Get The App

પેઇન્ટીંગ વીથ મેંદી બાય હીના! .

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
પેઇન્ટીંગ વીથ મેંદી બાય હીના!                                  . 1 - image


- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- જબલપુરની દીક્ષા ગુપ્તાએ મેંદીનો ઉપયોગ કરીને બાલાજી ભગવાનનું 9 ફૂટ લાંબુ અને 5 1/2 ફૂટ પહોળું ચિત્ર બનાવ્યું છે. બાલાજીનું મેંદીના રંગથી બનેલું આ ચિત્ર વિશ્વમાં પ્રથમ છે 

સા માન્ય રીતે લગભગ દરેક યુવતી કે મહિલાઓને જીવનરસોમાં, શૃંગાર રસમાં સૌથી વધારે આકર્ષણ હોય છે. તેમાં પણ 'મેંદી' એ તેમનો પ્રિય શણગાર છે. લગ્ન પ્રસંગે દુલ્હનને હાથે ને પગે મેંદી મૂકવી એ શુકનની નિશાની ગણાય છે. બાકી વારતહેવાર સ્ત્રીઓ હાથ અને પગ પર મેંદી મુકાવે છે. આજની ફેશન પરસ્ત સ્ત્રીઓ વાળના પેકમાં મેંદીનો ઉપયોગ કરે છે.

પરંતુ આજે આ લેખના વિષયનું ફોક્સ એવી એક યુવતી વિષે કે જેણે મેંદીનો ઉપયોગ ચિત્રકારી માટે કર્યો છે.

જબલપુરની દીક્ષા ગુપ્તાએ મેંદીનો ઉપયોગ કરીને બાલાજી ભગવાનનું ૯ ફૂટ લાંબુ અને ૫ ૧/૨ ફૂટ પહોળું ચિત્ર બનાવ્યું છે. બાલાજીનું મેંદીના રંગથી બનેલું આ ચિત્ર વિશ્વમાં પ્રથમ છે અને ગીનીઝબુક ઓફ વર્લ્ડમાં રેકોર્ડ તોડવા એટલે પ્રથમ આ પ્રકારનું મેંદીથી ચિત્ર દોરવા માટે સ્થાન પામ્યું છે.

આ અંગે દીક્ષા ગુપ્તાનું કહેવું છે કે 'આ તેની નાનપણથી ઇનબોર્ન કલા છે, ભગવાને આપેલી ભેટ છે. દીક્ષાએ મેંદીની ડીઝાઈનો અને ચિત્રકારો માટે કોઈ ટ્રેનીંગ લીધી નથી.'

એ માને છે કે, દરેક સ્ત્રીમાં, લગભગ ૩૨ કલામાંની ઓછામાં ઓછી એકથી બે કલા તો હોય છે જ. એ ઇશ્વરે આપેલી દેન હોય છે. પરંતુ એ માટે સ્ત્રીએ પોતે મહેનત કરવી પડે છે. પોતાના અસ્તિત્વના ઊંડાણમાં ઊતરવું પડે છે, તેને શોધવી પડે છે અને ફોક્સ કરી પેશન બતાવી, સમર્પીત થવાથી કોઈપણ સ્ત્રી પોતાની કલાને નીખારી શકે છે.

દીક્ષાની મેંદી યાત્રાની શરૂઆત નાનપણથી ૮ વર્ષથી થઈ. તે નાની હતી ત્યારથી તેને મેંદી મુકાવવાનો અને મૂકવાનો શોખ હતો. ફૂલોથી તેણીએ શરૂઆત કરી. તે પોતાના હાથ પર, કુટુંબીજનોનાં હાથ પગ પર મેંદી મૂક્તી. ધીમે ધીમે તે પોતાના સર્જનાત્મક માનસ દ્વારા જુદી જુદી ડીઝાઈનો બનાવતી ગઈ. તેની મેંદીની ડીઝાઈનો ખૂબ વખણાતી. એ કહે છે કે જો મેં મેંદી મુકવાની ચાલુ રાખી હોત તો આજે હું બહુ મોટા મેંદીની કલાકાર, રાષ્ટ્રીય કક્ષાએ કદાચ વિશ્વકક્ષાએ બની શકી હોત.

