Get The App

'ઇન્ડિયા રાઈઝિંગ' : અમેરિકાના સ્પેસ મિશનનો પાયલોટ પણ ભારતીય

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
'ઇન્ડિયા રાઈઝિંગ' : અમેરિકાના સ્પેસ મિશનનો પાયલોટ પણ ભારતીય 1 - image


- અમેરિકાની ખાનગી ઉડ્ડયન કંપનીનું સ્પેસ શટલ લઈને અંતરિક્ષમાં જશે: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેનાર પ્રથમ ભારતીય બનશે

- વિવિધા-ભવેન કચ્છી

- ભારતના 'ગગનયાન' પ્રોજેક્ટમાં પણ જેમની પસંદગી થઈ છે તેવા ઇન્ડિયન એરફોર્સના પાયલોટ શુભાંશુ શુક્લ

- શુભાંશુએ શાળાના અભ્યાસ દરમ્યાન અવકાશયાત્રી રાકેશ શર્મા વિશે વાંચ્યું હતું. તે પછી  ફાઇટર વિમાનનું પ્રદર્શન જોયું અને સંકલ્પ કર્યો હતો કે 'મોટો થઈને હું પણ આવા વિમાનનો પાયલોટ બનીશ'

પ્ર યાગરાજના સંગમ સ્થાન પર ધર્મ અને શ્રદ્ધાનું ઘોડાપૂર ફરી વળ્યુ હોય તેવો માહોલ અને દ્રશ્યો જોઈ શકાય છે. શ્રધ્ધાળુઓ પાવન થવા જળ પ્રવાહમાં ડૂબકી લગાવી ધન્યતા અનુભવે છે બરાબર તે જ અરસામાં આ કુંભમેળા અને બજેટનાં સમાચારોની ભરમાર વચ્ચે ભારત માટે ગૌરવ લેવા જેવી ઘટના થોડી ઢંકાઈ ગઈ.કુંભમેળામાં ડૂબકી ધર્મ છે તો અંતરિક્ષમાં ડૂબકી એક વિજ્ઞાન છે અને આવી જ એક ખાનગી ધોરણની  યાત્રા 'એકસીઓમ - ૪' માટે અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા 'નાસા' અને 'ધએકસીઓમ'  સ્પેસ ફ્લાઇટ કંપનીએ  વિશ્વના જે ચાર અવકાશયાત્રીઓ પર આખરી પસંદગી ઉતારી છે તેમાં એક ભારતીય પણ છે. નામ છે તેનું શુભાંશું શુક્લ. શુભાંશું શુક્લ ભારતના સૌ પ્રથમ અવકાશયાત્રી બનશે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ૧૪ દિવસ માટે રહેશે.અંતરિક્ષની મુસાફરી કરનાર પ્રથમ ભારતીય આમ તો   રાકેશ શર્મા હતા. ૧૯૮૪નું તે ઉડ્ડયન સોવિયેત રશિયાના અવકાશ સંસ્થા જોડેનું હતં  અને તે વખતે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નહોતું. રાકેશ શર્મા રશિયા દ્વારા નિમત સ્પેસ સ્ટેશનમાં સોયુઝ ટી - ૧૧ મિશન અંતર્ગત ગયા હતા અને અઠવાડિયું રહ્યા હતા. 

છેલ્લા કેટલાક વર્ષોમાં એર ફોર્સના જાબાંઝ પાયલોટની કથા આધારિત ' 'ફાઇટર' અને ' સ્કાયફોર્સ' જેવી ફિલ્મોને લીધે યુવા જગતને પણ દેશ માટે ગૌરવ લેવા સાથે પ્રેરણા મળી છે અને એક વાતાવરણ રચાયું છે.

