ચાલો, નવા વર્ષે હૃદય દ્વાર ખોલીએ.. ખુશીઓને પ્રવેશ આપીએ
- આપણે ગેજેટ્સના જૂના મોડેલ ક્યારના ફગાવી દીધા પણ આપણે આપણું પોતાનું ગેજેટ્સ, સોફ્ટવેર અને હાર્ડવેર તો એ જ જૂનું પુરાણું રાખ્યું છે
- વિવિધા-ભવેન કચ્છી
- મારું આજનું વર્તમાન અને વર્તન આવતીકાલે કેવું પરિણામ આપશે તેટલું આત્મચિંતન નવા વર્ષે કરીએ તો પણ જીવન સાર્થક બનશે
સ્હેજ હડસેલી ઠેલી ખોલી નાખ
બંધ જીવતરની ડેલી ખોલી નાખ
બંધ મુઠ્ઠીની છે સમસ્યા સહુ
તારી મુઠ્ઠી તું વ્હેલી ખોલી નાખ
શ્વાસને સાવ છુટ્ટા મેલી દે !
તું હવાની હવેલી ખોલી નાખ
બારની તડથી આવે મ્હેક હવે
કયાંક મ્હેકે ચમેલી ખોલી નાખ
બીજમાંથી સીધી પૂનમ દઈ દે !
સ્હેજ પાંપણ નમેલી ખોલી નાખ
આ ગઝલ આપણા જીવન-તાંદુલ
પોટલી શરમ મેલી ખોલી નાખ
બાર વાસ્યું છે અમથું અડકાડી
સ્હેજ હડસેલી ખોલી નાખ
સ્વ. મનોજ ખંડેરિયાની આ કૃતિ 'ખોલી નાખ' કારણ વગર આપણે મુક્ત મને જીવન નથી જીવતા અને બંધિયાર માનસ ધારણ કરી આયખું પૂરું કરીએ છીએ તેની તરફ દર્પણ ધરી ઢંઢોળે છે. 'બંધ મુઠ્ઠીની સમસ્યા સહુ, તારી મુઠ્ઠી તું વ્હેલી ખોલી નાખ, શ્વાસને સાવ છુટ્ટા મેલી દે ! તું હવાની હવેલી ખોલી નાખ' પંક્તિ વાંચતા જ જો ખરેખર આપણે શ્વાસને છુટા મેલી દઈએ તો અહેસાસ થાય કે આપણે કેટલી નિરર્થક ગૂંગળામણ અનુભવતા હતા.
મનોજ ખંડેરિયાની ઉપરોક્ત કૃતિ આપણને ઢંઢોળે છે કે તારી આજુબાજુ કે હાથવેંત છેટું જ સાવ મફતમાં મળે છે તેવું ખરું સુખ પડયું છે પણ તે તારી ઇન્દ્રિયો અને હૃદય પર સખ્ત પહેરો લગાવીને તેને જડબેસલાક બંધ રાખ્યા છે... અરે શ્વાસ સુધ્ધાને જાણે તું ગૂંગળાવી દેતો હોય તેમ જીવન વ્યતીત કરતો હોય તેમ લાગે છે.
***.
નવા વર્ષમાં આપણે બાંધેલી મુઠ્ઠીને ખોલી નાંખીએ તેવો સંકલ્પ સાર્થક કરીએ તો પણ જીવનમાં બહાર આવી જશે.સંવત ૨૦૮૧નો પ્રારંભ થઇ ચૂક્યો છે. જે રીતે નાગરિકોમાં તનાવ, સહનશક્તિનો ભયજનક રીતે અભાવ તેમજ સ્વકેન્દ્રી વૃત્તિ વધી રહી છે તે એક વૈશ્વિક સમસ્યા તરીકે જોવાની જરૂર છે. સોશિયલ મીડિયાના આગમન પછી ખરેખર આપણે સુખી બનવાની દરકાર નથી કરતા પણ બીજાને આપણે કેટલા સુખી છીએ તે બતાવવામાં જ જીવન વ્યતિત કરતા થઈ ગયા છીએ.
