વર્ષ 2000-2024 : 21મી સદી હવે સિલ્વર જ્યુબિલિ વર્ષમાં
- ઇતિહાસ ફાઈલમાં કેદ કરી દેવાનો વિષય નથી બલ્કે રૂપિયાની જેમ ક્યારેય એક ક્ષણ પણ ન ઊંઘતો કાળક્રમ છે. કર્મની થિયરી સીધી અને સ્પષ્ટ રીતે સમજવી હોય તો આજે વિશ્વમાં આપણે જેવું બીજ રોપીએ છીએ તેવું કાલે આપણી સામે આવીને ઊભું રહે છે
- વિવિધા-ભવેન કચ્છી
- 1900 થી 1925 એટલે કે વીસમી સદીના પ્રથમ ૨૪ વર્ષમાં કઈ ઘટનાઓ આકાર પામી હતી? અને આ સદીના 24 વર્ષના લેખા જોખા કેવા છે?
આ પણે છેલ્લા અઠવાડિયામાં ૨૦૨૪ના જુદા જુદા ક્ષેત્રોમાં વીતેલી ઘટનાઓ પર નજર ફેરવી.હવે ૨૦૨૫ના વર્ષમાં પ્રવેશ્યા એટલે ૨૧મી સદીના સિલ્વર જ્યુબિલિ વર્ષમાં માનવ જગતે પડાવ નાખ્યો છે તેમ પણ કહી શકાય.એક સદીના ચોથા ભાગના અંત તરફ હવે આગળ વધીશું.આ એક સીમાચિન્હ તરીકે પણ જોઈ શકાય.
ટેકનોલોજી એ હદે પ્રગતિ કરી ચૂકી છે કે ૨૦મી સદીમાં જે પરિવર્તન માટે શિક્ષણ અને સંશોધનની દુનિયાને ૧૫ વર્ષ લાગતા હતા તેના માટે ૨૧મી સદીમાં ત્રણેક વર્ષ માંડ લાગે છે. માત્ર ટેકનોલોજી નહીં પણ રાજકારણ, શિક્ષણ, સમાજ , સર્જનાત્મક દુનિયા, અર્થતંત્ર અને મનોરંજનના ક્ષેત્રોમાં પણ હજુ કંઈક નવું આકાર પામે છે ત્યાં તેને બદલીને નવો ફેરફાર કે મોડેલનો જન્મ થાય છે.તેમાં પણ ટેકનોલોજી તો જાણે બાળ મૃત્યુ પામવા જ નવી પ્રોડકટ કે મોડેલને જન્મ આપતી હોય તેમ લાગે છે.
આપણું જેવું વર્તમાન હોય તેવું ભવિષ્ય નિર્માણ પામતું હોય છે તે ધોરણે જોઈએ તો ૨૧મી સદીના પહેલા ૨૪ વર્ષમાં જે ઘટનાઓ આકાર પામી તે તરફ બીજા ૨૫ વર્ષ જશે તેમ અનુમાન બાંધી શકાય. કેટલીક ઘટનાઓ ધીમા તાપે ગરમ થતી હોય છે તો કેટલીક એકદમ ધડાકા સાથે તો કેટલીક ઘટનાના બીજ અડધી સદી કે સદીઓ પહેલા રોપાયેલા હોય અને તે ફૂટી નીકળે વર્તમાનમાં.
અમેરિકાના ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર બહુમાળી ઈમારત પર ૨૦૦૧માં બીન લાદેનના અલ કાયદાએ હુમલો કર્યો તેને આપણે તો ઓચિંતા આતંકવાદ તરીકે જોયો હતો પણ જેઓ ઇતિહાસ જાણે છે તેઓ કહેશે કે સોવિયેત યુનિયન સામે અમેરિકાએ જ અલ કાયદાને પાળ્યું પોશ્યું હતું પછી તે જ અલ કાયદાને લાગ્યું કે અમેરિકા અમારો કઠપૂતળીની જેમ ઉપયોગ કર્યો છે ત્યારથી જ વીસમી સદીના આખરી બે દાયકાથી આ બદલાની ભાવનાના બીજ રોપાયા હતા.તે પછી અમેરિકાએ મિડલ ઇસ્ટ દેશો સામે એક પ્રકારનું યુધ્ધ જ છેડયું હતું.તેવી જ રીતે વીસમી સદીમાં પર્યાવરણની અસમતુલા નિર્દયતાથી આપણે ખોરવી અને આજે આપણે તેના કલુષિત ફળ ભોગવી રહ્યા છીએ.