પરંતુ દીક્ષાની મેંદી કલામાં થોડો વચ્ચે બ્રેક આવ્યો. દીક્ષા ગુપ્તા ભણવામાં પણ ખૂબ હોંશીયાર હતી આથી દીક્ષાએ, અગિયારમાં ધોરણ પછી ભણવામાં ફોક્સ કર્યું. બારમા ધોરણમાં શાળામાં તેણી ટોપર બની. પછી કોલેજમાં મેનેજમેન્ટ સાથે ટોપર રહી.

સ્નાતક થયા પછી મેનેજમેન્ટ વિષયમાં, તેનાા માર્ક ખૂબ સારા હતા તે ધારે તો તેણીને સારી નોકરી મળી શકત પરંતુ દીક્ષાને પોતાની મેંદી કલામાં આગળ વધવું હતું આથી તેણીએ તેના પર ફોક્સ કર્યું.

શરૂઆતમાં હાથ-પગ પર ગજબની ડીઝાઈનો મુકતી પરંતુ તેના સ્નાતક થયાના તરત જ થોડા સમયમાં ૨૦૨૦માં લોકડાઉન આવ્યું. કોવીડને લીધે ઘરમાં રહેવાનું આવ્યું અને દીક્ષાએ લોકડાઉનના સમયનો સદઉપયોગ કરવાનું નક્કી કર્યું.

દીક્ષા ધાર્મિક હતી. અને એના કહેવા પ્રમાણે તેને અંદરથી બાલાજીનું ચિત્ર કરે તેવો વિચાર આવ્યો ને જાણે ભગવાન તરફથી સંકેત મળ્યો.

દીક્ષાએ ટ્રાયલ બેઝ પર આઈવરી શીટ પર 'રામદરબાર'નું મેંદીથી ચિત્ર બનાવ્યું. જે સફળ થયું, આથી તેણીએ બાલાજીનું ૯ ફૂટ પહોળુ અને ૫ ૧/૨ ફૂટ લાંબુ ચિત્ર બનાવવાનું નક્કી કર્યું.

દીક્ષા ગુપ્તાએ જૂન-૨૦મીએ બાલાજીનું ચિત્ર બનાવવાનું ૨૦મી જૂને શરૂ કર્યું અને સપ્ટેમ્બરમાં પૂરું કર્યું. સૌ પ્રથમ દીક્ષાએ સફેદ રંગની ૧૨ આઈવરી શીટ ભેગી કરી અને એકબીજા સાથે ફેવીકોલથી ચોંટાડી અને સૂકવવા દીધી પછી બાલાજીનું ચિત્ર શરૂ કર્યું. તે રોજના ૫-૬ કલાક કામ કરતી. ચિત્ર કામ ખૂબ બારીકાઈ અને ધ્યાન કેન્દ્રિત થાય તે માગી લેતું હતું. અને સળંગ રોજના ૬ કલાક કામ કરવાનું એટલે વચ્ચે વચ્ચે તે ધાર્મિક ભજનો વગાડતી રહેતી. આથી તે ધ્યાન કેન્દ્રીત કરી જાળવી શકે. આ માટે તેણીએ ૨૦ કીલો મેંદી વાપરી મેંદી ઓછી વધતી પલાળી, દીક્ષાએ મેંદીથી આવતા લાલ કરતા નીચેથી ઉપરના શેડ કર્યા. આ થઇ ગયા પછી, પ્રથમ ઇન્ડીયા બુકમાં નામ નોંધાવ્યું. તેમાં તેણીને સ્થાન મળ્યું પછી લીમ્કા બુકમાં સ્થાન મળ્યું. આ પ્રોત્સાહનો મળવાથી ગીનીઝ બુક ઓફ રેકોર્ડમાં મેંદીનો ઉપયોગ કરી બાલાજીના ૯ ફૂટ લાંબુ અને સાડા પાંચ ફૂટ પહોળુ ચિત્ર બનાવનાર યુવતી તરીકે નામ નોંધાયું અને બાલાજીનું હીનાથી દોરાયેલું પ્રથમ 

ચિત્ર હોવાથી તેનો ગીનીઝ બુકમાં સમાવેશ થયો.

