કેટ વૉકથી પરેડ તરફ .
- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- યુવતીઓએ લશ્કરમાં જોડાવવા માટે જરૂરી નથી કે તે રમતોમાં પારંગત હોવી જોઇએ. અને શારિરીક તાકાત જબરજસ્ત હોવી જોઇએ
ભા રત દેશમાં સામાન્ય રીતે, સૌંદર્ય સ્પર્ધા થાય. તેમાં જીત મેળવેલી સૌંદર્ય સામ્રાજ્ઞાીઓ મોટાભાગે બોલીવુડ અથવા મોડલીંની ગ્લેમરસ કારકીર્દી તરફ જ વળે છે. ભાગ્યે બે થી ત્રણ ટકા સૌંદર્ય સામ્રાજ્ઞાીઓ બીજી વ્યવસાયિક કારકિર્દી પસંદ કરે છે. જેમ કે મીસ વર્લ્ડ રીટા ફારીયા, મીસયુનીર્વસ કવિતા સીંહા હવે તેમાં નામ ઉમેરાયું છે. ગીરીમા યાદવનું જેની કારકિર્દીની સફર છે : બ્યુટી પેજન્ટના ક્રાઉનથી લશ્કરી કેપ અને વર્ધી સુધીની.
ગીરીમા યાદવ કારકિર્દી યાત્રા શરૂ થાય છે. 'મીસ ઇન્ડીયા' ચારમીંગ ફેસની બ્યુટી સ્પર્ધાથી અને પૂરી થાય છે, લેફ્ટન્ટ ગીરીમા યાદવથી.
હરિયાણામાં જન્મેલી ગીરીમાએ સીમલા આર્મી પબ્લીક સ્કુલમાં ધોરણ ૧૨ સુધી ભણી બારમા ધોરણમાં ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થયા બાદ દીલ્હીની પ્રખ્યાત કોલેજ સ્ટીફનસન કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને સ્નાતક થઇ.
ગીરીમાએ દીલ્હીની કોલેજમાં પોતાના સૌંદર્ય પ્રત્યે સભાનતા આવી અને તે સૌંદર્યની માવજત માટે થોડી સજાગ થઈ. મુખ તો અતિ સુંદર હતું. ગોરોવાન, પાણીદાર આંખો, નકશીલા હોઠ અને સુંદર નાક કુદરતે આપેલા સૌંદર્ય માટે સજાગ ગીરીમા સ્ટેજ પરની સ્ટાઇલને વર્તન વિષે શીખી.
૨૦૧૭માં મીસ ઇન્ડીયા ચારમીંગ ફેસ સૌંદર્ય સ્પર્ધા (બ્યુટી પેજન્ટ) યોજાઈ. આ સ્પર્ધામાં ગીરીમા યાદવે ભાગ લીધો આ મીસ ઇન્ડીયા ચારમીંગ ફેસમાં તે મીસ ચારમીંગ ફેસ ઓફ ઇન્ડીયા બની.
ગીરીમા યાદવ માટે સૌંદર્યના ગ્લેમરસ વર્લ્ડના અને બોલીવુડના દરવાજા ખુલી ગયા. ઇટાલીના પેરીસ શહેરમાં મીસ ચારમીંગ ફેસ વર્લ્ડની વિશ્વ કક્ષાએ સૌંદર્ય સ્પર્ધા હતી. જેમાં ગીરીમાને ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું આમંત્રણ મળ્યું. આ ઉપરાંત મોડલીગની જુદી જુદી ઓફરો આવવા માંડી. વીડીયો આલ્બમ્સ માટે પણ પ્રોડયુસરોએ સંપર્ક કરવા માંડયો. ગીરીમા ધારત તો ગ્લેમર વર્લ્ડમાં જઈ શકત પરંતુ ગીરીમા યાદવનો આ ગ્લેમર વર્લ્ડની પસંદગી બીજા સ્થાને હતી. જે આ સૌંદર્ય સ્પર્ધા જીતીને પૂરી થઈ. તેનો મુખ્ય ધ્યેય તો દેશ સેવા હતો. ભારતીય લશ્કર માટેની પરીક્ષા આપી અને લશ્કર સાથે જોડાવવું હતું અથવા આઈએસ ઓફીસર બની ભારતની સેવા કરવી હતી.
પ્રથમ ગીરીમાએ આઈએએસ માટેની યુપીએસસીની પરીક્ષા આપી. પરંતુ તેમાં તેના માર્ક્સ ઓછા પડયા. હવે તેણે પોતાના અંતરમાં રહેલા મુખ્ય ધ્યેય પર ફોક્સ કર્યું.
ગીરીમાએ એક બ્યુટી પેજન્ટ કંપનીમાં પાર્ટટાઈમ નોકરી લીધી અને ભારતીય લશ્કરને લગતી કમ્બાઈન ડીફેન્સ સરવીસ (CDS) પરીક્ષાની તૈયારી કરવા માંડી.