એકવીસમી સદીના ૨૪ વર્ષો સરમુખત્યારી શાસન સામે નાગરિકોએ ગૃહ યુધ્ધ કરીને હિંસક બળવો કર્યો તે ઘટના ભલે આપણે ૨૦૨૪ની તરીકે લઈએ પણ તે તો તેનું અંતિમ પરિણામ કે 'એન્ડ રિઝલ્ટ' છે.
વીસમી સદીના પ્રથમ ૨૪ વર્ષમાં પ્રથમ વિશ્વ યુદ્ધ થયું હતું. હિટલરનો ઉદય વીસમી સદીના પ્રથમ ૨૪ વર્ષમાં જ થયો હતો અને વીસમી સદીના બીજા ૨૫ વર્ષના ગાળામાં હિટલર બીજા વિશ્વ યુધ્ધનો જન્મદાતા બન્યો.ઇતિહાસ ફાઈલમાં કેદ કરી દેવાનો વિષય નથી બલ્કે રૂપિયાની જેમ ક્યારેય એક ક્ષણ પણ ન ઊંઘતો કાળ ક્રમ છે. કર્મની થિયરી સીધી અને સ્પષ્ટ રીતે સમજવી હોય તો આજે વિશ્વ જેવું બીજ રોપે છે તેવો કાલે વર્તમાન સર્જાશે.આપણને દેખાતી સાંકળ આખરે તો કડીઓ જોડીને જ બની છે. વિશ્વમાં એક પણ ઘટના આકસ્મિક નથી બની હોતી તે સતત આકાર પામતી પ્રક્રિયા છે.
'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ'માં લખાયું છે કે વીસમી સદીના પ્રથમ ૨૪ વર્ષમાં જે ઘટનાઓ બની હતી તેણે તે પછીના બીજા ૧૦૦ વર્ષની દુનિયાનું ભાવિ ઘડયું હતું. પ્રથમ વિશ્વ યુદ્ધ ઉપરાંત ૧૯૦૩માં રાઈટ બંધુઓએ માનવ જગતનું સૌપ્રથમ વિમાન ઉડ્ડયન શક્ય બનાવ્યું. 'કીટી હોક' વિમાનમાં તેઓએ પ્રાયોગિક ઉડાણ ભરી હતી.આજે તો બોઇંગની વાત છોડો સ્પેસ ટુરિઝમ સુધીની મંઝિલ આપણે પાર પાડી છે.પણ પાયામાં ૧૯૦૩ અને રાઈટ બંધુઓ છે તે ન ભૂલવું જોઈએ.તેવી જ રીતે ૧૯૧૭માં બોલશેવિક ક્રાંતિ અંતર્ગત સેન્ટ પિટ્સબર્ગના વિન્ટર પેલેસથી ક્રૂર શાસન કરતા ઝાર શાસન સામે નાગરિકોએ બળવો પોકાર્યો અને રશિયા સોવિયેત યુનિયનના યુગમાં પ્રવેશી મુખ્ય દેશ બન્યો.સોવિયેત યુનિયનનું નિર્માણ આમ વીસમી સદીના પ્રથમ ૨૪ વર્ષમાં જ થયું હતું.અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચેની રાજકીય દુશ્મનાવટથી સદી આગળ ધપી અને અમેરિકા તરફી કે સોવિયેત યુનિયન તરફી તેમ વિશ્વ બે ભાગમાં વહેંચાઇ ગયું. તેના બે વર્ષ પછી ૧૯૧૯માં હિટલરે જર્મનીનું સુકાન સંભાળ્યું અને આગળ જતાં બીજા વિશ્વ યુદ્ધ માટે તે નીમત્ત બન્યા.
