ચાણક્ય જેવી ચાલ ચેસમાં ભારત વિશ્વમાં મહારથી બન્યું
- પ્રજ્ઞાનનંધાની ચેસમાં ચેમ્પિયન બનવાની રેસીપી : સખ્ત મહેનત સાથેનું કોચિંગ તો ખરું જ પણ માતા નાગાલક્ષ્મીની મેચના સમયે હાજરી તેમજ તેના હાથે બનાવેલ ભાત અને રસમ! : ડી,ગુકેશ વિશ્વમાં ક્યાંય પણ રમતો હોય મેચ અગાઉ માતા પદ્મા જોડે ફોન પર વાત કરવા જોઈએ જ.
- વિવિધા-ભવેન કચ્છી
- ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરો કરોડપતિ બનવા કોચ બને છે જ્યારે વિશ્વનાથન આનંદ તેની એકેડમી દ્વારા મધ્યમ વર્ગના પરિવારોના સંતાનોમાંથી પ્રતિભા ખોજ કરીને તેઓને વિશ્વ મંચ પર લઇ જાય છે.
- હોકી ખેલાડી હાર્દિક સીઘે વેદના ઠાલવી કે એરપોર્ટ પર પ્રવાસીઓએ અમારી નોંધ ન લીધી અને ડોલી ચાઈવાલા જોડે ફોટો ખેચવા ભીડ જમાવી
હં ગેરીના બુડાપેસ્ટમાં યોજાયેલ ચેસ ઓલિમ્પિયાડમાં ભારત પુરુષ અને મહિલા વિભાગમાં ગોલ્ડ મેડલ જીતવા સાથે ચેમ્પિયન બન્યું અને ચાર ખેલાડીઓએ વ્યક્તિગત ગોલ્ડ મેડલ પણ જીત્યા. પ્રસારણ માધ્યમોએ તો આ સફળતાનું યોગ્ય રીતે કવરેજ કર્યું પણ ભારતના નાગરિકોને કદાચ હજુ અંદાજ નથી આવ્યો કે આ કેટલી વિરાટ અને ઐતિહાસિક સિદ્ધિ કહેવાય. આ જ કારણે ઓલિમ્પિકમાં મનુ ભાકરે બે બ્રોન્ઝ મેડલ જીત્યા અને તેને જે હદે આવકાર અને અહોભાવ પ્રાપ્ત થયો તેના કરતા કદાચ અડધો ઉમળકો પણ ભારતના ચેસના ચાણક્યો પ્રત્યે વ્યક્ત નથી કરાયો.
અન્ય દેશોને પોતાની કોઈ એક રમતમાં વિશેષ ક્રેઝ હોય જ છે પણ તેઓ અન્ય રમતોમાં પણ મેડલ જીતે છે.ત્યાં અન્ય રમતોનું પણ કલ્ચર છે. ભારતમાં ક્રિકેટ સિવાય ખાસ કોઈ જીતની મહત્તાની સમજ નથી. થોડા દિવસો પહેલા એક દર્દ જગાડતી વાત વહેતી થઇ. ભારતની હોકી ટીમ પેરીસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને પરત આવી ત્યારે એરપોર્ટ પર ભારતના ખેલાડીઓને આવકારવા તો જુજ ચાહકો જ દેખાયા હતા તે તો ઠીક પણ એરપોર્ટમાં પ્રવાસીઓને ખબર પણ હતી કે આ ખેલાડીઓ મેડલ જીતીને આવ્યા છે તો પણ તેઓની સામે નજર ફેંક્યા વગર એરપોર્ટ પરના પ્રવાસીઓ સોશિયલ મીડિયામાં જેની જોડે બીલ ગેટ્સ ચા પીતા હોય તેવી પોસ્ટ વાયરલ બની હતી તે ડોલી ચાઈવાલા પણ એરપોર્ટમાં જ હોઈ તેની સાથે સેલ્ફી ખેંચવા ધક્કામુક્કીએ ચઢયા હતા. હોકી ખેલાડી હાર્દિક સિંઘે જ એક ઈન્ટરવ્યુમાં આ વેદના ઠાલવતા કહ્યું કે 'અમે છ જેટલા ખેલાડીઓ હતા જેમાં ભારતની જીતનો સ્ટાર હરમનપ્રીત સિંઘ પણ હતો. અમે આ સમયે ઘણી ભોંઠપ અને નિરાશા અનુભવી હતી. હરમનપ્રીત હોકીમાં વિરાટ કોહલી કહી શકાય. તેણે તેની કારકિર્દીમાં ૧૫૦ આંતરરાષ્ટ્રીય ગોલ ફટકાર્યા છે.જયારે મનદીપ સિંઘનો રેકોર્ડ ૧૦૦ ગોલનો છે. આ બંને પણ તે દિવસે તેઓ સાથે એરપોર્ટ પર હતા.'
