જંગલ કી શેરની કંદોની
- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- દરેક મહિલામાં નારાયણે, નારાયણી શક્તિ મૂકેલી જ છે. કોઈપણ મહિલા ધારે તો તે નારાયણી શક્તિનો ઉપયોગ કરી પોતાના અસ્તિત્વને એમપાવરીંગ કરી શકે છે
જં ગલમાં વાઘણ પોતાના શિકારને જોઈને જબરજસ્ત ઝડપે દોડે છે. ઝારખંડના સરકા ખાટ ગામડા પાસેના ૨૫૦ એકર વિસ્તારમાં ફેલાયેલા ગીચ જંગલમાં, કંદોની સોરેન પણ વાઘણની ઝડપે જ દોડે છે. જેમાં ફેર એટલો છે કે વાઘણ શિકાર પાછળ દોડે છે, જ્યારે કંદોની જંગલમાં લાકડા કાપવા માટે આવતા માફીયાઓ પાછળ દોડે છે. એટલે જ ઝારખંડના લોકોએ તેને 'જંગલ કી શેરની'નું બિરુદ આપ્યું છે.
આ 'જંગલ કી શેરની' અને તેની ટીમ આ જંગલનું રક્ષણ કરે છે. જેમ મધ્ય પ્રદેશના ડુંગરાઓમાં ડાકુરાણી ગંગાની જેટલી બીક હતી, તેટલી જ માફીયાઓને આ 'જંગલ કી શેરની' કંદોની સોરેનની બીક છે.
સામાન્ય રીતે આપણી માન્યતા છે કે, શહેરની આધુનિક ભણેલી સ્ત્રીઓમાં જ નારાયણી શક્તિ હોય છે અને તે મહિલાઓ જ પોતાની નારાયણી શક્તિ લગાડી, એમપાવરીંગ કામ કરી શકે, પરંતુ ના, આદિવાસી, મહિલાઓ, ટ્રાયબલ વુમનમાં પણ એ નારાયણી શક્તિ રહેલી છે. કંદોની સોરેન આ નારાયણી શક્તિનું ઉદાહરણ છે.
કંદોની સોરેનની જંગલ પ્રત્યેની કહાની શરૂ થાય છે તેના બાળપણથી. કંદોનીને જંગલ પ્રત્યે ખૂબ પ્રેમ અને આકર્ષણ હતા. નાની કંદોની જંગલમાં પાસેના વૃક્ષો પાસે જતી, ત્યાં રમતી, ક્યારેક ઝાડ પર ચઢતી તો ક્યારેક ડાળીઓ સાથે મસ્તી કરતી. જાણે વૃક્ષો તેના બાલસખાઓ ના હોય!
મોટી થઈને સામાન્ય ભણતર મેળવી, કંદોની સોરેન હોમગાર્ડમાં જોડાઈ. તેનું પોસ્ટિંગ સરકાખાટ પાસેના ગામડાઓ અને જંગલની બોર્ડર પર થયું. કંદોની બરાબર પોતાની ફરજ બજાવતી. જંગલ તો તેનું પ્રિય સ્થાન હતું આથી તે બોર્ડર પરની ફરજ બજાવતા બજાવતા અંદર જંગલમાં જઈ આવતી. અહીં તેની જાણમાં આવ્યું કે રાત્રીના સમય દરમ્યાન અથવા દિવસના બપોરના ભાગમાં જ્યારે જંગલમાં કોઈની અવર જવર ના હોય અને નીરવ શાંતિ હોય ત્યારે કેટલાક લોકો વૃક્ષોને કાપી જાય છે અને લાકડા અને અન્ય જંગલની પેદાશો લઈ જાય છે, તે પણ ગેરકાયદેસર.
કંદોનીને આ કાર્યનો સખત આઘાત લાગ્યો કારણ કે, આ બધી વસ્તુઓ પર તો આદિવાસી જાતિનો નિર્વાહ ચાલતો હોય છે. જેમ કે લાકડા વીણી લાવીને આદિવાસી ગૃહીણીઓ ચૂલો પેટાવતી હોય છે અને રસોઈ કરતી હોય છે. ઉપરાંત જંગલમાં નીચે પડતા ફળો, ઊગતા શાકભાજી વગેરે ખોરાકમાં ઉપયોગ કરે છે. કોઈ ઝાડના થડમાંથી નીકળતા રસોનો રસાયણ ને ગુંદરની દવાઓ ને ઔષધિઓ બનાવવામાં ઉપયોગ કરે છે.
આ આદિવાસીઓના મકાનોના છાપરા પર વૃક્ષના સૂકા પાંદડાઓ પાથરવામાં આવે છે. જેથી તેઓ ટાઢ, તડકો ને વરસાદથી બચી શકે છે. આમ તેમનું સમગ્ર જીવન જંગલ પર નિર્ભર હોય છે.
જો આ માફિયાઓ વૃક્ષો કાપી નાખે તો જંગલની આખી ઇકોસીસ્ટમ નકામી થઈ જાય અને આ આદિવાસી કોમોને એટલે કંદોનીના સમાજવાળાને ઘણું ભોગવવું પડે, નુકશાન થાય, લગભગ તેમનું જીવન અટકી જાય અને જીવવું અઘરું પડી જાય તેથી તેણીએ નક્કી કર્યું કે, આ માફિયા પ્રવૃત્તિ હું બંધ કરાવીને જ રહીશ.
