Get The App

દેશની ઉચ્ચ ટેકનોલોજીના 38 ટકા સ્નાતકો બેકાર કેમ?

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
દેશની ઉચ્ચ ટેકનોલોજીના 38 ટકા સ્નાતકો બેકાર કેમ? 1 - image


- આઇ.આઇ.ટી. અને એન.આઇ ટી. શૈક્ષણિક સંસ્થાઓના જ નહીં પણ દેશના વિદ્યાર્થીઓ માટે પણ કપરો પડકાર કેમ સર્જાયો તેના કારણો જાણો

- વિવિધા-ભવેન કચ્છી

- ગૂગલ જેવી કંપનીનું સોફ્ટવેર લગતું 30 ટકાથી વધુ કામ એ.આઇ. કરી આપે છે : કંપનીઓના રોકાણકારો જ દબાણ સર્જી રહ્યા છે કે એ.આઇ.અને સાયબર સિક્યોરિટી અપનાવી નફો વધુ કરો

એ ક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે તો બીજી તરફ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુધ્ધ જારી છે. વૈશ્વિક મંદી તો છે જ તેમાં ટ્રમ્પનું અમેરિકામાં આગમન નિશ્ચિત બન્યું છે. અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ અને પ્રતિબંધનો પ્રશ્ન પરિસ્થિતિ વધુ વિકટ બનાવશે. યુરોપ તો ક્યારનું મોંઘવારી અને બેકારી જેવા ઘંટીના બે પડ વચ્ચે પીસાઈ રહ્યું છે. બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાન નાદારી નોંધાવી ચૂક્યું છે.ઇલેક્ટ્રિક વાહનોના વધતા પ્રભાવને લીધે તેલ થકી દેશનો ગુજારો ચલાવતા અને સમૃદ્ધ બનેલા દેશોના પેટમાં તેલ રેડાયું છે.

આ બધા પરિબળો વચ્ચે આર્ટિફીશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઇ.)નો ઉદય થયો અને વેપાર, ઉદ્યોગ અને આઇ.ટી. કે કમ્પ્યુટર ઇન્ડસ્ટ્રીના વહેણ અને વમળ જ બદલાઈ ગયા.

આગામી પાંચથી પંદર વર્ષની આવા સંજોગોમાં આયોજન, યોજના કે રોકાણની રણનીતિ કેવી રાખવી તેમાં ભલભલા નિષ્ણાતો ગોથું ખાઈ રહ્યા છે.

ભારતની જ વાત કરીએ તો હજુ ગયા અઠવાડિયે જ બહાર પડેલા અહેવાલ પ્રમાણે ભારતનો જી.ડી.પી. છેલ્લા બે વર્ષનો સૌથી નીચો પાંચથી છ ટકા વચ્ચે આવી ગયો છે.

અમેરિકાની ફેસબુક, ગૂગલ, સિસ્કો, એલોન મસ્કની એક્સ  સહિત ટોચની ટેકનોલોજી, મેનેજમેન્ટ  અને ફાઇનાન્સ કંપનીઓએ મોટી સંખ્યામાં તેમના કર્મચારીઓને છૂટા કર્યા છે. અર્થતંત્ર, વૈશ્વિક અરાજકતા અને એ.આઇ. ના ત્રિકોણીય હુમલામાં 

''બ્લડ બાથ'' જેવી સ્થિતિ સર્જાઈ છે.

વિશ્વની ટોચની કંપનીઓ હવે ''થોભો અને રાહ જુઓ''ની નીતિમાં માને છે.

ભારતની ટોચની આઇ.આઇ.ટી. અને એન.આઇ. ટી.શૈક્ષણિક સંસ્થાઓના સ્નાતકો અને અનુસ્નાતકો અવ્વલ દરજ્જાના મનાય છે. ભારતની અને વિશ્વની કંપનીઓને આ ડિગ્રીધારી માટે ભારે આદર છે અને ખૂબ ઊંચા પગાર સાથે કંપનીઓ હજુ તો વિધાર્થીઓનું આખરી પરિણામ આવ્યું હોય તે અગાઉ સંસ્થામાં સામે ચાલીને આવીને નોકરી માટે ઓફર કરે છે.જેને પ્લેસમેન્ટ કહેવાય છે.