હાર્દિક સિંઘે ભગ્ન હૃદયે કહ્યું કે 'અમે અંગત આગતા સ્વાગતા નહોતા ઈચ્છતા પણ પ્રવાસીઓ પાસેથી થોડા પ્રેમ અને તેઓએ ગૌરવની લાગણી અનુભવી હોય તેવા વર્તનની અપેક્ષા રાખતા હતા. ખેલાડીઓ માટે માત્ર પૈસા કે મેડલ જ નહીં પણ દેશના નાગરિકોના આદર પ્રેમનું મહત્વ વિશેષ હોય છે. ઘણી વખત ખેલાડી હતાશ થાય છે કે અમારા પ્રદાનની નાગરિકોને જ પરવા નથી તો અમારે જુસ્સો કોના માટે અને ક્યાંથી મેળવવો.વળી અમે તો ભારત દેશનું નામ ઉજાળીને આવ્યા હતા.'
ભારતની ક્રિકેટ ટીમ ટી- ૨૦માં વર્લ્ડ ચેમ્પિયન બની અને મુંબઈમાં જીતની પરેડ વખતે જાણે આખું મુંબઈ જાહેર માર્ગો પર આવી ગયું હતું. ભારતની ઓલિમ્પિક ટીમ કે ચેસના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓ આવી પરેડ નીકાળે તો આપણને ભલે કદાચ રમતમાં એટલી દિલચશ્પી ન હોય છતાં વર્લ્ડ ચેમ્પિયન એટલે વર્લ્ડ ચેમ્પિયન તેમ માની આદર,ગૌરવ વ્યક્ત કરતા અને પ્રોત્સાહન આપવા પણ આપણે તે પરેડ જોવા જવાનો વિવેક બતાવીએ ખરા? અમેરિકા અને ઇઝરાયેલ જેવા દેશોમાં તો એરપોર્ટ પર પ્રવાસી તરીકે સૈનિકો જોવા મળે તો અન્ય પ્રવાસીઓ ઉભા થઈને તાળી પાડીને તેઓને માર્ગ કરી આપતા હોય છે.
ભારતના ચેસ ખેલાડીઓએ ઓલિમ્પિયાડમાં પુરુષ અને મહિલા બંને વિભાગમાં ગોલ્ડ મેડલ જીત્યો તે ઇવેન્ટમાં વિશ્વના ૧૯૩ દેશોની ટીમોએ ભાગ લીધો હતો તેના પરથી કલ્પના કરો કે આ ગોલ્ડ મેડલ કઈ હદની સફળતા છે. ભારતની કહેવાય પુરુષોની ટીમ પણ મોટાભાગના વીસ વર્ષથી નાની વયના ખેલાડીઓ હતા. પુરુષ ટીમમાં ડી.ગુકેશ, પ્રજ્ઞાનનંધા અને અર્જુન એરીગાઈસી, વિદીથ ગુજરાથી અને પી.હરીક્રીશ્ના હતા. જ્યારે મહિલા ટીમમાં હારિકા, વૈશાલી, દિવ્યા દેશમુખ, વન્તીકા અગ્રવાલ અને તાનિયા સચદેવનો સમાવેશ થતો હતો. તેમાં પણ પ્રજ્ઞાનનંધા અને વૈશાલી તો સગા ભાઈ બહેન છે. વિચારો એક સાવ મધ્યમ વર્ગીય પરિવારમાંથી બે ખેલાડીઓ વર્લ્ડ ચેમ્પિયન. ગુકેશ, એરીગાઈસી,દિવ્યા દેશમુખ અને વન્તીકા અગ્રવાલે તો વ્યક્તિગત ગોલ્ડ મેડલ પણ તેમના બોર્ડ પર જીતવાની કમાલ કરી બતાવી હતી. ગુકેશ ૧૮ વર્ષનો, પ્રજ્ઞાનનંધા ૧૯ વર્ષનો, તેની બહેન વૈશાલી ૨૩ વર્ષની અને એરીગાઈસી ૨૧ વર્ષનો છે. ચેસ જગતની ચેમ્પિયન એવી આ સૌથી યુવા પ્રતિભાઓ છે. તેમાં પણ ડી.ગુકેશ તો કેન્ડીડેટ ચેસ જીતીને વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ચીનના લીરેનના ટાઈટલને પડકારવાનો દાવેદાર બન્યો છે. ડી.ગુકેશ જ્યારે એપ્રિલમાં કેન્ડીડેટ ચેસ ટુર્નામેન્ટ જીત્યો ત્યારે તેની વય હજુ ૧૮ વર્ષની પણ નહોતી. તે વર્લ્ડ ટાઈટલ માટેનો દાવો નોંધાવનાર ઇતિહાસનો સૌથી યુવા ખેલાડી છે. આગામી ૨૦ નવેમ્બરથી ૧૫ ડીસેમ્બર દરમ્યાન ડીંગ લીરેન અને ડી. ગુકેશ વચ્ચે વર્લ્ડ ચેમ્પિયન નક્કી કરતા રાઉન્ડ સિંગાપોરમાં રમાશે.
