કોહલીની વિરાટ તાકાતનું રહસ્ય : 12 ટેટ્ટુનું તત્ત્વદર્શન

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
કોહલીની વિરાટ તાકાતનું રહસ્ય : 12 ટેટ્ટુનું તત્ત્વદર્શન 1 - image


- 'નેશનલ જ્યોગ્રાફી'એ અનોખા વિષયને લઈને કોહલીની દસ્તાવેજી બનાવી છે 

-વિવિધા-ભવેન કચ્છી

- કોહલી એક એક ટેટ્ટુનું ચિત્રણ કરવા માટે બે સેશન મળીને કુલ 14 કલાક તેના આર્ટિસ્ટ સાથે બેસતો હોય છે

વિ રાટ કોહલીએ ભારતને ૧૭ વર્ષ પછી ટી - ૨૦ વર્લ્ડ કપ જીતાડવામાં પ્લેયર ઓફ ધ મેચ યોગદાન આપતા ૭૬ રન સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં ફટકાર્યા હતા. કોહલીએ તે પછી તરત જ ટી -૨૦  ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. કોહલી સચિન તેંડુલકર પછીનો ભારતનો પાવર હાઉસ ક્રિકેટર કહી શકાય.ક્રિકેટ વિશ્વનો પણ લેજેન્ડ ખેલાડી બની ચૂક્યો છે.

કોહલીનો આવો લડાયક મિજાજ, એકાગ્રતા અને આટલા વર્ષો પછી પણ યુવા ક્રિકેટરોને શરમાવે તેવી ફિટનેસનું રહસ્ય તેના શરીર પરના ટેટ્ટુ  છે તેની ઘણા ચાહકોને કદાચ ખબર નહીં હોય.તો જાણી લો તેના બાર ટેટ્ટુ અને તેની પાછળનું તત્ત્વજ્ઞાાન

(૧) જાપાનીઝ સમુરાઇ યોધ્ધો:

કોહલીના ડાબા હાથના ઉપરના ભાગમાં પર આવેલ આ ટેટ્ટુ તેનું સૌથી પસંદગીનું ટેટ્ટુ છે. મેદાન પર હંમેશા આક્રમક અને લડાયક મિજાજ ધારણ કરવાની તેને તે પ્રેરણા આપે છે. જાપાનના આ યોધ્ધાના હાથમાં યુધ્ધ કરતો હોય તે મુદ્રાની  તલવાર છે. સમુરાઇ યોદ્ધાની ઘણી વાર્તાઓ વાંચીને કોહલીને વિચાર આવ્યો કે તે તેના જીવન અને ક્રિકેટના મેદાન પર આવો જ શક્તિશાળી, વફાદાર અને સ્વયંશિસ્ત ધરાવતો સૈનિક બનીને રહેશે. કોહલી એવું માને છે કે આ ટેટ્ટુને લીધે તેનામાં સમુરાઇ યોધ્ધાએ કાયા પ્રવેશ કરી લીધો છે. નાજુક કે આત્મવિશ્વાસ પર ફટકો પહોંચાડતી પળો આવે ત્યારે કોહલી વિચારે છે કે હું તો સમુરાઇ યોધ્ધો છું મને આવી નબળાઈ ન શોભે.

(૨) '૨૬૯દ નંબરનું ટેટ્ટુ : 

કોહલીએ જ્યારે જૂન,૨૦૧૧માં ભારત તરફથી રમતા તેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ વેસ્ટ ઇન્ડીઝ સામે રમી ત્યારે તેને '૨૬૯' નંબરની ટેસ્ટ કેપ આપવામાં આવી હતી. તે નંબરનું ટેટ્ટુ તેણે ડાબા હાથમાં ત્રોફાવ્યું છે. ભારત તે મેચ ૬૩ રનથી જીતી ગયું હતું. કોહલીએ જો કે આ ટેસ્ટની ઇનિંગમાં દસ રન જ કર્યા હતા પણ કોહલીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે  'એક ખેલાડીને જે નંબરની કેપ અપાતી હોય તે સ્વાભાવિક રીતે બીજા ખેલાડીને ન જ મળે. ૧૦૦- ૨૦૦ વર્ષ પછીનો ક્રિકેટ ઇતિહાસ જોવાશે ત્યારે મારા નામની આગળ આ કેપનો નંબર હશે. ભારતની ટીમ તરફથી રમવું તે કોઈપણ ખેલાડીનું સ્વપ્ન હોય છે. આ કેપ નંબર આપણને યાદ કરાવે છે કે મારા પર કેટલી મોટી જવાબદારી ભારતનું ગૌરવ વધારવાની કરવામાં આવી છે. '૨૬૯' નંબર મને મારા સંઘર્ષના ફળ તરીકે મળેલ કેપનો નંબર છે. મારે હજુ તેવો જ જુસ્સો અને કંઇક પુરવાર કરતા રહેવાની રમત બતાવતી રહેવાની છે. '૨૬૯'નંબર મારા હાથ પર ઘૂંટાયેલો હોય છે તે મારા નામ વિરાટ કોહલી કરતા પણ મારા માટે મહત્વનો છે.'