કંદોની સોરેને જંગલ ફોરેસ્ટ ઓફિસરને અને ત્યાંના સરકારી અધિકારીને ફરિયાદ કરી. પરંતુ તેઓએ આંખ આડા કાન કર્યા. આખરે તેણે જાતે જ આ માફિયાઓ સામે લડી અને જંગલ અને તેના વૃક્ષોનું રક્ષણ કરવાનું નક્કી કર્યું.
ફાજલ સમયમાં, કંદોનીએ એક ટીમ બનાવી. જેનું નામ રાખ્યું 'ગ્રીન લીફ' તેણે ગામની બધી સ્ત્રીઓને એક થઈ, જંગલમાં ચોકી કરી માફિયા પ્રવૃત્તિ અટકાવવાનો પ્રસ્તાવ મૂક્યો.
મોટાભાગની સ્ત્રીઓ પાછી પડી કારણકે આ કાર્ય કરવાની હિંમત તેમનામાં ન હતી. સાથે જૂનવાણી વિચારોનું કોમ્બિનેશન. ફક્ત પાંચ સ્ત્રીઓ તૈયાર થઈ અને કંદોનીએ 'ગ્રીનલીફ' મુમેન્ટ પાંચ સ્ત્રીઓથી ચાલુ કરી. આદિવાસી ભાષામાં જેનું ભાષાંતર 'હરિયાલી સકમ' થતું હતું.
આ રીતે આ પાંચ સ્ત્રીઓ અને કંદોની સોરેન પોતે જ્યારે ફરજ પર ના હોય ત્યારે જંગલમાં જતા અને ગેરકાયદેસર વૃક્ષો કાપવાવાળા પર નજર રાખવા માંડી. અમે આવી વ્યક્તિઓને જોતા અને તેમને ધક્કાઓ મારી બહાર કાઢી મૂકતા.
કંદોની સોરેન અને તેની 'ગ્રીન લીફ' ટુકડીનાં કાર્યની આસપાસના પાંચ ગામડાઓમાં પ્રસિદ્ધિ ફેલાઈ અને સ્ત્રીઓમાં કાર્ય અંગેની સમજ અને જાગૃતિ આવી. આથી બીજી મહિલાઓ પણ કંદોની સાથે જોડાઈ, આજે તેની ટીમમાં ૪૦ મહિલાઓ છે.
કંદોની સોરેન તેમના કામ અંગે જણાવે છે કે, 'અમે ચાર ટીમ પાડી છે. બે રાતે અને બે દિવસ દરમ્યાન જંગલનું રક્ષણ કરે. સવારની ટીમની સ્ત્રીઓ, વહેલી સવારે પોતાના ઘરનું કાર્ય પતાવી, હાથમાં લાકડીઓ, તેમના અસ્સલ હથિયાર તીરકામઠા
લઈ નીકળી પડે છે. તેમને ફાળવેલી જગ્યાએ જઈ, નજીકના કોઈ વૃક્ષ પર ચડી જાય છે અને એ વિસ્તારમાં નજર રાખે છે. જેવું કોઈ ગેરકાયદેસર વૃક્ષ કાપવા કે અન્ય કામગીરી કરવા આવે એટલે તીરકામઠા વડે તેમની આસપાસ તીર નાખી તેમને ચેતવે છે. પછી બધી મહિલાઓ નીચે ઊતરી, તેમને ઘેરી લે છે અને પહેલા સમજાવટથી નહિ તો પછી બળથી કામગીરી લે છે.'
કંદોની સોરેન તેને ફરજ પર ના જવાનું હોય ત્યારે આ કાર્યમાં જોડાય છે. તે તેમની ટીમના ખોરાકનું ખાસ ધ્યાન રાખે છે. ફળો, પાણી વગેરે મળી રહે તેની વ્યવસ્થા ખાસ રાખે છે.
આ કાર્યમાં ઘણી મુશ્કેલીઓ નડે છે. ધારે છે તેટલુ સહેલું નથી. જંગલના અંતરિયાળ ભાગમાં ઘણીવાર સંપૂર્ણ અંધારૂ હોય છે. વૃક્ષ નીચે કોઈવાર કોઈ વન્ય પ્રાણી પણ બેસે છે. ઉપરાંત ટાઢ, તડકો કે વરસાદમાં પણ આ પ્રકારની જંગલમાં ચોકી કરવી મુશ્કેલ થઈ પડે છે. પરંતુ કોઈ પણ સખત ને કઠણ પરિસ્થિતિમાં, આ સ્ત્રીઓ પોતાના કાર્યમાં પાછી પાની કરતી નથી.
હવે તે ઝારખંડના વિસ્તારમાં કંદોનીની ધાક ફેલાઈ છે. આથી લગભગ પહેલાના સમય કરતાં વૃક્ષો કાપવાની ને જમીન પડાવવાની માફિયાગીરી ઘણી ઘટી ગઈ છે. લગભગ ૬૦% થી ૭૦% આ કાર્ય ઓછું થઈ ગયું છે.
આમ કંદોની પોતાના સાથીઓ સાથે ૨૫૦ એકર વિસ્તારમાં આવેલા જંગલનું રક્ષણ કરે છે.