ટેકનોલોજી આશીર્વાદ કે અભિશાપ? .
- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- કુ દરત રૂઠે છે ત્યારે વ્યક્તિને ઘરમાંથી સડક પર ભીખ માંગતા કરી દે છે અને જ્યારે છપ્પર ફાડીને આપે છે ત્યારે કિસ્મત એક જ દિવસ, અરે મિનિટમાં બદલાઈ જાય છે.
આ જે વાત કરવી છે, એક યુવાન સોશીયલ મીડીયા ક્રીએટરની, જેના રીલથી ૮૧ વર્ષની એક વૃદ્ધાને જે લાભ મળ્યો અને તેનું જીવન સુખમય બની ગયું.
મદ્રાસ ચેન્નાઇની આ વૃદ્ધાની વાત છે. ચેન્નાઇની સડક પર ૮૧ વર્ષની આ વૃદ્ધા રહે અને ભીખ માગી પોતાનું ગુજરાન ચલાવે છે. મદમદ આશીક કરીને આ યુવાન સોશ્યલ મીડીયા ક્રીએટર છે. આ યુવાન પરગજુ છે. તે જરૂરિયાતમંદોની રીલો બનાવી ઇન્સ્ટાગ્રામ વગેરે સોશ્યલવેબ સાઇટ પર મૂકે છે જેથી જરૂરિયાત મંદોને ફાયદો થાય અને આર્થિક અથવા શારિરીક રીતે મદદરૂપ થાય.
આશીક આ રીતે ચેન્નાઇના અદ્યઆર રોડની સડકો પર ફરી રહ્યો હતો ત્યારે તેણે એક વૃદ્ધા ભીખારીને ભીખ માંગતી જોઈ. પરંતુ આ વૃદ્ધાને કોઈ આર્થિક રીતે મદદરૂપ થતું ન હતું. આથી તે ગુસ્સાની મારી સડસડાટ અંગ્રેજીમાં બોલી 'ટુ ડે આઈ હેવ ટુ સ્ટાવ બીકોઝ આઈ એમ નોટ ગેટીંગ મની ફોર ફુડ' આશીકે આ સાંભળ્યું અને બે મિનિટ આશ્ચર્યચકિત થઇ ગયો, આટલું જોરદાર ને સડસડાટ અંગ્રેજી બોલતી જોઈ નવાઈ પામી ગયો, તેણે આ વૃદ્ધાનું રીલ બનાવવાનું નક્કી કર્યું અને બીજે દિવસે એ વૃદ્ધાની મુલાકાત લીધી અને તેના વિષે, કુટુંબીજનો વગેરે તેના જીવનની માહિતી ભેગી કરવા માંડી.
આ વૃદ્ધાનું નામ મર્લીન છે. તેઓ મ્યાનમાર રંગૂનના છે. મ્યાનમારમાં મર્લીન શાળામાં અંગ્રેજી, ગણિત અને તામીલ ભાષા શીખવાડતા. ખાસ તેમનો વિષય અંગ્રેજી હતો. શાળામાં મર્લીન અંગ્રેજી ભણાવતા અને સામાન્ય અંગ્રેજી બોલચાલતા વર્ગો ચલાવતા. આ તેમની યુવાન વયની વાત હતી.
મર્લીન સામાન્ય મધ્યમવર્ગના કુટુંબમાંથી આવતા. પરંતુ સંસ્કાર અને જ્ઞાનની તેમની પાસે જાણે ખાણ હતી. તેમના જીવનમાં તેઓ એક ભારતીયના સંપર્કમાં આવ્યા અને રંગૂન (મ્યાનમાર જૂનું બર્મા) શહેરમાં ચર્ચમાં બન્ને જણા લગ્નગ્રંથીથી જોડાયા. લગ્ન પછી મર્લીન અને તેમના પતિ ભારત આવ્યા અહીં તેઓ ચેન્નાઇમાં સ્થિર થયા.
ચેન્નાઇમાં પણ મર્લીન એક સામાન્ય શાળામાં અંગ્રેજી ભણાવતી અને બાળકોને અસ્ખલિત સામાન્ય અંગ્રેજી બોલતા શીખવાડતી. અહીં તેના પતિની માતા અને અન્ય કુટુંબીજનો હતા. કુટુંબ વિશાળ હતું, તેની સામે આર્થિક ઉપાર્જન એટલું બધું ન હતું, આથી મર્લીન અને તેના પતિની આવક કુટુંબીજનો પાછળ ખર્ચાઇ જતી. મર્લીન સ્વભાવે ખૂબ ઉદાર હતી. આથી તેને કંઇ ઓછું આવતું નહિ, પરંતુ નિયતીએ અચાનક કરવટ બદલી.