(૩) '૧૭૫દ નંબરનું ટેટ્ટુ :

ટેસ્ટ મેચનો કેપ નંબર ૨૬૯ છે તો સૌ પ્રથમ વન ડે ઇન્ટરનેશનલ રમવાની તક મળી ત્યારે કેપનો નંબર ૧૭૫ હતો. આ નંબરને પણ ડાબા હાથ પર કોહલીએ માનભેર સ્થાન આપ્યું છે.કોહલીએ માર્ચ, ૨૦૦૮માં ભારતને અંડર - ૧૯ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવ્યું હતું અને તેના ચાર મહિના પછી તેને ભારતની વન ડે ઇન્ટરનેશનલ ટીમમાં સ્થાન અપાયું હતું.તે મેચ શ્રીલંકા સામે દાંબુલામાં રમાઈ હતી

(૪) ભગવાન શિવનું ટેટ્ટુ :

કોહલી શિવ ભક્ત છે.તે માને છે કે મેદાન પર વિપરીત સંજોગો કે મીડિયાની બીનજવાબદાર ટીકા કે નિંદાથી વિચલિત થયા વિના આપણું ધ્યાન અને લક્ષ્ય તરફનું કેન્દ્ર સ્થિર હોવું જોઈએ.ભગવાન શિવ હિમાલયની પર્વતમાળામાં ધ્યાન ધરતા હોય તેવું ટેટ્ટ તેણે ડાબા હાથમાં ધારણ કર્યું છે. અડગતા અને એકાગ્રતાના ગુણ માટે કોહલીએ ભગવાન શિવને તેના ગુરુ પણ માન્યા છે.

(૫) ‘Scorpio’ લખેલું  ટેટ્ટુ :

કોહલીની રાશિ વૃશ્ચિક છે એટલે તેણે તેના જમણા હાથના ઉપરના ભાગમાં‘Scorpio’ તેવું લખાવ્યું છે.કોહલીની જન્મ તારીખ ૫ નવેમ્બર,૧૯૮૮ છે.

(૬) આદિ જાતિનું પ્રતિક :

કોહલી માને છે કે ઘણી વખત દેશના નાગરિક કરતા પણ મરી ફીટવાની વફાદારી આદિ જાતિના એક વ્યક્તિની હોય છે. જાપાનનો સમુરાઇ યોધ્ધો વ્યક્તિગત શૌર્યની પ્રેરણા આપે છે જ્યારે  આદિ જાતિનું  'ટ્રાઇબલ' પ્રતિક સમૂહ માટે,  ટીમ માટે લડત આપવાનો જુસ્સો અને પ્રેરણા આપે છે 

(૭) ભગવાનના નેત્રનું ચિત્ર :

કોહલીના ડાબા ખભા પર કીકી સહિતની ગોળાકાર બહુરંગી આંખનું ટેટ્ટુ છે. કોહલી તત્ત્વજ્ઞાાની વિચારસરણી ધરાવે છે. 'ઓટોબાયોગ્રાફી ઓફ યોગી' પુસ્તક તેની સાથે રાખે છે. કોહલીએ 'બોડીઆર્ટગુરુ' પોર્ટલને જણાવ્યું હતું કે પરમશક્તિનું નેત્ર મને યાદ અપાવે છે કે આપણે જે પણ મનથી કે દેહથી કર્મ કરીએ છે તે ભગવાન જુએ છે. તેની આંખો સૃષ્ટિ પર અવિરત મંડાયેલી રહે છે તેથી આપણે એવું કોઈ કર્મ ન કરવું જોઈએ કે જેના લીધે ઈશ્વરની નજરે ખરાબ વ્યક્તિ તરીકે ચઢી જઈએ. તેમને આપણા કર્મો જોઈને ખુશી થવી જોઈએ તે આપણું કર્તવ્ય છે. હું આ ઈશ્વરની આંખના ચિત્રથી સારો માનવી બનવાનો પ્રયત્ન કરું છું. ભગવાન જોડે સતત જોડાયેલ છું તે મને પ્રત્યેક ક્ષણ યાદ રહે છે.