સમયનો “Optimum” ઉપયોગ
ખરેખર તો નવા વર્ષમાં એક એવો સંકલ્પ કરવાની જરૂર છે કે 'હું વર્તમાનને જ માણીશ.' અમેરિકાના ગોરાઓમાં એક શબ્દ બહુ પ્રચલિત છે 'સમયનો “Optimum” ઉપયોગ કરવો જોઈએ.' એટલે કે વર્તમાન અને એક એક પળ કે કલાકને મહત્તમ ખુશી કે હેતુપૂર્ણ રીતે વીતાવવી જોઈએ. માત્ર આનંદ પ્રમોદના સંદર્ભમાં જ નહીં પણ તમે કોઈ પણ સંશોધન ધ્યેય, પ્રોજેક્ટ,જોબ કે વ્યવસાયમાં હોવ તો તે માટે જ સમય ખર્ચાય છે કે નહીં તેની સતત સભાનતા કેળવવા પર ભાર મૂકાયો છે. આરામ, પ્રવાસ, કોફી પીવી, ટી.વી. જોવું કે પુસ્તક વાંચવું કે પછી અભ્યાસ કે જોબ જે પણ હોય તેમાં ઓતપ્રોત થઈ જવાનું.
પોતાને જ પ્રશ્નો પૂછતા રહો
આપણે આપણી જાત પાસે સમયનો હિસાબ તો માંગવાનો જ પણ તેનાથી ઉત્કર્ષ થાય તેમ છે? કંઇક નવું જોવા - જાણવા મળ્યું? સંબંધોની જાળવણી થઈ? સામાજિક અને માનવીય અભિગમ સાથે કંઇક પ્રદાન આપ્યું? મારા હોવાનો હેતુ શું? જેવા પ્રશ્નો પૂછતા રહેવું પડે.
તેવી જ રીતે હું હાલ જે પણ કરું છું તે મને કે મારા સુખ સાથે જોડાયેલા છે તેને કયા મુકામ પર લાવીને ભવિષ્યમાં મૂકી દેશે તે રીતે વર્તમાનના સૂક્ષ્મ અને સ્થૂળ પ્રવાહ પર નજર રાખવાની છે.આવી જ રીતે સ્વાસ્થ્ય, સંબંધો અને જે પ્રવૃત્તિ કરતા હોઈએ તે માટે વિચારતા જ રહેવું જોઈએ કે “where it will lead me”
મારો વર્તમાન આગળ જતાં કેવા ભવિષ્યને જન્મ આપી શકે છે તેનું આ ચિંતન છે. જીવનમાં અમુક કમનસીબ પ્રસંગો વગર વાંકે બનતા હોય છે. કેમ આપણે જ તેવો સવાલ પણ થાય. આમ છતાં મોટાભાગની વર્તમાન સ્થિતિ માટે ભૂતકાળની એટલે કે એક વખત તે વર્તમાન હશે ત્યારે આપણી સોચ, વર્તન, બેજવાબદારી , અસંસ્કાર, વાણી અને વર્તન આપણને હાલની સ્થિતિએ લાવીને મૂકી દીધા હોય છે.
ક્ષણની સાથે જ રહો
વર્તમાનમાં જીવવાનો બીજો અર્થ એમ પણ થાય કે જે સમયે આપણે જે કરતા હોઇએ તે ક્ષણે આપણે આપણી ઇન્દ્રિયોથી, દિલથી ત્યાં હોવા જોઈએ. સરસ મજાના ભોજન, દ્રશ્ય કે પ્રવાસન સ્થળે, પ્રસંગે આપણે કંઇક બીજી જ દુનિયામાં હોઈએ તો પણ હતાશા આવી જતી હોય છે.
ઓશો તો એટલે સુધી કહેતા કે બીજી બધી અનુભૂતિની વાત જવા દો પાણીનો ઘૂંટડો પણ માણસ ધારે તો માણી શકે.આપણે કોઈપણ ઇન્દ્રિયથી થતી ક્રિયા વડે તેમાં ન હોઈએ તેથી ઈશ્વરે આપેલ પરમ આનંદ કે દિવ્યતાની અનુભૂતિથી વંચિત રહીએ છીએ. હવાની લહેરખી અનુભવી નથી હોતી અને પ્રકૃતિ પર કવિતા લખી નાંખતા હોઈએ છીએ.
