કાગળ વીણવાથી જીનીવાના પોડીયમ સુધી : સુમન મોરે
- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- થરમેક્સના મેનેજીંગ ડીરેકટર અનુ અગ્રવાલની શાળામાં એક કાગળ વીણનાર સ્ત્રી મુખ્ય અતિથિ
૨૦ ૨૪ના જૂન મહિનામાં સ્વીઝરલેન્ડના જીનીવા શહેરમાં ૧૦૪મી ઇન્ટરનેશનલ, લેબર કોનફરન્સ ચાલી રહી છે. બે વક્તાના વક્તવ્ય પછી, એક સાદી સાડી, કપાળ પર મોટો ચાંલ્લાવાળી ભારતીય સ્ત્રી, ઇન્ટરનેશનલ પોડીયમ પર પહોંચે છે અને પોતાનું વક્તવ્ય શરૂ કરે તે પહેલા દેશ-વિદેશમાંથી આવેલા ૨૦૦૦ પ્રતિનિધિઓની તાળીથી ઓડીટોરીયમ ગુંજી ઉઠે છે. આ સ્ત્રી ભણેલી નથી પણ તેની શરૂઆત કરે છે. હું તેર વર્ષની હતી ત્યારથી રસ્તા પર કાગળ તેમજ અન્ય ચીજ વીણવાનું કામ કરું છું. આ શબ્દોનું ભાષાંતર અંગ્રેજીમાં થાય છે અને ફરી તાળીઓથી હોલ ગુંજી ઉઠે છે.
આ, રસ્તા પર કાગળ વીણવા અને અન્ય ચીંથરા વગેરે વીણવાના રસ્તેથી ઇન્ટરનેશનલ પોડીયમ સુધી પહોંચનાર સ્ત્રી, એટલે પૂનાની સુમન મોરે. રેગપીકરસથી લેબર કોનફરન્સ સુધીની તેની જીવનયાત્રા એક અદભૂત પ્રેરણાની મીસાલ છે.
સ્ત્રી ધારે તો પોતાની નારાયણી શક્તિ કામે લગાડી શું નથી કરી શક્તી? અશક્ય ને પણ તે શક્ય બનાવે છે. સુમન મોરેના માતા-પિતા ધંધાર્થે પૂના આવ્યા. અશિક્ષિત અને નીચલી વરણની વ્યક્તિઓને કોઈ વ્યવસાય ન મળવાથી તેમણે કાગળ, ચીંથરા વગેરે રેગ્સ વીણવાનો ધંધો શરૂ કર્યો. નાની ૧૩ વર્ષની સુમન પણ તેમની સાથે તે ધંધામાં જોડાઈ ૧૧ વર્ષ સુધી સતત કામ કર્યા પછી ૨૨ વર્ષે તેના લગ્ન થયા. પતિ પણ આજ વ્યવસાયમાં હતો તેથી રેગ્સ કાગળ, ચીંથરા વગેરે વીણવાના ધંધામાં મદદે લાગી ગઈ. ચાર બાળકો થતાં, છના કુટુંબ માટે આ કાગળ વીણવાની પ્રવૃત્તિથી મળતા દિવસના ૩૦-૪૦ રૂની આવક ઓછી પડવા માંડી. બાળકો માટે શિક્ષણ તો કલ્પનાની બહારની વસ્તુ હતી.
આ નીમ્ન કક્ષા ગ્રાસ રૂટ લેવલમાંથી બહાર કેવી રીતે નીકળવું તે સુમન સતત વિચારતી. પોતાના ઉપરાંત પોતાની સાથે કાગળ વીણતી સ્ત્રીઓની દશા જોઇને પણ તે અત્યંત વિચારમાં પડી જતી.