(૮) માતાનું નામ સરોજ :

કોહલી તેની માતાને ખૂબ પ્રેમ કરે છે. પિતાના મૃત્યુ પછી માતાએ તેનો સંઘર્ષપૂર્ણ ઉછેર કર્યો હતો. કોહલી કહે છે કે માતા અને પિતા તો હૃદયમાં બિરાજમાન છે આમ છતાં બંનેના નામ તેણે ડાબા હાથ પર નજીકમાં ચિત્રિત કર્યા છે.તેની માતાનું નામ સરોજ હોઇ હિન્દી ભાષામાં સરોજ જોઈ શકાય છે.

(૯) પિતાનું નામ પ્રેમ :

કોહલીને તેના પિતા જોડે અનહદ લગાવ હતો. સાવ નાના ઘરમાં પણ પિતા બાળવયના કોહલી જોડે રબર કે પ્લાસ્ટીક બોલથી ક્રિકેટ રમતા હતા. તે પછી શાળાકીય ક્રિકેટના વર્ષોમાં રોજ સવારે વહેલા ઊઠીને તેને કોચિંગમાં લઈ જતા. તેમનું સ્વપ્ન હતું કે પુત્ર ભારત તરફથી ક્રિકેટ રમે.તેના પિતાનું નામ પ્રેમ. હતું. કોહલી રણજી ટ્રોફી મેચ રમી રહ્યો હતો તે અરસામાં જ પિતાનું હૃદય રોગના હુમલાથી નિધન થયું તે સમાચાર તેને મળ્યા હતા. તેમના પિતાના અગ્નિ સંસ્કાર કરીને તે પાછો તેની અધૂરી ઇનિંગ રમવા ટીમ સાથે જોડાઈ ગયો હતો. આ મેચમાં જ ભારતના પસંદગી સમિતિના સભ્યો કેટલાક આશાસ્પદ યુવા ખેલાડીઓની રમત જોવા આવ્યા હતા.કોહલીની માતાએ તેને હિંમત આપી હતી કે 'તારા પપ્પાનો આત્મા પણ એમ જ કહેતો હશે કે આ મહત્વની મેચ રમવા તું જા.' કોહલી ભગ્ન હૃદયે વિધિ પૂરી કરીને ટીમ જોડે જોડાયો અને મોટો સ્કોર કર્યો.

કોહલીના પિતાનું નામ પ્રેમ હોઇ કોહલીએ તેમની કાયમ યાદ નજર સામે રાખતા માતાની બાજુમાં જ પિતાનું નામ હિન્દી ભાષામાં ચિત્રિત કરાવ્યું છે.

(૧૦) મંદિર - મઠનું ચિત્ર :

કોહલી ખૂબ ધાર્મિક અને શ્રદ્ધાળુ છે. તે માને છે કે મંદિર અને મઠમાં જવાથી મનની અનેરી શાંતિ અને બળ મળે છે. કોહલી કહે છે કે ગમે તેટલી નિયમિત કસરત કરીને સ્નાયુબદ્ધ બનો પણ તેનાથી આંતરિક નિર્ભયતા અને શાંતિ નથી આવી શકતી તે તો દર્શન અને ધ્યાનથી પ્રાપ્ત થાય છે.મંદિર અને મઠમાંથી આવી શક્તિનો સંચાર થાય છે. કોહલી નિયમિત મંદિરે દર્શન કરવા નથી જતો પણ તેને તેની મહત્તા જાણે છે.ભગવાન શિવના ટેટ્ટુની નજીક જ તેણે મઠ અને મંદિર લાગે તેવું રેખા ચિત્ર તેના ખભાની ડાબી બાજુ લગાવ્યું છે.

