદીને તેઓના રૂમમાં પહોંચાડવા તાકીદ કરી હતી. અમેરિકા અને યૂરોપના ખેલાડીઓ માટે પણ તેઓના દેશના એસોસિયેશને આવા એ.સી. ખરીદ્યા હતા. આવી કપરી સ્થિતિ જોતાં પેરિસ સ્થિત અમેરિકાના તમામ મીડિયા અને 'ટાઇમ' સામયિકે પણ ફ્રાન્સના આયોજનની ટીકા કરી છે.અમેરિકાની લેજેન્ડ જીમનાસ્ટ સિમોન બાઇલ્સે રોષ વ્યક્ત કર્યો કે 'રૂમમાં જ નહીં અમે ઇવેન્ટમાં ભાગ લેવા ૪૫ મિનિટ સુધી બેસીને જે બસમાં જઈએ છીએ તે પણ એ.સી. વગરની છે.અમે બસની બહાર ઉતર્યા ત્યારે હળવાશ અનુભવી તેવી ગભરામણ બસમાં થતી હતી.'
ખેલાડીઓની તકલીફ બેવડાઈ તેનું કારણ એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી પેરિસમાં રેકોર્ડ ગરમી પડી રહી છે. પેરિસના નાગરિકો અને પ્રવાસીઓ માટે ઠેર ઠેર પીવાના પાણીના સેન્ટર ઊભા કરાયા છે. ઠંડક વચ્ચે નાગરિકો ઊભા રહી શકે તેથી અમુક અંતરે ફુવારા પણ ઊભા કરાયા છે. ખાસ પલળ્યા વગર પાણી નાગરિકો પર છંટાય તેવી વ્યવસ્થા પણ ખરી. પણ ખેલાડીઓને તો હીટર મૂક્યું હોય તેવી બસમાં કલાક જેટલું બેસીને સીધું હાઈ વોલ્ટેજ સ્પર્ધામાં ઉતરવાનું રહે છે. રાત્રે ઊંઘવાનું પણ આવી કાળઝાળ ગરમીમાં.
અમેરિકાની ટેનિસ ખેલાડી કોકો ગોફે થોડા દિવસો પહેલા 'ટિકટોક' પર એક પોસ્ટ મૂકી હતી જેમાં તેનો ઓલિમ્પિકનો રૂમ તેના ચાહકોને બતાવ્યો હતો. રૂમમાં એ.સી.તો નહોતું જ પણ એક રૂમમાં દસ ખેલાડીઓને રાખવામાં આવી હતી. તેઓ વચ્ચે બે જ બાથરૂમ ફાળવવામાં આવ્યા હતા.
ભારતના બોક્સર અમિત પંઘલ, ટેનિસ ખેલાડી સુમિત નાગલ અને પી.વી. સિંધુએ પણ ઓલિમ્પિક વિલેજમા ઉપલબ્ધ પાયાની જરૂરિયાતો પરત્વે પર્યાવરણના નામે જે સમાધાન કરાયું છે તેની ટીકા કરી છે. આ જ કારણે કેટલાક દેશના ઓલિમ્પિક એસોસિયેશને ખાસ પરવાનગી લઈને નજીકની હોટલમાં તેમના ખેલાડીઓને શિફ્ટ કર્યા છે. પણ હાલ પેરિસમાં વિશ્વના લાખો પ્રવાસીઓ આવ્યા હોઇ હોટલના રૂમનું બુકિંગ તો મહિનાઓ પહેલા થઈ ગયું હોઇ જે તે ટીમને રૂમ પણ નથી મળતા. બધાને ઊંચા દરના રૂમ પોષાય પણ નહીં.
પુષ્કળ ગરમી અને એ.સી. વગરના રૂમને લીધે ખેલાડીઓ ઊંઘી નથી શકતા તે કારણમાં બીજું ઉમેરાય છે કે ખેલાડીઓ માટે જે પલંગ રૂમમાં આપવામાં આવ્યા છે તે કાર્ડ બોર્ડના છે. કારણ? આ બધા પલંગ ફોલ્ડિંગ હોવા જરૂરી છે કેમ કે ઓલિમ્પિક વિલેજની તમામ સુવિધા પછીથી ગરીબ દેશોમાં કે ચેરિટી સંસ્થાઓને આપી દેવાની છે. કોઈપણ ચીજ વસ્તુ, ફર્નિચર ડીસ્પોઝેબલ હોવી જોઈએ તે પણ માપદંડ રખાયો હોઇ જે પલંગ બન્યા છે તે ઊંધતી વખતે ફાવે તેવા જ નથી. પર્યાવરણ સુરક્ષાના ભાગરૂપે ગાદલા પણ પોલીથીનના બનાવાયા છે.