સુમન મોરે, પોતાની અને અન્ય રેગ્સ પીડરર્સ સ્ત્રી મહિલાઓની વાત કરતાં કહે છે કે, 'અમારેમ માટે શારિરીક તેમજ સામાજિક અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. સવારે વહેલા રસ્તાઓ ખાલી હોય ત્યારે, કાગળ વગેરે વીણવા નીકળવું પડે, એટલે શિયાળાની સવારે કે અંધારૂ હોય ત્યારે કૂતરા પાછળ પડે. ઘણી બહેનોને કૂતરા કરડી ચૂક્યા છે. જેના ઇન્જેકશન વગેરે લેવા પડે. બીજું ખાસ કરીને અમે જ્યારે રસ્તા પર વીણતા હોઈએ ત્યારે ઘણીવાર ચાલનારા અમને ચોર સમજે એટલે ઘણીવાર અમારે પોલીસ સ્ટેશને પણ જવું પડયું છે. ઉપરાંત આપણા સમાજમાં જ્ઞાાતિવાડા હોવાને લીધે અમારી ન્યાત નીચી ગણી ઘણીવાર અમે અન્ય લોકો દ્વારા હડધૂત પણ થયા છીએ. ઉપરાંત ૯ કલાકથી વધારે કામ કરવા છતાં દૈનિક આજીવિકા ખૂબ ઓછી થતી, આથી હું કંઇક આમાંથી રસ્તો શોધવાના પ્રયાસમાં હતી.
શીદ્દતથી ચાલનારને હંમેશા રસ્તો મળી જ રહે છે.
સુમન અને તેમની વસ્તીમાં ણણઁણઁ નામની સંસ્થાના સામાજિક કાર્યકરોને એક્ટીવીસ્ટની અને તેમણે બધો જ કચરો, રેગ્સ વીણનારી બહેનોને આ સંસ્થામાં જોડાવવાનું સૂચન કર્યું. લગભગ બધી બહેનોએ વિરોધ કર્યો, પરંતુ સુમને પોતાની કોઠાસૂઝ કામે લગાડી અને આ સંસ્થામાં જોડાઈ.
સુમનને સૌથી મોટો ફાયદો એ થયો કે, તેના કામના કલાકો નક્કી થાય. વહેલી શિયાળાની કે ચોમાસાની અંધારી સવારોએ નીકળવાનું વગેરે બંધ થયું. અત્યાર સુધી સુમન રસ્તા પરથી જ લોખંડ, પ્લાસ્ટીક વગેરે કચરો વીણતી અથવા જનરલ ડસ્ટબીનમાંથી વીણતી, કોઈ સોસયટી કે ફ્લેટોની અંદર કેમ્પસમાં અથવા તેમની ડસ્ટબીનો જોવાની પરવાનગી નહતી. આ સંસ્થાને કારણે પ્રાઈવેટ સોસાયટીઓ, બંગલાઓ, ફ્લેટો વગેરેમાં જવાની પરવાનગી મળી. સુમનનો સ્વભાવ ખૂબ સાલસ ને પ્રેમાળ હોવાથી કેટલાક ઘરોમાં બોલચાલનો સંબંધ શરૂ થયો અને તેને ક્યારેક ક્યારેક ચ્હા નાસ્તો પણ મળવા લાગ્યો.
કામ વધવાથી સુમનને કાગળ, લોખંડ, પ્લાસ્ટીક અને અન્ય રેગ્સની વધુ વસ્તુઓ મળવા લાગી. જે ઘેર આવી બાળકોની મદદથી તે છૂટી પાડતી. જેની કમાણી પણ વધારે થવા લાગી.
આના પરથી સુમનને વિચાર આવ્યો કે પૂનાની મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે વાતચીત કરીએ તો જરૂર વધારે સારી ફલશ્રુતિ મળે. કામ પણ વધારે મળે તેણે બીજી બહેનોને પણ આ વિચારમાં સામેલ કરી. વસ્તીની અન્ય કચરો વીણનાર મહિલાઓએ આ સંસ્થાના લાભાલાભ જોયા આથી તેઓ પૂના મ્યુનિસિપલ કોર્પોરેશનને મળવા તૈયાર થઈ.
સુમનના નેતૃત્વમાં બધી કચરો વીણનાર બહેનો, પુના મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને મળી તેમણે પોતાની માગણી રજૂ કરી છે. મ્યુનિસીપલ ટ્રકોમાં જે કચરો તેને બદલ તે બહેનોને તે લેવાની પરવાનગી આપવામાં આવે. તેઓ બીજા ખાનગી વેસ્ટ મેનેજમેન્ટવાળી કંપનીઓને પણ મળ્યા. પી.એમ.સી. તેમની માગણીઓને મંજૂર કરી અને બધી બહેનોએ વિસ્તારો વહેંચી લીધાને કામગીરી શરૂ થઈ. તેમના કામને જોઇને, પુને મ્યુનિસિપલ કોર્પોરેશને આ રેગ્સ કામદાર બહેનોને આઈકાર્ડ આવ્યા, ઉપરાંત યુનિફોર્મપણ આપ્યા. આથી આ બહેનોનું કામ ખૂબ સરળ થઇ ગયું.
