ભારતીય લશ્કરની સૌથી યુવા-વિધવા .
- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- જ્યારે મેં મારા પતિની શહાદતના સમાચાર સાંભળ્યા, ત્યારે મારી હાલત પાણીની બહાર ફેંકાયેલી માછલી જેવી હતી
શ હીદની પત્નીઓએ જીવનનો વીરચક્ર જાતે જ લેવાનો હોય છે.
આજે વાત કરીશ આવા જ એક ભારત માટે શહાદત વહોરેલા શહીદની પત્ની, જે ભારતીય લશ્કરની સૌથી નાની વયની શહીદ વિધવા છે.
સલીના ખાતુન આજથી અગિયાર વર્ષ પહેલા ૧૬ વર્ષની વયે વિધવા થઈ. અને આ અગિયાર વર્ષમાં તેની સંઘર્ષ કથા, સરહદ પરની સંઘર્ષ કથા કરતા કંઈ ઓછી નથી.
સલીનાના શબ્દોમાં જ જોઈએ તો : 'જ્યારે મેં મારા પતિની શહાદતના સમાચાર સાંભળ્યા ત્યારે, મારી દશા માછલીને પાણીની બહાર ફેંકી દેવામાં આવે અને તે શ્વાસ માટે તરફડે તેવી હતી. મને એમ લાગ્યું કે, મારા જીવનમાં સંપૂર્ણ વિરામ આવી ગયું. મારા જીવનમાં હવે કંઈ જ રહ્યું નથી. ફક્ત અંધકાર, અંધકાર અને અંધકાર જ છે.'
સલીના ખાતુન નીરાશા અને હતાશાની મારી સંપૂર્ણ ભાંગી પડી કારણ કે તેની ઉપર તે સમયે ફક્ત ૧૬ વર્ષની જ હતી. (મુસ્લીમ કોમમાં લગ્નની યોગ્ય ઉંમર ૧૬ વર્ષની હોય છે. આથી તે પ્રમાણે તેના નીકાહ થઈ ચૂક્યા હતા.) સલીનાને કઈ રીતે આગળ વધવું તે સમજ પડતી ન હતી. તેના દિવસો રડીને અને સંપૂર્ણ નીરાશ થઈને બેસી રહેવામાં જવા લાગ્યા. આ પરિસ્થિતિમાં માનસિક હતાશ પરિસ્થિતિ સાથે, સામાજિક અને કૌટુમ્બિક પરિસ્થિતિના પણ પડકારો હતા.
સલીનાના સાસરીયા સતત તેને મ્હેણા મારતા. સલીના ગૃહકાર્ય બધું જ કરતી, પણ જાણે તેના પતિના મૃત્યુ માટે તે જવાબદાર હોય તેમ સતત એક ડાયલોગ તેને આખા દિવસ દરમ્યાન કુટુંબીજનો તેમજ સગાવહાલા પાસેથી સાંભળવા મળતો. 'તેરી કિસ્મત હમારે બેટે કો ખા ગઈ. તુ કિતની બદનસીબ હૈ કી, કીસીકા નહીં હમારા બેટા હી ચલા ગયા.' આવા શબ્દો સાંભળી રડતા રડતા દિવસો કાઢ્યા. આમ આ પરિસ્થિતિમાં સલીનાના બે વર્ષ વીત્યા. આ બે વર્ષ દરમ્યાન સાથે શરૂ થયા આર્થિક પડકારો. સલીનાના પતિનું મૃત્યુ થયું ત્યારે તેણી ૧૬ વર્ષની જ હતી આથી તેનું પેનશન બે વર્ષ પછી જ શરૂ થાય. આ પહેલા પેનશનમાં અંડરએજ હોવાથી ભારતીય લશ્કરના નિયમ પ્રમાણે બે વર્ષ પછી જ તેને પેનશન મળે. જ્યારે પેનશન મળવાનો ઓર્ડર આવ્યો અને કાર્યવાહી શરૂ થઈ ત્યારે, સલીના પાસે પેનશનના દસ્તાવેજ માટે જરૂરી કોઈ પૂરાવા ન હતા. જેમકે આધાર કાર્ડ, કોઈ આઈ કાર્ડ કે વોટીંગ કાર્ડ. આ માટે તેણીએ સૈનિકની વિધવા પત્નીઓનું એસોસીયેશન 'વીર નારીસ'નો સંપર્ક કર્યો.
