અમેરિકામાં ક્રિકેટ હવે સોફ્ટ પાવર બન્યું .

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
અમેરિકામાં ક્રિકેટ હવે સોફ્ટ પાવર બન્યું                              . 1 - image


- વિવિધા-ભવેન કચ્છી

- 1877માં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ ઇતિહાસની સૌપ્રથમ ટેસ્ટ મેચ રમાઇ હતી તેના 33 વર્ષ પહેલાં અમેરિકા અને કેનેડા વચ્ચે મેચ યોજાઈ હતી જેમાં સટ્ટો પણ ખેલાયેલો!

- ટી 20 વર્લ્ડ કપ અને તે પછી અમેરિકન મેજર ક્રિકેટ લીગ  : માઇક્રોસોફ્ટના સત્ય નડેલા, એડોબના શાંતનુ  અને  ભારતીય સી.ઇ.ઓ. હવે અમેરિકામાં ક્રિકેટના પ્રસારમાં રસ બતાવી રહ્યા છે

અ મેરિકા અને વેસ્ટ ઈન્ડિઝના સંયુક્ત ઉપક્રમે ટી - ૨૦  વર્લ્ડ કપ ટૂર્નામેન્ટનો પ્રારંભ થઈ ચૂક્યો છે.આજે ભારત તેની સૌ પ્રથમ ગુ્રપ મેચ આયર્લેન્ડ સામે રમવાનું છે જો કે ક્રિકેટ ચાહકોને જે મેગા મુકાબલાનો ઇંતેજાર છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર ૯ જુને ન્યુ યોર્કમાં થશે.

અજાણ્યા ગ્રહની રમત

અમેરિકા અને ક્રિકેટ? તેવો સવાલ આપણે જ નહીં ખુદ અમેરિકનો પણ કરી રહ્યા છે. દક્ષિણ એશિયાના અમેરિકાના સ્થાયી થયેલાઓને બાદ કરતા  અમેરિકાના એક ટકા નાગરિકોને માટે ક્રિકેટ કોઈ અજાણ્યા ગ્રહની રમત જેવી છે. આમ છતાં ભારત, પાકિસ્તાન, બાંગ્લા દેશ, શ્રીલંકા તેમજ મૂળ ઈંગ્લેન્ડ,ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝ અને ન્યૂઝીલેન્ડના જે નાગરિકો  અમેરિકામાં સ્થાયી થયા છે તેઓ ક્રિકેટને પ્રચલિત બનાવી રહ્યા છે.તે રીતે જોઈએ તો અમેરિકાના એકાદ કરોડ નાગરિકોને જ ક્રિકેટની ઓળખ છે.આવા બીન અમેરિકી નાગરિકો અને વિઝા ધારક       ખૂબ જ સામાન્ય સ્તરનું ક્રિકેટ માઈનોર લીગ કે જુદી જુદી એકેડેમી વચ્ચેની મેચ દ્વારા રમે છે.મૂળ અમેરિકનોને રસ નહીં હોઈ અમેરિકાની ટીમમાં આ જ કારણે ભારત, પાકિસ્તાન અને ક્રિકેટ રમતા અન્ય દેશોના ખેલાડીઓ છે. કેટલાકનો જન્મ અમેરિકામાં થયો છે તો કેટલાક ખાસ આ માટેના વિઝા મેળવીને આવ્યા છે. અમેરિકાની ટીમનો કેપ્ટન મોનાંક પટેલ આણંદનો છે.

સૌપ્રથમ મેચની વાત

જો કે નવાઈની વાત એ છે કે અમેરિકાની ભૂમિ પર ન્યુ યોર્કના  સેન્ટ જ્યોર્જ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ પર બે દિવસની ક્રિકેટ મેચ છેક ૧૮૪૪માં  અમેરિકા અને બ્રિટિશ શાસન હેઠળના  કેનેડિયન પ્રોવિન્સ વચ્ચે રમાઇ હતી.જેમાં કેનેડાનો ૨૩ રનથી વિજય થયો હતો.આ મેચનો સ્કોર અને તે સમયના અખબારની હેડ લાઈન સહિતનો રેકોર્ડ અકબંધ છે.તે વખતે પણ હાર જીતનો ૧,૦૦,૦૦૦ ડોલરથી વધુ રકમનો  સટ્ટો ખેલાયો હતો. મજાની વાત એ છે કે સૌપ્રથમ સત્તાવાર ટેસ્ટ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૧૮૭૭માં રમાઇ તેના ૩૩ વર્ષ પહેલાં આ મેચ રમાઇ હતી. એવું નોંધાયું છે કે અત્યારે જ્યાં મેનહટ્ટન છે ત્યાં એક જમાનામાં ક્રિકેટના મેદાન હતા.૫૦૦૦ પ્રેક્ષકોએ તે મેચ નિહાળી હતી.જેમાં કેનેડાનો વિજય થયો હતો .