તેમના કલાકો પણ નક્કી થયા. તેમને બપોરનાં ચોક્કસ સમયે ખાવાનો ચોક્કસ ટાઈમ મળવા લાગ્યો. આમ આ બહેનો પાસે આઈકાર્ડ અને યુનિફોર્મ આવવાથી લોકો તેમને ઘેર બોલાવી રેગ્સ વગેરે આપવા લાગ્યા. બહેનોને લોકો દ્વારા જે અપમાન થતું હતું તેને બદલે તેમનું માન અને ગૌરવ જળવાવા લાગ્યા. આ પગલું બહેનો માટે ખૂબ આવકાર્ય બન્યું અને તેને લીધે તેમની કામની ઝડપ અને ઉત્સાહ પણ વધ્યો. પૂના મ્યુનિસિપલ કોર્પોરેશન એન કેકેપીકે સંસ્થાએ અને પીએમસીએ આ બહેનોના બાળકોને ભણવા માટે સ્કોલરશીપ આપવા માંડી.
સુમને પોતાના ચારે બાળકોને શાળામાં ભણવા મૂક્યા. આ અંગે સુમન કહે છે કે : 'હું ભણી નથી. પણ આજના આધુનિક સમયમાં ભણતર ખૂબ અગત્યનું છે. આથી ટૂંકી આવકમાં અમે એકવાર જમીને પણ બાળકોને શાળામાં મોકલ્યા છે. આજે મારો એક છોકરો જર્નાલીઝમમાં ડબલ ગ્રેજ્યુએટ છે. બીજો દીકરો સી.એ. થયો છે, જ્યારે નાનો દીકરો બીકોમ કરે છે. દીકરી ભણી અને પરણીને સાસરે છે. અન્ય બહેનોના બાળકો પણ ભણે છે. દીકરાની વહુ કોલેજમાં ભણાવે છે.'
આ ઉપરાંત સરકારે ખાસ વેસ્ટ અને રેગ્સ, કચરા વગેરે માટે શેડ વાળી જુદી જગ્યા આપી છે આથી બહેનો ત્યાં જઈ બધી વસ્તુઓ જુદી પાડે છે, જેમાં તેમની આવક પણ ઘણી વધી છે.
આમ આજે સુમન મોરેને આ કાગળ વીણવાના વ્યવસાયમાં ૩૭ વર્ષ થયા. તેમના પ્રયત્નો અને આગવી સૂઝને કારણે વસ્તીની બધી જ બહેનો વિકાસ કરી શકે છે. તેમના આ કાર્યને ધ્યાનમાં લઇ એક પ્રકારના સન્માનરૂપે તેમને જીનીવા લેબર કોન્ફરન્સમાં આમંત્રણ આપ્યું, અને ત્યાં સુમનબહેને ખૂબ આત્મવિશ્વાસથી ભાષણ આપ્યું, જેનું દુભાષીયા વ્યક્તિએ અંગ્રેજીમાં રૂપાંતર કર્યું. સુમન મોરે કહે છે કે, આટલી મોટી કોન્ફરન્સ મારે માટે સપનું હતું. સાડી પહેરેલી હું જ એક મહિલા હતી અને નાની ખોલીમાં રહેનારા માટે સતત એસી એ બન્ને વસ્તુઓ ખૂબ આશ્ચર્યજનક હતી.
ક્લાયમેક્સ હવે આવે છે...
થરમેક્સ કંપનીના મેનેજીંગ ડીરેકટર અનુ અગ્રવાલે પોતાની શાળાના વાર્ષિક મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે સુમન મોરેને આમંત્રીત કર્યા અને સુમનબહેને બાળકોને સર્ટીફીકેટ આપ્યા.
અનુ અગ્રવાલે દલીલમાં એટલું જ કહ્યું, 'વ્યક્તિ તેના કાર્યથી મહાન બને છે નહિ કે જાતિ, વર્ણથી હું મારા બાળકોને આ શીખ આપવા માગું છું માટે કાગળ વીણનાર સુમન મોરે મારા મુખ્ય અતિથિ છે.'