વીસમી સદીના પ્રથમ ૨૪ વર્ષમાં પ્રથમ વિશ્વ યુદ્ધ થયું હતું અને આ એકવીસમી સદીમાં પ્રથમ ૨૪ વર્ષમાં ઇઝરાયેલ - પેલેસ્ટાઇન - લેબનોન - ઈરાનની ધરી વચ્ચે યુદ્ધ થયું છે.રશિયા અને યુક્રેન વચ્ચેનો જંગ તો ત્રીજા વર્ષમાં પ્રવેશ્યો છે. તે અગાઉ સદ્દામ હુસેનને ફાંસી સાથે શાસનનો અંત આ બધું ૨૧મી સદીના ૨૪ વર્ષમાં જ બનેલી ઘટના છે.૨૦મી સદીમાં ચીનનો પ્રભાવ નહિવત હતો હવે તે અમેરિકા પછી વિશ્વની બીજી આર્થિક મહાસત્તા બન્યું છે. ચીને એશિયાનું પાવર હાઉસ બનતા રશિયા અને નોર્થ કોરિયા જોડે હાથ મિલાવી અમેરિકા અને સાથી દેશો વચ્ચે ભયાનક ભાવિ નિર્માણ પામે તેવો મોરચો ખડો કરી દીધો છે. હવે બીજા ૨૫ વર્ષ અને તેના કરતાં પણ આગળ કહી શકીએ કે આ સદીનું રાજકીય,અર્થતંત્ર અને વિશ્વ શાંતિનું ભાવિ અમેરિકા વિરૂધ્ધ ચીન નક્કી કરશે.૨૦મી સદીના અંત સુધીમાં કોઈએ વિચાર્યું નહોતું કે યૂરોપના વળતા પાણી થશે અને ચીન અમેરિકા પછી ૨૦૧૦માં જ બીજી આર્થિક મહાસત્તા બનશે.
'સુનામી હોય કે કોરાના છે તો વૈશ્વિક પર્યાવરણ જોડેના ચેડાનું પરિણામ.વર્ષોથી પડતી હતી તેના કરતાં સખત ગરમી, જ્યાં અને જ્યારે પડતો જ ન હોય છતાં વરસતો મુશળધાર વરસાદ , પુર, વાવાઝોડું, પર્વતો ધસી પડવાની ઘટનાઓ પણ આપણી પ્રકૃતિ જોડેના ખીલવાડનું જ પરિણામ છે.વર્ષ ૨૦૨૪ સૌથી વધુ વૈશ્વિક સરેરાશ ઉષ્ણતામાન ધરાવતું 'હોટેસ્ટ'વર્ષ જાહેર થયું છે.
સામાજિક ક્ષેત્ર તરફ નજર ફેંકીએ તો ૨૦મી સદીમાં પ્રથમ ૨૪ વર્ષમાં તો શું આખરી ૨૫ વર્ષમાં પણ કોઈ વિચાર્યું હશે કે ભવિષ્યમાં સજાતીય લગ્નો થશે. જે દેશ તેને માન્યતા આપવાનો ઇન્કાર કરશે ત્યાં તે હક્ક માટે આંદોલનો થશે. છેલ્લા ૨૪ વર્ષમાં વિશ્વના ૩૫ દેશોએ સજાતીય લગ્નને માન્યતા આપી છે.
૨૦મી સદીના છેલ્લા બે દાયકા સુધી જેની કોઈએ આગાહી નહોતી કરી તેવા સોશિયલ મીડિયાના વિશ્વમાં આપણે રહીએ છીએ.૨૧મી આખી સદી સોશિયલ મીડિયા , એ.આઇ.ના ફેબ્રિક પર ટકેલી હશે. એ.આઇ. હવે ચેસના વર્લ્ડ ચેમ્પિયનને જ નહીં પણ ચેસ કરતા પણ જટિલ એવી બોર્ડ ગેમ
'ગો'ના વર્લ્ડ ચેમ્પિયન લી સાએડોલને પણ પરાજય આપી ચૂક્યું છે.
સોશિયલ મીડિયા જેવું કોઈ પ્રભાવક મીડિયા હશે તેની પણ કોઈને કલ્પના હતી? 'ફેસબુક'ની સ્થાપના જ આ સદીના પ્રથમ ચાર વર્ષમાં જ ,૨૦૦૪માં થઈ.આમ જુઓ તો વીસ વર્ષ બહુ વધુ ન કહી શકાય પણ ફેસબુકના જન્મ પછીના બે દાયકામાં જ માહિતી ,પ્રસારણ માધ્યમો અને જન માનસ અને ઓનલાઇન,ડિજિટલની ડાળીઓ ફૂટી.