આમ તો લખનઉમાં ૧૦ ઓકટોબર,૧૯૮૫ના રોજ જન્મેલ  ૪૦ વર્ષીય શુભાંશું  એરફોર્સના આવા ફાઇટર પ્લેનના પાયલોટ છે. નેશનલ ડિફેન્સ એકેડમીમાંથી ૨૦૦૫માં ઉત્તીર્ણ થયા બાદ પડકારજનક શ્રેણીબઘ્ધ  ઇન્ટરવ્યુમાં સફળ રહીને ૨૦૦૬માં ફાઈટર  વીંગમાં તેમની પસંદગી થઈ હતી. જોતજોતામાં જ ભલભલા પાઇલોટને ગોથા ખવડાવી દે તેવા સુખોઇ -૩૦, મિગ- ૨૧, મિગ - ૨૯ ,જગુઆર,હોક, ડોર્નીયર અને એ. એન - ૩૨ જેવા લડાકુ વિમાનોને  ૨,૦૦૦ કલાકો ઉડાડવાનો  અનુભવ તેમણે મેળવી લીધો. તેમની આવી સિધ્ધિ બદલ ગયા વર્ષે જ એરફોર્સ ગુ્રપ કેપ્ટન તરીકે તેમને બઢતી આપવામાં આવી છે.

શુભાંશું અન્ય ફાઈટર પાયલોટ કરતા એ રીતે જુદા પડતાં હતાં કે તેમને અંતરિક્ષ સુધી વિમાન ઉડાડી ત્યાંના રહસ્યો જાણવાની તીવ્ર ઉત્કંઠા રહેતી હતી. જ્યારે 'ઈસરો' એ ભારતના અવકાશયાત્રીઓ ભારતના સ્પેસ ક્રાફટમાં ઉડ્ડયન કરીને  ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચે અને ત્યાં રહે તે માટેના ''ગગનયાન'' પ્રોજેક્ટની જાહેરાત કરી તે પછી અવકાશયાત્રી બનવા માટે જે ત્રીસ પાયલોટે   અરજી કરી હતી તેમાંથી ચાર પર આખરી પસંદગી ઉતારી તેમાં પણ શુભાંશું અવ્વલ નંબર પર રહ્યા. અંતરિક્ષમાં જવાની અને તેના કરતાં પણ ત્યાં બે અઠવાડિયા રહેવાનું કલ્પી ન શકાય તેવું પડકારજનક હોય છે.ઝીરો ગ્રેેવીટી તો ખરું જ પણ ત્યાંની હવાનું વિષમ બંધારણ અને વાતાવરણને લીધે દેહની આંતરિક અંગો - ઉપાંગો પર વિપરીત અસર થાય તે જુદું. તેમજ બંધિયાર સ્ટેશનમાં રહેવાનું હોય છે.

શુભાંશુની 'એકસીઓમ' સ્પેસ ફ્લાઇટ માટે પસંદગી થઈ તેનું એક કારણ એ છે કે 'ગગનયાન' પ્રોજેક્ટ અંંતર્ગત તે રશિયાના ગાગારીન કોસ્મોનટ ટ્રેનિંગ સેન્ટરમાં જે ઉમેદવારો શોર્ટ લીસ્ટ થયા હતા તેમની સાથે ચાર વર્ષ તાલીમ લઈ ચૂક્યા  છે.રશિયામાં અમેરિકા પછીનું શ્રેષ્ઠ અવકાશયાત્રી તાલીમ કેન્દ્ર છે. તે પછી બેંગ્લોરના ઇસરોના ટ્રેનિંગ મથકમાં તેમની ટ્રેનિંગ ચાલુ  હતી ત્યાં જ અમેરિકાથી તેમની પસંદગી અંગેના શુભ સમાચાર આવ્યા અને હાલ 'નાસા'ના હ્યુસ્ટન સ્થિત સેન્ટરમાં તે છે. રશિયા અને અમેરિકાના આવા સેન્ટર  આપણે અંતરિક્ષ અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હોઈએ તે જ હવામાન અને પડકારો ધરાવતા વાતાવરણ સાથે ખડા કરાયા છે. શુભાંશુની કસોટી 'નાસા'એ પણ લીધી છે.વધુ ગૌરવની વાત એ છે કે જે ચાર અવકાશયાત્રીઓ મોટેભાગે આગામી માર્ચથી મે મહિના વચ્ચે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી

અંતરિક્ષની યાત્રાએ જવાના છે તે સ્પેસ ક્રાફટના પાયલોટની જવાબદારી શુભાંશુને  સોંપાઈ છે. સ્પેસ ક્રાફ્ટનું ઉડ્ડયન ફાઈટર વિમાન કરતા જુદી જ પ્રતિભા અને કુનેહ માંગી લે છે પણ ફાઇટર વિમાનના કેટલાક દિલધડક અને હેરત પમાડી દેતા કરતૂત અને કસબ સ્પેસ ક્રાફટ ઉડ્ડયનમાં કામ લાગે છે. અમેરિકાના જ નહીં યુરોપીય દેશોના પાયલોટ પણ સ્પર્ધામાં હતા. પણ શુભાંશુ પર પસંદગીનો કળશ ઢોળાયો.

'નાસા'ના ભૂતપૂર્વ અવકાશયાત્રી પેગી વ્હીટસન, યુરોપિયન સ્પેસ એજન્સીના અવકાશયાત્રી સ્લાવોઝ  કે જેઓ પોલેન્ડના છે અને હંગેરીના ટીબોર કાપુ જેવા અન્ય ત્રણ સાથીઓ શુભાંશુ જોડે સ્પેસ શટલ (ક્રાફટ)માં હશે. મજાની વાત એ છે કે ભારત 'ગગનયાન' પ્રોજેક્ટ રશિયા જોડે સંપર્કમાં રહીને પાર પાડવાનું છે છતાં અમેરિકાએ ભારતના અવકાશયાત્રીને પસંદ કર્યો છે.

શુભાંશુએ ભારતના અને વિદેશના મીડિયા જોડે તેની પાયલોટ તરીકેની પસંદગી જાહેર થઈ તે પછી વિડિયો સંવાદ કર્યો હતો.

શુભાંશુએ સરસ વાત કરી કે 'હું કંઈ એકલો અંતરિક્ષમાં જવાનો છું તેમ ન માનશો. ભારતના ૧.૪૦ અબજ નાગરિકોનો હું પ્રતિનિધિ છું. તેઓ મારી સાથે જ યાત્રામાં છે તેમ મનોમન  માનીશ. ભારતના ''ગગનયાન'' પ્રોજેક્ટ  માટે મારી આ યાત્રાનો અનુભવ ઘણો ઉપયોગી નીવડશે.''

તે પછી તેમણે મહત્વની વાત કરી હતી કે 'મારા આ અને તે પછીના 'ગગનયાન' પ્રોજેક્ટને કારણે દેશની યુવા પેઢીનું અંતરિક્ષ વિજ્ઞાન અને સાહસ માટેનું વાતાવરણ ઘડાશે તો મારું જીવન સાર્થક બન્યું તેમ માનીશ.'

શુભાંશુ ભારતની સંસ્કૃતિના પણ પ્રચારક છે. 'નાસા'ના તાલીમ કેન્દ્રમાં તેમણે અંતરિક્ષમાં વધુ માનસિક અને શારીરિક રીતે  સજ્જ રહેવા યોગાસનો પણ ઉપયોગી નીવડી શકે છે તેમ મેસેજ આપવા ત્યાં યોગાસનનું સેશન પણ રાખ્યું છે. તેઓ સ્પેસ સ્ટેશનમાં પણ નિયમિત યોગ કરતા રહી તેની અસર અંગે નોંધ રાખવાના છે.

રાકેશ શર્મા ૧૯૮૪માં ભારતના પ્રથમ અવકાશયાત્રી બન્યા ત્યારે તો શુભાંશુનો જન્મ પણ નહોતો થયો.આજે તો ૭૫ વર્ષીય  રાકેશ શર્મા કર્ણાટકના કુનુરમાં નિવૃત્ત જીવન વીતાવે છે પણ 'ઈસરો'ના અવકાશ યાત્રી પ્રોજેક્ટની કમિટીમાં સક્રિય છે. અવારનવાર મિટિંગમાં ભાગ લે છે. 