સિવિલ વોર પછી ભૂલાયું

 ૧૯મી સદીની મધ્યમાં અમેરિકામાં ૧૦૦ જેટલી ક્રિકેટ ક્લબો હતી.ન્યુ યોર્ક અને ફિલાડેલ્ફિયા ક્રિકેટનું હબ ગણાતું હતું.એમ તો ૧૮૪૪ પહેલાં પણ બ્રિટિશરોનું  રાજ હતું ત્યારે ક્રિકેટ મેચ રમાઈ હતી તેના રેકોર્ડ છે પણ સુવ્યવસ્થિત રીતે એક આંતરરાષ્ટ્રીય મેચની જેમ મેચ તો ૧૮૪૪માં અમેરિકા અને કેનેડા વચ્ચેની જ હતી. અમેરિકામાં સિવિલ વોર  થઈ તે પછી કોલોનિયલ રમત ગણાવી ક્રિકેટ બંધ થતું ગયું. સ્વાભાવિક રીતે અંગ્રેેજોએ જ્યાં જ્યાં રાજ કર્યું ત્યાં ક્રિકેટ તેઓ લઈ ગયા હતા. ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારીઓ તેમની બે ટીમ બનાવીને રમતા હતા તો ભારતીય શ્રમિકો, ગુલામોને કષ્ટ આપવા કે પ્રેક્ટિસ કરવા  તેઓ જોડે રમતા અને દૂર બાઉન્ડ્રી ફટકારી દોડાવતા. અંગ્રેજોએ આ જ રીતે અમેરિકામાં ક્રિકેટની રમતને લોકપ્રિય બનાવી હતી.

 અંગ્રેજોએ ૧૬૦૭થી ૧૭૮૩ સુધી અમેરિકાની વસાહતો પર રાજ કર્યું હતું. ૧૯ એપ્રિલ, ૧૭૭૫થી ૩ સપ્ટેમ્બર ૧૭૮૩ સુધી અમેરિકામાં બ્રિટિશરોને હાંકી કાઢવા યુદ્ધ ચાલ્યું હતું. બ્રિટીશરોએ અમેરિકા છોડયું પછી પણ કેટલીક વસાહતો પર તેઓનો પ્રભાવ હતો. તેમાં ક્રિકેટ રમાતું રહ્યું હતું.

અમેરિકાની ખુમારી

સંપૂર્ણ આઝાદી મળી પછી  અમેરિકાએ એવી ખુમારી બતાવી કે અમે બ્રિટિશરોની કોઈ રમત, રીતભાત કે પ્રભાવને સ્થાન નહીં આપીએ. જો કે આ એક મુક નિર્ણય હતો.તેની જગ્યાએ અમેરિકાએ ક્રિકેટને મળતી જ બેઝ બોલ રમત અપનાવી. બાસ્કેટ બોલ પણ અમેરિકનોની રમત કહી શકાય. પગથી રમાય તે સોકરની રમત  તો ૧૯૯૪માં અમેરિકામાં સૌપ્રથમ વખત  ફૂટબોલનો વર્લ્ડ કપ યોજાયો તે પછી હવે ઠીક ઠીક પ્રચલિત  બનતી જાય છે. બાકી ત્યાં અમેરિકન ફૂટબોલનો ભારે ક્રેઝ પ્રવર્તે છે. આ રમત અપનાવવાનો મૂળ આશય તો એ જ કે બ્રિટનની રમત અમે નહીં રમીએ અમે તો સુપર પાવર. રમતનું નામ વટ કે સાથ અમેરિકન ફૂટબોલ રાખ્યું પણ રમત હાથથી બોલ એકબીજાને પસાર કરવાની છે.