પણ, હવે આ આંકડાઓનો અભ્યાસ કરીને ચિંતા જન્માવે તેવું વાતાવરણ છે.આઇ.આઇ.ટી.ના જ એક ભૂતપૂર્વ વિદ્યાર્થી ધીરજ સિંઘે ''રાઈટ ટુ ઇન્ફોર્મેશન'' અંતર્ગત માહિતી મેળવી તે પ્રમાણે દેશની આઇ.આઇ.ટી. અને એન.આઇ.ટી. સંસ્થાઓના કુલ ૨૨, ૨૩૦ ડિગ્રીધારીઓમાંથી હજુ ૮,૦૦૦ વિદ્યાર્થીઓને નોકરી નથી મળી. આ શૈક્ષણિક સંસ્થાઓના ઇતિહાસમાં આ રીતે ૩૮ ટકા વિદ્યાર્થીઓને જોબ નથી મળી તેવું પ્રથમ વખત બન્યું છે. જો આટલા ઊંચા સ્તરની સંસ્થાના વિદ્યાર્થીઓના આવા હાલ હોય તો દેશની અન્ય કોલેજ કે યુનિવર્સિટીમાં તો કેવી સ્થિતિ પ્રવર્તતી હશે. જેઓને પણ જોબ મળી છે તેઓના પગારનું પેકેજ પણ અગાઉના વર્ષો કરતા ખાસ્સુ ઓછું છે. ઉદાહરણ તરીકે ત્રણ વર્ષ પહેલા ટોચના રેન્કના વિદ્યાર્થીઓને  વર્ષે રૂ.૨૫ લાખનું પેકેજ મળતું તે હવે રૂ.૧૬ લાખ થઈ ગયું છે. ઉપર જણાવેલ આંકડા પ્રમાણે જે ૬૨ ટકાને જોબ મળી છે તે પૈકી ૩૦ ટકાને જ રૂ.૧૬ લાખનું પેકેજ મળ્યું છે બાકીનાને ક્રમશ: ઘણી ઘટતી રકમ સાથે સમાધાન સાધવું પડયું છે.

ભારતમાં જો વિદ્યાર્થીઓ અને વાલીઓનું આખરી સ્વપ્ન હોય તો તે તેમનું સંતાન ડોકટર, ટેકનોક્રેટ, મેનેજમેન્ટ, ફાઇનાન્સ અને સિવિલ સર્વિસ ક્ષેત્રમાં દેશની ટોચની શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરીને ઊંચા પગારનું પ્લેસમેન્ટ મેળવે તે હોય છે.આ માટે જોઇન્ટ એન્ટ્રસ એક્ઝામ (જે.ઇ.ઇ.), યુ.પી.એસ.સી. અને નીટ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા મગજ ફાટી જાય તે હદની તૈયારી કરે છે.વાલીઓ જંગી રકમનું દેવુ કરે છે. દાગીના અને ખેતર  વેચીને પણ તેમના સંતાનને આવો પ્રવેશ મેળવવા કોચિંગ સેન્ટરમાં મૂકે છે.

છેલ્લા વર્ષોમાં આવા વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સાઓ વધતા જાય છે કેમ કે તેઓને લાગે છે કે આ પરીક્ષામાં તેઓ ઉત્તીર્ણ નહીં થઈ શકે અને જેવું સ્વપ્ન સજાવી પ્રવેશ મેળવ્યો હતો  તેવો પગાર નહીં મળે. કેટલાક તો નજીવા પગાર કે નોકરી જ નહીં મળતા આત્મહત્યા અને ડ્રગના રવાડે ચઢયા છે. અભ્યાસના ખર્ચનું દેવુ ચૂકવવાની જવાબદારી વિદ્યાર્થીએ પણ ઉપાડી હોય છે.

૨૦૨૪માં ૩૮ ટકા આઇ.આઇ.ટી. અને એન.આઇ. ટી.ના વિદ્યાર્થીઓને જોબ નથી મળી તો આ આંક ૨૦૨૩માં ૧૯ ટકા હતો. આમ એક જ વર્ષમાં બેવડાયો છે.આ વર્ષે આઇ.આઇ.ટી.ના  જે વિદ્યાર્થીને સૌથી ઓછા પગારે નોકરી મળી તે રકમ વર્ષના રૂ. ૪.૨૦ લાખ છે. હવે વિચારો દેશના રાજ્યોમાં આવેલી  કોઈ ઓળખ નહીં ધરાવતી યુનિવર્સિટીની. કે ડીમ્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની તો પગાર ધોરણની રીતે કેવી  હાલત હશે.