શુભાંશુ કહે છે કે 'શાળાના અભ્યાસ દરમ્યાન જ  રાકેશ શર્મા સર વીશે વાંચ્યું અને પાયલોટ બનવાનો સંકલ્પ કર્યો હતો ત્યારે સ્વપ્નમાં પણ વિચારી નહોતો શકતો કે એક દિવસ તેમના પછીનો ભારતનો બીજો અવકાશ યાત્રી હું બનીશ.'

બાળકોને અવનવા પ્રદર્શન બતાવવા લઈ જવા જોઈએ.  કંઇક બનવાની પ્રેરણા તેઓને ત્યાંથી જ મળતી હોય છે.  શુભાંશુ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે વિમાનનું  પ્રદર્શન જોવા ગયા હતા.એક ફાઇટર વિમાનને તેમણે એકદમ નજીકથી પસાર થતા જોયું અને રોમાંચ અનુભવતા તેમણે સંકલ્પ કર્યો હતો કે 'હું પાયલોટ બનીશ.'

જ્યારથી એરફોર્સમાં જોડાયા ત્યારથી શુભાંશુ તેમના ગુરુ રાકેશ શર્માને મળતા રહે છે અને ગૌરવ સાથે કબૂલે છે કે અત્યારે પણ મારી તાલીમમાં રાકેશ શર્મા સર માર્ગદર્શન આપે છે.

શુભાંશુ ભારતના પ્રત્યેક રાજ્યની કોઈને કોઈ ચીજ સ્પેસ સ્ટેશનમાં લઈ જવાના છે. તેવી જ રીતે રાકેશ શર્મા આશ્ચર્ય સાથે ખુશ થઈ જાય તેવી તેમના નામને જોડતી એક અલાયદી વસ્તુ પણ લઈ જશે. આ તમામ વસ્તુઓ કઈ હશે તે હાલ ગુપ્ત રાખવા માંગે છે.

સ્પેસ સ્ટેશન અને અંતરિક્ષના વાતાવરણમાં તેઓ કેટલીક ચીજ વસ્તુઓ, ભોજન વગેરેની શું અસર થાય છે, કેવા પરિવર્તન આવે છે તેનો અભ્યાસ પણ ખાસ કરશે અને નોંધ ટપકાવતા જશે.

શુભાંશુ ભારતની નવી પેઢીને અંતરિક્ષમાં વધુ રસ જાગે તે માટે સ્પેસ સ્ટેશનની તેમની પ્રવૃત્તિની વિડિયો પણ પૃથ્વી પર મોકલતા રહેવાના છે.

'એકસીઓમ ' અમેરિકાની ખાનગી ઉડ્ડયન કંપની છે. 'નાસા' તેના જેવી કંપનીઓને ટેકનિકલ અને તાલીમમાં સહાય કરે છે.  કંપની અગાઉ ત્રણ વખત અંતિક્ષ યાત્રામાં આ રીતે અવકાશયાત્રીઓને પ્રવાસ કરાવી ચૂકી છે. આવી યાત્રાનો આશય ભવિષ્યમાં નાગરિકોને તાલીમ આપીને  અંતરિક્ષના પ્રવાસે લઈ જવાનો ધંધો વિકસાવવાની તક કેવી છે તે જાણવા માટેનો પણ છે.ચાર અવકાશયાત્રીઓની ૧૫ દિવસની સ્પેસ સ્ટેશન યાત્રાના કુલ રૂપિયા ૧૮૦૦ કરોડ થાય. અમેરિકામાં અંતરિક્ષમાં આવી યાત્રા કરવા માટેનંલ વેઇટીંગ લીસ્ટ છે.

શુભાંશુ જેવા પાઇલોટને અમેરિકાની આવી ખાનગી કંપનીઓને જરૂર છે. તે રીતે જુઓ તો રૂ.૪૫૦ કરોડની સ્પેસ શટલની એક ટિકિટ તેને ફ્રીમાં પડી અને અમૂલ્ય અનુભવ પ્રાપ્ત થશે તે નફામાં.

..ખરેખર..ઇન્ડિયા રાઈઝિંગ 


Google NewsGoogle News