ભારતે ચેસ ઓલિમ્પીયાડ જે સિદ્ધિ મેળવી છે તેમાં આ ખેલાડીઓના બાળ વયથી અત્યાર સુધીના કોચ અને તેઓના માતા પિતાને તો જશ આપવો જ પડે પણ પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલા વિશ્વનાથન આનંદને સલામ ભરવી પડે. આજે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરો આઈ.પી.એલ.ની કોઈ ટીમ જોડે કોચિંગ સ્ટાફમાં જોડાવવા માટે તત્પર હોય છે કેમ કે તેમાં કરોડો રૂપિયાની કમાણી છે ત્યારે વિશ્વનાથન આનંદ વેસ્ટબ્રીજ આનંદ ચેસ એકેડમી દ્વારા ચેસના ભાવિ સ્ટાર તૈયાર કરે છે. ડી.ગુકેશ, પ્રજ્ઞાનનંધા, વૈશાલી અને એરીગાઈસી તો ૧૪ વર્ષની વયના હતા ત્યારથી જ આનંદની એકેડમીમાં કોચિંગ લઈને ચેમ્પિયન બન્યા છે. ચેસના આ બધા ખેલાડીઓ સાવ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. તેથી વિશ્વનાથન આનંદ અને તેની વેસ્ટબ્રીજ કંપનીને મોંઘી ફી લેવી તો દૂર પણ તેઓનો ખર્ચ નીકળે તે માટે સ્પોન્સર શોધવાના પ્રયત્ન કરવો પડે છે. વેસ્ટબ્રીજ એકેડમી જે મોંઘી ફી ભરવા તૈયાર હોય તેવા જ શ્રીમંતોના સંતાનોને પ્રવેશ આપે તો બે પાંચ જેટલી ચેસની ચાલ ચાલવા જેટલા સમયમાં કરોડોપતિ થઇ જાય પણ આ એકેડમી માત્ર અને માત્ર કોઈ ટીન એજરમાં ચેસની અસાધારણ પ્રતિભા પારખે તો જ તેના શિષ્ય તરીકે સ્વીકારે છે.તેઓ પાસે દેશ વિદેશના ભૂતપૂર્વ ખેલાડીઓ,કોચ અને કોર્પોરેટ લાયેઝન ટીમ છે.
વિશ્વનાથન આનંદને આ લખનારને મળવાનું થયું હતું. આપણી કોઈ સેલીબ્રીટી માટેની કલ્પના હોય તેનાથી વિપરીત વિશ્વનાથન આનંદનું આગમન થયું ત્યારે તેમની સાદગી, નમ્રતા અને સીધા સાદા પેન્ટ શર્ટ સાથેનું વેશ પરિધાન જોઇને તેના માટેનું માન વધી ગયું. જેની ઈચ્છા હોય તેની સાથે ફોટો ખેંચાવે પણ તેમાં તેને કોઈ પ્રસિદ્ધિનો આનંદ આવતો હોય તેવું ન લાગે. કેમેરા સામે આંખો માંડતા પણ ક્ષોભ અનુભવતો હોય તેવું લાગે. ક્રિકેટમાં રાહુલ દ્રવિડ પણ આવો જ સંસ્કારી અને સિદ્ધી સાથે બહેકી ન ગયો હોય તેવો જણાય.
રશિયાના ચેસ લેજેન્ડ ગેરી કાસ્પારોવે પણ વિશ્વનાથન આનંદના વ્યક્તિત્વનો પ્રસંશક છે. ભારતના ૧૮ -૨૦ વર્ષની વયના ચેમ્પિયન ખેલાડીઓને તે વિશ્વનાથન આનંદ દ્વારા તૈયાર થયેલી સેના કહે છે જેઓ વિશ્વ પર રાજ કરવાના છે.