હવે રહી સવારના નાસ્તા અને ભોજન વ્યવસ્થાની વાત. તો વિશ્વના મોટાભાગના દેશોએ ભારે હોબાળો મચાવ્યો છે.તેઓ કહે છે કે કદાચ એ.સી.વગર પણ ખેંચી લઈએ પણ ઓલિમ્પિક વિલેજમાં પૂરતું ભોજન હોતું જ નથી. બે ફૂટબોલ મેદાન જેટલી જગ્યા પર સરસ રીતે ડાઇનિંગ એરિયા ઊભો કરાયો છે. બીજો એક ભોજન એરિયા પણ છે. તમામ ૧૦,૫૦૦ જેટલા ખેલાડીઓ અને ઓફીસિયલ્સે બુફે ભોજન જ લેવાનું હોય છે.તે પછી રાઉન્ડ ટેબલ અને ખુરશી મુકાઈ છે પણ તે ઘણી જ અપુરતી માત્રામાં છે. ૩૫૦૦ વ્યક્તિઓ બેસી શકે તેવી આ વ્યવસ્થા છે તેમ આયોજકોએ બુકલેટમાં લખ્યું હતું. બધાને ફરજિયાત ફ્રેન્ચ ભોજન અને પિત્ઝા, પાસ્તા, ચિકન મળે છે પણ બધાને ઓથેન્ટીક ફ્રેન્ચ ભાવે નહીં તે પ્રકારનું હોય છે. ફ્રેન્ચ ફૂડથી કંટાળેલા ખેલાડીઓએ મેનૂમાં રાજમા વાંચ્યા એટલે એટલો ધસારો થયો કે જેઓએ બીજી બેચમાં જવાનું પસંદ કરેલું તેવા હજારોના ભાગમાં રાજમા આવ્યા જ નહીં.ખેલાડીઓને અન્ય વાનગીઓ માટે પણ લાંબો ઇંતેજાર કરવો પડે છે કેમ કે તે પછી જે તે વાનગીનું ખાલી થયેલ પોઇન્ટ ફરી ભરાતું જ નથી. તેમાં પણ એટલી બધી વાર લાગે કે તે નહીં ખાવાનું મન મનાવી લેવું પડતું હોય છે.
ફ્રાન્સના અખબારોએ પણ દેશની પ્રતિષ્ઠા ફૂડ મેનેજમેન્ટની રીતે ખરડાય છે તેમ કવરેજ આપીને કેટલાક ખેલાડીઓના ક્વોટ લીધા છે કે 'ઈંડા, દૂધ,ફળ અને ગ્રિલ્ડ મીટ જેવી સામગ્રી પણ રોજ ખૂટી પડે છે. જે ઓર્ડર કરો તે ખલાસ થઈ ગયું તેમ જ કહેવાય છે. રોજની ૪૦,૦૦૦ પ્લેટ સવારના નાસ્તા, ભોજન, ડીઝર્ટ માટે બને છે. મોટાભાગના ખેલાડીઓ તેમના ડાયટમાં ખૂબ જ ચુસ્ત હોય છે. તેઓને ફળફળાદી, દૂધ, પ્રોટીન શેક માટે 'હમણાં આવે છે' તેમ જણાવી ખૂબ રાહ જોવડાવાય છે.એ તો સારું છે કે મોટા ભાગના ખેલાડીઓ તેમનું ફૂડ પેક કરીને લાવ્યા છે.
૧૦,૫૦૦માંથી જે તે સમયે ત્રણ હજાર વ્યક્તિઓને ભોજન લેતા હોય તો તે માટેની સેંકડો ખેલાડીઓ અને અધિકારીઓને પ્લેટ લઈને લાઈનમાં ઊભા રહેવું પડે છે. વર્લ્ડના ટોચના ખેલાડીઓ પણ આ રીતે ઊભા હોય છે. તેઓ તેમના ઇવેન્ટમાંથી થાકીને આવ્યા હોય છે કે પછી તેઓને રમતમાં ભાગ લેવા જવાનું હોય છે.
ખેલાડીઓ ઈચ્છે તો બહારનું ફૂડ મંગાવી શકે છે પણ ખેલાડીઓ અને તેમના પર નજર રાખી રહેલ તેઓના કોચ પણ આવું ફૂડ પસંદ નથી કરતા કેમ કે તેમાં ફૂડ પોઇઝનિંગ થઈ શકે. કઈ રીતે બન્યું હોય તે કહી ન શકાય. જ્યારે ઓલિમ્પિક વિલેજમાં ઉપલબ્ધ જે પણ ફૂડ છે તે ખૂબ જ ઓર્ગેનિક અને જવાબદારી પૂર્ણ માપદંડ સાથે બનાવાયું હોય છે કેમ કે એકસાથે હજારો ખેલાડીઓને ફૂડ પોઈઝનિંગ થાય તો વિશ્વભરમાં હાહાકાર મચી જાય.