આપણામાં કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય. ગીરીમાના અને સખત મહેનતની હરણફાળ ભરી અને વુમન ઓફીસર માટેની આ પરીક્ષામાં આખા ભારતમાં બીજા નંબરે પાસ થઇ એટલું જ નહિ ઇન્ટરવ્યુમાં પણ એક જ વારમાં તે પાસ થઇ ગઇ અને ચેન્નાઇની ઓફિર્સસ ટ્રેનીંગ અકાડમી, COTA માં લેફ્ટનન્ટની ટ્રેનીંગ માટે પસંદગી પામી. ગ્લેમરસ વર્લ્ડમાંથી કેવો દેશસેવાનો વળાંક મક્કમ ધ્યેય અને દેશદાઝ સાથે.
આ અંગે એક ઇન્ટરવ્યુમાં, ગીરીમા કહે છે કે આ જમાનો જેમ મલ્ટી મીડીયાનો છે તેમ મલ્ટી પ્રોફેસનનો પણ છે. એક જ વ્યક્તિ મલ્ટી ટાસ્કીંગ પોતાની આવડત અને ટાઈમમેનેજમેન્ટ તેમજ મહેનત વડે એક સાથે કરી શકે છે અને મેં મારા જીવનમાં આ મલ્ટી ટાસ્કીંગ કામો કર્યા.
મને ગ્લેમર વર્લ્ડનો મોહ ન હતો. મારી પસંદગી હતી પરંતુ મારી પેસન દેશસેવા હતી. હું નાનપણથી આર્મી સ્કુલમાં ભણેલી જ્યાં ભારતીય લશ્કર વિષે ઘણી વાતો થતી અને લશ્કરના ઓફિસરો વગેરેના બાળકો ભણતા આથી ગણી જાણકારી મને શાળામાંથી મળી. ઉપરાંત મારા કુટુંબમાં પણ ઘણી વ્યક્તિઓ લશ્કરમાં હતાં. આથી અમારા ઘરમાં પણ દેશસેવાનું વાતાવરણ હતું. આથી નાનપણથી ભારતીય લશ્કર સાથે કોઈપણ રીતે જોડાવવું તે મારો મુખ્ય ધ્યેય હતો અને તે મેં પાર પાડયો.
ચેન્નાઇ ઓટીએ સંસ્થાની લેફ્ટનન્ટની ટ્રેનીંગમાં ૧૩૭ કેડેટ હતા. શરૂઆતમાં ગીરીમાને ઘણી મુશ્કેલી પડી કારણ કે સૌંદર્ય સ્પર્ધા માટે તેણે અમુક ખોરાક ખાઈ ફીગર જાળવ્યું હોય. જ્યારે લશ્કરની ટ્રેનીંગની પ્રવૃત્તિઓમાં તાકાત અને જોરની વધારે જરૂર પડે. આથી શરૂઆતમાં શારીરિક રીતે ગીરીમા થોડી નબળી પડવા લાગી. પરંતુ તે હિમ્મત ના હારી. તેણે ખોરાકનું સમતોલન કરી તાકાત મેળવી લીધી અને બધી જ પ્રવૃત્તિઓમાં જોરસોરથી અને તાકાતથી ભાગ લેવા માંડયો.
બીજી મુશ્કેલી ગીરીમાને હવામાનની પડી. તે ચેન્નાઇની મીશ્ર આબોહવા સાથે અનુકુળ ના થઇ શકી. પરંતુ આ મુશ્કેલી પણ તેણે પાર કરી. અને ૧૧ મહિનાની ટ્રેનીંગ પસાર કરી, ભારતીય લશ્કરમાં ઓફિસર તરીકેની પદવી મેળવી.
સૌંદર્ય સામ્રાજ્ઞાીમાંથી ગીરીમા યાદવ લેફ્ટનન્ટ જનરલ ગીરીમા યાદવ બની.
ગીરીમા પોતાની યાત્રાનો શ્રેય પોતાની માતાને આપતા કહે છે કે હું સીગલ મધરની દીકરી છું. મારા જીવની બન્ને ઉપલબ્ધિનો શ્રેય મારી માતાને જાય છે. તે મારી પ્રેરણા સ્ત્રોત છે. મારા જીવનનની મુશ્કેલીઓનો ઊંચ નીચમાં હંમેશા મારી પડખે ઊભી રહી છે. આથી હું જીવનમાં કંઇક બની તે ગર્વ લઇ શકે તેવું કામ કરવા માગું છું. માટે મેં દેશ સેવાનો માર્ગ પસંદ કર્યો છે.
મહિલાઓ ને યુવતીઓને સંદેશો આપતા લેફ્ટનન્ટ ગીરીમા યાદવ કહે છે કે ભારતીય યુવતીઓએ લશ્કરમાં જોડાવવા માટે જરૂરી નથી કે તે રમતોમાં પારંગત હોવી જોઇએ. અને શારિરીક તાકાત જબરજસ્ત હોવી જોઇએ. તમારા ધ્યેયની તાકાત વડે તમે પસંદગી પામી, ટ્રેનીંગ શરૂ કરો પછી તમે તમારી નબળાઈઓ પ્રત્યે સભાન બનો અને રોજ બરોજ તે સુધારવા પ્રયત્ન કરો તો જરૂરથી તમે તેને પહોંચી વળશો.