મોબાઈલ ફોન વગર પાગલ
આપણે મોબાઈલ ચાર્જ નહીં થયો હોય તો પાગલ જેવા થઈ જઈશું. પણ આપણી શુષ્ક અને બંધિયાર સોચ રોજેરોજ અને વર્ષોત્તર તે જ રીતે આગળ ધપાવીએ છીએ. તમે પોતે જ સવાલ પૂછો કે ૨૦૦૦ના વર્ષમાં તમે જેવા હતા તેના કરતાં હવે મારામાં કોઈ પરિવર્તન આવ્યું છે જેણે મને બહેતર બનાવ્યો છે?
ખરેખર તો આપણે મોટેભાગે તો રોજ એકનું એક જ યંત્રવત્ જીવન જીવતા હોઈએ છીએ. પણ જીવનમાં જ્યારે જ્યારે તક મળે ત્યારે કામ કરતા કે ઘેર હોઈએ ત્યારે તેમાં બે પાંચ મિનીટ હાલતા ચાલતા પરિવારના સભ્યો જોડે સંવાદ કે મજાક કરી લેવો.
મેચ્યોરિટીનો ખોટો ખ્યાલ
ઘણા લોકોને એવી ભયંકર ગેરસમજ હોય છે કે મેચ્યોરીટી એટલે ગંભીર મોં લઈને ફરવું. ઓફીસની ખુરશી પરનો પ્રોટોકોલ ઘેર ડાઈનિંગ ટેબલની ખુરશી પર પણ ગોઠવાઈ જાય ત્યારે તે જ ટેબલ પર પરિવારજનોના તુટવાની ફાઈલ પણ તેનું સ્થાન જમાવી દે છે.
હવે મોટા થયા, અમુક હોદ્દો મેળવ્યો, શ્રીમંત થયા, ઠીક ઠીક સામાજિક નામના થઇ, આપણે જો આપણી અલગ હાજરીની નોંધ લેવડાવવી હોય તો કુટુંબ કે સમાજના મુખ્ય પ્રવાહથી દુર રહેવું તેવી માન્યતા સાથે આપણે અગાઉ ખુલ્લા રહેતા દિલના દરવાજા બંધ કરી દઈએ છીએ.. આ સાથે ખરેખર તો જીવતરને બંઘ કરતા હોઈએ છીએ.
બૌદ્ધિકો જ રૂંધાય છે
તેવી જ રીતે કોઈ સર્જક, સાધક કે કલાકાર ભલે દુનિયાને તેની કૃતિ કે સાધનાથી પ્રેરિત અને પ્રભાવિત કરતા હોય પણ તે પોતે બીજા કરતા કંઇક વિશિષ્ઠ મહાનુભાવ છે તે તેના દિલો દિમાગમાં સવાર કરીને બેઠા હોય તેવું બને અને તેના ફળ સ્વરૂપ તે પોતે જ રૂંધાતા હોય. ડીપ્રેશનનો ડોઝ ખુદ પોતે બની ગયા હોય. જ્ઞાાાની તો હર હાલમેં મસ્તરામ હોય. આઝાદી માટે જંગ ખેલતા અને જેલવાસથી માંડી અસાધારણ પડકારો ઝીલતા ગાંધીજીની પણ રમૂજવૃત્તિ અવિરત રહેતી.