૨૦૦૭માં 'એપલ' કંપનીએ આઇ ફોનનું પ્રથમ વર્ઝન બહાર પાડયું હતું અને ૨૦૨૪ સુધીમાં તો ૧૬ વર્ઝન પણ બહાર પડી ચૂક્યા છે. એ. ટી.એમ.,ક્રેડિટ કાર્ડ,ડેબિટ કાર્ડ,ઓનલાઇન પેમેન્ટ છેલ્લા ૨૪ વર્ષમાં જ વ્યવહાર જગતમાં પ્રવેશ્યા અને હવે તે પણ આઉટડેટેડ થતાં જાય છે. અને હા, બિટકોઇનનો પ્રાદુર્ભાવ થયો. બ્રિટન યુરો કલબ દેશોમાંથી બહાર નીકળ્યું. 'બ્રેક્ઝિટ'થી વિશ્વમાં નવા પરિમાણો સર્જાયા.પાઉન્ડની સામે યુરો કરન્સી એટલી જ મજબૂત છે.
વીસ જ વર્ષમાં કેબલ ટીવી ,ડીશ ટીવી અને હવે વાઈ ફાઈ યુગ આવ્યો સ્માર્ટ ટીવી, ઓ. ટી.ટી. પ્લેટફોર્મ આ બધું પણ છેલ્લા પાંચ વર્ષથી જ વેગ પકડી ચૂક્યું છે. આ ૨૪ વર્ષમાં વર્ચ્યુઅલ, મેટાવર્સ અને એ.આઇ.નું આગમન થયું અને તે વિશ્વના આ સદીના હવે પછીની માનવ દુનિયાની દશા કે દિશા નક્કી કરશે.શું એ.આઇ. માનવ જગતની સ્થિતિ કફોડી બનાવશે? ૨૧મી સદીના બીજા ૨૫ વર્ષમાં પરમાણુ યુદ્ધ થશે ? તેના પર વિશ્વના ભાવિનો આધાર રહેશે. હા, એકવીસમી સદીના ૨૪ વર્ષમાં જ આપણે એ.આઇ. દ્વારા હાહાકાર અને પરમાણુ યુદ્ધની શક્યતાઓ માટેના સંજોગોને તો નિર્માણ આપી જ ચૂક્યા છીએ.
૨૦૦૮માં બરાક ઓબામા અમેરિકાના ઇતિહાસના પ્રથમ અશ્વેત પ્રેસિડેન્ટ બન્યા તે માત્ર ઓબામાની અંગત સિધ્ધિ તરીકે ન જોતા ગોરાઓના એક બહોળા વર્ગનો અશ્વેતોનો સ્વીકાર છે. ભલે ફરી ટ્રમ્પ આવ્યા પણ ભવિષ્યમાં અશ્વેત કે મહિલા પ્રેસિડેન્ટ બની શકે તેનો પાયો આ અઢી દાયકામાં નંખાયો છે.
વિશ્વના મોટાભાગના દેશોએ ૨૦૧૫માં પર્યાવરણ અને હવામાનની સમતુલા જાળવવા માટે નક્કી કરેલા ઠરાવ કે જે 'પેરિસ કલાઈમેટ એગ્રીમેન્ટ' તરીકે ઓળખાય છે તેમાં સહી કરી.
સ્પેસ ટુરિઝમની ઉડાણ પણ ૨૦૨૧માં એટલે કે ૨૧મી સદીના પ્રથમ ૨૪ વર્ષમાં સંગીન બની છે.
વિશ્વ આખું એક વર્ષથી અઢી વર્ષના સમયગાળા માટે લોક ડાઉનમાં રહેશે અને લાખોના મૃત્યુ થશે તેની તો કલ્પના જ નહોતી.૧૧ સપ્ટેમ્બર,૨૦૦૧ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા પછી વિશ્વ સલામતી (સિક્યોરિટી)ના માપદંડોથી બદલાયું અને માણસ માણસ વચ્ચે શંકાની નજર આકાર પામી અને એક નવી વિશ્વ વ્યવસ્થાનો જન્મ થયો તેવી જ રીતે કોરોના કાળ પછી વિશ્વ બે સમયકાળમાં વહેંચાયું. 'કોરોના પહેલાનું જગત અને કોરોના પછીનું જગત.' 'નોર્મલની જગ્યાએ ન્યુ નોર્મલ' સમજ વ્યાપક બની.
..તો આ હતી ૨૧મી સદીના પહેલા ૨૪ વર્ષની ઝલક..ઓવર ટુ ગોલ્ડન જ્યુબિલિ ઓફ ધ વર્લ્ડ..