આઈ.આઇ.ટી. અને એન . આઇ.ટી. શૈક્ષણિક સંસ્થાઓમાં આવી ચિંતાજનક સ્થિતિ પરિણમી તેના કારણ તો લેખની શરૂઆતમાં જ બતાવ્યા છે. ટ્રાવેલ, ટુરિઝમ, હોસ્પિટાલીટી, એરલાઇન્સ બિઝનેસમાં પણ ઘટાડો જોઈ શકાય છે.

કઈ કંપની આવા અનિશ્ચિત ભાવિ ધરાવતા વાતાવરણમાં તેમના ધંધા,માંગ ,સપ્લાય અને કર્મચારીઓની સંખ્યા બાબત   આયોજન કરી શકે? વૈશ્વિક મંદી હોય એટલે ખરીદ શક્તિ જ ઘટે. 

ગૂગલ જેવી કંપની એવી જાહેરાત કરે કે હવે અમારે સોફ્ટવેર એન્જિનિયરોની જરૂર આગામી વર્ષોમાં નહીં રહે કેમ કે અત્યારે જ કંપનીનું આવું કામ એ.આઇ. હસ્તક છે. એ.આઇ. ટેકનોલોજી કોડિંગ પણ કરી શકે છે.ગૂગલ જ નહીં તમામ કંપનીઓમાં એ.આઇ. અને સાયબર સિક્યોરિટી ટેકનોલોજીના હવાલે થતી જાય છે. બિલ ગેટ્સ કહે છે કે એ.આઇ. ટેક કંપનીઓના  ૩૩ ટકા સોફ્ટ વેર લાગતું કામ અત્યારથી જ એ.આઇ.કરતું થયું છે. નજીકના ભવિષ્યમાં સોફ્ટવેર એન્જિનિયરની માંગ નહીંવત્ થઈ જશે.

ઇલોન મસ્ક તો એટલે સુધી ચેતવણી. આપી ચુક્યા છે કે તેની એક્સ, સ્પેસ એક્સ અને ટેસ્લા જેવી કંપની માનવીય સ્ટાફની ન્યૂનતમ જરૂર પડે તે રીતે રોબોટ કર્મચારીઓની ફોજ  ખડી કરશે. તે અમેરિકાની કંપનીઓના માલિકો જેવું નિર્દય અને માનવીય અભિગમનો અંશ ન ધરાવતો હોય તેવો ''રુથલેસ'' છે.બેકારી વધશે તેનું એક કારણ સંવેદના વગરના માલિકો પણ હશે. તેવી જ રીતે રોબોટ અને ડ્રોન જેવા યંત્રો સર્વિસ સેકટર પર ફટકો પહોંચાડી રહ્યા છે. હજુ તો એ.આઇ.ની પ્રથમ જનરેશનમાં જ આવી હાલત થઈ ગઈ છે તો આગામી વર્ષોમાં રોજગારીની તકો પર કઈ હદે ફટકો પહોંચશે તેની કારમી કલ્પના કરો.

આઈ.આઇ.ટી. અને એન.આઇ.ટી. શૈક્ષણિક સંસ્થાઓમાંથી  સામાન્ય રીતે મેકેન્સે, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર, બેઈન, બોસ્ટન કન્સલ્ટિંગ ગુ્રપ, ઇ એન્ડ વાય, કેપજેમીની, કોગ્નીઝંટ, ગોલ્ડમેન સાચ,ગૂગલ,ઓરેકલ, ડેલોઇટ્ટે વગેરે કંપનીઓ વિદ્યાર્થીઓને ઊંચા પગારે જોબ આપતી હોય છે પણ હવે આવી કંપનીઓના   રોકાણકારો પ્રત્યેક ત્રીમાસિક (ક્વાર્ટરલી) મીટીંગમાં વધુ નફો અને ભાવિ વિશ્વ સાથે કંપની ખડી રહી શકે તેવું પરિવર્તન ઈચ્છે છે.આ જ કારણે કંપનીઓને કર્મચારીઓની મોટી સંખ્યામાં નોકરીમાંથી હકાલપટ્ટી કરવી પડે છે.એ.આઇ. આધારિત મોડેલ અપનાવવું પડે તો જ હરીફાઈમાં ટકી શકાય તેવી કપરી સ્થિતિ છે.