દુઃખમાં પણ સુખ શોધી લે છે
સમાજનો બહોળો વર્ગ હાથે કરીને બેચેની, હતાશા અને તનાવ વહોરી લે છે. કોઈ જ કારણ નથી હોતું બસ તે દરેકમાં નકારાત્મકતા જ શોધી લે છે. અંગત જીવનના એક પછી એક પ્રશ્નોને જન્મ આપે છે. તેમના રાંધતા પ્રેશર કુકરની સીટી વાગે અને વરાળ ઉડી જાય તો તરત ચિંતા અને પ્રશ્નનું બીજુ કુકર ચઢાવી દે છે.જે રીતે દોરીના પિલ્લામાંથી દોરી નીકળતી જાય તે રીતે તેઓ એક પછી એક ફરિયાદ અને તનાવ બહાર લાવતા જ જાય છે.. એટલે સુધી કે સમાજ જે ખુશી માટે તરસતો હોય તે તેના જીવનમાં પ્રવેશે તો પણ તેની પ્રતિક્રિયા તો તેમાંથી ઉદભવી શકે તેવા નકારાત્મક કારણો અને શંકા જ તે પ્રતિભાવ તરીકે વ્યક્ત કરશે. તેની તે કંઈક આવી પ્રતિક્રિયા આપે છે. વર્તમાન સુખદ પળ માનવાની જગ્યાએ મોટાભાગની વ્યક્તિઓ (૧) પ્રવાસ કરીને આવશે અને ખાણી પીણી કે શોપિંગની મજા માણી હશે તો પણ ટ્રાફિક અને છાતી ફાડી નાંખે તેવી મોંઘવારીનો રોષ ઠાલવી સમગ્ર સુખના વર્તુળમાં જ પીડાનું તીર ભોંકી દેશે.(૨) તેઓ દરેક સુખદ સ્થિતિ માણ્યા પછી પ્રતિક્રિયા આપશે કે હવે લોકોમાં નીતિમત્તા નથી રહી,માણસો હવે બદલાઈ ગયા છે જોંજો કોઈ પર ભરોસો ન મુકતા (૩) સરસ મજાનો સગા સ્નેહીઓને પરિવાર હોય તો પણ ઘેર તો એવા જ નિઃસાસા નાંખતા રહેશે કે સગા સૌ સ્વાર્થના(૪) વિશ્વ પ્રવાસનું નસીબ સાંપડયું હોય અને અન્યનું જે સ્વપ્ન હોય તે સ્થળ પર પહોંચે તે પછી એવો પ્રતિભાવ આપે કે ખોટા આટલા સુધી આટલા બધા નાણાં ખર્ચીને લાંબા થયા આવા દ્રશ્યો અને સ્થળો તો અમારે ગામ કે રાજ્યમાં પણ છે અને તેની સામે કોઈ નજર પણ નથી માંડતું.(૫) તમે કોઈને દુનિયાની સાત અજાયબી બતાવો તો પણ તેઓ આફ્રીન પોકારીને ચહેરા પર ધન્યતા અનુભવતા અહોભાવ સાથે આશ્ચર્યના ભાવાંકનો નહીં એટલે નહીં જ બતાવે.જાણે ભીંત જોઈને પાછા ફર્યા હોય તેમ તમારી સાથે આંખો મીલાવ્યા વગર કે પછી 'ધ યાર યાદગાર મજા પડી ગઈ હો..તારી લાગણી બદલ આભાર' તેવા બે શબ્દ પણ નહીં બોલે.આ તો એવા જૂજ ઉદાહરણો છે.આવી વ્યક્તિઓ તેમના જીવનમાં ક્યારેય ખુશીનો એહસાસ ન કરી શકે.
ડ્રીમ જીવનમાં પણ ફરિયાદ
પોતાની કે પરિવારની એવી પ્રાપ્તિ જે ખરેખર પોતાનુ જ ડ્રીમ સાફલ્ય કહેવાય તેમાં પણ તેઓને હવે પછી ઊભા થનાર પડકારની જ ચિંતા થવા માંડે છે.તેઓ થોડી ક્ષણો માટે પણ મજા વાગોળી નથી શકતા. આ લોકો બીજાનું સુખ તો ક્યાંથી જોઈ શકે. કોઈની સિદ્ધિ કે સફળતાની વાત કરો એટલે બીજા પરિવારોના કે વ્યક્તિ વિશેષના તમારા જેવી સફળતાના ઉદાહરણોની લાંબી કતાર તેઓ ખડી કરી દેશે.તેઓ એવું પુરવાર કરવા માંગે છે કે તમે જે પણ કહો પણ 'હું તમારાથી પ્રભાવિત નથી થયો કે થઇશ'
પ્રત્યેક નાણાકીય વર્ષના અંતે બેલેન્સ શીટ તો બનાવીએ છીએ પણ આપણે અને પરિવારજનોએ વર્ષ દરમ્યાન કઈ સુખની કે જવાબદારી પૂર્ણ કર્યાની સફળતા મેળવી તે યાદ કરીને ઈશ્વરનો આભાર માન્યો ખરો ? કે પછી આપેલું ભૂલીને નવી માંગણીઓનું લીસ્ટ તેમના સમક્ષ ધરી દેવાનું. જો વીતેલા વર્ષમાં અકસ્માત કે બીમારીમાંથી ઉગરી ગયા હો અથવા તેવું કંઈ બન્યું જ નથી તો ઈશ્વરને થેન્ક્સ ગીવીંગ પાઠવવા રહ્યા. તેવી જ રીતે વર્ષ દરમ્યાન કોઈ ફટકો પહોંચ્યો હોય તો તેમાંથી મળેલા બોધપાઠ અંગે ચિંતન કરવું જોઈએ.