હવે રમતનો ધંધો

જેવી રીતે અમેરિકામાં ક્રિકેટ ત્યાં વસતા એશિયનોને લીધે પ્રસાર પામી છે તેમ શરૂઆતમાં સોકર પણ અમેરિકામાં સ્થાયી થયેલ મૂળ યુરોપિયન, સાઉથ અમેરિકન અને આફ્રિકી નાગરિકોને કારણે જ વેગ પકડી રહી છે. રમત અને તેની લીગ હવે લાખો ડોલરનો ધંધો બની ગઈ છે. અમેરિકા આમ તો બીન અમેરિકીઓનો દેશ (ઇમિગ્રન્ટ્સ) છે તેથી અમેરિકા હવે િ્રબ્રટિશરોની રમતને સ્થાન આપવા જેટલું ઉદાર બન્યું છે. આમ છતાં પ્યોર અમેરિકનો કે બ્લેક સમુદાયને ક્રિકેટ કે સોકરમાં દિલચશ્પી જગાવવી મુશ્કેલ છે.

ક્રિકેટ અને સોકર અમેરિકામાં પ્રસાર કરવાનું ધંધાકીય ગણિત એવું છે કે અમેરિકાની ટેકનોક્રેટ કંપનીઓનો સ્ટાફ એશિયન છે. બીજું, આ કંપનીઓના ગ્રાહકોનો મોટો હિસ્સો એશિયામાં છે. ક્રિકેટ એક જ રમત એવી છે કે જે  એશિયાના દેશોના નાગરિકોને પરસ્પર અને એશિયાના નાગરિકોને અમેરિકા અને યુરોપ,આફ્રિકા જોડે જોડી શકે છે. ક્રિકેટ બે વિદેશી વ્યક્તિ, દેશ અને સમુદાય માટે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. ક્રિકેટ ડિપ્લોમસી  અને સોફ્ટ પાવર પણ છે. 

અમેરિકામાં ક્રિકેટ મેચ રમાય ત્યારે સ્ટેડિયમમાં શક્ય છે કે પાંખી હાજરી હોય પણ એશિયન ડાયસ્પોરાને અમેરિકામાં ક્રિકેટ રમતા તેઓ  પોતીકા દેશમાં હોય તેવી લાગણી આપે છે.ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ  રમાશે ત્યારે  વિશ્વભરના એક અબજ દર્શકો ટીવી પર મેચ નિહાળતા હશે.મેદાન પરના બેનરો અને પ્રાયોજકોને જાહેરાતની રીતે કેટલું માઇલેજ મળે તે વિચારો.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આગામી રવિવારે રમાશે ત્યારે ન્યુ યોર્કનું સ્ટેડિયમ ૩૮,૦૦૦ પ્રેક્ષકોની ખીચોખીચ ભરેલું હશે. તેવી જ રીતે સોકર વિશ્વના લગભગ તમામ દેશમાં રમાતી રમત છે. પ્રસારણના હક્કોની જંગી કમાણી અને પ્રોડક્ટના વેચાણ માટે ફૂટબોલ વગર ન ચાલે. ચીન અને સાઉદી અરેબિયા પણ રમત જગતને વિરાટ ધંધો સ્વીકારીને આગળ ધપે છે.

ફૂટબોલમાં મેસીને લાવ્યા

જોગાનુજોગ માઇક્રોસોફ્ટના સી.ઇ.ઓ.  સત્ય નડેલા ,ગૂગલના સુંદર પીછાઇ, એડોબના શાંતુનું તેમજ અન્ય કંપનીઓમાં ભારતીયો ઉચ્ચ સ્થાને છે. અમેરિકાની કંપનીઓનો સૌથી વધુ  ગ્રાહકોનો એશિયન  બેઝ જ સૌથી વધુ કમાઉ છે . અમેરિકામાં વસતા  એશિયનોને વતનની લાગણી આપવી અને કંપનીનું નવી પેઢીમાં બ્રાંડિંગ થાય તે જુદું. 

