આને કહેવાય અસલી ચેમ્પિયન .

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
આને કહેવાય અસલી ચેમ્પિયન                             . 1 - image


- બે પગથી તીરંદાજી કરે ,વ્હીલ ચેર બેસીને શુટીંગમાં ગોલ્ડ મેડલ જીતે, પ્રોસ્થેટિક લેગ પહેરીને બેડમિન્ટન રમે અને માઉન્ટ એવરેસ્ટ પણ સર કરે 

- વિવિધા-ભવેન કચ્છી

- કેટલાક ખેલાડીઓ જન્મજાત દિવ્યાંગ તો કેટલાકે અકસ્માતમાં હાથ કે પગ ગુમાવ્યા છતાં જોશ જઝબા અને ઝુનુન સાથે અખૂટ ઊર્જા

હા લ પેરા ઓલિમ્પિક ચાલી રહી છે ત્યારે કબીર ખાન નિર્દેશિત 'ચંદુ ચેમ્પિયન ' ફિલ્મ યાદ આવી જાય તે સ્વાભાવિક છે. કાર્તિક આર્યનને એવોર્ડ આપવો જ જોઈએ તેવી લાગણી તમે ફિલ્મની છેલ્લી ૧૫ મિનીટ  કે ત્રણ ગીત  જુઓ તો પણ થઇ જાય. બોક્સ ઓફિસ પર  ફિલ્મ ન ચાલી તે આપણી કમનસીબી કહી શકાય.કદાચ સ્પોર્ટ્સ બાયોપિક પ્રત્યે દર્શકો હવે એટલા ખેલદિલ નથી રહ્યા તેમ લાગે. આર.બાલ્કી નિર્દેશિત 'ઘૂમર' પણ એક એથ્લિટ કે જે અકસ્માતમાં એક હાથ ગુમાવે છે ત્યારે કઈ રીતે તેનો કોચ તેની વૈકલ્પિક રીતે પ્રતિભા બહાર લાવે છે તેની ફિલ્મ છે. અભિષેક બચ્ચન કોચ અને સૈયામી ખેર ખેલાડી તરીકે જબરદસ્ત પરફોર્મન્સ આપે છે. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસની રીતે નિષ્ફળ નીવડી હતી. 

હવે તો મીડીયાને લીધે પેરા ઓલિમ્પિક એટલે કે દિવ્યાંગ ખેલાડીઓના ઓલિમ્પિકનો  સારો એવો પ્રસાર  થાય છે. ખેલાડીઓની તસ્વીર અને નામથી પણ બધા પરિચિત હોય છે પણ છેક ૧૯૭૨ની પેરા ઓલિમ્પિકમાં ભારતના ખેલાડી મુરલીકાંત પેટકર ૫૦ મીટર ફ્રી સ્ટાઈલ સ્વિમિંગમાં કેવી પરિસ્થિતિ અને સંજોગો સામે ઝઝૂમીને  વર્લ્ડ રેકોર્ડ સર્જવાની સાથે ગોલ્ડ મેડલ જીતે છે તે વાત  'ચંદુ ચેમ્પિયન' ફિલ્મમાં  કેન્દ્ર સ્થાને છે. હવે આ ફિલ્મ તમે ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર જુઓ તેવો આગ્રહ છે અને તે જ કારણે ફિલ્મના રોચક પ્લોટ અને રજુઆતની વધુ પાંદડીઓ ખોલતો નથી.

આપણે  જો ભાવિ પેઢી એટલે કે આજના બાળકોનો દેશ ઉન્નત અને ખુમારી ધરાવતો  બને તે રીતે ઉછેર  કરવો હોય તો જુદા જુદા ક્ષેત્રોની એવી સફળ હસ્તીઓની વાત કરવી જોઈએ જેઓ સદંતર અભાવ ,અછત અને દેશના અંતરિયાળ ગામોમાંથી આગળ આવ્યા હોય. પેરા ઓલિમ્પિકમાં ભાગ લેતા ખેલાડીઓમાંથી ઘણા જન્મજાત કે બાળવયે પોલીયો  જેવી ખામીને લીધે અપંગ બનેલા છે અને તેટલી જ સંખ્યામાં એવા ખેલાડીઓ છે જેઓ કોઈ અકસ્માત કે સર્જરી ખોટી રીતે થઇ હોઈ દિવ્યાંગ છે.