(૧૧) 'ઓમ' ટેટ્ટુ :

કોહલી કેટલો ધાર્મિક અને આધ્યાત્મિક છે તેની વધુ એક પ્રતીતિ કરાવતું ટેટ્ટૂ અંગ્રેજીમાં ર્ધંસ્ધ છે.જે ભગવાનની આંખની નજીક સ્થાન શોભાવે છે. કોહલી બ્રહ્માંડના નાભિ નાદ તરીકે 'ઓમ'ને જાણે છે. આ મંત્રની શક્તિ તેને આંતરિક ઊર્જા અને પ્રસન્નતા આપે છે. કોહલી ધાર્મિક હોવાનો  કે તત્વજ્ઞાાનની રુચિનો દેખાડો નથી કરતો. તે કહે છે કે કોઈપણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદાન કરવું હોય તો આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસ સભર દ્રઢ મનોબળ જ અનિવાર્ય છે જે  બીજમંત્ર પર કેન્દ્રિત થવાથી સૂક્ષ્મ રીતે આપણા દેહમાં સ્થાન ધારણ કરે છે.

(૧૨) યુનિટી એન્ડ સર્કલ ઓફ લાઇફ :

કોહલી આજકાલ વધુને વધુ આધ્યાત્મિક બનતો જાય છે. તે તત્ત્વ જ્ઞાાનના પુસ્તકો વાંચે છે અને સમય મળ્યે પોડકાસ્ટ પણ સાંભળે છે. આઈ.પી.એલ.ની ૨૦૨૩ની સીઝન પહેલાં તેણે તેના આર્ટિસ્ટ ભાનુશાળીને કહ્યું કે એવી કોઈ ડિઝાઇન વિચાર કે જેમાં સંકેતાત્મક એવું જોઈ શકાતું હોય કે જેમાં એકતાનો તો મેસેજ મળે જ પણ આપણે જે કંઈ કરીએ છીએ તે પાછું આપણી સામે આવીને જ ઉભુ રહે છે અને બ્રહ્માંડ દુનિયા ગોળ છે તે જ ધોરણે એક સર્કલ જ છે. તત્ત્વજ્ઞાાનના ચક્કરમાં ગતિ રાખવી કે સંસારી અનિષ્ટોમાં જ ફરતા રહેવું છે તેવો કોઈ ચિત્રનો મર્મ નીકળવો જોઈએ. આખરે કેટલીક ડિઝાઇનમાંથી કોહલીએ એક પસંદ કરી. આ ટેટ્ટૂ થોડું મોટું હોઇ તે છ કલાકનું એક સેશન મુંબઈમાં અને આઠ કલાકનું બીજું સેશન બેંગ્લોરમાં એમ ૧૪ કલાકમાં  કોહલીના  હાથમાં કોણીથી નીચે તરફ આવેલ હાથના ભાગમાં તૈયાર થયું. કોહલીએ પ્રત્યેક આવા ટેટ્ટુ વખતે કલાકો સુધી હાથ ધરીને કે પીઠ કે છાતી ખોલીને સ્થિર બેસવું પડે.

વિરાટ કોહલીનું જોઈને તે પછી આ જ રીતે છાતી, પીઠ, ખભા અને હાથ પર કે.એલ.રાહુલ અન હાર્દિક પંડયાએ પણ થીમ બેઝડ ટેટ્ટુ ચિત્રાવ્યા છે.આ છૂંદણાં નથી હોતા પણ ઇચ્છીએ તો જ નીકળે તેવી શાહીથી બનેલા હોય છે.

કોહલીના ટેટ્ટુની કોહલી જ સમજ આપતો હોય તેવી નેશનલ જીયોગ્રાફીએ 'મેગા આઈકોન' શ્રેણી અંતર્ગત 'વિરાટ કોહલી રિવ્યૂ : સાયન્સ , ટેટ્ટુસ એન્ડ અ વ્હાઈટવોશ' નામની દસ્તાવેજી બનાવી છે.

 વિરાટ કોહલીની જેમ જો આવા ચિત્રણ જીવન જીવવાની અને લક્ષ્ય પ્રાપ્તિની પ્રેરણા આપતા હોય તો શોખ ખોટો નથી. ફેશનને પણ જીવનદૃષ્ટિ સાથે જોડી જ શકાય. 


Google NewsGoogle News