ભોગવે તેની ભૂલ
કોઈને દોષ આપ્યા વગર દાદા ભગવાને કહ્યું છે તેમ 'ભોગવે તેની ભૂલ'નું તત્વ જ્ઞાાાન જીવનમાં ઉતારવું હિતાવહ છે. જો નવા વર્ષે આપણે કટાઈ ગયેલી, ઘસાઈ ગયેલી એની એ જ માનસિકતા સાથે જીવન વ્યતિત કરવાના હોઈએ તો ઓલરેડી નિષ્ફળ અને નીરસ વીતેલા જીવનમાં ઓર એક વધુ વર્ષ ઉમેરવાથી વિશેષ કંઈ જ કરતા નથી તેમ માનવું. એક પછી એક આઉટ ડેટેડ ગેજેટસને પણ ફેંકી દઈએ છીએ ત્યારે આપણું પોતાનું જુનું મોડેલ જાળવી દુનિયા જીવીએ અને બધા જોડે તેવો વ્યવહાર કરીએ તે ન ચાલે.
ખરેખર તો નિખાલસતાથી જેઓ પ્રસન્ન છે, સફળ છે, સમાજમાં આદર ધરાવે છે અને ખરા અર્થમાં સુખી છે તેઓની તે પાછળની કઈ જીવન દ્રષ્ટિ છે તેનો અભ્યાસ કરી તેની પ્રેરણા લેવામાં નાનમ ન અનુભવવી જોઈએ.ખજાનાની શોધ હોય તો જોખમ સાથે જંગલોમાં જઈએ,દરિયા ઉલેચીએ છીએ પણ કોઈ સફળ કુટુંબના મોડેલના ખજાના માટે તેઓએ કેવો રોડમેપ અપનાવ્યો હતો તેનો પ્રેરણા કે તે જાણવા માટે તેઓ જોડે સંવાદ નથી કેળવી શકતા કેમ કે અહંકાર નડતો હોય છે. કોઈપણ ગ્રંથીથી પીડાયા વગર મુક્ત બનીને જીવનને માણવાથી આપણે દુર થતા જઈએ છીએ. આપણે માનીએ છીએ એટલું કોઈ આપણા તરફ આમ પણ જોતું નથી હોતું. કોઈની પ્રસંશા થાય તે સાથે જ સ્થાન છોડી દેનારા કે સારું કામ કરો તો પણ બિરદાવે નહીં ઉલટી ચાલાકી કરે તેવા સમાજનો વ્યાપ વધતો જાય છે. આવા નકારાત્મક લોકો જાતે જ પોતાના દિલ અને દિમાગ પર દાહ વહોરી લે છે.આત્મદાહ શબ્દનું પ્રયોજન પણ કરી શકાય. જીવનને એ હદે બિલોરી કાચથી પણ જોવાની જરૂર નથી. તમે જો મનોમન કોઈને કહી ન શકાય તેવી બહારથી ચમકતા દેખાતા બુટની અંદર અંગુઠા પરની પીડા અનુભવતા હો તો માનવું કે 'સમથિંગ ઈઝ રોંગ વિથ યુ..યોર થોટ પ્રોસેસ'