આવા ખેલાડીઓ મેડલ જીતે કે નહીં પણ તેઓ જે જઝબા ,ઝુનુન અને જાન રેડી નાંખતી ચાર ચાર વર્ષ પ્રેક્ટીસ કરીને ક્વોલીફાય થાય છે તે જ તેઓનો ગોલ્ડ મેડલ છે.અમદાવાદમાં આઈ.આઈ.એમ, નજીક ગુજરાતની અગ્રગણ્ય  પ્રજ્ઞાા ચક્ષુઓ માટેની શાળા -સંસ્થા છે. ત્યાં જે લોકો આંખોથી જોઈ શકે  તેવા છે તે સૌને અનુભવ થાય કે પ્રજ્ઞાા ચક્ષુ વ્યક્તિની અંધકારમય દુનિયા કેવી છે  તે માટે એક સંપૂર્ણ અંધકાર હોય તેવો મોટો ખંડ બનાવાયો છે. દેખી શકતી જે વ્યક્તિને  થોડી મીનીટો અંધ હોવાનો અનુભવ થાય તે માટે આ ખંડમાં જવાનું કહેવાય છે . આ ખંડમાં દીવાલની ફરતે જુદી જુદી ચીજ વસ્તુઓ,ભગવાનની મૂર્તિઓ વગેરે મુકાયું છે પણ ખંડમાં પહોંચવા સાથે તો સંપૂર્ણ અંધકાર જ છે એટલે તે ચીજ વસ્તુ કે મૂર્તિ કઈ છે તે તો તેના પ્રવેશનારને ખબર જ નથી. આંખોથી જોઈ શકતી વ્યક્તિએ અંધારામાં તે ચીજ વસ્તુ પર હાથ ફેરવીને કહેવાનું છે કે તે ચીજ વસ્તુ કે મૂર્તિ કોની છે. આ લખનારે આ રીતે કેટલીક મિનીટ અંધ બનવાનો અનુભવ લીધો હતો. ભારે અકળામણ તો થાય જ પણ  તમે સહેજ પણ પડી જવાના નથી તેમ બધી ગોઠવણ છે તેમ ખાતરી અપાઈ હોય છે છતાં એક એક ડગ માંડતા જીવ ફફડે.અને  દસેક મિનિટના  તે અનુભવમાં એક પણ ચીજવસ્તુને ઓળખવામાં હું નિષ્ફળ ગયો હતો.આ જ રીતે પ્રત્યેક દિવ્યાંગની જેમ પંદરેક મિનીટ પણ જીવવાનો પ્રયત્ન કરીશું તો ભારે હતાશા અને લાચારી અનુભવીશું જ્યારે પેરા ઓલિમ્પિકના દિવ્યાંગ ખેલાડીઓ તો કોઈ ખાસ રમતમાં નિપુણ થયા હોય છે. 

જમ્મુ કાશ્મીરમાં જન્મેલી ૧૮ વર્ષીય શીતલ દેવી તીરંદાજીમાં પેરા એશિયન  ગેમ્સમાં ગોલ્ડ અને પેરા વર્લ્ડ સ્પર્ધામાં સિલ્વર મેડલિસ્ટ છે. આ વખતની પેરિસમાં રમાતી પેરા ઓલિમ્પિકમાં જો કે તે મેડલ રેસમાંથી બહાર નીકળી ગઈ છે પણ તેના હરીફો એક કે બે અપંગ હાથની ત્રુટી સાથે તીરંદાજી સ્પર્ધામાં ભાગ લે છે જ્યારે આ જ ઇવેન્ટમાં શીતલ દેવી આપણે જોઈએ તો પણ માની ન શકીએ તે હદે વજનદાર તીર કામઠું બે પગ વચ્ચે ગોઠવી પગથી જ તીર ધનુષની મધ્યે ગોઠવીને પગના અંગુઠાથી પણછ ખેંચીને તીરને ટાર્ગેટ તરફ મોકલે છે.અન્ય હરીફોને કમ સે કમ એક ખંડિત હાથનો પણ ઉપયોગનો ફાયદો મળે છે પણ શીતલ દેવીના બે હાથ જન્મથી ખભાથી જ નથી વિકસ્યા. શીતલ દેવીને બે પગથી જ ઝાડ પર ચઢતા જોઈને જમ્મુમાં સૈનિકોએ તેને  સ્પોર્ટ્સમાં ભાગ લેવા આર્મી કેમ્પમાં રાખીને તાલીમ  આપી.આર્મીના સ્પોર્ટ્સ કોચ જ્ઞાાની હતા. તેમણે વિચાર્યું કે ૨૦૧૨ની પેરા ઓલિમ્પિકમાં મેટ્ટ સ્તુત્ઝ્મેને બંને હાથ નહીં હોઈ પગ વડે તીરંદાજી કરીને સિલ્વર મેડલ જીત્યો હતો.શીતલ દેવીને આ ખેલાડીની સિદ્ધિની વાત કરાઈ. કેટલાક વિડીયો  પણ બતાવાયા અને શીતલે તાલીમની શરૂઆત કરી હતી.