મર્લીનના પતિનું અવસાન થયું. તેની માનો દેહાંત પહેલા થઇ ચૂક્યો હતો. એક પછી એક બધા જ સગાવ્હાલા થોડા થોડા અંતરે મૃત્યુ પામ્યા. મર્લીનની આર્થિક સ્થિતિ એવી ન હતી કે, બધાની માંદગી પાછળ ખર્ચ થાય અને તો પણ બચત રહે. નિયતીએ મર્લીનને એવી સકંજામાં લીધી કે મર્લીન બેઘર થઇ ગઈ અને ખાસ કરીને આર્થિક સ્થિતિ અત્યંત નબળી થઇ ગઈ કે, ૮૧ વર્ષે ચેન્નાઇની સડકો પર ભીખ માંગવાનો વારો આવ્યો.
પણ કહેવત છે ને કે 'કુદરત લે લેતી હૈ તો સબ કુછ લે લેતી હૈ, લેકીન દેતી હૈ તો છપ્પર ફાડકે દેતી હૈ' સોશીયલ મીડીયા ક્રીએટરે આ રીલ ઇન્સ્ટાગ્રામને બીજા સોશીયલ મીડીયા પર મૂકી.
ચાર જ દિવસમાં, મર્લીનના ચાર લાખ સીત્તેર હજાર વ્યક્તિઓના રીસપોન્સ આખા વિશ્વમાંથી આવ્યા. આશીફે મર્લીનને કંઇ મદદ જોઇતી હોય તો માગવાનું કહ્યું તો, તેણે ફક્ત એક સાડી, બ્લાઉઝ અને પેટીકોટ માગ્યા.
આશીફ મર્લીન સાથે બે ત્રણ વાર અંગ્રેજીમાં વાતો કરી. મર્લીનના અંગ્રેજી પરના પ્રભુત્વ પરથી, આશીફને વિચાર આવ્યો કે, મર્લીનનો ટુટોરીયલ વીડીયો બનાવુ અને ઓનલાઈન મૂકું. મર્લીન સાથે વાત કરતા, મર્લીનનો શિક્ષિકાનો જીવ જાગી ઉઠયો, અને આશીફે ઇન્સ્ટાગ્રામ પર ઇંગ્લીશ વીથ મર્લીનનું પેજ બનાવ્યું આજે તેમાં ૬ લાખ ઉપર ફોલોઅર છે અને ૧૯૦ ઉપર આ વીડીયો શેર થયેલા છે. હજુ છ કે સાત વીડીયો બનાવવામાં આવ્યા છે.
પ્રથમ વીડીયોમાં મર્લીન સામાન્ય બોલચાલ, ગુડમોર્નીંગથી માંડી ગુડઇવનીંગ, હાવ આર યુ હાઉ ઇસ વેધર ? હાઉ વોઝ યોર વીક વગેરે બોલતા શીખવે છે.
આ વીડીયોમાંથી જે પૈસા મળે છે તેમાંથી આશીફે મર્લીનને પૈસા ચૂકવ્યા છે. જેમાંથી મર્લીન સડક પરથી ઘરડા ઘરમાં રહેવા ગયા છે. તેમનું ભીખ માગવાનું સંપૂર્ણ બંધ થઇ ચૂક્યું છે. હવે મર્લીન આ વીડીયો બનાવવામાં ધ્યાન આપે છે.
આ વીડિયો વાઈરલ તથા ચેન્નાઇમાં મર્લીનની પડોશમાં રહેતા હતા અને ઘરેલુ સંબંધ હતો તે મકાન માલિકના દીકરાઓએ પણ મર્લીનનો સંપર્ક સાધ્યો. તેઓ મર્લીનને ગ્રાન્ડમા કહેતા હતા. બન્ને કુટુંબો નજીક સંબંધો ધરાવતા હતા.
આજે મર્લીન ઘરડાઘરમાં શાંતિપૂર્વકનું જીવન વીતાવે છે. આમ ટેકનોલોજીનો ઉપયોગ બીજાને મદદ કરવા માટે પણ થઇ શકે છે.