કેરિયર કન્સલ્ટન્ટ પ્રદીપ પ્રામાનિકે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આપણી શૈક્ષણિક ઉચ્ચ સંસ્થાઓના વિદ્યાર્થીઓને નોકરી નહીં મળવાનું એક મહત્વનું  કારણ એ પણ છે કે બહાર પડતા સ્નાતકો અને અનુસ્નાતકો જે શિક્ષણ લઈને બહાર આવે છે તેની તુલનામાં દુનિયા તો ક્યાંય આગળ નીકળી ચૂકી હોય છે.આપણા અભ્યાસક્રમો બદલાતા વિશ્વ જોડે તાલ મિલાવી શકે તેવા નથી. વિદ્યાર્થી ડિગ્રી મેળવીને બહાર નીકળશે ત્યારે કેવી ટેકનોલોજી પ્રવર્તતી હશે તે નજરમાં રાખીને અભાસક્રમ તૈયાર કરવાનો સમય આવી ગયો છે.આવી ત્રુટીને લીધે જ ટોચની કંપનીઓની ઇન્ટરવ્યુ પેનલ એવા નિરાકરણ પર આવે છે કે આ સ્નાતક આપણી કંપનીમાં નહીં ચાલે.

રીલાયન્સ,ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી ,વિપ્રો, અદાનીના પ્રવક્તા પણ આવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. કંપનીઓ એ.આઇ., વૈકલ્પિક ઊર્જા, રીન્યુએબલ એનર્જી, હાઇબ્રીડ પાવર, એરોસ્પેસ, સેમીકંડકટર ક્ષેત્રનું આધુનિક અને ભાવિ દુનિયાનું જ્ઞાાન સ્નાતક પાસેથી ઈચ્છે છે.

આવો અભ્યાસક્રમ જૂજ સંસ્થાઓમાં છે. ફાર્મા, ફૂડ પ્રોસેસિંગ અને ફાઇનાન્સ સેકટરમાં પણ ભરતીની પ્રક્રિયા આવા કારણોસર મંદ પડી છે. ઓટોમોબાઇલ, સ્ટીલ,પાવર,સિમેન્ટ અને કેપિટલ ગુડ્સ કંપનીઓ પણ રોબોટ લાઈન એસેમ્બલી પર મદાર રાખે છે.

શિક્ષકો,પ્રોફેસરો કે યુનિવર્સિટીમાં હાજર રહેવાની જરૂર જ નહીં પડે. માણસ જેવા જ દેખાતા એ .આઇ. જનરેટેડ પ્રોફેસર ઘેર સ્ક્રીન પર આવીને ગમે તેવા પ્રશ્નો ઉકેલતા વિદ્યાર્થીઓ જોડે સંવાદ સાધશે. કોર્ટ, બેન્કિંગ અને તબીબી કન્સલ્ટન્સી પણ એ.આઇ.ઘેર બેઠા કરી આપશે. સર્જરી પણ રોબોટ કરવા માંડયા છે.ફૂડ ડિલિવરી ડ્રોન કરે છે.

વિશ્વની નવી પેઢી સામે કપરો પડકાર છે.

અને છેલ્લે .. આ લેખ સાથે પ્રાસંગિક હોઇ ગત રવિ પૂર્તિમાં આપેલું  ભવિષ્યવેતા એલ્વીન ટોફલરનું વાક્ય ફરી વખત :

''૨૧મી સદીમાં કોઈને લખતા કે વાંચતા નહીં આવડતું હોય તો તે અભણ નહીં કહેવાય પણ જે શીખેલું ભૂલી જઈને નવું નહીં શીખે અને આ નવું શીખેલું પણ વખત જતાં ભૂલી જઈને  ફરી જે તે સમયનું નવું નહીં શીખે તેને કહેવાશે..લર્ન..ફર્ગેટ..રીલર્ન.. ફર્ગેટ..લર્ન આવી અવિતરત ક્ષમતા કેળવવી જ પડશે.'' 


Google NewsGoogle News