રાજસ્થાનના ચુરુમાં જન્મેલ  ૪૩ વર્ષીય દેવેશ ઝાઝરીયાને બાળ વયથી રમતજગતમાં આગળ આવવું હતુ. આઠ વર્ષની વયે તેને વીજળીનો તીવ્ર કરંટ લાગ્યો પણ તેનો ડાબો હાથ તેને ગુમાવવો પડયો. સર્જરી કરીને તે હાથને  ખભાથી જ કાપી નાંખવામાં આવ્યો. દેવેન્દ્ર કેટલાક વર્ષોની હતાશા બાદ સ્વસ્થ થયો. દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા કોચ આર. ડી. સિંઘ એક શાળાના સ્પોર્ટ્સ ડેના મુખ્ય મહેમાન તરીકે ગયા હતા જ્યાં તેણે દેવેન્દ્રને અન્ય નોર્મલ વિદ્યાર્થી સાથે જુદી જુદી રમતોમાં ભાગ લેતો જોયો અને તેની એકડમીમાં પ્રવેશ માટે મનાવ્યો. દેવેન્દ્રને ભાલા ફેન્કની રમતમાં આગળ કરાયો. ૨૦૦૪ની એથેન્સ અને ૨૦૧૬ની રિયો પેરા ઓલિમ્પિકમાંગોલ્ડ મેડલ જીત્યો તે પછી ૨૦૨૦ની ટોક્યો પેરા ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી બતાવ્યો. આવી સિદ્ધી મેળવનાર તે ભારતનો એકમાત્ર પેરા એથ્લીટ છે.એક જ હાથે ભાલો પકડીને ફાઉલ ન થાય તેમ દોડવું અને ૬૩.૯૭ મીટરનો વર્લ્ડ રેકોર્ડ થ્રો ફેંકવો કેટલો કઠીન છે તે તો નીરજ ચોપરા જ વધુ સારી રીતે સમજી શકે. નીરજ પણ દેવેન્દ્રનું જરૂર પડયે માર્ગદર્શન લે છે.ભારતની પેરા ઓલિમ્પિક કમિટીના પ્રમુખ તરીકે  દેવેન્દ્ર  હાલ કાર્યરત છે.કુશળ વહીવટ પણ સંભાળે છે.

એમ તો ૨૦૨૦ના ટોકિયો પેરા ઓલિમ્પિક અને તે પછી ૨૦૨૪ની પેરિસમાં રમાતી પેરા ઓલિમ્પિકમાં ૧૦ મીટર એર રાઈફલ શુટિંગ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધી મેળવનાર અવની લેખારાને પણ કેમ ભૂલાય. બેક ટુ બેક ગોલ્ડ જીતનાર તે ભારતની એક જ ખેલાડી છે.અવનીએ આ ઉપરાંત ૨૦૨૦ ઓલિમ્પિકમાં એક બ્રોન્ઝ  પણ  જીત્યો હતો. વર્લ્ડ કપમાં તેના ઇવેન્ટમાં બે ગોલ્ડ અને એક સિલ્વર પણ અવનીની ઝોળીમાં છે. અવની નોરમલ બાળક તરીકે જ જન્મી હતી પણ ૨૦૧૨માં ૧૧ વર્ષની વયે એક ગંભીર કાર અકસ્માતમાં તે એ હદની ઈજા પામી કે તેની કમરની નીચેનો બંને પગ સહિતનો ભાગ અચેતન થઇ ગયો. વ્હીલ ચેર પર બેસીને તે ગોલ્ડન નિશાન તાંકે છે.અવનીએ હજુ ગત માર્ચમાં જ પથરીનું ઓપરેશન કરાવ્યું અને પ્રેકટીસથી પણ વંચિત રહી છતાં ઓલિમ્પિક ગોલ્ડ જીત્યો છે.

ગુજરાતની પારુલ પરમાર ,ભાવના ચૌધરી, ભાવિના પટેલ, સોનલ પટેલ, નિમિષા સુરેશ, રાકેશ ભટ્ટ પણ પેરા ઓલિમ્પિકમાં ભાગ લઇ  સફળતા  મેળવી ચુક્યા છે.