હા, ભારતના આ ચેસ સમ્રાટોને પ્રોત્સાહન અને હુંફ આપવામાં તેમના માતા પિતાનું પ્રદાન અસાધારણ કહી શકાય. કદાચ તેઓની ભૂમિકા વગર આ ખેલાડીઓ ગમે તેટલા ઉચ્ચ સ્તરના કોચિંગ છતાં આ મુકામ પર ન પહોંચ્યા હોત. પ્રજ્ઞાનનંધા અને વૈશાલીના પિતા તમિલનાડુ કો.ઓ.બેંકમાં નોકરી કરે છે. બાળ વયથી પોલીયોગ્રસ્ત છે છતાં પડકાર ઝીલીને તેઓ ગ્રેજ્યુએટ થયા હતા. બેંકમાં નોકરી મળી અને આવી શારીરિક સ્થિતિ છતાં કુટુંબનું એકલા હાથે ભરણપોષણ કરે છે.બે રૂમના ઘરમાં રહે છે. સંતાનો ટીવી જોવામાં વધુ સમય ન બગાડે તે હેતુથી ચેસ તરફ વાળ્યા અને તેઓ સ્પર્ધા જીતવા માંડયા.ઘરમાં એકની જગ્યાએ બે બાળપ્રતિભા હતી. આગળ જતા વિશ્વનાથન આનંદનો સાથ મળ્યો અને ટુર્નામેન્ટમાં ભાગ લેવા સહાય મળતી ગઈ. જો કે પ્રજ્ઞાનનંધાને એવું કે તેની માતા નાગાલક્ષ્મી તેની જોડે ટુર્નામેન્ટમાં હોય તો તેનો હોંસલો બુલંદ બને. તેમાં પણ પ્રજ્ઞાનનંધાને દેશ વિદેશના પ્રવાસમાં જે ભોજન મળે તે ન ફાવે. એટલે તેની માતા નાગાલક્ષ્મીએ બનાવેલ ભાત અને રસમ જ તેને જોઈએ. માતા પણ તેને લાડ લડાવવાની તક નથી છોડતા.અને બીજી રીતે કહીએ તો રંમતમાં સારો દેખાવ તે કારણથી પણ થતો હોય તો શું ખોટું તેમ માની પ્રત્યેક ટુર્નામેન્ટમાં તેની સાથે પ્રવાસે જાય. નાગાલક્ષ્મીના સામાનમાં એક બેગમાં બે ત્રણ સાડી, નાનું કુકર, દાળનો મસાલા, ચોખા અને દાળ સિવાય બીજું કંઈ ન હોય. વિદેશમાં રોજ મેચ રમવા પ્રજ્ઞાનનંધા માતાએ બનાવેલ ભાત અને રસમ આરોગીને જાય અને ઓડકાર ખાતા હરીફને હરાવતી ચાલ ખેલે. પ્રજ્ઞાનનંધાની મોટાભાગની મેચ તે પ્રજ્ઞાનનંધા તેને જોઈ ન શકે તે રીતે ઉભા રહેતા જુએ છે.મજાની વાત એ છે કે માતા નાગાલક્ષ્મીને હજુ સુધી ચેસ કેમ રમાય તે ખબર જ નથી. આમ છતાં એકબીજાને એવી શ્રદ્ધા કે આ બધો જાદુ માતાની હાજરી અને ભાત રસમનો છે. પ્રજ્ઞાનન્ધાની માતાને વિદેશ પ્રવાસ માટે આર્થિક સહાય પણ મળતી થઇ છે.
આની સામે ડી.ગુકેશને ઊંધું છે. તેના પિતા તેની પ્રત્યેક ટુર્નામેન્ટમાં હાજરી આપે. તે ઈ.એન.ટી.સર્જન હતા પણ હવે તેની પ્રેક્ટીસ છોડી દીધી છે અને પૂર્ણ સમય ગુકેશ સાથે આપે છે. ગુકેશની માતા પદ્મા પણ ચેન્નાઈમાં ડોક્ટર છે.તે માઈક્રોબાયોલોજીસ્ટ છે. તેની કમાણીથી જ ઘર ચાલે છે, ગુકેશને એવી શ્રદ્ધા કે તે વિશ્વમાં ક્યાંય પણ મેચ રમતો હોય પણ તે પહેલા ફોન પર તેની માતા જોડે વાત કરવા જોઈએ જ અને મેચ પૂરી થાય એટલે પદ્માના પતિએ મેચનું પરિણામ કહેવા ફોન કરવાનો. જો ગુકેશ હાર્યો હોય તો પદ્મા તેને અન્ય ખેલાડીઓની કમબેક સ્ટોરી ફોન પર સંભળાવે અને ગુકેશ સ્વસ્થ થઇ જાય.ગુકેશની માતાને પણ ચેસમાં કંઈ ગતાગમ નથી પડતી.
ચેસ જગત ૬૪ સ્ક્વેર (ચોકઠાં)ની રમત છે પણ ભારતના ખેલાડીઓને તેમાં ચેમ્પિયન બનવા બુદ્ધિ કૌશલ જોડે માતા પિતાની લાગણીનું સિંચન પણ અનિવાર્ય છે. ભારતની સંસ્કૃતિ જોઇને વિદેશના મીડિયા, ચાહકો અને ખેલાડીઓ પણ ભાવુક બની જાય છે.