અમેરિકામાં  આવા જ કારણથી  સોકર લીગ પણ હવે  રમાય છે અને ઇન્ટર માયામી જેવી ટીમે લાયોનેલ મેસીને કરારબદ્ધ કર્યો છે. મેસીની મેચને માણવા હોલિવુડના સેલિબ્રિટી અને પોપ સિંગર આવે છે. ૪૦,૦૦૦ પ્રેક્ષકો સોકરની મેચ જોવા આવે તે અમેરિકા માટે બહુ મોટી વાત છે. અમેરિકાની સોકર લીગની જે ટીમો છે તેમાં સહમાલિકી યુરોપની ફૂટબોલ ક્લબ કે અમેરિકાના ધનકુબેરોની છે.

ક્રિકેટમાં પણ મેજર અને માઇનોર ટી - ૨૦ લીગ ખાસ્સુ આકર્ષણ જમાવી શકી છે.૨૯ જુને ટી - ૨૦ વર્લ્ડ કપના સમાપન પછી તરત જ જુલાઈમાં અમેરિકાની મેજર ક્રિકેટ લીગ રમાનાર છે. તેમાં છ ટીમ છે. વર્લ્ડ કપના ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝ,પાકિસ્તાન  અને ઇંગ્લેન્ડના ઘણા ખેલાડીઓ અમેરિકામાં જ રોકાઈ જશે કેમ કે તેઓ આ લીગની કોઈને કોઈ ટીમ જોડે કરારબદ્ધ છે. 

મેજર ક્રિકેટ લીગ 

ભારતીય ક્રિકેટ ટીમમાં જેઓને તક મળે તેવી જરાપણ સંભાવના ન હોય તેવા ખેલાડીઓ અમેરિકામાં સ્થાયી થાય છે અને કોઈને કોઈ લીગમાંથી રમે છે.આ છ ટીમના નામ પણ જાણી લો (૧) લોસ એન્જલસ નાઈટ રાઇડર્સ (૨) એમ.આઇ. ન્યુ યોર્ક (૩) સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન (૪) સીએટ્ટલ ઓર્કારસ (૫)ટેકસાસ સુપર કિંગ્સ અને (૬) વોશિંગ્ટન ફ્રીડમ.

આઇપીએલની ચેન્નાઇ સુપર કિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સના માલિકોએ આ ટીમમાં રોકાણ કર્યું છે. સીએટ્ટલની ટીમમાં માઇક્રોસોફ્ટ તરફથી સત્ય નડેલા રોકાણ ખેંચી લાવ્યા છે. એડોબના શાંતનુ પણ સક્રિય છે. શક્ય છે કે ભવિષ્યમાં આઇ.પી.એલ.નું આયોજન પણ અમેરિકામાં થાય. આઈ.પી.એલ.માં જે ભારતીય ખેલાડીઓ ખરીદાય નહીં. તેવા  ખેલાડીઓને અમેરિકામાં રમવાની  પરવાનગી ભારતીય ક્રિકેટ બોર્ડ આપે તો પણ અમેરિકાની મેજર લીગ વધુ જમાવટ કરી શકે તેમ છે.

2028ના ઓલિમ્પિકમાં ક્રિકેટ

અત્યારે તો અલાયદું ક્રિકેટ પીચ સાથેનું ગ્રાઉન્ડ ડલાસમાં છે.ન્યુ યોર્કમાં તો ડ્રોપ ઈન પીચ અને ફોલ્ડિંગ ખુરશીઓથી સ્ટેડિયમ તૈયાર કરાયું છે. અમેરિકાની મેજર લીગની દરેક ફ્રેચાઈઝી  પોતાના ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની યોજના ધરાવે છે. ક્રિકેટની રમતને અમેરિકામાં પ્રગતિનો એક જોરદાર ધક્કો લાગવાનું  કારણ એ છે કે ૨૦૨૮ની ઓલિમ્પિક લોસ એન્જલસમાં યોજાનાર છે અને આ વખતે તેમાં ક્રિકેટની રમતને પણ સામેલ કરવામાં આવી  છે. ટી ૨૦  ક્રિકેટનો ઓલિમ્પિક  ગોલ્ડ મેડલ જીતવા ત્યારે  જંગ જામશે   અમેરિકામાં ઓલિમ્પિકને કારણે  આંતરરાષ્ટ્રીય મેચ માટે મેદાન અને ઇન્ફ્રાસ્ટ્રકચર તો ઉભુ કરવું જ પડશે.  


Google NewsGoogle News