આ વીરનારીના એસોસીયેશને સલીનાને ઘણી મદદ કરી, અને પેનશનના દસ્તાવેજના પૂરાવા રૂપે, સલીનાના મેટ્રીક્યુલેશનની માર્કશીટ અને એડમીશનનો સહારો લઈ પેનશનના દસ્તાવેજો મંજૂર કરાવ્યા અને હવે સલીનાનું પેનશન ચાલુ થયું તેમજ આ એસોસીયેશનમાં જોડાવવાથી શહીદ સૈનિકની પત્નીઓ સાથે મળીને વાતચીત કરતાં, તેનામાં જીવનની આશા જાગી, ઉત્સાહ અને પ્રેરણાનો સંચાર થયો.
હવે તેના કુટુંબીજનોની નજર તેના પેનશન પર ત્રાટકી. આ અંગે વાદ-વિવાદ થવાથી સલીનાને સાસરીયાએ કાઢી મૂકી અને સલીના પિયરમાં આવી. અહીં માતા-પિતા અને ભાઈઓનો મજબૂત આધાર તેને મળ્યો.
સલીના તેના શબ્દોમાં જણાવે છે કે : એક અંધકારના ઓછાયામાંથી મને અજવાળાનું કીરણ દેખાયું. મેં મારી નીરાશા ખંખેરી, અંધકારને પાછળ મૂક્યો અને અજવાળા તરફ જીવનની નવી દિશા તરફ પ્રયાણ શરૂ કર્યું. નવી દિશા તો હતી, પરંતુ પગલા કઈ તરફ ભરવા તેની સમજણ સલીનાને પડતી ન હતી. તેના ભાઈઓ ભારતીય લશ્કરમાં જ ભરતી થયેલા હતા આથી બીજા શહીદોની વિધવાના જીવન વિષે જાણકારી ધરાવતા હતા. આથી તેમણે સલીનાનો એસએસસીથી આગળ ભણવાનું શરૂ કરવાનો વિચાર આપ્યો અને સલીનાએ એસએસસીથી આગળ કોલેજમાં ભણવાનું શરૂ કર્યું.
આ સાથે સલીનાને ભારતીય લશ્કરમાંથી, બીજા ગ્રેજ્યુએટી વગેરે તેના પતિના રૂપિયા પણ મળવાની વાત આવી, એટલે ઓર્ડસ આવ્યો. જેના પર તેના સાસુ-સસરાએ સ્ટે મૂક્યો અને તેણીને મારવાની ધમકી પણ આપી. તે લોકોએ એવો પણ પ્રયાસ કર્યો કે, સલીનાનો નીકાહ તેના શહીદ પતિ સાથે થયો નથી વગેરે વગેરે.
આને કારણે સલીના ખાતુનને પોતાની શૈક્ષણિક કારકીર્દીની આર્થિક જરૂરિયાતનો આધાર આવતા પેનશન પર રાખવો પડે છે. તેના માતા-પિતા ઘણા ઘરડા હોવાથી સલીનાનો ખર્ચો ભોગવી શકે તેમ નથી. આથી આટલા વર્ષોમાં સલીનાએ જ ભોગવ્યો.
સલીના આજે પોસ્ટ ગ્રેજ્યુએટનો શૈક્ષણિક કારકીર્દી માટે ભણી રહી છે, એનું સ્વપ્ન છે કે, તે ભણીગણીને નોકરી કરવા માગે છે અને પોતાના પગ પર ઊભા રહેવા માગે છે.
સલીના ખાતુન શહીદ સૈનિકોની પત્નીને ખાસ સંદેશો આપે છે કે : તમારા પતિ શહીદ થાય, તેમની શહાદતને સો સો સલામ, પરંતુ એ ઓથાર હેઠળ, તમે તમારી જાતને દબાવી ના દો. જીવનમાં અનેક પડકારોનો અંધકાર તો તમને જરૂર ઘેરી વળશે, પરંતુ તેને પાછળ મૂકી, અજવાળાની દિશા તરફ આગળ વધો અને 'તમારી જાતને શોધો.' તમારા અસ્તિત્વને નવેસરથી ઘડો, એ જ જીવનની સાચી દિશા છે અને તમારા પતિની શહાદત એ જ સાચું સમર્પણ છે.
સલીના ખાતુનને સો સલામ અને તેમના શહીદ પતિને પણ હૃદયપૂર્વક સ્નેહાંજલી.