વધુ એક પેરા ખેલાડીની પ્રેરણા મેળવીએ તો માનસી જોશી પેરા વર્લ્ડ  બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીતી   ચુકી છે. પેરિસમાં જો કે તે આગેકુચ ન કરી શકી. ૩૫ વર્ષીય માનસી  જોશીનો જન્મ રાજકોટમાં થયો છે. પિતા ગીરીશ ભાઈ અમદાવાદમાં ઘર ધરાવતા હોઈ આવન જાવન કરતા હોય છે. ગીરીશ ભાઈ ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરના નિવૃત્ત વિજ્ઞાાની છે. છ વર્ષની વયથી માનસી તેના પિતા જોડે બેડમિન્ટન રમતી હતી. પુખ્ત થતા માનસીને  મોટર સાયકલ ફેરવવાનો શોખ હતો. તેની ૨૨ વર્ષની વયે ૨૦૧૧માં તે મોટર બાઈક ચલાવતી  હતી ત્યારે એવો ગંભીર      અકસ્માત થયો કે   એક પગ જ કાપી નાંખવો પડયો હતો. તેની ફિટનેસ મેળવવા અને હતાશા ખંખેરવા માનસીએ યોગા, ધ્યાન અને બેડમિન્ટન પ્રોસ્થેટિક લેગ પહેરીને રમવાનું શરુ કર્યું અને તેણે વર્લ્ડ ચેમ્પિયન સુધીની મજલ કાપી,વર્લ્ડ સિગલ્સમાં તે નંબર વન રેન્ક ખેલાડી છે.માનસી સોફ્ટવેર એન્જીનીયર છે.

ભલા ફેંકનો ભારતનો વર્તમાન સ્ટાર સુમિત અન્તીલ પણ મોટર બાઈક અકસ્માતમાં ડાબા પગનો ઘૂંટણથી નીચોનો ભાગ  ગુમાવતા પેરા ઓલિમ્પિકમાં ભાગ લઈને તેના માનસિક મનોબળનો પરિચય કરાવે છે.

જો કે અપંગ બન્યા પછી જેણે માઉન્ટ એવરેસ્ટનું શિખર સર કર્યું છે તેવા ભારતના તમામ અપંગો જ નહીં પણ સશક્ત નાગરીકોના અલ્ટીમેટ પ્રેરણા સમાન ૩૫ વર્ષીય  અરુણીમા સિંહાને  કેમ ભૂલાય.૨૨ વર્ષની વયે તેઓ લખનઉથી દિલ્હી  સીઆઈએસએફ ની પરીક્ષા આપવા ટ્રેઈનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કેટલાક ગુંડાઓએ જનરલ કોચમાં તેની સોનાની ચેન ખેંચવા છેડછાડ કરી. અરુણીમાએ હિંમતભેર તેઓનો પ્રતિકાર કર્યો ત્યારે ગુંડાઓએ તેને ચાલુ ટ્રેને બહાર ફેંકી દીધી. બેભાન થયેલ અરુણીમાના એક પગ પર સામેના ટ્રેક પરથી પસાર થયેલ ટ્રેન ફરી વળી હતી. અરુણીમાની ચાર મહિના સારવાર ચાલી.એક પગ ગંભીર ઈજા પામ્યો હોઈ તે પગ કાપી નાંખવો પડયો.તેની જગ્યાએ પ્રોસ્થેટિક પગ લગાવાયો. અરુણીમા પહેલીથી વોલીબોલ રમતા હતા. તેમને આવી અપંગ અવસ્થામાં દુનિયા સમક્ષ કંઇક અસાધારણ પુરવાર કરવું હતુ અને માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો ધ્યેય  રાખી એક વર્ષ સખ્ત પ્રેક્ટીસ કરી.તે વિશ્વના એક માત્ર પર્વતારોહક છે જેમેણે પ્રોસ્થેટિક લેગના સહારે માઉન્ટ એવરેસ્ટ,માઉન્ટ કીલીમાન્જારો (આફ્રિકા), માઉન્ટ કોઝીસ્કો (ઓસ્ટ્રેલીયા) માઉન્ટ એકોન્કાગુઆ (સાઉથ અમેરિકા) ડેનાલી (નોર્થ અમેરિકા)અને વિન્સોન માસીફ (એન્ટાર્કટીકા) સર કર્યા હોય.

આવા દિવ્યાગોની આ તો સ્પોર્ટ્સ સિદ્ધિના કેટલાક ઉદાહરણો છે બાકી તમામ ક્ષેત્રોમાં તેઓ સવાયા પુરવાર થયા છે. એક એક આવી વ્યક્તિની બાયોપિક બને શકે. હવેથી સંતાનોને સ્પોર્ટ્સ અને અન્ય સિદ્ધીવંતાઓની રીયલ સ્ટોરી કહેજો, આવી સંસ્થાઓની મુલાકાત તો સપરિવાર કરતા રહેવી જોઈએ.ટીવી પર રમત, ઓલિમ્પિક કે મેગા ઇવેન્ટ, ડોક્યુમેન્ટરી પણ સપરિવાર જોવા માટે સમય ફાળવવો જરૂરી છે. 


Google NewsGoogle News