ભારતની પી.વી.સિંધુને ભોજનની ઘણી તકલીફ પડતી હતી પણ તેના પેરિસમાં રહેતા ભારતીય પરિચિતોએ તેના માટે ટિફિનની વ્યવસ્થા કરી હતી. બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનના તો મમ્મી નિર્મલા અને પપ્પા ધીરેન્દ્ર કુમાર મહિનાથી પેરિસમાં જ એક ઘર ભાડે રાખીને રહે છે અને લક્ષ્ય સેનને ઘેર બનાવેલું ભોજન જ આપવા જાય છે.
પેરિસમાં ખેલાડીઓને એક મુશ્કેલી એ પણ છે કે તેમની સ્પર્ધાનું સ્થળ વાહનમાં એકાદ કલાક ડ્રાઇવ કરીને પહોંચાય તેટલા દૂર હોય છે. પેરિસના આયોજકોએ ગોઠવેલ બસ તો તેની રીતે અન્ય ખેલાડીઓને લેતા સ્થળ પર પહોંચે.ખેલાડીઓ એવું ઈચ્છતા હોય કે સ્પર્ધાના સ્થળે વહેલા પહોંચે જેથી હળવા થઈ શકાય.તે સ્થળથી વાકેફ થવું પણ જરૂરી છે. કોચ જોડે વ્યૂહાત્મક ચર્ચા છેલ્લી ઘડીએ કરવાની હોય છે. આયોજકોની બસ ઇવેન્ટની થોડી મિનિટો પહેલાં જ સ્થળ પર પહોંચાડે છે.આવી શટલ બસની રાહ જોવી પણ થકવી દે છે.
ભારતીય ઓલિમ્પિક એસોસિયેશને તો પહેલેથી વિચારીને જ ભારતના ખેલાડીઓને પ્રેક્ટિસ, સ્પર્ધાના સ્થળે લઈ જવા,પરત લાવવા એક સ્ટેશન વેગન, એસ.યુ.વી., બે મીની વાન અને ચાર અન્ય વાહનો પણ ઓલિમ્પિક વિલેજ બહાર ખડા રાખ્યા છે. અન્ય આર્થિક રીતે પરવડે તે દેશો પણ ઓલિમ્પિક વિલેજની પરિવહન સિસ્ટમ પર આધારિત નહીં રહેવાનું પસંદ કરે છે. જો કે ઓલિમ્પિકમાં તો ૨૦૦થી વધુ દેશો ભાગ લે છે. પંદર જેટલા દેશોને બાદ કરતાં ગરીબ દેશના એસોસિયેશનને પોતાની અલાયદી વ્યવસ્થા પોસાય નહીં.એ જુદી વાત છે કે આ દેશો ગોલ્ડ મેડલ જીતી બતાવે છે.
અને છેલ્લે... ઓલિમ્પિક વિલેજમાં ચોરીની જે ઘટના બની છે તેના લીધે પણ ખેલાડીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. ભારતના ખેલાડીઓને પણ અધિકારીઓએ સૂચના આપી છે કે તમારી ચીજવસ્તુ, કાર્ડ્સ વગેરેનું ધ્યાન રાખશો.
જાપાનની ખેલાડીએ તેની લગ્ન વખતે પહેરાવાયેલ વીંટી,નેકલેસ અને રોકડ રકમ ચોરાઈ ગઈ હોવાની ફરિયાદ પેરિસ પોલીસને નોંધાવી છે.
ઓસ્ટ્રેલિયાની ટીમના હોકી કોચે તેનું બેંક કાર્ડ ચોરાઈ ગયું છે તેવી ફરિયાદ કરી છે. તેની બેંકે પણ તેને મેસેજ કર્યો છે કે એક શંકાસ્પદ વ્યક્તિ ૧૫૦૦ ડોલરનો વ્યવહાર કરવા માંગતી હતી.અત્યાર સુધી પાંચ જેટલી પોલીસ ફરિયાદ નોંધાઇ છે અને અન્ય કેટલાક કિસ્સામાં ચોરીનો ભોગ બનેલી વ્યકિતએ ફરિયાદ કરવાનું ટાળ્યું છે.
તો આ હતી ઓલિમ્પિક વિલેજની વાસ્તવિકતા. આખા પેરિસમાં પેરિસ બહારના ફ્રાન્સના અન્ય શહેરોના મળીને ૪૫ લાખ અને વિશ્વના ૧૫ લાખ પ્રવાસીઓ ઓલિમ્પિક દરમ્યાન આવ્યા છે. તેઓ એ.સી. ધરાવતી હોટલમાં રહેશે.પ્લાસ્ટીકનો ઉપયોગ કરશે અને કાર્બન ફૂટ પ્રિન્ટ પુષ્કળ માત્રામાં વધારી રહ્યા છે. પણ આયોજકોએ વિશ્વને બતાવવા ૧૦,૫૦૦ ખેલાડીઓ પર જે પ્રયોગ કર્યો તેની વિશ્વભરમાં આકરી ટીકા થઈ છે.