દીક્ષા ગુપ્તા મધ્ય પ્રદેશના મધ્યમ વર્ગના સંયુક્ત પરિવારમાં રહે છે. ૨૦ સભ્યોનું કુટુંબ છે. કામનું ભારણ પણ રહેતું, છતાં કુટુંબનો સહકાર, સપોર્ટ અને પ્રેરણા સારા રહ્યા. તેની માતાની પ્રેરણા ઘણી રહી. દીક્ષાનું કહેવું છે માતા ઘણા સૂચનો કરતી જે તેને ઘણા કામ લાગ્યા.

બાલાજી ઉપરાંત દીક્ષા ગુપ્તાએ ઘણા મેંદીનો ઉપયોગ કરીને ચિત્રો બનાવ્યા છે. જેવા કે, રામદરબાર, દુર્ગામાતાનું શિવ-પાર્વતી, રાધા-કૃષ્ણ, બુદ્ધ ઉપરાંત, ધાર્મિક પ્રસંગો જેવા કે રામ, લક્ષ્મણ અને સીતા વનમાં કેવટની બોટ દ્વારા નદી કેવી રીતે પાર કરે છે તે ચિત્ર વગેરે મેંદીના રંગોથી બનાવી, નવો ચીલો પાડયો છે.

દીક્ષા ગુપ્તા એ ઉચ્ચશિક્ષણ લીધું, અને તેમની ઉચ્ચકારકીર્દી હોવા છતાં તેણીએ નક્કી કર્યું હતું કે, તે નોકરી નહીં કરે, પોતાની કલા વિકસાવશે. હવે તે, આર્ટ સ્ટુડીયો ખોલવા માગે છે જેમાં, તે આ નવી મેંદી કલા, આવનાર પેઢીને શીખવી શકે.

ઉપરાંત મધ્યમવર્ગીય પરિવારના ચિત્રકારોની નવી પેઢીને, સગવડો આપી શકે. તેણીએ જે અગવડો ભોગવી છે તે બીજા નવી પેઢીના ચિત્રકારો ના ભોગવે.

અને સૌથી વધારે મુખ્ય ધ્યેય એ છે કે, આ હીના- પેઇન્ટીંગ-ચિત્રકારીની કલા લોકભોગ્ય બને. આ રીતે દીક્ષા મેંદી ચિત્ર કલાને વિકસાવવા માગે છે.

દીક્ષા ગુપ્તા નવી પેઢીના કલાકારોને સંદેશ આપે છે કે, 'સામાન્ય રીતે યુવા કલાકારો અને સમાજ એવું માને છે કે, નાના શહેરોમાં કલાકારોને પ્લેટફોર્મ નથી મળતું. એટલે આ નાના શહેરોના કલાકારો પાછળ રહે છે અને તેમને મોટા શહેરોમાં જવુ પડે છે. પણ કલાને કોઈ પ્લેટફોમ કે નાના-મોટા શહેરની સીમાઓ નડતી નથી હોતી. અંદરની પેશન, કલા પ્રત્યેનું સમર્પણ જ કલાકારોને ઉંચાઈ સુધી પહોંચાડે છે.'

દીક્ષા આ અંગે પોતાનો દાખલો આપે છે. દીક્ષાની માતાએ એક ઇન્ટરવ્યુમાં આ જ કહ્યું કે, દીક્ષા સામાન્ય કુટુંબની દીકરી છે પરંતુ તે તેની ચિત્રકારીની આગવી સૂઝ તેનો કલા પ્રત્યેનો પ્રેમ અને સમર્પણ જબલપુરને વિશ્વકક્ષાએ પહોંચાડશે એવી કલ્પના પણ ન હતી. પરંતુ દીક્ષાએ એ કરી બતાવ્યું.

સાચું કહેવાયું છે, 'કલાને કોઈ સીમાડા નથી હોતા, વ્યક્તિની પોતાની કલા પ્રત્યેની કલાકારી જ તેને સફળ કલાકાર બનાવે છે.'


Google NewsGoogle News